એવું તે શું છે એ ફિલ્મમાં કે હિન્દુસ્તાનના સેક્યુલરોની ચોક્કસ જગ્યાએ બળતરા ઊભી થઈ અને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની રિલીઝ અટકાવવા માટે નિષ્ફળ ધમપછાડા કરવા પડ્યા
ધ કશ્મીર ફાઇલ્સ શું કામ બની ગઈ ધ કન્ટ્રોવર્શિયલ ફાઇલ્સ
ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એણે એવો તો દેકારો મચાવી દીધો છે કે તમે કલ્પના સુધ્ધાં ન કરી શકો. એવું તે શું છે એ ફિલ્મમાં કે હિન્દુસ્તાનના સેક્યુલરોની ચોક્કસ જગ્યાએ બળતરા ઊભી થઈ અને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની રિલીઝ અટકાવવા માટે નિષ્ફળ ધમપછાડા કરવા પડ્યા
‘ધ કશ્મીર ફાઇલ્સ’ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે દંગલો ભડકાવવાનો પ્રયાસ છે. એને કોઈ હિસાબે લોકો સુધી પહોંચવા દેવી ન જોઈએ. હું જાહેર હિત માટે નામદાર મુંબઈ હાઈ કોર્ટને
વિનંતી કરું છું કે આ ફિલ્મની રિલીઝ રોકવામાં આવે.
lll
‘ધ કશ્મીર ફાઇલ્સ’માં હિન્દુઇઝમને એ સ્તર પર ગ્લૉરિફાય કરવામાં આવ્યું છે જેને લીધે ઇસ્લામને હાનિ પહોંચે છે. કાશ્મીરની ઘટનાઓ વિશે જાણકારી ન હોવા છતાં વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ બનાવીને ઇસ્લામને નીચો દેખાડવાની કોશિશ કરી છે. આ ફિલ્મ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવી ગેરવાજબી છે એટલે એને પ્રસિદ્ધ થવા દેવામાં આવે નહીં એ માટે અમે ચંડીગઢ કોર્ટને વિનંતી કરીએ છીએ.
lll
‘ધ કશ્મીર ફાઇલ્સ’ દ્વારા ડિરેક્ટર-પ્રોડ્યુસર એવું કામ કરવા માગે છે જેનો લાભ સ્થાપિત રાજકીય પક્ષોને મળે અને અન્યએ નુકસાન સહન કરવું પડે. આ પ્રકારનું કૃત્ય અને આ પ્રકારની કૃતિ લોકશાહીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી અમારા સંગઠનની વિનંતી છે.
lll
‘ધ કશ્મીર ફાઇલ્સ’ના ટ્રેલરમાં જે જલદતા છે એ ઇસ્લામના વિરોધમાં છે. ભારત લોકશાહી દેશ છે અને લોકશાહીમાં કોઈ એક ધર્મ કે સમુદાયને નિશાન પર લેવો એ દેશ આખા માટે નુકસાનકર્તા છે એટલે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ નામની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે અને દેશમાં અશાંતિ ફેલાય એ પ્રકારનું કાર્ય કરવા બદલ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર દેશદ્રોહની ફરિયાદ દાખલ કરવામાં આવે.
