Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમારા ઑર્ડરથી અમારે ત્યાં નોકરીની તકો ખૂલશે એવું કેમ અમેરિકા અને યુરોપ જેવા દેશે તાતાને કહેવું પડ્યું?

તમારા ઑર્ડરથી અમારે ત્યાં નોકરીની તકો ખૂલશે એવું કેમ અમેરિકા અને યુરોપ જેવા દેશે તાતાને કહેવું પડ્યું?

Published : 26 February, 2023 01:45 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

ઍર ઇન્ડિયાએ કમર્શિયલ વિમાનો બનાવતી ઍરબસ અને બોઇંગ કંપનીને કુલ ૪૭૦ ઍરક્રાફ્ટ્સ બનાવવા માટે આશરે ૬.૪૦ લાખ કરોડ રૂપિયાનો ઑર્ડર આપ્યો છે એને પગલે એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં જાણે જીવ આવી ગયો છે. આ એક ઑર્ડર ઘણીબધી સંભાવનાઓ જગાવી રહ્યો છે, કેમ કે એનાથી..

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર



થોડા મહિનાઓ દરમ્યાન ભારતની સૌથી જૂની પણ ખોટ કરતી ઇન્ડિયન ઍરલાઇન્સ કંપની ઍર ઇન્ડિયાની ઘરવાપસી થઈ અને ભારતના મહાપનોતા પુત્ર તાતાએ જે એવિયેશન કંપની શરૂ કરી હતી એ ફરી તાતા જૂથે જ ખરીદી લીધી. હવે એમાં એક બીજા મોટા સમાચારનો ઉમેરો થયો છે. આ સમાચાર તો એટલા ફક્કડ છે કે વિશ્વ-લીડર ગણાતા અમેરિકાએ અને યુરોપ જેવા દેશે ભારત અને તાતાને આભાર કહેતાં મોઢામાં આંગળાં નાખીને કહેવું પડ્યું કે ‘તમે ઑર્ડર આપ્યો તેથી અમારે ત્યાં નોકરીની તકો ખૂલશે!’
વાત કંઈક એવી છે કે ઍર ઇન્ડિયાએ કમર્શિયલ વિમાનો બનાવતી કંપની ઍરબસ અને બોઇંગને અંદાજે ૬.૪૦ લાખ કરોડનો ઑર્ડર આપ્યો છે. આ ઑર્ડર ૪૭૦ બોઇંગ અને ઍરબસ ઍરક્રાફ્ટનો છે. ઊભા રહો, ઊભા રહો. હજી વાત અહીં પૂરી નથી થઈ. કંપનીએ કહ્યું છે કે આ ઑર્ડર ભવિષ્યમાં કુલ ૮૪૦ વિમાનો સુધી પહોંચી શકે છે. ગ્લોબલ એવિયેશનના ઇતિહાસમાં આ હમણાં સુધીનો સૌથી મોટો ઑર્ડર છે. મતલબ કે આટલાં બધાં વિમાનોનો એક ઑર્ડર આજસુધી કોઈ દેશે, કોઈ કંપનીએ, કોઈ દેશને, કોઈ કંપનીને આપ્યો નથી.
ઑર્ડર શું છે?


આપણે બધા એવિયેશન એક્સપર્ટ તો નથી, પરંતુ આ ઑર્ડર અને એનાં હવાઈ જહાજો વિશે સામાન્ય જાણકારી તો હોવી જોઈએ કે નહીં? તો આ ૪૭૦ ઍરક્રાફ્ટ્સમાં ૪૦૦ જહાજો સિંગલ ઑઇલ ઍરક્રાફ્ટ છે જે મહદંશે ડોમેસ્ટિક ટ્રાવેલ માટે ઉપયોગમાં આવે છે. આ ૪૦૦ ઍરક્રાફ્ટમાં ૧૪૦ A320neos છે, ૭૦ A321neos છે, ૧૯૦ બોઇંગ 737 MAXs છે અને ૭૦ વાઇડ બૉડી ઍરક્રાફ્ટ્સ છે. હવે આ ૭૦ વાઇડ બૉડી ઍરક્રાફ્ટ્સ મહદંશે ઇન્ટરનૅશનલ ટ્રાવેલ માટે વપરાતાં ઍરક્રાફ્ટ છે. એમાં ૩૪ A350-1000, ૨૦ બોઇંગ 787 ડ્રીમલાઇનર્સ, ૧૦ બોઇંગ 777-9 અને ૬ A350-900 છે. હવે ખરું પૂછો તો આ થોડી કોઈ કાર કે બાઇક છે કે આપણને આમ બધાં મૉડલનાં નામ અને નંબર જાણવામાં રસ હોય. જોકે થોડી જાણકારી રાખવી પડે ભૈસાબ, જેથી આવતી કાલે કોઈ નવતરો ગાળો ભાંડે ત્યારે થોડું કહેવા થાય.



