હું અને હિન્દી ટાઇટલ. ઘણાએ એવું ધારી લીધું કે સંજય ગોરડિયા હિન્દી નાટક બનાવે છે એટલે આ પણ એવું જ હિન્દી નાટક હશે. જોકે નાટક તો આપણું ગુજરાતી જ હતું, જે વાત બધા સુધી પહોંચવામાં થોડી વાર લાગી
જે જીવ્યું એ લખ્યું
સામાન્ય રીતે રિહર્સલ્સ યાદગાર હોય, બહુબધી હસીમજાક થતી હોય અને ધમાલમસ્તી ચાલતી હોય; પણ ‘જાદુ તેરી નઝર’નાં રિહર્સલ્સ એ બધાથી સાવ વિપરીત હતાં. એ રિહર્સલ્સમાં મોટા ભાગનો સમય અમારે અમારા હીરો અલીરઝા નામદારની રાહ જોવામાં જ કાઢવો પડ્યો હતો.
મરાઠી નાટક ‘જાદુ તેરી નઝર’ મ્યુઝિકલ હતું એ તો ગયા સોમવારે કહ્યું અને સાથોસાથ સભાગૃહ અને ઑડિટોરિયમની વચ્ચેના ફરકની પણ આપણે વાત કરી. મરાઠી નાટકમાં રેકૉર્ડેડ સૉન્ગ હતાં, જેને અમારે ગુજરાતીમાં પણ લાવવાનાં હતાં. અગાઉ પણ અમે ગીતો સાથે નાટક કર્યાં જ હતાં તો ‘જલસા કરો જયંતીલાલ’નાં ગીતોની અમે ઑડિયો કૅસેટ પણ બહાર પાડી હતી એ પણ તમને કહ્યું છે. ‘જાદુ તેરી નઝર’માં અમે શું કરી શકીએ એનો વિચાર કરતાં-કરતાં સૂઝ્યું કે હવે કંઈક નવું કરીએ અને આ નવું કરવાની ભાવના સાથે જ મનમાં આવ્યું કે આપણે મરાઠી નાટકમાં જ જેમણે મ્યુઝિક આપ્યું છે એ અશોક પત્કીને મ્યુઝિક માટે લાવીએ. મિત્રો, આ અશોક પત્કી મરાઠી રંગભૂમિ-ફિલ્મ અને ટીવી કમર્શિયલની દુનિયાનું બહુ મોટું નામ.
અમે અશોક પત્કીને મળ્યા. અમારું બહુ મન હતું કે તેઓ જ ગુજરાતીનું મ્યુઝિક કરે, પણ પૈસામાં મેં થોડી રકઝક કરી એટલે તેમણે બીજા દિવસે ફોન કરીને મને ના પાડી દીધી. મને એવું લાગે છે કે તેમની પાસે એ વખતે પુષ્કળ કામ હતું અને તે પહોંચી શકે એમ નહોતા એટલે તેમણે ના પાડી. પછી અમે મ્યુઝિક માટે ગયા પીયૂષ કનોજિયા પાસે. પીયૂષે હા પાડી એટલે ગીતોનું કામ દિલીપ રાવલને સોંપીને અમે બીજા કામે લાગ્યા. નાટકમાં મલ્ટિપલ લોકેશન હતાં, જેને લીધે આર્ટ-ડિરેક્ટરનું કામ પણ ખૂબ વધતું હોવાથી અમે સેટ ડિઝાઇનની જવાબદારી અમારા રેગ્યુલર આર્ટ-ડિરેક્ટર છેલ-પરેશને જ સોંપી. બાકી રહ્યું પ્રકાશ આયોજન અને કોરિયોગ્રાફી. પ્રકાશ આયોજન અમે ભૌતેષ વ્યાસને સોપ્યું અને કોરિયોગ્રાફર તરીકે અમે શૈલેષ સોની, સંતોષ સાગવેકર અને પ્રતીક જાનીને લાવ્યા.
‘જાદુ તેરી નઝર’નું અમે મુહૂર્ત કર્યું અને રિહર્સલ્સ શરૂ થયાં, પણ રિહર્સલ્સ દરમ્યાન સતત અડચણ આવ્યા કરે. ક્યારેય અમારો લીડ હીરો અલીરઝા નામદાર શૂટિંગમાંથી આઠ વાગ્યે ફ્રી થાય તો ક્યારેક સાડાઆઠ અને ક્યારેક રાતે નવ વાગ્યે. અરે, એક તબક્કો તો એવો આવી ગયો કે તેણે નાટક કરવાની ના પાડી દીધી.
