અબ્દુલ ગફાર ખાનના એક પ્રશ્નના જવાબમાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ‘હું આ દેશના વિભાજનમાં નથી માનતો. મારે કોઈની મંજૂરીની જરૂર નથી. આ અવજ્ઞા બદલ એ મારી હત્યા કરે તોય હું હસતા મોઢે મોતને સ્વીકારીશ
ક્રૉસલાઇન
ગાંધીવધ શા માટે? : નથુરામ ગોડસેનું બયાન સાર્વજનિક થવું જોઈએ?
જો પાકિસ્તાન અસ્તિત્વમાં આવશે તો હું ત્યાં જવાનો છું, યાત્રા કરવાનો છું, ત્યાં રહેવાનો છું અને જોવાનો છું કે એ લોકો મારું શું કરે છે’
આવતી કાલે ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની હત્યાને ૭૫ વર્ષ પૂરાં થાય છે. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના દિલ્હીમાં બિરલા હાઉસ ખાતે પ્રાર્થનાસભામાં સાંજે પાંચ વાગ્યે પુણેના ચિત્પાવન બ્રાહ્મણ નથુરામ ગોડસેએ ૭૮ વર્ષના ગાંધી પર ક્લોઝ-રેન્જથી ત્રણ ગોળીઓ ચલાવી હતી. તેમની હત્યાનું ઔચિત્ય શું હતું? ગોડસેએ દિલ્હીમાં વિશેષ અદાલત સમક્ષ એક બયાન આપ્યું હતું. આ બયાન સાર્વજનિક થવું જોઈએ?
ઘણા સમયથી ચાલતા આ વિવાદનો અંત લાવવા માટે કેન્દ્રીય સૂચના આયોગે ૨૦૧૭માં ગોડસેના બયાન સહિત ગાંધીજીની હત્યાના દસ્તાવેજ રાષ્ટ્રીય અભિલેખાગારની વેબસાઇટ પર મૂકવાની સૂચના આપી હતી. કોઈ કારણસર એ બયાન હજી સાર્વજનિક થયું નથી. આયોગના તત્કાલીન આયુક્ત શ્રીધર આચાર્યુલુએ ત્યારે કહ્યું હતું કે ‘નથુરામ ગોડસે અને એના સહ-આરોપી સાથે કોઈ સહમત ન હોય તો પણ તેમના વિચારોને ઉઘાડા કરવાનો ઇનકાર ન થઈ શકે.’
અનધિકૃત રીતે એ બયાનની નકલ ઇન્ટરનેટ પર છૂટથી ઉપલબ્ધ છે, પરંતુ ભારત સરકાર તરફથી સત્તાવાર રીતે એ બયાન સાર્વજનિક કરવાનો એ હુકમ મહત્ત્વનો હતો. આચાર્યુલુએ એમ પણ કહ્યું હતું કે ગોડસેના વિચારો સાથે સહમત હોય તેવી વ્યક્તિ પણ, તેનાથી ભિન્ન મત ધરાવતી વ્યક્તિની હત્યા કરવાની હદ સુધી ન જઈ શકે. વિચારોની અસહિષ્ણુતાના આજના દૌરમાં આ એક મહત્ત્વનો નિર્ણય હતો. અસહિષ્ણુતાનો મતલબ છે કોઈ ધર્મ, જાતિ અથવા વ્યક્તિના વિચાર, રહનસહન, વ્યવહાર કે રુચિને પસંદ ન કરવી એ.
ADVERTISEMENT
કટ્ટરતા એટલે શું? કટ્ટરતા એટલે જે પોતાની માન્યતા, વિચાર, લાગણી અને અભિપ્રાયમાં અટલ છે અને જે કોઈ પણ પ્રકારની ટીકા કે સવાલથી પરે છે તે. કટ્ટરતા અંધભક્તિમાંથી આવે. એક વ્યક્તિ, એક પરિવાર, એક સમુદાય કે એક આખો સમાજ તેની માન્યતા અને વિરોધમાં કટ્ટર હોઈ શકે.
‘માત્ર મારો વિચાર અને મારી ભાવના જ સાચી છે અને જે વ્યક્તિના વિચાર મારાથી અલગ છે તે વ્યક્તિ ગલત છે અને દુનિયામાં જે ગલત છે, તેને દૂર કરવાની આપણી ફરજ છે.’ એક વ્યક્તિને કે પછી પૂરા સંસારને બહેતર બનાવવા માટે જે વ્યક્તિમાં આ પ્રકારનો વિચાર જડાયેલો હોય તે કટ્ટર કહેવાય.