હાલ ઍર ઇન્ડિયા પાસે લગભગ ૧૪૦ ઍરબસ અને બોઇંગ પ્લેન્સ છે જે ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફલાઇટ્સ માટે વપરાય છે. છેલ્લે આજથી ૧૭ વર્ષ પહેલાં ઍર ઇન્ડિયાએ કોઈ નવું જહાજ ખરીદ્યું હતું. ત્યાર બાદ એક પણ નવું વિમાન ઍર ઇન્ડિયામાં ખરીદાયું નથી. હવે જ્યારે આપણા જેવો સામાન્ય માણસ પાંચ વર્ષે ગાડી બદલી નાખવા વિચારતો હોય તો કંપની ૧૭ વર્ષ પછી નવાં જહાજો ખરીદવા વિચારે એમાં કંઈ જ ખોટું નથી. જોકે આ શોખ ખાતર કે લોકોને દેખાડવા માટે ખરીદી નથી થઈ રહી. ઍર ઇન્ડિયાએ આપેલો આટલો મોટો ઑર્ડર એ ભારતની ઍરલાઇન ઇન્ડસ્ટ્રીના રીએસ્ટૅબ્લિશમેન્ટની નિશાની છે. ઍર ઇન્ડિયા દેશની જ નહીં, વર્લ્ડ ક્લાસ ગ્લોબલ કરીઅર બનવા જઈ રહી છે. થોડી વિગતે વાત કરીએ તો મજા પડશે.
હેલ્લો, ઑર્ડર મિલા ક્યા? 
ઍરબસ A350 એક વાઇડ બૉડી પ્લેન છે જેનાં બે વેરિઅન્ટ છે : A350-900 અને A350-1000. ૩૦૦થી ૪૧૦ પૅસેન્જર્સને લઈને ઊડી શકતા આ વિમાનની કુલ ૪૮૦ માણસોને લઈને ઊડવાની ક્ષમતા છે અને ૧૮,૦૦૦ કિલોમીટર સુધી એ નૉન-સ્ટૉપ ઊડી શકે છે. રોલ્સ રૉયસ સાથે ટાઇ-અપ કરીને ઍરબસ દ્વારા બનાવવામાં આવેલા આ જહાજમાં ન્યુ જનરેશન એન્જિન છે જેમાં સરેરાશ ૨૫ ટકા ઈંધણ ઓછું વપરાય છે. 
A320neo અને A321neo - A320 ૬૩૦૦ કિલોમીટર સુધી ઊડી શકતું, જ્યારે A321 ૭૪૦૦ કિલોમીટર સુધી ઊડી શકતું જહાજ છે. આ જહાજ મોટા ભાગે ડોમેસ્ટિક ટ્રાવેલ માટે વપરાય છે. એમાં ૧૪૦થી ૧૭૦ જેટલા પ્રવાસીઓ સફર કરી શકે છે. એમાં ઈંધણનો વપરાશ સરેરાશ કરતાં ૨૦ ટકા ઓછો થાય છે. એટલું જ નહીં, એના એન્જિનનો અવાજ બીજાં જહાજો કરતાં આશરે ૫૦ ટકા જેટલો ઓછો છે. 
બોઇંગ 787 - ૨૦ આવાં જહાજો જે ટ્વિન એન્જિન જહાજો તરીકે ઓળખાય છે એનો ઑર્ડર અપાયો છે. ૫૭થી ૬૮ મીટર લાંબું આ જહાજ એકસાથે ૨૪૮થી ૩૩૬ પૅસેન્જર્સને લઈને ઊડી શકે છે અને એની ઉડાણ-ક્ષમતા ૧૧,૭૩૦ કિલોમીટરથી લઈને ૧૩,૫૩૦ કિલોમીટર સુધીની છે. એ મોટા ભાગે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ માટે વપરાશે.