‘સિરિયલમાં બહુ કામ છે એટલે તમે નાટક માટે બીજું કોઈ શોધી લો.’
અમે તેને સમજાવીને કહ્યું, ‘તું ચિંતા નહીં કર, અમે તારો પ્રૉક્સી રાખીને પણ નાટકનાં રિહર્સલ્સ આગળ વધારીશું. તું જ્યારે ફ્રી થાય ત્યારે આવજે.’
આવું કહેવાનું મુખ્ય કારણ જો કોઈ હતું તો એ કે અમારી પાસે ઑપ્શનમાં બીજો કોઈ ઍક્ટર હતો જ નહીં. અલીરઝાએ જ્યારે નાટક છોડવાનું કહ્યું ત્યારે મેં તેને રોકી લીધો એ મારી બીજી ભૂલ. પહેલી ભૂલ તેણે જે શરત મૂકી એ માન્ય રાખી એ અને બીજી ભૂલ આ. તે પોતે નાટકમાંથી જવા માગતો હતો ત્યારે મારે તેને રજા આપીને નાટક બંધ કરી દેવાની જરૂર હતી, પણ હું મોહમાં રહ્યો અને ભૂલ કરી ગયો.
એક બાજુ રિહર્સલ્સમાં આ લપ ચાલે તો બીજી તરફ ડિરેક્ટર વિપુલ મહેતા ફોન કરીને રોજ કકળાટ કરે કે મને નાટક ડિરેક્ટ કરવા કેમ ન આપ્યું, મારે કરવું હતું. મેં તેને સમજાવ્યો કે ભાઈ, ભૂલ થઈ ગઈ; નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખીશ.
અમે પ્રૉક્સી સાથે રિહર્સલ્સ ચાલુ રાખ્યાં, કારણ કે અલીરઝા નામદારની બહુ જ મહત્ત્વની ભૂમિકા હતી અને ઑલમોસ્ટ બધા સીનમાં તે હતો એટલે તેની હાજરી તો જોઈએ જ. નાટકનો જે અસિસ્ટન્ટ ડિરેક્ટર હતો તે પ્રૉક્સી તરીકે અલીની જગ્યાએ ઊભો રહે, પણ ડિરેક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા જેમ કહે એમ તે કરી ન શકે એટલે સિદ્ધાર્થનું ફ્રસ્ટ્રેશન સતત વધ્યા રાખે. એક વાર તો અકળાઈને મેં સિદ્ધાર્થને કહ્યું કે એવું હોય તો હું પ્રૉક્સી તરીકે આવી જઉં. મેં પ્રૉક્સીની વાત કરી હતી, રોલ કરવાની નહીં અને મારા માટે એ શક્ય પણ નહોતું, કારણ કે એ સમયે મારું નાટક ‘છગન મગન તારા છાપરે લગન’ ચાલતું હતું. જોકે સિદ્ધાર્થે મને પ્રૉક્સી કરવાની પણ ના પાડી. એ વખતે મારા મનમાં હતું કે જે રીતે સિદ્ધાર્થ દેખાડે છે, સિદ્ધાર્થ કરે છે એની જો સીધી નકલ જ કરું, કૉપી જ કરું તો પણ આ નાટક ક્યાંનું ક્યાં નીકળી જાય, પણ સંજોગ.
અહીં મારે અગાઉ કહેલી એક વાત યાદ દેવડાવવી છે. મેં તમને કહ્યું હતું એમ ઍક્ટર સંજય ગોરડિયાનો કોઈ ગૉડફાધર નથી. મેં મારી જાતે અને એકધારા પ્રયત્નો કરી-કરીને મારી સ્ટાઇલ ડેવલપ કરી છે, મારું નામ બનાવ્યું છે જે આજે આટલાં વર્ષે એ દિવસો યાદ કરું છું અને ‘જાદુ તેરી નઝર’નાં રિહર્સલ્સને યાદ કરું છું ત્યારે ફરી એક વાર પુરવાર થાય છે. એ દિવસોમાં તો સિદ્ધાર્થે પણ મારો ભરોસો કર્યો નહોતો. ઍનીવે, આવી રીતે હૈયાબળતરા સાથે અમે નાટક પૂરું કર્યું અને નાટકના શુભારંભનો દિવસ આવ્યો.