lll
અહીં આ જે વાતો કહેવામાં આવી છે એ માત્ર સૅમ્પલ છે. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ નામની ફિલ્મ રિલીઝ થવાની તૈયારીઓ ચાલતી હતી એ દરમ્યાન ફિલ્મના કર્તાહર્તા એવા વિવેક અગ્નિહોત્રી પર દેશભરમાંથી કેસ કરવામાં આવ્યા અને ફિલ્મ રોકવા માટે વ્યક્તિગત રીતે તથા જાહેર સંગઠનો દ્વારા માગણી કરવામાં આવી. જો આંકડાને ટાંકીને કહેવાનું હોય તો કહી શકાય કે ‘ધ કશ્મીર ફાઇલ્સ’નો પ્રોમો રિલીઝ થાય એ પહેલાં ભારતનાં ૧૪ શહેરોમાંથી એની રિલીઝ અટકાવવા માટે કોર્ટમાં માગણી કરવામાં આવી તો પ્રોમો રિલીઝ થયા પછી મુંબઈ અને દિલ્હી સહિત ચાલીસ શહેરોમાંથી આ ફિલ્મ સામે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી. સદ્ભાગ્યે તમામ અરજીઓ રદ કરવામાં આવી અને ફિલ્મ શુક્રવારે ક્ષેમકુશળ રીતે રિલીઝ પણ થઈ ગઈ. અરજીઓ રદ કરવા પાછળ જે કારણ સૌથી વધારે અસરકારક પુરવાર થયું એ કારણ જાણવા જેવું છે જે મુંબઈ હાઈ કોર્ટે સૌની સામે આપ્યું હતું.
જે ફિલ્મ હજી આવી નથી, જે ફિલ્મનો માત્ર બેથી અઢી મિનિટનો પ્રોમો જોવામાં આવ્યો છે એ ફિલ્મ સામે વિરોધ કેવી રીતે થઈ શકે? જે વાત જાણતા નથી એ વાતના ભયના આધારે કોઈની વર્ષોની મહેનત રોકી શકાય નહીં અને એટલે આ ફિલ્મને રોકવાની જે માગણી કરવામાં આવે છે એ ગેરવાજબી છે અને નકારી કાઢવામાં આવે છે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી હટાવી દેવામાં આવ્યા પછી ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે ‘આ લોકશાહીની જીત છે, જે લોકશાહીની દુહાઈ ફિલ્મ રોકવા માટે એકધારી આપવામાં આવતી હતી.’
છે શું ‘ધ કશ્મીર ફાઇલ્સ’?
અલગાવવાદી નેતાઓએ આતંકવાદીઓનો આશરો લઈને કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં હિજરત કરાવી અને હિજરત માટે જે પ્રકારના અત્યાચારોનો ઉપયોગ કરવામાં આવ્યો એ વાતને ‘ધ કશ્મીર ફાઇલ્સ’માં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મના સ્ક્રીનિંગ સમયે જેણે પણ આ ફિલ્મ જોઈ છે એ સૌનું એકસૂરે કહેવું છે કે આ એક ઑનેસ્ટ ફિલ્મ છે અને આટલી પ્રામાણિકતા સાથે કાશ્મીર પર કોઈ ફિલ્મ અગાઉ બની નથી. ફિલ્મમાં લીડ કૅરૅક્ટર કરતા અનુપમ ખેરે પણ આ જ વાત કહી હતી. અનુપમ ખેરે કહ્યું હતું કે ‘પેપર પર જ એની ઑનેસ્ટી ઝળકતી હતી. હું અનેક કાશ્મીરી પંડિતોને મળ્યો છું, તેમની વાતો સાંભળી છે એટલે મારા માટે તો આ આખી ઘટના એવી હતી જાણે મેં એને નજીકથી જોઈ હોય. સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી મને લાગ્યું કે આ ઑનેસ્ટીને રિસ્પેક્ટ આપવાના હેતુથી પણ મારે એની સાથે જોડાવું જોઈએ.’