B777-9 - આ એક એવું જહાજ છે જે કંપનીની ઑપરેટિંગ કૉસ્ટ ૧૦ ટકા સુધી ઘટાડી શકશે. ટ્વિન એન્જિન આ જહાજ ૭૬ મીટર લાંબું અને એકસાથે ૪૨૬ મુસાફરોને લઈને ઊડી શકે છે. ૧૩,૫૦૦ કિલોમીટર સુધી ઊડી શકતા આ જહાજની પાંખો ૭૧ મીટર છે. આવા જહાજને કારણે ઍર ઇન્ડિયા એના ટ્રાવેલર્સને લાંબી છતાં નૉન-સ્ટૉપ સફર ઑફર કરી શકશે.
B737 Max - આ બોઇંગનાં કુલ ચાર વેરિઅન્ટ એવાં ૧૯૦ પ્લેન્સનો ઑર્ડર અપાયો છે. ૨૩૦ પ્રવાસીઓને લઈને ઊડી શકતું આ જહાજ સરેરાશ ૬૫૦૦ કિલોમીટર સુધી ઊડી શકે છે. આ પ્રકારના જહાજને કારણે આશરે ૨૦ ટકા જેટલું ઈંધણ અને ૫૦ ટકા જેટલું પ્રદૂષણ ઘટશે. 

ભારત ક્યારે આવશે? 
ઍરબસ કમર્શિયલ અને ફાઇટર પ્લેન બનાવતી એક યુરોપિયન કંપની છે, જ્યારે બોઇંગ એક અમેરિકન કંપની છે. આ બંને કંપની મળીને ઍર ઇન્ડિયાએ હાલ કુલ ૪૭૦ હવાઈ જહાજોનો ઑર્ડર આપ્યો છે. એ માટે ઍર ઇન્ડિયાએ આપેલી વિગતો અનુસાર આ વર્ષના અંત સુધીમાં બંને કંપનીઓ તરફથી ઑર્ડરનો પહેલો લૉટ આવી જશે અને ઍર ઇન્ડિયા એની સાથેની ઉડાન સર્વિસ શરૂ પણ કરી દેશે. ત્યાર બાદ ૨૦૨૫માં ઑર્ડરનો બીજો લૉટ આવશે અને ત્યાર બાદ ડિલિવરી વધુ ઝડપી કરવાનો બંને કંપનીઓ પ્રયત્ન કરશે અને ત્રીજો લૉટ આશરે ૨૦૨૬ સુધીમાં ભારત પહોંચી જશે.


આ ઑર્ડરનો મતલબ શું છે?
એક જમાનામાં પોતાની સર્વિસ અને હૉસ્પિટૅલિટી માટે જાણીતી બનેલી ઍર ઇન્ડિયાને ૯૦ના દાયકાથી ૨૦૦૦ના દસકા દરમિયાન મોટી આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. એને કારણે એનું બ્રૅન્ડનેમ લગભગ તળિયે પહોંચી ગયું હતું. ૨૦૨૨માં પોતાની જ કંપની સરકાર પાસેથી પાછી મળી હોવાથી તાતા હવે એની બ્રૅન્ડ-ઇમેજ ફરી પહેલાં જેવી બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. ઍર ઇન્ડિયા હાલ એક જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશનમાંથી પસાર થઈ રહી છે. કસ્ટમર સર્વિસ, સેફ્ટી, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગથી લઈને નેટવર્ક અને હ્યુમન રિસોર્સ સુધીની દરેક બાબતે બદલાઈ રહેલી ઍર ઇન્ડિયા આ નવા ઍરક્રાફ્ટ્સને કારણે ફરી મૉડર્નાઇઝેશનને પામશે. કંપનીનું કહેવું છે કે આ નવાં જહાજો કંપનીની ૩૫ ટકા જેટલી ઑપરેટિંગ કૉસ્ટ ઘટાડી શકશે અને જહાજોને કારણે સર્જાતા પ્રદૂષણમાં ૩૮ ટકાનો ઘટાડો કરી શકશે. 

