એવાં ઘણાં મમ્મી-પપ્પા છે જેઓ તેમનાં બાળકો પાસેથી ઘરનું કામ કરાવતાં ખચકાય છે. જોકે શું તમને ખબર છે કે તમે તમારાં બાળકોને ઘરનાં નાનાં-મોટાં કામ ચીંધીને તેમનું ભલું જ કરી રહ્યા છો?
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
એવાં ઘણાં મમ્મી-પપ્પા છે જેઓ તેમનાં બાળકો પાસેથી ઘરનું કામ કરાવતાં ખચકાય છે. તેમને એવું લાગતું હોય છે કે બાળકો પર ભણવાનું એટલું પ્રેશર છે એમાં બિચારાઓ પાસે કામ ક્યાં કરાવવું? જોકે શું તમને ખબર છે કે તમે તમારાં બાળકોને ઘરનાં નાનાં-મોટાં કામ ચીંધીને તેમનું ભલું જ કરી રહ્યા છો? ઘરકામને કારણે તેમના શારીરિક અને માનસિક વિકાસની સાથે અમુક એવા ગુણો કેળવાય છે જે તેમને સારી વ્યક્તિ બનાવે છે.
આજકાલ અનેક સ્કૂલો નવી-નવી રીતો અપનાવીને બાળકોને ભણાવી રહી છે. સ્કૂલોમાં ફક્ત પુસ્તકિયું જ્ઞાન જ નહીં, અન્ય એક્સ્ટ્રા-કરિક્યુલર ઍક્ટિવિટીઝ પણ કરાવવામાં આવી રહી છે. એવામાં સોશ્યલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે જેમાં લોઅર KGનાં બાળકોનું એક ગ્રુપ ચા બનાવી રહ્યું છે. ક્લિપમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ બાળકો સ્કૂલના ગ્રાઉન્ડમાં ટેબલ પર ચા બનાવી રહ્યા છે. એમાંથી એક બાળક ટીમનો લીડર છે જે બાકીના સ્ટુડન્ટ્સને એક પછી એક સૂચના આપી રહ્યો છે. તે માઇકની આગળ ઊભા રહીને એક-એક સ્ટુડન્ટને ચામાં સામગ્રી નાખવા માટે બોલાવી રહ્યો છે. માટીના વાસણમાં એક પછી એક બાળકો પાણી, દૂધ, સાકર, ચાની ભૂકી, આદું નાખતાં નજરે ચડી રહ્યાં છે. ચા ઊકળી ગયા પછી એની મહેક લઈને બાળકો એને ટેસ્ટ કરે છે. આ વિડિયો પર લોકોનાં મિક્સ રીઍક્શન આવી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે બાળકોને ઘરના કામથી દૂર રાખવાં જોઈએ અને તેમને ફક્ત ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવું જોઈએ. બીજી બાજુ કેટલાક લોકોનું માનવું છે કે બાળકોને નાની ઉંમરથી જ થોડું-થોડું ઘરનું કામ શીખવવું જોઈએ, એનાથી તેમનામાં કેટલીક સ્કિલ્સ વિકસે છે જે આગળ જઈને તેમને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં કામ આવે છે.
ADVERTISEMENT
ડૉ. ધ્વનિ સુધીર ગેસોતા
શારીરિક-માનસિક વિકાસ થાય
ઘરકામ કરાવવાથી બાળકોની માંસપેશીઓ મજબૂત થાય છે, હૅન્ડ અને આઇ કો-ઑર્ડિનેશન સુધરે છે, બૅલૅન્સ અને કો-ઑર્ડિનેશન ડેવલપ થાય છે એટલું જ નહીં; તેમનું બ્રેઇન-ફંક્શન પણ સુધરે છે. આને વિગતવાર સમજાવતાં બાળકો, કિશોરો તેમ જ તેમના પેરન્ટ્સને કાઉન્સેલિંગ આપવાનું કામ કરતાં અને જુપિટર હૉસ્પિટલ સાથે સંકળાયેલાં ડૉ. ધ્વનિ સુધીર ગેસોતા કહે છે, ‘બાળકોને ઘરનું કામ કરાવવામાં આવે તો તેમનામાં ફાઇન મોટર સ્કિલ અને ગ્રૉસ મોટર સ્કિલ બન્ને સારી થાય છે. હાથ, આંગળીઓ, કાંડાના નાના મસલ્સનો ઉપયોગ કરીને મૂવમેન્ટ કરવાની ક્ષમતાને ફાઇન મોટર સ્કિલ કહેવાય. વટાણા ફોલાવવા, સંતરાં-મોસંબી જેવાં ફ્રૂટ્સની છાલ ઉતારાવવી, કપડાં ગડી કરાવવાં, બેડશીટ વ્યવસ્થિત કરાવવી આ બધાં ઘરનાં કામ કરાવવાથી ફાઇન મોટર સ્કિલ સુધરે છે. ફાઇન મોટર સ્કિલ બાળકને લખવામાં, ચિત્રકામ કરવામાં, બૂટની લેસ બાંધવામાં તથા શર્ટનાં બટન બંધ કરવાં જેવાં નાનાં-નાનાં કામોમાં મદદરૂપ બને છે. એવી જ રીતે શરીરના લાર્જ મસલ્સ એટલે કે પગ, હાથ, ધડનો ઉપયોગ કરીને મોટી મૂવમેન્ટ કરવાની ક્ષમતાને ગ્રૉસ મોટર સ્કિલ કહેવાય. ભાંખોડિયા ભરીને ચાલવું, ઊભા