‘ધ કશ્મીર ફાઇલ્સ’ને ઘરમાં બેસીને લખવામાં નથી આવી. આ ફિલ્મ માટે વિવેક અગ્નિહોત્રી સાતસોથી વધારે કાશ્મીરી પંડિતોને રૂબરૂ કે ઝૂમ મીટ પર મળ્યા છે અને એ તમામ મીટિંગોનું રેકૉર્ડિંગ સુધ્ધાં કરવામાં આવ્યું છે. તેમની પાસેથી સાંભળવા મળેલી ઘટનાના આધારે આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈ અને એવી તે તૈયાર થઈ કે સેક્યુલરોની ચોક્કસ જગ્યાએ ઝાળ લાગી ગઈ. વિવેક અગ્નિહોત્રી કહે છે, ‘મારો ક્યારેય કોઈ એજન્ડા હોતો નથી અને એવું કોઈ ફિલ્મમેકર કરી પણ ન શકે. અમે એક ઑનેસ્ટ સિનેમાને વળગેલા રહ્યા છીએ અને મારું એ જ પૅશન રહ્યું છે. લાલ બહાદુર શાસ્ત્રીની લાઇફ સાથે જોડાયેલી ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’માં પણ અમે એ જ કર્યું હતું.’
શું છે આ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’?
બૉમ્બ છે એ.
હા, આવું કહીએ તો જરા પણ અતિશિયોક્તિ નહીં કહેવાય. રશિયા સાથે મળીને કૉન્ગ્રેસના નેતાઓએ કેવાં-કેવાં કુકર્મો કર્યાં હતાં અને દેશને વેચવા માટે નરાધમો કયા સ્તર પર પહોંચી ગયા એની વાત ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’માં કરવામાં આવી છે. એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એને અટકાવવાના કોઈ પ્રયાસ થયા નહોતા અને એને લીધે જ્યારે ફિલ્મે ઇન્ડિયન યુથમાં અન્ડરકરન્ટ પસાર કરી દીધો ત્યારે સેક્યુલરનું ખોળિયું ઓઢીને બેઠેલા કૉન્ગ્રેસીઓને બરાબરનાં મરચાં લાગ્યાં. લાગે એ જ પ્રકારની એ ફિલ્મ પણ હતી.
એકદમ અડીખમ સ્વાસ્થ્ય સાથે તાશ્કંદ ગયેલા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી મૃતદેહ સ્વરૂપે પાછા આવે, તેમની રૂમમાંથી અનેક પ્રકારની શંકાસ્પદ નિશાનીઓ મળે, મૃતદેહને જાણે કે પૉઇઝન આપ્યું હોય એમ એ પીળાશ પકડવા માંડ્યો હોય અને એ પછીયે કોઈ પ્રકારની ઇન્ક્વાયરી કરવામાં ન આવે એવું કેવી રીતે બની શકે? કઈ રીતે એવું વિચારી પણ શકાય? જોકે એવું બન્યું અને જે-તે સમયની કૉન્ગ્રેસ સરકાર મૂંગી રહી. લાલ બહાદુર શાસ્ત્રીના નિધન માટે કોઈ જાતની તપાસ કરવામાં આવી નહીં.
ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી ફિલ્મમેકર નહીં, સિનેમામેકર છે. વાંચન તેનું વિશાળ છે. અઢળક વાંચે અને સાહિત્ય ઉપરાંત રિયલિસ્ટિક રીડિંગ પણ બહોળું. વાંચતાં-વાંચતાં એક બુકમાં તેણે કેટલીક ઘટનાઓ એવી વાંચી કે તેને તરત લાલ બહાદુર શાસ્ત્રીનું શંકાસ્પદ મોત યાદ આવી ગયું અને વિવેકના વિચારોનું ઍન્ટેના ઊભું થઈ ગયું. તેણે અઢળક રિસર્ચ કર્યું, લોકોને મળ્યો. એટલું અઢળક સાહિત્ય તૈયાર થયું કે એના આધારે વિવેક અગ્નિહોત્રીએ લગભગ ચારસો પેજની ‘હુ કિલ્ડ શાસ્ત્રી?’ નામની બુક લખી. તમને જાણીને નવાઈ લાગશે કે એ બુક લખતાં-લખતાં જ વિવેકને વિચાર આવ્યો હતો કે આ જ વિષય પરથી ફિલ્મ બની શકે અને એ પછી ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ. ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’માં લાલ બહાદુર શાસ્ત્રીના મોત માટે કોઈ પર સ્પષ્ટતાપૂર્વક આક્ષેપ કરવામાં નથી આવ્યો અને એમ છતાં પણ સૌકોઈને ખબર પડે છે કે શાસ્ત્રીજી જીવે એ વાત કોના પેટમાં સનેપાત ઉપાડવાનું કામ કરતી હતી.
‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ના પોસ્ટ-પ્રોડકશનનું કામ ચાલતું હતું એ દરમ્યાન જ વિવેકના મનમાં ‘ધ કશ્મીર ફાઇલ્સ’નો વિચાર આવ્યો અને એની રિલીઝ પછી તેણે એના પર જાતે જ કામ શરૂ કર્યું. વિવેક હસતાં-હસતાં કહે છે, ‘ફિલ્મ બનશે કે નહીં એની પણ ખબર નહોતી અને પ્રોડ્યુસર પણ કોઈ હતું નહીં એટલે શરૂઆતમાં હું જ કામ કરવાનું પસંદ કરું, જેથી ખર્ચમાં બચત રહે.’
પહેલાં વાત શિમલા કરારાની
‘ધ કશ્મીર ફાઇલ્સ’ની શરૂઆત શિમલા કરારના વિષયથી થઈ હતી અને એના માટે વિવેક અગ્નિહોત્રી પોતે કાશ્મીર જઈને રિસર્ચ કરતા હતા. જોકે એ વિષય કરતાં પણ તેમને વધારે પીડા કાશ્મીરી પંડિતો સાથે થયેલા અત્યાચારના કારણે મનમાં જન્મી અને ફિલ્મના સબ્જેક્ટનો ચહેરો બદલાયો. વિવેક અગ્નિહોત્રી કહે છે, ‘જેમ પહેલાં પણ મુદ્દો ઇતિહાસ હતો એમ અત્યારે પણ મુદ્દો ઇતિહાસ જ છે અને એમાં કોઈ જાતની છેતરપિંડી કરવામાં નથી આવી. ઇતિહાસને તમે બદલી ન શકો, બદલાવી ન શકો અને ઇતિહાસ ક્યારેય છુપાવી પણ ન શકો. જેમ તાશ્કંદ ઇતિહાસ પણ હવે સામે આવ્યો છે એવી જ રીતે કાશ્મીરનો એંસી-નેવુંના દશકનો ઇતિહાસ પણ લોકોની સામે આવવાનો જ છે. મેં તો માત્ર શરૂઆત કરી છે.’
‘ધ કશ્મીર ફાઇલ્સ’ની ઇન્ટેન્સિટી સમજતાં પહેલાં સહેજ જમ્મુ-કાશ્મીરનું ભૌગોલિક બંધારણ પણ તમારે સમજવું પડે. આપણે વાત કરીએ છીએ પહેલાંના બંધારણની. આર્ટિકલ ૩૭૦ નાબૂદ થયા પછી સીમાંકન મુદ્દે ચેન્જ આવ્યો છે, પણ એંસીના દશકમાં એવું નહોતું. એ સમયે જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ-મુસ્લિમો રીતસર બે વિભાગમાં વહેંચાઈ ગયા હતા. આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં ઑલમોસ્ટ હિન્દુઓ અને મુસ્લિમોની વસ્તી પચાસ-પચાસ ટકા જેવી હતી. સમય જતાં એંસી ટકા હિન્દુઓ પંજાબની નજીક પડતા એવા જમ્મુમાં સ્થાયી થઈ ગયા, પણ કાશ્મીરી પંડિતો પોતાનું ઘર છોડવા રાજી નહોતા અને એટલે તેઓ કાશ્મીરમાં જ ટકેલા રહ્યા.
