પણ બેસનમાં એવું તે શું છે જેને પગલે એ વર્ષોથી બ્યુટી સીક્રેટ તરીકે વપરાતું આવ્યું છે?
બ્યુટી ઍન્ડ કૅર
પ્રતીકાત્મક તસવીર
સૌંદર્ય સંબંધી ઘરેલુ નુસખાઓની વાત આવે એટલે બેસનની વાત આવે જ આવે. ફલાણા સાથે બેસન મેળવો તો ટૅનિંગ દૂર થાય, ફલાણા સાથે બેસન મેળવો તો રુવાંટી ઓછી થાય વગેરે-વગેરે. પણ બેસનમાં એવું તે શું છે જેને પગલે એ વર્ષોથી બ્યુટી સીક્રેટ તરીકે વપરાતું આવ્યું છે? ચાલો આજે બેસનના ગુણો અને એમાં રહેલાં તત્ત્વોની વાત કરીને સમજીએ...
એમાં ફ્લોરિક ઍસિડ પણ રહેલું છે, જે ત્વચામાં અંદર સુધી ઊતરી રોમછિદ્રોને ખોલવાનું તથા બ્લૅકહેડ્સ અને વાઇટહેડ્સને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ADVERTISEMENT
ભારતીય રસોડું સૌંદર્ય સામગ્રીઓની ખાણ છે. ત્વચા અને વાળને લગતી લગભગ એક પણ સમસ્યા એવી નથી જેનો ઇલાજ આપણા રસોડામાં નથી. આમ આપણું રસોડું માત્ર આપણને અંદરથી સ્વસ્થ જ નથી બનાવતું, પરંતુ બહારથી સુંદર બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. વિશ્વાસ નથી થતો? તો બેસનનું જ ઉદાહરણ લઈ લો. ત્વચાની ડ્રાયનેસ દૂર કરવી હોય કે ઑૅઇલી સ્કિન પરથી વધારાનું તેલ દૂર કરવું હોય, ટીનએજનાં વર્ષોમાં ખીલની સમસ્યા સતાવતી હોય કે પછી મેનોપૉઝનાં વર્ષોમાં પિગ્મેન્ટેશનનો સામનો કરવો પડતો હોય, ત્વચાને લગતી લગભગ બધી જ પરેશાનીઓના ઇલાજ માટે આપણાં દાદી-નાની બેસનના ઉપયોગની સલાહ આપતાં રહે છે. અરે! નવજાત શિશુના શરીર પરની વધારાની રુવાંટી દૂર કરવા માટેથી લઈ નવવધૂ બનવા જઈ રહેલી યુવતીના સૌંદર્ય નિખાર માટે બનાવાતા ઉબટનમાં પણ હંમેશાંથી બેસનનો ઉપયોગ થતો આવ્યો છે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે એવું તે શું છે બેસનમાં જે કોઈ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર પ્લેયરની જેમ આપણી બધી જ સૌંદર્ય સમસ્યાઓના ઇલાજમાં એ ઑલરાઉન્ડરની ભૂમિકા ભજવી શકે છે?
આ પ્રશ્નનો જવાબ આપતાં અંધેરીની ક્રિટી કૅર હૉસ્પિટલનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘બેસનમાં મૂળ આલ્કલાઇન પ્રૉપર્ટી રહેલી છે, જે ત્વચાના પીએચ લેવલને બૅલૅન્સ કરવાનું કામ કરે છે. સાથે જ એમાં ફ્લોરિક ઍસિડ પણ રહેલું છે, જે ત્વચામાં અંદર સુધી ઊતરી રોમછિદ્રોને ખોલવાનું તથા બ્લૅકહેડ્સ અને વાઇટહેડ્સને દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત બેસનમાં ઝિન્ક પણ વિપુલ માત્રામાં હોવાથી ખીલમાં પરિણમતા ઇન્ફેક્શન સામે એ લડવાનું કામ પણ કરે છે. સાથે જ બેસન આપણા કિચનનું એક એવું ઇન્ગ્રીડિયન્ટ છે, જેનાથી મહદ્ અંશે કોઈને ઍલર્જી થતી નથી. આ જ કારણ છે કે ત્વચાની સમસ્યાઓમાં હંમેશાંથી મુખ્ય સામગ્રીની ભૂમિકા ભજવતું આવ્યું છે.’
