જગત આખું આવીને કહી જાય કે ગુજરાતીઓ બિઝનેસમાં બહુ પાક્કા એટલે બંદા ખુશ પણ થાય અને કોઈ જાતની દલીલ વિના, તર્ક લગાવ્યા વિના સ્વીકારી પણ લઈએ કે હા, આપણે બિઝનેસમાં બહુ પાક્કા; પણ આપણી વાત અહીંથી જરા જુદી દિશામાં ફંટાઈ છે.
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
બિઝનેસ માટેની પ્રતીકાત્મક તસવીર
આપણે ગુજરાતી છીએ અને આપણે એ વાતને ગાઈ-વગાડીને કહીએ પણ છીએ. જગત આખું આવીને કહી જાય કે ગુજરાતીઓ બિઝનેસમાં બહુ પાક્કા એટલે બંદા ખુશ પણ થાય અને કોઈ જાતની દલીલ વિના, તર્ક લગાવ્યા વિના સ્વીકારી પણ લઈએ કે હા, આપણે બિઝનેસમાં બહુ પાક્કા; પણ આપણી વાત અહીંથી જરા જુદી દિશામાં ફંટાઈ છે.
આપણે બિઝનેસમાં અવ્વલ એ એક જ વાતનું ગૌરવ લઈને આપણે અટકી શું કામ જઈએ છીએ? શું કામ આપણે બીજાં ક્ષેત્રોમાં આગેવાની લેવા કે પછી મોખરે ઊભા રહેવા રાજી નથી થતા? શું કામ આપણે એ દિશામાં મહેનત કરવાનું પણ વિચારતા નથી અને ધારો કે આપણે એ મહેનત કરી પણ હોય તો શું કામ આપણે કરેલી એ મહેનતને દેખાડવાનું કે પછી એને ઉજાગર કરવાનું કામ નથી કરતા, કયાં કારણોસર?
ADVERTISEMENT
સ્પોર્ટ્સ હોય કે પછી એન્ટરટેઇનમેન્ટ, સાયન્સ હોય કે પછી શ્રદ્ધા અને આસ્થાની વાત કરતું આધ્યાત્મ ક્ષેત્ર, બિઝનેસમાં તો આપણે અવ્વલ છીએ જ, પણ બિઝનેસ ઉપરાંત આપણે મેડિકલ ક્ષેત્રમાં પણ અગ્રિમ હોઈએ તો એ દેખાડવાનું કામ કેમ આપણાથી નથી થઈ શકતું. આ વિષય અને આ મુદ્દો એમ જ નથી ખૂલ્યો. અત્યારે હું ગુજરાતમાં એકધારો પ્રવાસ કરુ છું અને મારા આ પ્રવાસ દરમ્યાન મેં આ નોંધ્યું છે. નોંધ્યું છે કે આપણને દીકરો એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં હોય તો એનો સંકોચ થાય છે. દીકરી કથ્થકમાં વિશારદ થાય તો પ્રાઉડ ફીલ કરશે, પણ દીકરીની કરીઅર તો મેડિકલ ફીલ્ડની જ હોવી જોઈએ એવું માને પણ ખરા અને એનું પાલન પણ ચુસ્તપણે કરાવે. મિત્રો, આવું વાતાવરણ બીજી કોઈ કમ્યુનિટીમાં મેં નથી જોયું. ના, ક્યારેય નહીં. મરાઠીઓને તો આપણે નિયમિત રીતે મળીએ છીએ અને જોઈએ છીએ, પણ મરાઠી ફૅમિલીમાં દીકરો ફિલ્મમાં જવાનું કહે તો કોઈ ઘરમાં દેકારો નથી થતો; પણ ગુજરાતી ફૅમિલીમાં ધરતીકંપ આવી જાય છે અને એવું પણ બની શકે કે એકાદને હાર્ટ-અટૅકનો આછોસરખો અનુભવ પણ થઈ જાય. જો દીકરી ભૂલથી મૉડલિંગ ફીલ્ડમાં કામ કરવાનું બોલે તો આખી ફૅમિલીને એવું લાગવા માંડે કે દીકરી ખોટા રવાડે ચડી ગઈ.
વાત મૅન્ટલિટી ચેન્જ કરવાની છે, વાત વિચારધારા બદલવાની છે. આજે દુનિયાનું સ્તર બદલાયું છે, દુનિયાની માનસિકતા પણ બદલાઈ છે. એ સમય હતો જે સમયે ઘરમાંથી કોઈ બિઝનેસ ફીલ્ડમાં જાય એ જરૂરી હતું, પણ હવે એવું રહ્યું નથી. હવે જરા પણ જરૂરી નથી કે બિઝનેસ કોણ સંભાળશે એની ચિંતા કરો. ગુજરાતમાં જે જોયું છે એવી જ માનસિકતા અહીંના ગુજરાતીઓમાં પણ છે. આપણા મુંબઈની ગુજરાતી ફૅમિલી પણ દીકરા કે દીકરીના આવા કરીઅર ઓરિયેન્ટેડ વિચારો સાંભળે તો હેબતાઈ જાય છે અને તેમને એવું લાગવા માંડે છે કે સંતાનો ખોટા રવાડે ચડી ગયાં છે. ના, જરાય એવું નથી. એક સમયે ફોટોગ્રાફર માત્ર ન્યુઝપેપર અને મૅરેજ ફંક્શનમાં જ જોવા મળતા, પણ હવે એવું નથી રહ્યુંને? જે રીતે ફોટોગ્રાફરો માટે અનેક રસ્તા ખૂલ્યા છે એવી જ રીતે બીજાં ક્ષેત્રોમાં પણ રસ્તાઓ ખૂલ્યા છે. નથી ખૂલ્યા તો માત્ર આપણી જૂનીપુરાણી વિચારધારાના અને એ દરવાજા હવે ખોલી નાખવાની તાતી જરૂર છે.