આંકડાની વાત કરીએ તો એંસીના દશકની શરૂઆતમાં કાશ્મીરમાં પોણાબે લાખથી વધુ હિન્દુઓ હતા, જેમાંથી દોઢ લાખ જેટલા કાશ્મીરી પંડિત હતા. જોકે ૧૯૮૯થી ૧૯૯૧ દરમ્યાન કાશ્મીરમાંથી ૯પ ટકા પંડિતો હિજરત કરી ગયા અને કાં તો તેમને મારી નાખવામાં આવ્યા. કઈ હદે આ અત્યાચાર થયો હતો એ જો જાણવું હોય તો ભારતીય વસ્તીગણતરીના ફિગર્સને તમારે ટાંકવા પડે. ૧૯૯૨માં કાશ્મીર ડિવિઝનમાં માત્ર ૨૪૦૨ પંડિતો જ રહ્યા હતા. આ પંડિતો પણ અનંતનાગ, બારામુલ્લા અને શ્રીનગર જિલ્લાનાં સાવ અંતરિયાળ ગામોમાં રહેતા અને જાહેરમાં આવતા પહેલાં પુરુષો મસ્તક પર ઇસ્લામિક કૅપ અને મહિલાઓ શરીર પર બુરખો ધારણ કરી લેતી.
વિવેક અગ્નિહોત્રીને આ વાત સૌથી વધારે અસર કરી ગઈ અને તેણે ૧૯૮૯થી ૧૯૯૨ના આ પિરિયડને ફોકસ કરવાનું નક્કી કર્યું, જે તબક્કામાં કાશ્મીરમાં હિન્દુઓની વસ્તી એક પર્સન્ટથી પણ ઓછી થવા માંડી હતી. વિવેક અગ્નિહોત્રીને નવાઈ એ વાતની લાગી હતી કે આ સ્તર પર આતંકવાદ પ્રસરતો હોવા છતાં પણ કેમ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહોતાં આવતાં? નવાઈની થાળીમાં પીરસાયેલા આ સવાલનો જવાબ મેળવતાં પહેલાં ફરી વાત કાશ્મીરની કરી લઈએ.
કાશ્મીર મીન્સ મિની પાકિસ્તાન
જો તમને ખબર ન હોય તો કહેવાનું કે કાશ્મીર દેશનું એકમાત્ર એવું સ્ટેટ છે જેની વિધાનસભા દર છ મહિને જગ્યા બદલે છે. વિન્ટર અને મૉન્સૂનમાં કાશ્મીરમાં રહેવું અસંભવ બનતું હોવાથી વર્ષના છ મહિના દરમ્યાન વિધાનસભાને જમ્મુ શિફ્ટ કરવામાં આવે છે. આ જે છ મહિના છે એ છ મહિના દરમ્યાન કાશ્મીર ઑલમોસ્ટ ભારતથી અલગ પડી ગયું હોય એવું પિક્ચર ઊભું થઈ જાય છે અને આ સમયગાળામાં પાકિસ્તાન જીવનના જોખમે પણ કાશ્મીર સાથે પોતાનો સંબંધ બનાવી રાખે છે. આ જ પિરિયડમાં કાશ્મીરમાં આતંકવાદને બૂસ્ટ મળે એવી ઍક્ટિવિટી કરવામાં આવતી અને એવી સાધનસામગ્રીઓ ઠાલવી દેવામાં આવતી અને એ બધું કામ સ્થાનિક નેતાઓની રહેમદિલી વચ્ચે ચાલતું. જમ્મુમાં જ્યાં અને ત્યાં તમને અખરોટની બોરીઓ જોવા મળે એમ આ પિરિયડમાં કાશ્મીરમાં બૉમ્બની બોરીઓ જોવા મળે. આ તબક્કામાં આતંકવાદી ઍક્ટિવિટી જમ્મુ-કાશ્મીરમાં એ સ્તર પર પ્રસરી ગઈ હતી કે એક સમયે જમ્મુ-કાશ્મીરથી આવતી ફ્લાઇટમાં આખા અખરોટ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, કારણ કે આખા અખરોટ વચ્ચે એ જ સાઇઝના અને એ જ રંગના બૉમ્બ બનાવીને સપ્લાય કરવામાં આવતા હતા.