રહેવું, બૅલૅન્સ જાળવવું, ચાલવું, દોડવું, કૂદવું આ બધી ગ્રૉસ મોટર સ્કિલ્સ છે. બાળક પાસે ઝાડુ-ફટકો મરાવવો, કોઈ વસ્તુ લઈ જવા-લાવવાનું કામ ચીંધવું, લૉન્ડ્રીનું કામ કરાવવું જેનાથી તેમની ગ્રૉસ મોટર સ્કિલ સારી થાય. એવી જ રીતે આ બધાં ઘરકામ કરાવવાથી બાળકનું હૅન્ડ અને આઇનું કો-ઑર્ડિનેશન સારું થાય છે. લખવું, જમવું, ગેમ્સ રમવી આ બધી ઍક્ટિવિટી કરતી વખતે હાથ-આંખ વચ્ચે તાલમેલ જરૂરી હોય છે એટલે બાળકોને તેમની ઉંમર પ્રમાણે ઘરનાં કામ કરાવવામાં આવે ત્યારે તેમના શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે, તેમનું બૅલૅન્સ સુધરે છે અને હાથ-આંખ વચ્ચેનો તાલમેલ સુધરે છે. એવી જ રીતે ઘરકામ કરવાથી બાળકોનું બ્રેઇન-ફંક્શન પણ સુધરે છે. હવે ઝાડુ-ફટકો મારવાનો હોય, જમવાનું બનાવવાનું હોય કે વૉશિંગ મશીનમાં કપડાં ધોઈને સૂકવવાનાં હોય આ બધાં એવાં કામ છે જેમાં એક સીક્વન્સ ફૉલો કરવી પડે. એટલે બાળકે યાદ રાખવું પડે કે આ થયા પછી પેલું કરવાનું છે તો એને કારણે તેની યાદશક્તિ સુધરે છે. ઘરકામ કરતી વખતે એવું થાય કે તેમનાથી ગરબડ થઈ ગઈ હોય તો એ લોકો વિચારે કે હવે શું કરવું? આને કઈ રીતે ઠીક કરું? એને કારણે તેમનામાં સમસ્યાનો ઉકેલ લાવવાની આવડત પણ વિકસે છે.’
દેવી સેજપાલ બાળકો હર્ષ અને કરુણેશ સાથે.
સંતાનોને ઘરકામ શીખવ્યું, ટ્યુશનમાં આવતાં બાળકોને પણ એ જ શીખ આપું
મુલુંડમાં રહેતાં અને છેલ્લાં ૩૮ વર્ષથી પહેલાથી લઈને દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓનાં ટ્યુશન લેતાં દેવી સેજપાલ કહે છે, ‘મારા ટ્યુશનમાં આવતાં બાળકોને હું હંમેશાં એવી જ શિખામણ આપતી હોઉં છું કે તમારે તમારું કામ જાતે કરતાં શીખવું જોઈએ. સવારે પોતાની બૅગમાં જાતે ટિફિનનો ડબ્બો અને બૉટલ મૂકી દેવાનાં, શૂઝની લેસ જાતે બાંધતાં શીખવાનું, ઘરે આવ્યા પછી શૂઝ એક જગ્યાએ રાખી દેવાનાં, યુનિફૉર્મ કાઢીને ગડી કરીને મૂકી દેવાનો, હોમવર્ક જાતે કરી લેવાનું, ટાઇમટેબલના હિસાબે બૅગમાં બુક ભરીને બૅગ રેડી કરી નાખવાની. બાળકોને બાળપણથી જ શિસ્તના પાઠ ભણાવવા જરૂરી છે. મારે બે દીકરા છે. મોટો દીકરો હર્ષ ૨૧ વર્ષનો છે, જ્યારે નાનો દીકરો કરુણેશ ૧૪ વર્ષનો છે. હર્ષ બીજા ધોરણમાં ભણતો ત્યારથી મને ઘરનાં નાનાં-મોટાં કામમાં મદદ કરતો. ૧૧ વર્ષની ઉંમરે તો તે જાતે પોતાનો સવારનો નાસ્તો બનાવી લેતો અને ટિફિન બનાવીને લઈ જતો. અત્યારે તો તેને રોટલી સિવાયની જે પણ રેગ્યુલર રસોઈ છે એ બનાવતાં આવડે છે. મારો નાનો દીકરો હર્ષ પણ સૅન્ડવિચ, ઢોસા, પાસ્તા, પીત્ઝા બધું જાતે બનાવી લે. હું ટ્યુશન ટીચર છું એટલે બાળપણથી જ મેં તેમને એવી ટ્રેઇનિંગ આપી છે કે મમ્મી બિઝી હોય તો તમારે તમારાં કામ જાતે કરી લેવાનાં. મારા સસરા હજી થોડાં વર્ષ પહેલાં જ ગુજરી ગયાં. તેમને ઑલ્ઝાઇમર્સ હતું એટલે તેઓ પથારીવશ હતા. તેમને વૉશરૂમમાં લઈ જવાનું, ડાઇપર બદલવાનું જેવાં કામ પણ મારા દીકરાઓ કરતા. મારાં સાસુને પણ પડી જવાથી હિપમાં ફ્રૅક્ચર આવેલું અને હિપનો બૉલ રિપ્લેસ કરવો પડેલો. તેમનું પણ હરવા-ફરવાનું ઓછું થઈ જવાથી છેલ્લે પથારીવશ થઈ ગયેલાં. તેમની સેવા પણ મારા દીકરાઓએ કરી છે. દીકરા-દીકરીનો ભેદભાવ કર્યા સિવાય ઘરકામ શીખવવું ખૂબ જરૂરી છે. આ વસ્તુઓ સંતાનોને ત્યારે ખૂબ કામમાં આવે જ્યારે તેઓ ભણવા કે જૉબ માટે અલગ શહેરમાં કે અલગ દેશમાં શિફ્ટ થાય. બધાં કામ આવડતાં હોય તો કોઈના પર નિર્ભર ન રહેવું પડે.’
