બન્ને કિસ્સા ગુજરાતના છે, પણ અહીં વાત જ્યૉગ્રોફીની નથી, વાત ભાવનાઓની, લાગણીઓની છે.
પ્રતીકાત્મક તસવીર
બન્ને કિસ્સા ગુજરાતના છે, પણ અહીં વાત જ્યૉગ્રોફીની નથી, વાત ભાવનાઓની, લાગણીઓની છે. એક ઘટના ગઈ કાલે સુરતમાં બની. એક કારચાલકે રોડ ક્રૉસ કરીને જતા સ્ટુડન્ટને તેના સ્કૂટર સાથે ઉછાળ્યો. ઍક્સિડન્ટની ભયાનકતા જુઓ. સ્કૂટર સાથે એ સ્ટુડન્ટ હવામાં ૧૨ ફુટ ઊડ્યો અને છેક ૩૦ ફુટ દૂર પડ્યો. કહેવાની જરૂર ખરી કે એ સ્ટુડન્ટનું મૃત્યુ થયું. બીજી ઘટના અમદાવાદની છે અને પાંચેક દિવસ પહેલાંની છે. પોતાની ફિયાન્સી સાથે બહાર ગયેલા એક યુવકને બસે પાછળથી ઠોકર મારી. એ યુવકે બાઇક કન્ટ્રોલ કરવાની બહુ કોશિશ કરી, પણ તેનાથી કન્ટ્રોલ થઈ નહીં. વિધિની વક્રતા જુઓ, સાથે રહેલી ફિયાન્સી એવી રીતે પડી કે તે રોડની સાઇડ પર રહી ગઈ અને તેની આંખ સામે બસ તેના ફિયાન્સે પર ચડી ગઈ અને પેલો યુવક કચડાઈ ગયો.
ઍક્સિડન્ટ એ કોઈ ઘટના નથી પીડા છે, વેદના છે અને એનો અનુભવ એ જ કરી શકે જેના પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું હોય. આપણે ત્યાં ઍક્સિડન્ટની ઘટનાઓ પુષ્કળ બનવા માંડી છે. હાઇવે પર થતા ઍક્સિડન્ટ માટે તો તમે હાઇવે કે સ્પીડને કારણભૂત ગણાવી શકો, પણ શહેરમાં થતા, હજાર લોકોની જે રસ્તા પરથી દરરોજ અવરજવર થાય છે એ જગ્યાએ થતા ઍક્સિડન્ટને તમે કોઈ કાળે અવગણી ન શકો અને અવગણવા પણ ન જોઈએ. એને માટે જે પ્રકારના નિયમ બનાવવા જોઈએ એ બનાવવા જ જોઈએ અને એને માટે એ કાયદા બનાવવા પડે એમ હોય તો એ પણ બનાવવા જ રહ્યા. બહુ વખતથી આ વાત થતી આવી છે એટલે કશું નવું નથી, પણ સાહેબ, તમે જાગો નહીં એ કેવી રીતે ચાલી શકે? થોડા સમય પહેલાં ગુજરાતમાં રખડતા ઢોરના મુદ્દે કાગારોળ મચી હતી અને એની સાથોસાથ એ વાત પણ જાગી હતી કે કૉર્પોરેશન કેમ જવાબદારીપૂર્વક વર્તતું નથી? ગુજરાત હાઈ કોર્ટ પણ આ બાબતમાં અનેક વખત ગુજરાત સરકાર અને ગુજરાતની મ્યુનિસિપલ કૉર્પોરેશનને ઠમઠોરી ચૂકી છે, પણ પરિણામ કંઈ આવ્યું નથી.
શું આ દેશના અધિકારીઓને કોર્ટની પણ ચિંતા નથી કે પછી તેમને ખાતરી છે કે તેમને ક્યારેય સજા થવાની નથી? શું આ દેશના અધિકારીઓને વિશ્વાસ છે કે તેઓ જેકંઈ કરે, તેનો વાળ વાંકો થવાનો નથી કે આ દેશના અધિકારીઓ એવું ધારે છે કે તેઓ કાયદા કરતાં પણ વધારે લાંબા હાથ ધરાવે છે? જરા જઈને જુઓ યુરોપ, અમેરિકા અને કૅનેડા જેવા દેશોમાં. ટ્રાફિકના નિયમોનું કયા સ્તરે પાલન થાય છે. જઈને જુઓ એકચક્રી શાસન ધરાવતા દુબઈ અને અબુધાબીમાં, તમને દેખાશે કે નાનાં વાહનોની કયા સ્તરે કદર કરવામાં આવે છે અને પગપાળા ચાલનારાઓને કેવું માન આપવામાં આવે છે? નરી આંખે દેખાશે કે ચાલનારો ખોટી રીતે ચાલતો હોય, નિયમ તોડીને પણ આગળ વધતો હોય તો પણ વાહનચાલક ૧૦ ફુટ દૂર પોતાનું વાહન ઊભું રાખી દે અને વાહન ઊભું રાખ્યા પછી પણ તેના ચહેરા પર તિરસ્કાર ન હોય, સ્માઇલ સાથે તે તેમને પસાર થઈ જવાનું માન આપે. ભારતમાં આવું ક્યારે જોવા મળશે?