છ મહિના દરમ્યાન કાશ્મીર પર પૂરો કબજો પાકિસ્તાન, પાકિસ્તાની અને પાકિસ્તાની રહેમ ધરાવતા લોકોના હાથમાં આવી જતો હોવાથી ક્યાંક ને ક્યાંક ભારત સરકાર ઊણી ઊતરતી તો સાથોસાથ એ પણ બનતું કે વોટબૅન્કને ધ્યાનમાં રાખીને અમુક નેતા અને પૉલિટિકલ પાર્ટી એ પ્રક્રિયાને ગ્રીન લાઇટ પણ કરતા, પણ સત્તાની એ લાલસાને લીધે સોથ વળી ગયો કાશ્મીરમાં રહેતા હિન્દુઓનો અને કાશ્મીરી પંડિતોનો. એ ત્રાસવાદ કેવો હતો એની વાત ‘ધ કશ્મીર ફાઇલ્સ’માં કહેવામાં આવી છે. મજાની વાત એ છે કે ફિલ્મમાં માત્ર પીડા અને એ સમયે જે તકલીફો ભોગવવાની આવી હતી એની વાત જ નથી કરવામાં આવી, પણ એ સમયની જે તમામ ઘટનાઓ છે એ ઘટનાઓની આજના યુથ પર કેવી અસર પડી છે એના પર પણ ફોકસ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પાશેરામાં સાતમી પૂણી
‘ધ કશ્મીર ફાઇલ્સ’ના અનાઉન્સમેન્ટ સાથે જ તકલીફો આવવી શરૂ થઈ ગઈ હતી. ૨૦૨૦માં ફિલ્મનું શૂટિંગ ચાલુ થયું અને પૅન્ડેમિક વચ્ચે શૂટ બંધ કરવાનો વારો આવ્યો. એ પછી ફિલ્મમાં રોલ કરતા ઍક્ટર યોગરાજ સિંહે ફાર્મર્સ પ્રોટેસ્ટ વિશે સોશ્યલ મીડિયા પર બફાટ કરતાં એવો તો વિરોધ થયો કે યોગરાજને રિપ્લેસ કરીને તેના સ્થાને પુનિત ઇસ્સારને લેવો પડ્યો અને યોગરાજે કરેલા બધા સીન રી-શૂટ કરવા પડ્યા. વાત અહીં નથી અટકતી. ચાલુ શૂટિંગે મિથુન ચક્રવર્તીને સ્ટમક ઇન્ફેક્શન થતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવો પડ્યો અને શૂટ રોકવું પડ્યું તો ફિલ્મની લાઇન પ્રોડ્યુસર સરાહનાએ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ના શૂટ દરમ્યાન જ સુસાઇડ કરતાં શૂટ રોકવું પડ્યું અને બજેટ પણ વેરવિખેર થઈ ગયું. ફિલ્મ અંત તરફ આગળ વધતી હતી ત્યારે જ ચાલુ શૂટિંગે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને ઍક્સિડન્ટ થતાં પગમાં ફ્રૅક્ચર આવ્યું. એ પછી જ્યારે ફિલ્મ રેડી થઈ ગઈ ત્યારે ફિલ્મની રિલીઝ-ડેટમાં પણ પૅન્ડેમિકને કારણે થિયેટર બંધ હોવાથી સતત તકલીફો આવી. તકલીફની સાતમી પૂણી આ વખતે આવી. ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ વિરોધનો વંટોળ શરૂ થયો અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ડિમાન્ડ શરૂ થઈ. જોકે અગાઉની તકલીફોની જેમ આવેલા આ પ્રૉબ્લેમને પણ પાર કરવામાં આવ્યો.
