કૉલેજમાં સિનિયરો દ્વારા જુનિયર્સનું રૅગિંગ એ કંઈ માત્ર ફિલ્મોમાં જોવા મળતી મનોરંજક ઘટના નથી, આજે પણ કૉલેજોમાં રૅગિંગ થાય છે અને મેડિકલ કૉલેજોમાં તો એ માઝા મૂકી રહ્યું છે
સ્પેશ્યલ સ્ટોર
પ્રતીકાત્મક તસવીર
સમાજને હેલ્ધી રાખવાનું શિક્ષણ જ્યાં અપાય છે ત્યાંનું જ વાતાવરણ સ્વસ્થ નથી ત્યારે આ બાબતે આંખ આડા કાન ક્યાં સુધી કરતા રહીશું?
એક અઠવાડિયા પહેલાંના સમાચાર છે, જેમાં નાગપુરની મેડિકલ કૉલેજના ૬ ઇન્ટર્ન સ્ટુડન્ટ્સને ફર્સ્ટ યરનાં સ્ટુડન્ટ્સનું રૅગિંગ કરવાના કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા.
ADVERTISEMENT
આ પહેલાં ઑક્ટોબરમાં તામિલનાડુના વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજનો એક વિડિયો વાઇરલ થયો હતો. એ વિડિયોમાં ફક્ત અન્ડરવેર પહેરીને કાદવમાં ખુદને રગદોળી આખા કૅમ્પસમાં ફરતા સ્ટુડન્ટ્સ જોવા મળી રહ્યા છે. આ કૉલેજના ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સે અઢળક કમ્પ્લેઇન્ટ કરી છતાં કોઈ ખાસ ઍક્શન ન લેવાઈ હોવાને કારણે એક વિદ્યાર્થીએ સોશ્યલ મીડિયાના સહારે નામ બદલીને ડીટેલ્ડ પોસ્ટ નાખી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે છેલ્લા ૬-૮ મહિનાથી તેમની સાથે શું-શું થઈ રહ્યું છે. છોકરાઓને ગમે ત્યારે તેમના ગુપ્ત અંગ પર હાથથી, હૉકીથી, ગ્લાસ બૉટલ્સથી મારવામાં આવતું, છોકરીઓને તેમની નીપલ્સ પર જોરથી ચીંટિયો ભરવામાં આવતો, જેને કારણે તેમને ફક્ત દુખતું જ નહીં, ઘણી વાર લોહી પણ નીકળી આવતું. ગમે ત્યારે નાની વાત પર પણ સિનિયર્સ દ્વારા લાફો પડી જતો, છત પર લઈ જઈને તેમને પગથી પકડીને ઊંધા લટકાવવામાં આવતા, જેમાં પગ જો ભૂલથી પણ છૂટી જાય તો સીધા નીચે પડવાનો ભય હતો. જુનિયર્સને ફરજિયાત દરેક સિનિયરનું આખું નામ યાદ રાખવું પડતું, જો એ ભૂલી જાય તો તેને મેન્ટલી રિટાર્ડેડ તરીકે ખપાવવામાં આવતા.
ઉત્તરાખંડમાં આવેલી સર ચંદ્રસિંહ ગઢવાલી ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ ઍન્ડ રિસર્ચ હૉસ્ટેલમાં સિનિયર્સે જુનિયર્સ પર ટેરેસ પર કપડાં ઉતારવા માટે ફોર્સ કરેલો, જે માટે સાત સ્ટુડન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ તો આંગળીના વેઢે ગણાય એટલા અને માત્ર સમાચારમાં ચમકેલા કિસ્સાઓ છે; બહાર ન આવ્યા હોય અને છાને ખૂણે હજીયે સિનિયરો દ્વારા જુનિયર્સ પર અમાનવીય ત્રાસ ગુજારાતો હોય એવી ઘટનાઓનો કોઈ તોટો નથી.
શું મુંબઈની મેડિકલ કૉલેજો રૅગિંગ-ફ્રી છે કે પછી અહીં પણ દીવા તળે અંધારું છે એ સમજવા માટે અમે મુંબઈની કેટલીક મેડિકલ કૉલેજોના સ્ટુડન્ટ્સ સાથે વાત કરી. આપણા સમાજના ભવિષ્યના ડૉક્ટર્સ કેટલી કથળતી માનસિક દશા સાથે ભણી રહ્યા છે એ સાંભળીને રૂંવાડાં ખડાં થઈ જાય એમ છે. તેમની વાતો પરથી એ સ્પષ્ટ હતું કે મેડિકલ કૉલેજિસનો માહોલ વર્ષોથી આ પ્રકારે ખરાબ જ છે. સિનિયર્સ હંમેશાં એના જુનિયર્સને કોઈને કોઈ રીતે રંજાડતા જ હોય છે અને આવું કરવું અને એને સહેવું એ તેમના માટે રૂટીન પ્રવૃત્તિ છે. મેડિકલ કૉલેજમાં છો તો આટલું તો સહન કરવું જ પડેને! એ અભિગમ સાથે ભાગ્યે જ કોઈ જુનિયર સિનિયરની ફરિયાદ કરે છે. જેટલા પણ મેડિકલ સ્ટુડન્ટ્સ જોડે વાત થઈ એ બધાએ એક શરતે જ વાત કરવાનું સ્વીકાર્યું કે તેમનું નામ આ બાબતે બહાર ન પડવું જોઈએ. જો પડશે તો તેમનું જીવવાનું અઘરું થઈ જશે.
