‘સ્લમડૉગ મિલ્યનેર’ ફિલ્મ લોકપ્રિય થયા પછી વિદેશી ટૂરિસ્ટો માટે ધારાવીની ઝૂંપડપટ્ટી એક આગવું આકર્ષણ બની રહી છે.
ચલ મન મુંબઈનગરી
ધારાવીનો માઇલ સ્ટોન, મુંબઈના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન અને ધારાવીની ઝૂંપડપટ્ટીનો એક ભાગ.
આજે આપણા દેશમાં જે કાંઈ ખરાબ છે, ઓછું કે અધૂરું છે એના અપયશનો ટોપલો અંગ્રેજ હકૂમતને શિરે ઢોળી દેવાનું આપણને ગમે છે, ફાવે છે. બીજી ઘણી બાબતોમાં આ વાત સાચી ન હોય તોય એક જમાનામાં દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનું ‘માન’ મેળવનાર ધારાવીની ઝૂંપડપટ્ટી માટે તો એ સાચું છે. મુંબઈની આ પહેલવહેલી ઝૂંપડપટ્ટી ઊભી કરવાનું ‘માન’ એ વખતની અંગ્રેજ સરકારને જાય છે. એક જમાનામાં તળ મુંબઈમાં ધુમાડાનો ત્રાસ બહુ વધી ગયો હતો. એ વખતે ‘પર્યાવરણ’ કે ‘પ્રદૂષણ’ જેવા શબ્દો તો કોઈએ સાંભળ્યા પણ નહોતા. પણ એ વખતની સરકારને એટલી તો ખબર પડતી હતી કે શહેરમાં આખો દિવસ ધુમાડાનાં વાદળ ફેલાયેલાં રહે એ કાંઈ સારું નહીં. ક્યાંથી આવે છે એ ધુમાડો? શહેરમાં ઠેર ઠેર કુંભારો માટીનાં વાસણ નિભાડામાં પકવે છે. ચમારો રોજેરોજ ભઠ્ઠીઓમાં ચામડાં પકવે છે. આ બન્ને કામ માટે વપરાય છે લાકડાં. અને આ નિભાડા, આ ભઠ્ઠીઓ આખો દિવસ ઓકતી રહે છે ધુમાડો.