જ્યારે દીકરીઓ પિતાથી ગભરાતી હોય છે ત્યારે તે પોતાની ઇચ્છાઓ છુપાવતી હોય છે, ખાસ કરીને પ્રેમના મામલે પરિવારથી છુપાવીને પગલું ભરી લે છે
કવિ કુમાર વિશ્વાસ
જ્યારે દીકરીઓ પિતાથી ગભરાતી હોય છે ત્યારે તે પોતાની ઇચ્છાઓ છુપાવતી હોય છે, ખાસ કરીને પ્રેમના મામલે પરિવારથી છુપાવીને પગલું ભરી લે છે. પિતા પાસેથી ઇમોશનલ સપોર્ટ ન મળતો હોય એવી છોકરીઓ ખોટા સંબંધોમાં ફસાઈ જાય એવી સંભાવનાઓ અનેકગણી વધારે છે એ વાત સાઇકોલૉજિકલી પણ પુરવાર થઈ ચૂકી છે. આજે પૂછીએ કેટલાંક જાણીતાં પિતા-પુત્રીને કે તેમને આ વાત કેટલી સાચી લાગે છે અને તેમના અંગત અનુભવો શું કહે છે
ઉત્તરપ્રદેશના આગરામાં હાલમાં એક રામકથાનું આયોજન થયું હતું. એ સમયે કવિ કુમાર વિશ્વાસે માતા-પિતાને એક સંદેશ આપ્યો હતો: જો બચ્ચિયાં પિતા સે અપના દુખ કહ સકતી હૈં ઉનકા કોઈ ગલત ઇસ્તેમાલ નહીં કર સકતા. સભી પિતા સે કહતા હૂં કિ બેટિયોં કો દોસ્ત બનાએં. ઉનકો કંધા દીજિએ, નહીં તો કોઈ ઔર કંધા દે દેગા.
ADVERTISEMENT
એક સમય હતો જ્યારે પિતા અને પુત્રી વચ્ચે એક આમન્યા રહેતી પરંતુ સમય સાથે આ સંબંધોમાં પરિવર્તન જરૂરી છે અને આવ્યું પણ છે. આજે ઘણાં ઘરોમાં પિતા અને પુત્રી હાથતાળી દઈને ઠઠ્ઠા-મશ્કરી કરતાં પણ જોવા મળે છે. ઘણી પુત્રીઓ એવી પણ છે જે પોતાના મિત્રોને પછી અને પિતાને પહેલાં પોતાની વાતો કહેતી થઈ ગઈ છે. આ પ્રકારના પરિવર્તનના ફાયદા શું છે એ સમજવાની આજે કોશિશ કરીએ. આજનાં કેટલાંક પિતા-પુત્રીને મળીએ અને જાણીએ કે એ કુમાર વિશ્વાસની આ વાત સાથે કેટલા સહેમત છે અને તેમનો અંગત અનુભવ શું કહે છે.
પિરિયડ પેઇનની વાત હોય કે કોઈ ક્રશ હોય કે પછી તેના પ્રેમની વાત હોય, ભવ્યા મને બધું જ ખુલ્લા દિલથી કહી શકે છે - મેહુલ બુચ, ઍક્ટર
કુમાર વિશ્વાસના આ શબ્દો ૧૦૦ ટકા સાચા ગણાવતાં અને આ જ વાતને જેમણે જીવનભર અનુસરી છે એવા જાણીતા ઍક્ટર મેહુલ બુચને ૨૬ વર્ષની દીકરી છે જેનું નામ ભવ્યા છે. ભવ્યા આર્ટ ડિરેક્ટર છે જેણે નાની ઉંમરમાં સારું કામ કરીને તેની આગવી ઓળખ ઊભી કરી છે. પોતાના ફાધરહુડ વિશે વાત કરતાં મેહુલભાઈ કહે છે, ‘પિરિયડ પેઇનની વાત હોય કે કોઈ ક્રશ હોય કે પછી તેના પ્રેમની વાત હોય, ભવ્યા મને બધું જ ખુલ્લા દિલથી કહી શકે છે. ભવ્યા અને મારી વચ્ચે અલગ ભાઈબંધી છે. પોતાના મિત્રો કરતાં પણ પહેલાં તેને મારી અને મારી પત્ની અલ્પનાને બધું કહી દેવું હોય. પહેલેથી અમે ઘરમાં વાતાવરણ એવું જ રાખ્યું છે.’