અત્યારની વૈચારિક અસહમતીનો પાયો ગાંધીજીની હત્યામાં છે. ગોડસેએ સરેઆમ કહ્યું હતું કે એને ગાંધીના વિચારો સામે વાંધો હતો. એ વખતે ગોડસે લઘુમતીમાં હતો અને શ્રીધર આચાર્યુલુ કહે છે એમ ત્યારે કોઈને અંદાજ પણ નહોતો કે માત્ર ભિન્ન મતનો આધાર લઈને કોઈ માણસ ગાંધીજીની હત્યા કરી નાખે. આજે આ હકીકત છે, કલ્પના કે અંદાજ નહીં. ભારતીય સમાજ અને લોકશાહીનો પાયો ભિન્ન મતમાં ચણાયો હતો અને આજે આપણે એક રાષ્ટ્ર તરીકે સંસારમાં જે સાહસ અને ભરોસા સાથે
ઊભા રહીએ છીએ એનું કારણ આ સહઅસ્તિત્વ છે.
કોઈ પણ સમાજની મહાનતાનો પુરાવો એની મૌલિકતા અને અનોખાપનમાં છે. મૌલિકતાની ક્ષમતા જ એ સમાજને પ્રચલિત મતથી વિરુદ્ધ હોય તેવી વ્યક્તિને સહન કરવાની તાકાત બક્ષે છે. સૉક્રેટિસ, ક્રાઇસ્ટ, બુદ્ધ કે ગાંધીજી નોખા હતા અને પ્રચલિત ચોકઠામાં ફિટ થયા નહોતા. સમાજે તેમને સહન કર્યા એમાં તેમનું નહીં, સમાજનું જ ભલું થયું હતું. કૅચ પણ અહીં છે. સમાજ જેમ-જેમ સંપન્ન અને સફળ થતો જાય તેમ-તેમ એનો ગર્વ વધતો જાય અને કટ્ટરતા આવતી જાય.
ભારતને આજે ગૌતમ બુદ્ધની મૌલિકતા કે ગાંધીજીના અનોખાપનની જરૂર નથી અને એટલે જ ભિન્ન મતને સહન કરવાની ક્ષમતા ઓછી થઈ રહી છે. સંપન્ન સમાજની ટ્રૅજેડી એ હોય છે કે એનામાં અ-ભય (સિક્યૉરિટી)ની જરૂરિયાત વધી જાય છે અને એ સમાજ નિર્ભય બનવા માટે જાત-ભાતનાં બંધનો, નિષેધ અને મનાઈમાં જીવતો થઈ જાય છે. ગોડસેએ ગાંધીજીની હત્યાના સમર્થનમાં જે બયાન આપ્યું હતું એ આવા જ ડરને કારણે જાહેર કરાયું નથી.
૨૦૧૭ના તેમના આદેશનું શું થયું એ ખબર નથી. રાષ્ટ્રીય અભિલેખાગારની વેબસાઇટ પર તપાસ કરીએ તો મહાત્મા ગાંધીની હત્યાના ખટલા સંબંધિત પેપર્સ ઉપલબ્ધ છે પરંતુ એમાં નથુરામ ગોડસેનું બયાન નથી.
પૂરા સંસારમાં સંવેદનશીલ માહિતીઓ એવા સંશયથી છુપાવવામાં આવે છે કે એને સાર્વજનિક કરવાથી ગલત માણસો એનો ગલત ઉપયોગ કરીને સુરક્ષા સામે ખતરો ઊભો કરશે. કેન્દ્રીય સૂચના આયોગના આયુક્ત શ્રીધર આચાર્યુલુ એવા મતના હતા કે ઉચિત ખુલાસાની ઉપસ્થિતિમાં શંકા કે ગૉસિપનું નિવારણ થાય. ગાંધીજીની હત્યા કેવા સંજોગોમાં થઈ હતી અને એની પાછળ કયાં કારણો હતાં એને લઈને ઘણી ચર્ચા છે. આ દસ્તાવેજ જાહેર થયા હોત તો ઘણી ગેરસમજો સાફ થઈ હોત.
ઉદાહરણ તરીકે ગોડસેના એક સહકાર્યકર મદનલાલ પાવહાએ એવો દાવો કરેલો છે કે ગાંધીજીની હત્યા માટે ૩થી ૪ લાખનું ફન્ડ ઊભું કરવામાં આવ્યું હતું. એ વખતે ભારતના એક મોટા હિન્દુ વર્ગમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે ગાંધીજી નકામી જીદ કરીને પાકિસ્તાનને ‘ફેવર’ કરી રહ્યા છે અને ગોડસેએ જે કર્યું એ ‘ફરજ’ના ભાગરૂપે કર્યું હતું.
જાણીતા સમાજશાસ્ત્રી આશિષ નંદી એક પુસ્તકમાં લખે છે કે ગોડસેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં લડાયકતા ઓછી દેખાઈ હતી અને હિન્દુ મહાસભામાં ‘રાજકીય પૌરુષત્વ’ વધુ દેખાયું હતું. ગોડસે હિંદુ મહાસભાનો સભ્ય હતો અને હિંદુ મહાસભા માનતી હતી કે ગાંધીએ પાકિસ્તાન તરફ કૂણું વલણ રાખીને ‘હિંદુ ભારત’ને અન્યાય કર્યો છે.