‘જાદુ તેરી નઝર’ સાથે મારા પ્રોડક્શનમાં બનેલું ૩૭મું નાટક ઓપન થયું ૨૦૦૬ની ૩૦ ઑગસ્ટે ભારતીય વિદ્યાભવનમાં. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે આ ૨૦૦૬નું વર્ષ મારા માટે બહુ મહત્ત્વનું રહ્યું. નાટકો તો અમે અદ્ભુત કર્યાં જ; પણ આ એ વર્ષ, જે વર્ષથી અમે દર વર્ષે ચાર-પાંચ કે છ નાટકો કરતા થઈ ગયા.
આ નાટકમાં અમારી ઘણી ગણતરીઓ ઊંધી પડી. અમને એમ કે નાટક સિદ્ધાર્થ રાંદેરિયા રૂપાંતરિત અને દિગ્દર્શિત છે તો બૉક્સ-ઑફિસ પર કલેક્શન આવશે, પણ એવું બન્યું નહીં. ઍક્ટર તરીકે સિદ્ધાર્થ બહુ જ પૉપ્યુલર, પણ દિગ્દર્શક-રૂપાંતરકાર તરીકે તે બૉક્સ-ઑફિસ પર કમાલ દેખાડી શક્યો નહીં. બૉક્સ-ઑફિસ પર કલેક્શન ન આવવાનું બીજું કારણ નાટકનું ટાઇટલ. ‘જાદુ તેરી નઝર’ હિન્દી ટાઇટલ. ઘણાને એવું લાગ્યું કે આ હિન્દી નાટક છે. તેમની આ માન્યતા ખોટી એટલે નહોતી કે સંજય ગોરડિયા હિન્દી નાટકો પણ બનાવતો હતો. નૅચરલી, મારું નામ અને હિન્દી ટાઇટલ એ બેનું સંયોજન થતાં લોકોએ ધારણા બાંધી લીધી અને નાટક જોવા આવ્યા નહીં.
શુભારંભ શોમાં હાઉસ આવ્યું નહીં, પણ નાટક સારું ગયું એટલે માનસિક નિરાંત રહી. જોકે એ નિરાંત વચ્ચે અલીનો પ્રશ્ન તો ઊભો જ હતો. રિહર્સલ્સની જેમ જ અલી શો પર પણ માંડ-માંડ પહોંચતો. રિહર્સલ્સ તો વહેલાં હોય, પણ શો તો સાડાનવ વાગ્યા પછી હોય તો અલી એવા સમયે તો પોતાની સિરિયલના પ્રોડ્યુસરને એટલું કહી શકે કે મને થોડો વહેલો છોડો જેથી હું શો પર સમયસર પહોંચું. જોકે એવું તેણે કર્યું નહીં. અમને લાગવા માંડ્યું કે અલીરઝા નામદારનું બધું ફોકસ ટીવી-સિરિયલ પર જ છે અને એક દિવસ એ પુરવાર પણ થઈ ગયું.
એ રાતે અમારો શો મુલુંડમાં હતો અને સાડાસાત વાગ્યે મને અલીનો ફોન આવ્યો કે અમારું બહુ જ ઇમ્પોર્ટન્ટ શૂટ છે એટલે આજના શોમાં હું નહીં આવી શકું. મેં તેને સમજાવવાની કોશિશ કરી, પણ અલી પાસે સમજવા જેટલો ટાઇમ જ ક્યાં હતો?
મેં તરત ફોન કર્યો સિદ્ધાર્થને. ફોનમાં શું થયું અને મેં પહેલો ફોન સિદ્ધાર્થને શું કામ કર્યો એની વાતો આપણે કરીશું આવતા સોમવારે, પણ એ પહેલાં કહેવાનું કે આવતા સોમવારે તમને ખબર પડશે કે સિદ્ધાર્થ રાંદેરિયા શું કામ દાદુ ઍક્ટર કહેવાય છે.
નાટકનું ટાઇટલ ‘જાદુ તેરી નઝર’, જેને લીધે ઘણાને લાગ્યું કે આ હિન્દી નાટક છે. તેમની માન્યતા ખોટી એટલા માટે નહોતી કે સંજય ગોરડિયા હિન્દી નાટકો પણ બનાવતો હતો. નૅચરલી, મારું નામ અને હિન્દી ટાઇટલ એ બેનું સંયોજન થતાં લોકોએ ધારણા બાંધી લીધી અને ગુજરાતી નાટકને હિન્દી નાટક માની લીધું.