૧૯૩૨માં સ્થપાયેલી આ કંપની ૨૦૨૨ની સાલમાં ૨.૪ બિલ્યન ડૉલર ખર્ચીને તાતાએ ફરી પોતાના હસ્તક લીધી છે. ઇન્ટરનૅશનલ ઍર કૅરિયરની બાબતમાં ઍર ઇન્ડિયા આજે પણ ભારતની સૌથી મોટી કંપની છે, પરંતુ ડોમેસ્ટિક એવિયેશન માર્કેટમાં ઍર ઇન્ડિયા પોતાનો માર્કેટશૅર ગુમાવી ચૂકી છે. ગયા સપ્ટેમ્બર મહિના સુધી ઍર ઇન્ડિયાનો ડોમેસ્ટિક માર્કેટશૅર માત્ર ૮.૬ ટકા હતો જે હાલ નહીંવત્ વધીને ૯.૨ ટકા જેટલો થયો છે. હવે કંપની લક્ષ્ય મૂકી રહી છે કે ૨૦૨૭ સુધીમાં કંપનીને ૩૦ ટકા ડોમેસ્ટિક માર્કેટશૅર સુધી લઈ જવી છે. વિશ્વમાં ત્રીજી સૌથી મોટી ઍરલાઇન ગણાતી ઍર ઇન્ડિયા એની ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ અને રૂટ વધારવા ચાહે છે અને આ ઑર્ડર પછી તે આખા વિશ્વની સૌથી મોટી ઍરલાઇન કંપની બની જશે.
ઑર્ડર પાછળનું જિયોપૉલિટિક્સ 

કોરોનાકાળ પછી ફરી રોજિંદી જિંદગી તરફ વળેલા ભારતમાં ઍર ટ્રાવેલ અને એને કારણે ઍર ટ્રાફિકમાં જબરદસ્ત મોટો ઉછાળો જોવા મળ્યો. કબૂલ કે આ ઉછાળો કાયમ નહીં રહે અને સમય વીતતાં ફરી એના મૂળ સ્વરૂપે આવી જશે. જોકે આ ઉછાળાએ ભારતની ક્ષમતા અને શક્યતા ઉજાગર કરી નાખી છે. આ ઑર્ડર સાથે બીજાં પણ કેટલાંક તથ્યો અને તર્કો જોડાયેલાં છે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની શકલ-ઓ-સૂરત બદલી શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતના સ્થાન અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારતના મહત્ત્વ બાબતે ઍર ઇન્ડિયાના માલિક તાતા અને કેન્દ્ર સરકાર બંને હમણાં સાથે મળી કામ કરી રહ્યા છે. આ ઑર્ડર કે ડીલ માત્ર એવિયેશનની ડીલ નથી. આ એક ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ સ્ટ્રૅટેજિક ગેમપ્લાન પણ છે. ભારતે એની મિડલ ક્લાસ જનતાની કાબેલિયત ઓળખી લીધી છે અને હવે એ કાબેલિયતને દેશના વિકાસ માટે કામમાં લેવાઈ રહી છે. આ સ્ટ્રૅટેજી ચાઇનાએ પોતાના દેશમાં વર્ષો પહેલાં અપનાવી લીધી હતી. કંઈક એ રીતે કહી શકાય કે કંપની અને સરકારને ખબર પડી કે તમે હવાઈ જહાજની ઉડાન કરી શકો છો. આથી તેમણે તમને વધુ સેવા અને આધુનિક જહાજો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફૅસિલિટી વગેરે આપીને વધુ ઉડાનો કરવા માટે પ્રેર્યા. એને કારણે ખર્ચ, આવક અને ડેવલપમેન્ટ બધું જ વધે અને સરવાળે અર્થતંત્ર અને દેશને ફાયદો થાય.