ફરિયાદ થતી નથી
મુંબઈમાં પણ રૅગિંગ થાય જ છે અને ફિઝિકલ અબ્યુઝ સુધી વાત જાય તો પણ કોઈ ખાસ ફરિયાદ નથી કરતું એમ જણાવતાં એમબીબીએસના બીજા વર્ષમાં ભણતો રાજીવ (નામ બદલ્યું છે) કહે છે, ‘કારણ કે સિનિયર્સ મોઢા પર ધમકી આપે છે કે થાય એ કરી લેજે. તું પ્રોફેસરને કહીશ તો એ ૪ કલાક છે અને અમારી જોડે તારે ૨૪ કલાક રહેવાનું છે. જુનિયર્સને એટલા ડરાવી-ધમકાવીને રખાતા હોય છે કે કોઈ ફરિયાદ વિશે વિચારતું જ નથી, કારણ કે જે ફરિયાદ કરે એની હાલત પહેલાં કરતાં પણ બદતર થઈ જાય છે. પાણીમાં રહેવું અને મગરમચ્છ સાથે વેર બાંધવું ન પોસાય. ફક્ત જેની ખૂબ ઓળખાણ હોય એવા વિદ્યાર્થીઓને પ્રૉબ્લેમ આવતો નથી. બાકી બધા સહન કરે છે.’
સિનિયર થયા પછી શું?
પોસ્ટ-ગ્રૅજ્યુએશનમાંથી ગયા વર્ષે પાસઆઉટ થયેલા કમલ (નામ બદલાવ્યું છે) ને પણ પોતાનું સાચું નામ નહોતું આપવું, કારણ કે ભવિષ્યમાં એ જ ગ્રુપ સાથે પ્રોફેશનલી કામ કરવાનું હોય તો કોઈ એમની સાથે પંગો લેવા તૈયાર નથી હોતું. પોતાની સાથે બનેલા બનાવો વિશે વાત કરતાં તે કહે છે, ‘ગ્રૅજ્યુએશનમાં હું ઘરે રહેતો હતો અને કૉલેજ ભણવા જતો એટલે ખાસ રૅગિંગનો સામનો નહોતો કરવો પડતો. પરંતુ પોસ્ટ-ગ્રૅજ્યુએશનમાં હૉસ્ટેલમાં આવ્યો એટલે અનુભવો થયા. અમે અમારા સિનિયર્સને સર કે મૅડમ કહીને જ બોલાવીએ છીએ. નામથી ન બોલાવાય. જો ક્લાસમાં ટીચર સવાલ પૂછે અને સિનિયર્સને ન આવડે અને જુનિયરને આવડતું હોય તો પણ કોઈ જુનિયરે જવાબ આપવાનો નહીં એવો એક પ્રોટોકૉલ છે. એ જે કામ સોંપે એ કરવાનું જ, જો તેમના કહ્યા પ્રમાણે અમે ન કરીએ તો અમારું આવી બને.’
હેરાનગતિ
પોસ્ટ-ગ્રૅજ્યુએશનના ફર્સ્ટ યરમાં ભણતી સુરુચિ (નામ બદલાવ્યું છે) કહે છે, ‘અમને પરાણે નાઇટ શિફ્ટમાં રોકવા, જમવાના સમયે જમવા ન જ જવા દેવા, વૉર્ડમાં ખડે પગે રાખવા, અમારા પૈસે પાર્ટીઓ કરવી જેવી બાબતો મૂંગા મોઢે ચલાવી લેવાની હોય છે. જો તમે ચૂં પણ કરો તો તમને પેશન્ટની સામે ઉતારી પાડે, દરદીને લાગે કે આ ડૉક્ટર કામના નથી એટલે ઇલાજમાં પ્રૉબ્લેમ આવે. જે ફાઇલમાં અમે લખ્યું હોય એ ફાઇલ ફાડીને મોઢા પર ફેંકે, તમને જ નહિ, તમારા માતા-પિતાને પણ ગાળો આપે. વર્ષોથી આમ જ થતું આવ્યું છે અને આમ જ ચાલશે.’