યોગિતા ગોરડિયા
અહીં ડૉ. ગોરડિયાની વાતને વધુ વિસ્તારપૂર્વક સમજાવતાં બાંદરાના ક્યુટિસ સ્કિન ક્લિનિકના ડર્મેટોલૉજિસ્ટ ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘વાસ્તવમાં બેસનથી કોઈ ને કોઈ પણ પ્રકારની સ્કિન ઍલર્જી થતી નથી, કારણ કે ચણાની દાળને પીસીને બનાવાતા આ લોટના પ્રત્યેક પાર્ટિકલ ગોળાકાર હોય છે, પરિણામે બેસનને જ્યારે આપણે ચહેરા કે શરીર પર સ્ક્રબ તરીકે વાપરીએ છીએ ત્યારે એ ત્વચાને ઇરિટેટ નથી કરતું બલકે સરસ રીતે ત્વચાના મૃત કોષોને એક્સફોલિયેટ કરી આપણને સુંવાળી અને ચમકદાર ત્વચા આપે છે. બીજું, સ્વભાવે આ લોટ ચીકણો હોવાથી એની બાઇન્ડિંગ પ્રૉપર્ટી ખૂબ સારી છે. બદામનો પાઉડર, ઓટ્સનો પાઉડર, સંતરાની છાલનો પાઉડર, ચોખાનો લોટ, હળદર, દહીં, મધ તથા લીંબુ જેવી અઢળક સામગ્રીઓ સાથે એને મિક્સ કરી શકાય છે. બેસનનો આ જ ગુણ એને દરેક પ્રકારના પૅકમાં બેસિક ઇન્ગ્રીડિયન્ટની ભૂમિકા ભજવવામાં સહાયક બને છે.’
વળી બેસન એક એવી સામગ્રી છે જે બધે જ, બધાને જ સરળતાથી મળી જાય છે. બજારમાં મળતાં મોંઘાદાટ ક્રીમ, લોશન તથા સિરમ વગેરેની સરખામણીમાં એ સાવ સસ્તું છે અને એની અસરકારકતા પૌરાણિક કાળથી વખણાતી આવી છે.
બેસનના આટલા બ્યુટી-પ્રયોગો કરી શકાય
ડૉ. અપ્રતિમ ગોયલ અનેક ત્વચાની કેટલીક સામાન્ય સમસ્યાઓ માટે બેસનનો નીચે મુજબ ઉપયોગ કરવાની સલાહ આપે છે.
ખીલ માટે : ૨ ચમચી બેસન, ૨ ચમચી ચંદન પાઉડર અથવા સંતરાની છાલનો પાઉડર, ૧ ચમચી લીંબુનો રસ અને ચપટી હળદર મિક્સ કરી પેસ્ટ બનાવો. ચહેરા પર લગાડી ૧૦ મિનિટ બાદ હૂંફાળા પાણીથી ધોઈ નાખો.
ડ્રાયનેસ દૂર કરવા : ૨ ચમચી બેસન, ૨ ચમચી ઓટ્સનો પાઉડર, ૨ ચમચી બદામનું દૂધ અથવા સોય મિલ્ક મિક્સ કરી પૅક બનાવો. ચહેરા પર લગાડો. સુકાઈ જાય એટલે ધોઈ નાખો.
તૈલી ત્વચા માટે : ૨ ચમચી બેસનમાં ગુલાબજળ નાખીને બનાવેલો આ પૅક ત્વચા પરથી વધારાનું તેલ ઍબ્સૉર્બ કરી લેવાનું કામ કરે છે.
ફેસ સ્ક્રબઃ ૨ ચમચી બેસન, ૧ ચમચી ઓટ્સનો પાઉડર, ૨ ચમચી કૉર્નફ્લોર અને દૂધ મિક્સ કરી ચહેરા પર લગાડો. સુકાઈ જાય એટલે ગોળાકારે સ્ક્રબ કરી પૅક કાઢી નાખો અને પાણીથી મોઢું ધોઈ નાખો.
બૉડી સ્ક્રબઃ પાકેલું પપૈયું, ૪-૫ ચમચી બેસન, ૨ ચમચી કૉફીનો પાઉડર મિક્સ કરી શરીર પર ઘસવાથી મૃત કોષો દૂર થાય છે.
નવજાત બાળક માટેઃ ૨ ચમચી બેસન, ૧ ચમચી આંબા-હળદરનો પાઉડર અને મલાઈ મિક્સ કરીને બનાવવામાં આવેલા ઉબટનથી બાળકને નવડાવવાથી તેના શરીર પરની વધારાની રુવાંટી દૂર થાય છે.
બ્રાઇડ માટેઃ ૩ ચમચી બેસન, ૩ ચમચી ઘઉંનો જાડો લોટ, ૧ ચમચી રાઈનું તેલ અને થોડી હળદર નાખીને બનાવવામાં આવેલું ઉબટન ટૅનિંગ દૂર કરી ત્વચા પર નિખાર લાવે છે.
બેસનથી કોઈ પણ પ્રકારની સ્કિન ઍલર્જી થતી નથી, કારણ કે આ લોટના પાર્ટિકલ ગોળાકાર હોય છે, પરિણામે જ્યારે બેસનને ત્વચા સ્ક્રબ તરીકે વાપરીએ ત્યારે એ ત્વચાને ઇરિટેટ નથી
ડૉ. અપ્રતિમ ગોયલ, ડર્મેટોલૉજિસ્ટ