શિક્ષિત હોવા છતાં લોકો બેરોજગારીનો ભોગ બની રહ્યા છે.
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
બેરોજગારીનો સંબંધ સરળ શબ્દોમાં કરીએ તો કામ અથવા રોજગારના અભાવ સાથે છે. આજે આપણા ભારત દેશમાં શિક્ષિત બેરોજગારીના પ્રશ્નો દિવસે-દિવસે વધતા જાય છે. સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે તેઓ આ વિશે વિચારીને પગલાં ભરી રહી છે, તો પણ આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ કેમ વધતું જોવા મળે છે?
વધતી મોંઘવારીમાં લોકો પાસે જે જૉબ છે એ પણ છીનવાઈ રહી છે. ફાઇનૅન્શિયલ ઇયર એન્ડિંગ એવા માર્ચ મહિનામાં પણ આ સમસ્યા વધતી જઈ રહી છે કે ઘણી બધી નાની-મોટી કંપનીઓએ પોતાનું કામકાજ અચાનક બંધ કરવાનું જાહેર કરી તેમના એમ્પ્લૉઇઝને બે મહિનાની સૅલેરી આપી રિઝાઇન લેટર પર સાઇન કરાવી લે છે, જેના લીધે એમ્પ્લૉઇઝ ખૂબ જ ડિપ્રેશનમાં આવી જાય છે, કારણ કે જીવન જરૂરિયાત તેમ જ ઘરની નાની-મોટી જરૂરિયાત માટે ઈએમઆઇ પર જીવતા હોય છે, તો પછી આનું નિરાકરણ શું?, તો આ કંપનીમાં કામ કરનારા હજારો કર્મચારીઓના ભવિષ્યનું શું? એક બાજુ તમે જૉબ ઑપર્ચ્યુનિટી ઊભી નથી કરતા અને બીજી બાજુ આવી રીતે કંપનીઓ બંધ થાય તો બેરોજગારીની સંખ્યા તો વધવાની જ છેને. એવું નથી કે લોકો પાસે ડિગ્રી નથી, આવડત નથી કે પછી મહેનત નથી કરતા, પરંતુ વધતી જતી મોંઘવારી અને બંધ થતી કંપનીઓના લીધે લોકોમાં સંતાપ પણ વધતો જાય છે. શિક્ષિત હોવા છતાં લોકો બેરોજગારીનો ભોગ બની રહ્યા છે. કેટલાક કિસ્સામાં વિકાસ અને રોજગારીની અછતને લીધે ડૉક્ટર, એન્જિનિયર, ટીચર જેવા ડિગ્રીધારકો દેશમાં યોગ્ય કામ ન મળતાં વિદેશ જઈ સેટલ થવું પસંદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
હું માનું છું કે સરકારે ખરેખર આવી બધી પ્રાઇવેટ કંપનીઓ માટેના અમુક ફરજિયાત કાયદાઓ ઘડવાની જરૂર છે, જેને કારણે આ પ્રાઇવેટ કંપનીઓ જે પણ કંપની ખોલે છે અને કંપનીમાં અપૉઇન્ટ કરાયેલ દરેક એમ્પ્લૉઇઝના ભવિષ્યનો વિચાર કરી, જો ક્યારેક કંપની બંધ કરવી પડે તો બૅકઅપ પ્લાન સાથેની યોજનાઓ હોવી જોઈએ, એવા સરકારે અમુક સખત કાયદાઓ ઘડવાની જરૂર છે. મોટી કંપનીઓ વર્ચસ ધરાવી સરકાર પાસેથી પોતાને લાગતી વળગતી સુવિધાઓ અને કાયદાઓ પોતાના ફેવરમાં કરાવી લે છે, પણ નાની કંપનીઓ, નાના ઉદ્યોગોને સરકાર તરફથી કોઈ પ્રકારની આર્થિક સહકાર નથી કે નાના વ્યવસાય શાંતિપૂર્વક ચલાવી શકે, એમાં કામ કરતા વર્કર્સને યોગ્ય સંતોષકારક વળતર તેમ જ ભવિષ્યની બાંયધરી આપી શકે.
શબ્દાંકન : ભાવિની લોડાયા
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)