ભવ્યા ટીનેજર હતી ત્યારનો એક કિસ્સો જણાવતાં મેહુલભાઈ કહે છે, ‘અમે જ્યાં રહેતા હતા એ બિલ્ડિંગની નીચે રેસ્ટોરાં હતી. એક દિવસ ભવ્યાનો મને ફોન આવ્યો: પપ્પા, આ રેસ્ટોરાંના છોકરાઓ મારી અને મારી ફ્રેન્ડ પર કમેન્ટ કરે છે; તમે આવીને તેમને જોઈ લેશો કે હું પથ્થર-વથ્થર મારી દઉં? હું એકદમ હસી પડેલો આ વાત પર. મેં કહ્યું તને જે યોગ્ય લાગે એ કર, બાકી કંઈ થાય તો હું બેઠો છું. મને એ વાતની ખુશી હતી કે એ ઉંમરમાં પણ તે સમજી ગયેલી કે હું એવો બાપ છું જે દીકરીને પોતાની લડત લડવા પણ દે છે અને છતાંય એક પ્રોટેક્ટર તરીકે તે ત્યાં ઊભો છે કે તું ચિંતા ન કર.’
આ બાબતે ભવ્યા કહે છે, ‘જેમનો પોતાના પિતા સાથે કોઈ ખાસ ફ્રેન્ડશિપનો સંબંધ નથી એવી મારી ફ્રેન્ડ્સને ખોટી રિલેશનશિપમાં ફસાતી મેં જોઈ છે. વળી એ લોકો ઘરે બધું કહેતા ન હોય, મન ખુલ્લું ન કરતા હોય એટલે તેમને સતત કોઈની ઝંખના હોય જે તેમની વાત સાંભળે, તેમને સમજે. મારે એવી જરૂર જ નથી પડી, કારણ કે મારી પાસે મારા પેરન્ટ્સ છે. મને અંદરથી ચેન જ ન પડે જ્યાં સુધી હું તેમની સાથે વાત ન કરી લઉં. મેં ભૂલ પણ કરી હોય તો મને ઝિજક નથી હોતી. હું તેમની સામે સ્વીકારી શકું છું કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. વળી કંઈ પણ થાય તો તેઓ સંભાળી લેશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.’
કઈ રીતે આ પ્રકારનું રિલેશન સ્થાપિત થઈ શકે એ પ્રશ્નનો જવાબ આપતાં મેહુલભાઈ કહે છે, ‘બાળક ત્યારે તમારી પાસે ખૂલે જ્યારે તમે પણ તેની પાસે એટલા જ ખૂલતા હો. ઘણા પરિવારોમાં એવું હોય છે કે આ તો બાળક છે એટલે પેરન્ટ્સ તેની પાસે પોતાની તકલીફો મૂકતા નથી. જ્યારે તમે તમારા બાળકને પોતાની તકલીફો કહી શકો તો એ પણ ચોક્કસ તમારી પાસે આવીને તેની બધી વાત કરશે. અમારા ઘરમાં અમે એ માહોલ સ્થાપિત કર્યો છે. દીકરીઓ તો આમ પણ ખૂબ જ સમજદાર હોય છે. મારે અને અલ્પનાને કંઈ ઝઘડો થયો હોય તો મિડિએટર હંમેશાં ભવ્યા જ હોય. આવું તમે ઘરમાં રાખો ત્યારે દીકરીને પણ એમ લાગે કે હું મારી વાત અહીં કરી શકું.’
મારાં દરેક પ્રકારનાં દુઃખ-દર્દમાં મારો ખભો મારા પપ્પા બન્યા છે - માનસી જોશી, પૅરાબૅડ્મિન્ટન ચૅમ્પિયન
કુમાર વિશ્વાસના શબ્દો સાથે સંમત થતાં વર્લ્ડ ચૅમ્પિયન રહી ચૂકેલી પૅરાબૅડ્મિન્ટન પ્લેયર ૩૫ વર્ષની માનસી જોશી કહે છે, ‘એક પિતાનું સ્થાન દીકરીના જીવનમાં ઘણું મહત્ત્વનું હોય છે. હું તો નાનપણથી કોઈ પણ પ્રકારની તકલીફમાં રડતાં-રડતાં તેમની પાસે જતી અને તેઓ માત્ર સાંભળતા જ નહીં, સંભાળતા પણ અને મારી તકલીફોનું નિવારણ કરતા. મારા દરેક પ્રકારનાં દુઃખ-દર્દમાં મારો ખભો મારા પપ્પા બન્યા છે. એ ખભાને કારણે જ હું સશક્ત ઊભી રહી શકી છું.’
અત્યારે મોટા ભાગે હૈદરાબાદમાં રહેતી માનસી જોશીનો એક રોડ-ઍક્સિડન્ટમાં પગ કપાઈ ગયો હતો. એક કૃત્રિમ પગ સાથે તેણે જ્યારે ફરીથી જીવન શરૂ કરવાનું હતું એ તેના માટે જ નહીં, તેના પરિવાર માટે પણ સહેલું નહોતું. ચેમ્બુરની ભાભા ઍટમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એક વૈજ્ઞાનિક તરીકેની કારકિર્દી પછી અમદાવાદમાં નિવૃત્ત જીવન જીવતા માનસીના પપ્પા ગિરીશ જોશી એ સમયની વાત કરતાં કહે છે, ‘તેના અકસ્માતની ૧૦ મિનિટમાં હું ત્યાં હતો. તેની હાલત એક પિતા તરીકે હું જોઈ અને અનુભવી પણ રહ્યો હતો. ૪૫ દિવસનું હૉસ્પિટલાઇઝેશન અને તેના માટે જરૂરી સારામાં સારો પ્રોસ્થેટિક પગ એ સમયે આર્થિક રીતે મારી સામે સળગતા પ્રશ્નો હતા અને બીજી બાજુ ઇમોશનલી મને લાગતું હતું કે તેના ભવિષ્યનું શું? પણ એ સમયે મેં એટલું નક્કી કર્યું હતું કે હું તેને આ જંગમાં એકલી નહીં મૂકું, એક પિતા તરીકે હું તેને પૂરું પ્રોટેક્શન આપીશ, જે મેં મારા બનતા પ્રયત્ને પૂરું પાડ્યું.’
નાનપણમાં ગિરીશભાઈને એવું ઘણું હતું કે બાળકો ભણે. એ સમયની વાત કરતાં માનસી કહે છે, ‘મને નાનપણમાં મૅથ્સમાં ઘણી તકલીફ હતી. મને કંઈ ન આવડે તો હું રડી પડતી અને પપ્પા મને શીખવવા બેસી જતા. મૅથ્સ તો ચાલો તેમનો વિષય હતો. એક વાર હું સોશ્યલ સ્ટડીઝમાં રડવા લાગેલી. તેમનો તો વિષય જ નથી એ, તો પણ મને રડતી જોઈને તેઓ આવી ગયા કે ચાલ, હું ભણાવી દઉં છું. આ લાગે કે નાની વાત છે પણ એ સમયે મારા બાળમનમાં એ વિશ્વાસ સ્થાપિત થઈ ગયેલો કે હું તકલીફમાં હોઈશ તો પપ્પા તેમનાથી બનતું બધું જ કરી છૂટશે. આ વિશ્વાસ ખૂબ મહત્ત્વનો છે.’
