આપણે જેને બુદ્ધિ કહીએ છીએ એ બહુ વિચિત્ર વસ્તુ છે. માત્ર માણસના IQ પરથી તેની સફળતાનું કે પ્રગતિનું માપ કાઢી શકાતું નથી. ઓછા IQવાળી વ્યક્તિ વધારે IQવાળી વ્યક્તિ કરતાં તેના ક્ષેત્રમાં જ વધુ આગળ જઈ શકે છે.
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
આપણે જેને બુદ્ધિ કહીએ છીએ એ બહુ વિચિત્ર વસ્તુ છે. માત્ર માણસના IQ પરથી તેની સફળતાનું કે પ્રગતિનું માપ કાઢી શકાતું નથી. ઓછા IQવાળી વ્યક્તિ વધારે IQવાળી વ્યક્તિ કરતાં તેના ક્ષેત્રમાં જ વધુ આગળ જઈ શકે છે. નોબેલ પારિતોષિકવિજેતા રિચર્ડ ફ્રીમૅનનો IQ માત્ર ૧૨૪ હતો. તેમણે પોતાની પત્નીને કહ્યું હતું કે નોબેલ પારિતોષિક મેળવવું એ કોઈ ખાસ બાબત નથી, પણ ૧૨૪ IQ સાથે નોબેલ પારિતોષિક જીતવું એ ખરેખર ખાસ બાબત છે.
આપણે માનીએ છીએ કે જેમનો IQ ઊંચો હોય, યાદશક્તિ અસાધારણ હોય, દેખાવ સારો હોય, વાતચીત અને વર્તનમાં સ્માર્ટ (ચપળ) હોય એવા લોકો જ જીવનમાં આગળ વધી શકે છે. જોકે કેટલીક અસાધારણ વ્યક્તિઓના જીવનનો અભ્યાસ આપણી એ માન્યતાને ખોટી પાડે છે. આ સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન બચપણમાં સાવ સામાન્ય બુદ્ધિમત્તા ધરાવતા હતા. એડિસન એટલા ઠોઠ હતા કે શિક્ષકોએ કંટાળીને હાથ ધોઈ નાખ્યા હતા. ગમે એટલી મહેનત છતાં તેઓ વાંચતાં-લખતાં શીખી શક્યા નહોતા. તેમને વાંચતાં-લખતાં શીખવવાનું કામ શિક્ષકો કંટાળી ગયા પછી તેમનાં માતાએ કરવું પડ્યું હતું. આનો અર્થ એટલો જ છે કે ઠોઠ અને સામાન્ય હોવાની છાપ જેના પર લાગેલી હોય તેના માટે પણ સફળતાની ઘણી તકો હોય છે.
ADVERTISEMENT
કેટલાક લોકો ખૂબ જ હોશિયાર હોય છે, પરંતુ બચપણથી જ તેમની એટલી બધી આળપંપાળ કરવામાં આવે છે કે તેઓ પરાવલંબી બની જાય છે. પ્રશંસા વિના તેઓ પાંગરી શકતા નથી. જોકે જીવન એવું અટપટું છે કે તમારી પ્રશંસા કરવા કોઈ કાયમ નવરું હોતું નથી.
પરિણામે આવી વ્યક્તિઓ કાબેલિયત હોવા છતાં અકાળે કરમાઈ જાય છે. હોશિયાર અને બુદ્ધિશાળી વ્યક્તિ નિષ્ફળ જાય છે ત્યાં સામાન્ય વ્યક્તિ સફળ થાય છે એનાં ઘણાં કારણો છે. હોશિયાર વ્યક્તિ અહમથી પીડાતી હોય છે. કેટલીક હોશિયાર વ્યક્તિ તો પોતે સૌથી બુદ્ધિશાળી છે અને પોતાના જેવું કોઈ થઈ શકે જ નહીં એમ માનીને વર્તે છે. એને પરિણામે તેનું વર્તન બીજાને વાગે છે, લોકો તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને લોકોના સાથસહકાર વિના સફળતા મળી શકતી નથી; જ્યારે સામાન્ય બુદ્ધિની વ્યક્તિએ જીવનની શરૂઆતથી જ એટલી અવહેલના સહન કરી હોય છે કે ખોટો અહમ્ રાખવાનું તેને પોસાતું નથી. બીજાને પ્રિય થવાનું, બીજાને અનુરૂપ થઈને કામ કરવાનું, હળી-મળીને કામ કરવાનું તેણે શીખી લીધું હોય છે. તેની સફળતા કોઈને વાગતી નથી, બલ્કે તેની સફળતાથી બીજા માણસો ખુશ થતા હોય છે. આવા સફળ માણસોનો જીવનમંત્ર હોય છે, ‘I am, because we are’.
-હેમંત ઠક્કર