સિસ્ટમનો એક ભાગ
આ પરિસ્થિતિ કેમ નથી સુધરતી એનું કારણ પણ સિસ્ટમમાં જ છે. ફોર્થ યર એમબીબીએસના સ્ટુડન્ટ પ્રતીક (નામ બદલ્યું છે)ને જ્યારે પૂછ્યું કે તું જુનિયર હતો ત્યારે તેં સહન કર્યું તો હવે સિનિયર બનીને તું તારા જુનિયરને સારી રીતે ન રાખી શકે? આ પ્રશ્નનો જવાબ આપતાં એ કહે છે, ‘ના, એવું નથી થતું. તમે વિચારો તો પણ શક્ય નથી બનતું, કારણ કે અહીંનો માહોલ જ એ છે. બધા એ જ રીતે રહેતા હોય તો તમે કેટલું નવું કરવાના? વળી ક્યાંકને ક્યાંક એક ખુન્નસ પણ હોય છે, મારી સાથે થયું તો બીજા સાથે પણ થવું જોઈએ. અમે સમજીએ છીએ કે આ યોગ્ય નથી છતાં અમે સિસ્ટમનો ભાગ છીએ એટલે આવા છીએ.’
કલ્ચર અને માનસિકતા
રૅગિંગ માટેનો અંગત અનુભવ જણાવતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘મેં જ્યારે ઍડ્મિશન લીધું ત્યારે પહેલા વર્ષે લોકલ ટ્રેનમાં કૉલેજ જતી વખતે મેં શરૂઆતના લગભગ ૪ મહિના ટ્રેન જાણીને મિસ કરી છે કે આ ટ્રેનમાં મારા સિનિયર્સ હશે એ આખા રસ્તે મને હેરાન કરશે. ભલે પ્રોફેસર ખિજાય, ભણવાનું મિસ થાય; પણ હું એ ટ્રેનમાં નહોતો જતો.’
મેડિકલ કૉલેજિસમાં રૅગિંગના ચલણ વિશે વાત કરતાં વૉકહાર્ટ હૉસ્પિટલનાં ડૉ. સોનલ આનંદ કહે છે, ‘આ મોટા ભાગે ત્યાંનું કલ્ચર છે. જે તેમણે જોયું છે એ જ એ લોકો કરે છે. વર્ષોથી આ પ્રકારનો માહોલ છે. ખુદની સાથે જે થયું એ જ બીજા સાથે કરવું એ માણસની એક પ્રકારની વર્તન માટેની સમજ છે. એમાં તે લૉજિક નથી લગાડતા કે આ પ્રકારનું વર્તન સાચું છે કે નહીં.’
મેડિકલ કૉલેજોમાં થતા રૅગિંગ પાછળની સાઇકોલૉજી સ્પષ્ટ કરતાં ડૉ. શ્યામ મીથિયા કહે છે, ‘આ સૌથી હોશિયાર વિદ્યાર્થીઓ છે જેઓ ગળાકાપ હરીફાઈમાં માને છે. પોતાની જાતને સુપિરિયર સાબિત કરવા માટે તેઓ આ બધું કરતા હોય છે. ખૂબ ઈગો ભરેલો હોય છે. તેમને રોકવા માટે ખૂબ કડક નિયમો તો જરૂરી છે જ પરંતુ એની સાથે તેમના મનમાં એમ્પથી જગાડવાની જરૂર છે. રૅગિંગ કરવાવાળી વ્યક્તિ ભાગ્યે જ બીજી વ્યક્તિની હાલત વિશે વિચારતી હોય છે, જે યોગ્ય નથી.’
આંકડા ડરામણા છે
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ઍન્ટિ-રૅગિંગ સેલ અનુસાર ૨૦૨૧માં ૫૧૧ ફરિયાદ નોંધાઈ હતી, જે આંકડો ૨૦૨૦માં ૨૧૯ જેટલો જ હતો. જોકે એનું કારણ કોવિડ અને ઑનલાઇન ભણતર વધુ હતું. આ જ આંકડો ૨૦૧૯માં ૧૦૭૦ જેટલો હતો અને ૨૦૧૮માં ૧૦૧૬ જેટલો હતો. યુજીસી મુજબ રૅગિંગના આ કેસિસમાં સૌથી વધુ ફાળો મેડિકલ કૉલેજનો છે. ભારતમાં કુલ ૫૦૦ જેટલી મેડિકલ કૉલેજ છે, જેમાં આ વર્ષે ૨૦૨૨માં લગભગ ૭૫ ટકાથી વધુ કૉલેજોમાંથી રૅગિંગના કેસ નોંધાયા છે. આ વર્ષે ઓડિશામાં બે, વેસ્ટ બેન્ગાલમાં એક અને તેલંગણામાં એક સ્ટુડન્ટે રૅગિંગને કારણે આત્મહત્યા કર્યાના બનાવો નોંધાયા હતા.
ફરિયાદ નોંધાવો, ચૂપ ન રહો
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની હેલ્પલાઇન-નંબર : 1800-180-5522