હાલમાં ઇન્ટરનેટ પર કોઈ માનસીની પાછળ પડી ગયું હતું જે ખૂબ જ વધારે પ્રમાણમાં સંગીન થઈ રહ્યું હતું ત્યારે ગિરીશભાઈના સપોર્ટથી તેમણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી. એ માણસ પકડાઈ ગયો. જ્યારે પૅરાઑલિમ્પિક્સની તેની ટ્રેઇનિંગ ચાલતી હતી એ સમયને યાદ કરતાં માનસી કહે છે, ‘મારી હાલત ખરાબ થઈ ગયેલી. ટ્રેઇનિંગ ખૂબ અઘરી પડતી હતી. એ સ્ટ્રેસ મારાથી મૅનેજ નહોતું થતું. મારી હાલતમાં મને સપોર્ટ કરવા મારો આખો પરિવાર અમદાવાદ છોડીને હૈદરાબાદ શિફ્ટ થઈ ગયો. દોઢ વર્ષ માટે તેઓ ત્યાં રહ્યા ફક્ત મને સપોર્ટ કરવા માટે, જે મારા
માટે મોટી બાબત હતી. આવો સપોર્ટ હોય તો કોઈ પણ દીકરી દુનિયા જીતી શકે.’
આજની દીકરીઓને સલાહની નહીં, સાથની જરૂર છે - નિરેન ભટ્ટ, લેખક
કુમાર વિશ્વાસની વાત પર પોતાનું મંતવ્ય આપતાં લેખક નિરેન ભટ્ટ કહે છે, ‘કુમાર વિશ્વાસ કયા પૉલિટિકલ આશયથી આ વાત કરી રહ્યા છે એ બાબતે હું સ્પષ્ટ નથી. બની શકે કે તેમની વાત પાછળ કોઈ છૂપાં કારણો હોઈ શકે એટલે હું એ બાબતે સંમતિ દર્શાવતો નથી પરંતુ બાપ અને દીકરી વચ્ચેના સંબંધોમાં ઘણો ફેરફાર આવ્યો છે અને એ આવવો જ જોઈએ એવું હું ચોક્કસ માનું છું.’
નિરેનભાઈને ૧૨ વર્ષની દીકરી છે જેનું નામ રુહી છે. એક બાપ તરીકેની ચિંતા જતાવતાં નિરેનભાઈ કહે છે, ‘અમે જ્યારે મોટા થતા હતા ત્યારની અને અત્યારની દુનિયા ઘણી અલગ છે. વળી હું ભાવનગરમાં મોટો થયો અને મારી દીકરી મુંબઈમાં મોટી થઈ રહી છે એ બન્ને વચ્ચે પણ મોટો ભેદ છે. હું જ નહીં, મારી આજુબાજુ પણ જુઓ તો આજનાં દરેક માતા-પિતા પોતાની દીકરીની સેફ્ટી માટે ચિંતિત છે. વળી સામાન્ય ચિંતિત નથી, લગભગ પાગલ જેવાં થઈ ગયાં છે. દીકરી પહોંચી કે નહીં, પાછી આવી કે નહીં, તેને લેવા-મૂકવા માટે આપણે જ જઈએ, ઝટ દઈને કોઈ પર ભરોસો ન કરીએ એવી પરિસ્થિતિ છે જ. કોઈને એવું કરવું ગમતું નથી પણ એ કરવા સિવાય છૂટકો પણ નથી.’
આ પરિસ્થિતિમાં દીકરી સાથે કઈ રીતનો સંવાદ જરૂરી બને છે એનો જવાબ આપતાં નિરેનભાઈ કહે છે, ‘આજની જનરેશનને સલાહની જરૂર નથી, તેમની પાસે અઢળક માહિતી છે. વળી તેમને જે કહો એ તેઓ માનશે જ એવું નથી, એટલે મિત્રતા જરૂરી બની જાય છે. મને નથી લાગતું કે આજના સમયમાં માતા-પિતા બાળકને દબાવીને રાખી શકે અને પોતાનું ધાર્યું કરાવી શકે. ઊલટું જો તેને મિત્ર બનાવીએ, તેના કુતૂહલને પોષીએ તો તેની નજીક આવી શકાય. એ કુતૂહલ દુનિયા બાબતે હોય કે પોતાના શરીર બાબતે, કરીઅર બાબતે હોય કે ભણતર બાબતે; આપણે એ બધાના સાચા જવાબ તેને આપવા જોઈએ. હું એ કોશિશ કરું છું. રુહી જે પણ પૂછે એનો ગોળ-ગોળ નહીં, સાચો અને સીધો જવાબ આપ્યો છે અને એને કારણે પિતા તરીકે તેનો મારા પર વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે. એટલે મારી સાથે ખૂલીને વાત કરી શકે છે. તેના પ્રશ્નોને તે જેવા છે એવા જ સીધા મારી પાસે લાવીને મૂકી શકે છે. એક વાત સમજવી રહી કે બાળકો પાસે મિત્રોના ઑપ્શન ઘણા છે. જો તમારે તેના મિત્રના લિસ્ટમાં પહેલું સ્થાન લેવું હશે તો પ્રયત્ન તમારે કરવા પડશે.’
સાઇકિયાટ્રિસ્ટની નજરે ફાધર-ડૉટરના સંબંધો
સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શ્યામ મિથિયા પાસેથી જાણીએ કે પિતા-પુત્રી વચ્ચે કઈ-કઈ બાબતોએ હેલ્ધી ડિસ્કશન્સ થવાં જરૂરી છે...
કમ્યુનિકેશન કોઈ પણ સંબંધને વધુ ને વધુ સ્ટ્રૉન્ગ બનાવવાની રીત છે. જ્યારે પિતા અને પુત્રીના સંબંધની વાત છે તો એમાં કમ્યુનિકેશન ઘણું ઓછું હોય છે, જે વધારવાની જરૂર છે. પહેલાં તો પિતાએ પુત્રીને નાનપણથી સાંભળવાની જરૂર છે. તેની કાલીઘેલી વાતોથી લઈને તેને નવી-નવી સમજણ જ્યારે ફૂટે ત્યાં સુધી તેને ધ્યાનથી સાંભળતી વ્યક્તિ પર તેને વિશ્વાસ બેસે છે.
સાંભળવાનું એકતરફી નથી હોતું, તેની કહેલી વાત પર તમે કયા પ્રકારનું રીઍક્શન આપો છો એ તેના માટે લર્નિંગ બને છે. તે કોઈ વાત કરે જે તમને ન ગમે તો તમે જ્યારે તેને કહેશો તો તેને સમજાશે પણ કે એ વાત ખોટી છે, આવું મારે ન કરવું જોઈએ.
જો દીકરીને કોઈ ગમતું હોય તો એ વ્યક્તિ વિશેની પૂરી ચર્ચા તેણે તેના પિતા સાથે કરવી જ જોઈએ. એ છોકરો કેવો છે, તેને એ શા માટે ગમે છે, તેનો પરિવાર કેવો છે, તે શું કામ કરે છે અને જીવનમાં શું કરવા માગે છે એ બધું તેણે પિતાને જણાવવું જોઈએ.
તે જ્યારે તમારી સાથે પોતાની તકલીફ શૅર કરે ત્યારે યોગ્ય-અયોગ્યનું ભાન આપીને જરૂરી એ છે કે શું કરવું એનો નિર્ણય તમે તેના પર છોડો. એ જરૂરી છે. નિર્ણય તમારો હશે તો તેને લાગશે કે મારા પર થોપી બેસાડે છે. જો તમે નિર્ણય તેના પર છોડશો તો એ જવાબદારી તેના પર આવશે અને તે સાચો નિર્ણય લેવા બાધ્ય બનશે.
આ સિવાય પોતે લગ્ન વિશે શું વિચારે છે અને પોતાનું ભવિષ્ય તે કેવું જોઈ રહી છે એ પણ સમજવું જોઈએ. આ સિવાય વર્કપ્લેસ પરની સેફ્ટી, પોતાને એક છોકરી હોવાને કારણે ભોગવવી પડતી હાલાકી આ બધી જ બાબતો તે પિતા સાથે ડિસ્કસ કરી શકે છે.
પિતાએ દીકરીને ઉંમરનું ભાન કરાવવું જરૂરી છે. કઈ ઉંમરે કેવા નિર્ણયો લઈ શકવા સક્ષમ છે, કઈ ઉંમરે કેટલી આઝાદી તેને મળવી જોઈએ એ સમજ તેને આપવી. આ ઉંમરે બાળકોને એવો ભ્રમ થાય છે કે તેમને બધી જ ખબર છે. પણ એવું નથી એનો અહેસાસ તેને તમારે પ્રેમથી કરાવવાનો છે. આમ તો આ દીકરા માટે પણ એટલું જ સત્ય છે.