ડૉ. રાજીવ આનંદ, સાઇકિયાટ્રિસ્ટ
ઇમોશનલ-સોશ્યલ ગ્રોથ
ઘરકામ શીખવવાથી બાળક જવાબદાર, આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર બને છે. આ વિશે સમજાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રાજીવ આનંદ કહે છે, ‘જે વ્યક્તિ સંવેદનશીલ, સમજદાર અને જવાબદાર હોય તે સમાજના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. એ માટે બાળપણથી જ પરિવારના સભ્યો દ્વારા તેમનામાં આ બધા ગુણોનાં બી રોપાય એ જરૂરી છે. આ એવી વસ્તુ છે જે ઑનલાઇન કે દુકાનમાં જઈને ખરીદી શકાતી નથી. એ માટે મમ્મી-પપ્પાએ બાળકનું યોગ્ય ઘડતર કરવું પડે. ઘરકામ કઈ રીતે થાય છે, મોટાઓનો આદર કઈ રીતે થાય છે, પરિવારના સભ્યોનું ધ્યાન કઈ રીતે રાખવામાં આવે છે આ બધી વસ્તુ જોઈને બાળકો એનું અનુકરણ કરતાં હોય છે. બાળકોમાં નવું શીખવાની ખૂબ જિજ્ઞાસા હોય છે એટલે બાળક નાનું હોય તો તેની પાસેથી રસોઈ બની ગઈ હોય તો એને કિચનમાંથી ઊંચકીને ડાઇનિંગ ટેબલ પર મૂકવી, જમ્યા પછી થાળી સિન્કમાં મૂકવી, ડાઇનિંગ ટેબલ સાફ કરવું, કપડાં ગડી કરવાં જેવાં કામ કરાવી શકાય. બાળક થોડું મોટું થાય તો તેને ચા બનાવતાં, વાસણ ધોતાં, નીચે જઈને કોઈ સામાન લાવતાં, વૉશિંગ મશીનમાં કપડાં ધોતાં શીખવવાનું શરૂ કરવું જોઈએ. એમાં પણ બાળકને જ્યારે મોટાઓના મોઢેથી પ્રશંસા સાંભળવા મળે કે અરે વાહ, તું તો હવે મોટો થઈ ગયો છે ત્યારે તેમનામાં સ્વાભિમાનની ભાવના આવે, તે લોકો વધુ જવાબદાર બને, તેમને બીજા પર નિર્ભર ન રહેવું પડે. આપણી આસપાસ ઘણા એવા લોકો છે જેમને ચા જેવી સાધારણ વસ્તુ પણ બનાવતાં આવડતી નથી. આટલી નાની વસ્તુ માટે પણ તેઓ બીજા પર નિર્ભર રહે છે. આનું કારણ એ જ છે કે બાળપણથી જ તેમને આ વસ્તુ શીખવવાનું જરૂરી સમજવામાં આવ્યું નથી. ઘરકામ એક આવશ્યક લાઇફ-સ્કિલ છે જે વ્યક્તિને જીવનભર કામ આવવાની છે. આજકાલ બાળકો મોબાઇલ, ટીવી, લૅપટૉપમાં વ્યસ્ત રહેતાં હોય છે. એવામાં મમ્મી-પપ્પાની જવાબદારી છે કે તેઓ બાળકને ઘરનું કામ કરવા માટે પ્રોત્સાહિત કરે. બાળકોને તમે ઘરના કામનો ભાગ બનાવશો તો તેમને લાગશે કે તેઓ પણ પરિવારનો મહત્ત્વનો હિસ્સો છે અને કુટુંબ પ્રત્યે તેમની પણ જવાબદારી છે.’