બેસતા ઊંટ પર તણખલાનો ભાર એ ન્યાયે ગાંધીજી ૧૩ જાન્યુઆરી ૧૯૪૭ના તેમની અંતિમ ભૂખ હડતાળ બે મુદ્દા પર કરી હતી; દિલ્હીમાં તત્કાળ કોમી એકતા સ્થપાવી જોઈએ અને મુસ્લિમોનાં ઘરો તેમ જ મસ્જિદો એમને પાછી સુપ્રત થવી જોઈએ અને અલગ પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા મળવા જોઈએ. આ બંને માગણીઓ સ્વીકારવામાં આવી હતી અને ૧૮મી તારીખે તેમણે પારણાં કર્યા હતાં. એ પછી ગાંધીએ પાકિસ્તાન જવાનો નિર્ધાર કર્યો હતો. તેમની પર ત્યારે જોખમ હતું અને તેમને સમજાવામાં આવ્યા હતા કે કોમી અશાંતિના માહોલમાં તે પાકિસ્તાન ન જાય તો સારું.
અબ્દુલ ગફાર ખાનના એક પ્રશ્નના જવાબમાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે ‘હું આ દેશના વિભાજનમાં નથી માનતો. મારે કોઈની મંજૂરીની જરૂર નથી. આ અવજ્ઞા બદલ એ મારી હત્યા કરે તોય હું હસતે મોઢે મોતને સ્વીકારીશ. જો પાકિસ્તાન અસ્તિત્વમાં આવશે તો હું ત્યાં જવાનો છું, યાત્રા કરવાનો છું, ત્યાં રહેવાનો છું અને જોવાનો છું કે એ લોકો મારું શું કરે છે.’
ગાંધીજી પર અગાઉ પણ એક હુમલો નિષ્ફળ રહ્યો હતો અને સરકાર પાસે બાતમી હતી કે ગાંધીજીના જીવને જોખમ છે. ગાંધીજીની હત્યા રોકી શકાઈ હોત? આ અને એવા અનેક સવાલોની સ્પષ્ટતા હત્યા સંબંધી દસ્તાવેજો જાહેર થવાથી થઈ શકે.
નથુરામના ભાઈ ગોપાલ ગોડસે (જેમને પણ જેલ થઈ હતી) ‘ગાંધી વધ ક્યોં’ પુસ્તકમાં લખે છે કે ધરપકડ પછી (રાજમોહન ગાંધીના પિતા) દેવદાસ ગાંધી નથુરામને મળવા પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં નથુરામે તેમને કહ્યું હતું, ‘તેં આજે પિતા ગુમાવ્યા છે. મારા કારણે તને દુ:ખ પહોંચ્યું છે. તને અને તારા પરિવારને જે દુ:ખ આવ્યું છે એનું મને પણ દુ:ખ છે. મારો વિશ્વાસ કરજે, મેં આ કામ અંગત દુશ્મનીમાં નથી કર્યું, ન તો મને તારા માટે કોઈ દ્વેષ છે કે ન તો ખરાબ ભાવ.’
દેવદાસે પૂછ્યું હતું, ‘તો આવું
કેમ કર્યું?’
ગોડસેએ જવાબ આપ્યો હતો, ‘મેં
આ કામ માત્ર અને માત્ર રાજકીય કારણસર કર્યું છે.’
ગોડસેએ દેવદાસને વિગતે સમજાવવા પ્રયાસ કર્યો પણ પોલીસે એ લાંબી વાત થવા ન દીધી. કોર્ટમાં ગોડસેએ તેની વાત મૂકી હતી. કોર્ટે ત્યારે એ બયાન જાહેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગોપાલ ગોડસે તેમના પુસ્તકમાં નથુરામના વસિયતનામાનો ઉલ્લેખ કરે છે, જેમાં ગોડસેએ લખ્યું હતું, ‘અદાલતમાં મેં આપેલા બયાન પરથી સરકાર જ્યારે પણ પાબંદી હટાવી લે ત્યારે એને પ્રકાશિત કરવાનો અધિકાર હું તને આપું છું.’
સહિષ્ણુતામાં માનતા મહાત્મા ગાંધીએ એ બયાન પરના પ્રતિબંધને માન્ય રાખ્યો હોત?
લાસ્ટ લાઇન
દૃષ્ટિકોણની ભિન્નતાનો અર્થ પરસ્પર યુદ્ધની સ્થિતિમાં હોવું નથી થતો. એવું હોત તો હું અને મારી પત્ની એકબીજાનાં ઘોર શત્રુ બની ગયાં હોત. મને કોઈ બે વ્યક્તિ એવી નથી મળી જેનામાં મતભેદ ન હોય અને હું ગીતાનો ભક્ત છું એટલે મેં પ્રયાસ કર્યો છે મારાથી જેને પણ મતભેદ હોય તેની સાથે પ્રિયજન, સ્વજન જેવો જ વ્યવહાર કરું. - મહાત્મા ગાંધી, યંગ ઇન્ડિયા, ૧૯૨૭