ધ સ્ટોરી ફાઇલ
‘ધ કશ્મીર ફાઇલ્સ’ રિટાયર્ડ ટીચર પુષ્કરનાથ પંડિત અને તેમની ફૅમિલી પર આધારિત છે. પુષ્કરનાથને આધાર બનાવીને કાશ્મીરમાં થયેલા આતંકોની વાત દર્શાવવામાં આવી છે. ફિલ્મની શરૂઆત પુષ્કરનાથના પૌત્ર એવા કૃષ્ણાથી થાય છે. કૃષ્ણા દિલ્હીમાં જમ્મુ ઍન્ડ કાશ્મીર યુનિવર્સિટીમાં ભણે છે અને લાંબા સમય પછી ફરી પોતાના ઘરે જાય છે. ઘરે ગયા પછી કૃષ્ણાને પોતાના દાદાના જૂના મિત્રો મળે છે જેમાં બ્રહ્મદત્ત, ડીજીપી હરિ નારાયણ, ડૉ. મહેશકુમાર અને જર્નલિસ્ટ વિષ્ણુરામ છે. આ ચારને મળ્યા પછી કૃષ્ણાને નેવુંના દશકના એ દિવસોની સત્ય હકીકત ખબર પડે છે જે તે આજ સુધી જાણતો નહોતો. કૃષ્ણા આઝાદ કાશ્મીરના નામે આતંક ફેલાવતા મલિક બિટ્ટાને પણ મળે છે, જેને કારણે જ કાશ્મીરમાં ત્રાસવાદ ફેલાયો છે. નાનપણથી અત્યાર સુધી સતત ખોટી વાતોથી માનસિકતા બનાવીને બેઠેલા અને કાશ્મીરને ભારતથી આઝાદ કરવાની માગણી કરનારા કૃષ્ણા સામે તમામ સત્ય હકીકતો સામે આવતાં હવે તે જબરદસ્ત અવઢવમાં મુકાય છે.
ફિલ્મના ફર્સ્ટ હાફમાં કૃષ્ણાને નેવુંના દશકનો એ આતંક દેખાડવામાં આવ્યો છે તો સેકન્ડ હાફમાં કૃષ્ણાની એ અવઢવ છે જેમાં તેની સામે સત્ય ખૂલે છે. ફિલ્મમાં કેટલીક એવી ઘટનાઓ દર્શાવવામાં આવી છે જે તમારા શરીરનાં રૂંવાડાં ઊભાં કરી દે. ઘરમાં આતંકવાદી આવીને પંડિતના દીકરાને મારી નાખે છે અને દીકરાનું લોહી ઘરે કરેલા ભાત પર પડે છે. પંડિતની પુત્રવધૂ સામે આતંકવાદીઓ શરત મૂકે છે કે જો એ ભાત તે ખાશે તો જ તે ઘરના બીજા સભ્યોને જીવતા રહેવા દેશે. આર્મીના ડ્રેસમાં આવેલા આતંકવાદીઓ ૨૪ કાશ્મીરી હિન્દુઓને એક લાઇનમાં ઊભા રાખીને મારી નાખે છે, જેમાં છ વર્ષનું બચ્ચું પણ છે. કાશ્મીરી હિન્દુ મહિલાઓ પર બળાત્કાર અને બળાત્કારથી બચવા માટે જાતે જ જીવ આપી દેવા જેવી ઘટનાઓ તમને અંદરથી ખળભળાવી દે છે.
ફિલ્મમાં બેનઝીર ભુટ્ટોની વિડિયો-ક્લિપ પણ દેખાડવામાં આવી છે અને કાશ્મીરના મુસ્લિમ નેતાઓની હરામખોરી સાથે દિલ્હીમાં જે-તે સમયે બેઠેલા નેતાઓની નીંભરતા પણ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ મનોરંજન આપનારી નહીં પણ સંવેદનાઓને ઝંકૃત કરનારી છે.