બીજું, ઍર ઇન્ડિયાએ એનો ઑર્ડર બે હરીફ કંપનીઓ વચ્ચે સ્પ્લિટ કરી નાખ્યો જેથી ક્વૉલિટી અને સર્વિસ તો ઉત્તમ મળે જ, સાથે જ બંને દેશો સાથેના રાજકારણી સંબંધો પણ વધુ ગહેરા બનાવી શકાય. હમણાં રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અને ત્યાર બાદ રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ લેવાને કારણે ભારત વિશે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઘણા વિવાદો અને વિધાનો થયાં હતાં. આ ટ્રેડ-ડીલ દ્વારા ભારતે જણાવી દીધું છે કે પોતાના દેશને ફાયદો થતો હોય તો અમને કોઈ પણ દેશ સાથે વ્યાપાર-ધંધો કરવામાં વાંધો નથી. શરત માત્ર એટલી છે કે એનો ફાયદો ભારતને મળતો હોવો જોઈએ. અમે રશિયા પાસેથી સસ્તા દરનું તેલ ખરીદ્યું, કારણ કે તેથી દેશને ફાયદો થતો હતો. એવું નથી કે આપણે રશિયાના પક્ષમાં બેસી ગયા છીએ અને હવે આટલો મોટો ઍરક્રાફ્ટનો ઑર્ડર અમેરિકા અને યુરોપના દેશોને આપીને ફરી વિશ્વને એ જણાવ્યું છે કે ભારતના ફાયદાથી વિશેષ બીજું કંઈ જ મહત્ત્વનું નથી. તો વળી રશિયા પાસેથી તેલ ખરીદીને અને અમેરિકા-યુરોપને ઍરક્રાફ્ટનો ઑર્ડર આપી ઇન્ટરકન્ટ્રી રિલેશન અને પૉલિટિક્સ પણ બૅલૅન્સ કરી લીધું. 
ત્રીજું, આટલાં બધાં વિમાનો ખરીદીને ભારત સરળતાથી હવે બીજા દેશો સુધી ભારત અને ભારતના લોકોને પહોંચાડી શકશે. એને કારણે વેપાર વધશે, મુલાકાતો વધશે, ટૂરિઝમ અને ઇન્ટરકન્ટ્રી રિલેશનની સાથે બાયલેટરલ ટ્રેડ્સ પણ વધશે.

ચોથું, અમેરિકા અને યુરોપના દેશોમાં આ ઑર્ડર દ્વારા નોકરીની તકો વધારીને હાલના આર્થિક મંદી અને ઊંચા મોંઘવારીના દરોના સમયમાં આ દેશોને પોતાનાં અહેસાનો તળે દબાવવાની એક ખૂબ સારી તક આ રીતે ઝડપી લેવામાં આવી છે. એને કારણે અમેરિકી પ્રમુખ બાઇડને આંતરરાષ્ટ્રીય ફોરમ પર આવીને કહેવું પડ્યું કે ભારતની કંપની ઍર ઇન્ડિયા દ્વારા અપાયેલા ઑર્ડરને કારણે અમારાં ૪૪ સ્ટેટ્સના એક મિલ્યન લોકોને નોકરી મળશે, જ્યારે યુરોપે કહેવું પડ્યું કે ઍર ઇન્ડિયનો ઑર્ડર મતલબ ઍરબસ અને રોલ્સ રૉયસની બિલ્યન્સ ઑફ ડૉલરની આવક. આટલો મોટો ઑર્ડર અને આટલી મોટી આવકનો અર્થ છે હજારો નોકરીની નવી તકોનું ખૂલવું. આ સિવાય આપણા દેશમાં હજારો નોકરીની તકો ખૂલશે એ તો મોટો ફાયદો ખરો જ. વળી આ ડીલ એ સમયે થઈ છે જ્યારે ભારત G20ની પ્રેસિડન્સી કરી રહ્યું છે. એનો અર્થ છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની સ્ટ્રૅટેજિક વૅલ્યુ અને સ્ટ્રૅટેજિક ઇમ્પોર્ટન્સમાં જબરદસ્ત મોટો વધારો. 
ભારતની એવિયેશન માર્કેટની કૅપેસિટી અને કાબેલિયત કેટલી છે એ હવે વિશ્વ આખાને સમજાઈ ચૂકી છે. પ્રશ્ન છે ભારતની એવિયેશન ઇન્ડસ્ટ્રી હજી કયા સ્તરે પહોંચી શકે છે? આજે પણ આપણા દેશમાં હજી ઍરપ્લેનના પ્રોડક્શન ક્ષેત્રે કોઈ કામ નથી થયું. ધારો કે ભારતમાં હવાઈ જહાજો બનાવ માંડે અને ભારત આ ક્ષેત્રે પણ આત્મનિર્ભર બને તો કેટલી મોટી સિદ્ધિ હાંસલ કરી શકે. જોકે હાલનું યુવાન ભારત એ સ્વીકારે છે કે હજી ઘણુંબધું કરવાનું બાકી છે અને હજી ઘણુંબધું થઈ શકે છે. તેથી જ આવતી કાલે ભારત હવાઈ જહાજના ઉત્પાદન બાબતે પણ આત્મનિર્ભર બની જાય તો નવાઈ નહીં. ભારત હવે સાચે જ મોટી ઉડાન ભરી રહ્યું છે. જાણે વિશ્વ આખાને કહેતું હોય : ઉડનખટોલે મેં ઉડ જાઉં... તેરે હાથ ન આઉં...

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2023 01:45 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK