‘જવાન’ માટે જો કહેવું હોય તો કહી શકાય કે એ એક ફિલ્મ નહીં, ફેસ્ટિવલ છે અને આ ફેસ્ટિવલની વધામણી ઑડિયન્સે મન મૂકીને કરી છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ફાઇલ તસવીર
જવાબ છે, માત્ર અને માત્ર ઍટલીના ફાળે અને એને માટેનાં કારણો પણ છે.
તમે જો ‘જવાન’ જોઈ આવ્યા હોય તો તમને ખબર હશે અને ધારો કે તમે હજી ફિલ્મ ન જોઈ હોય તો તમને કહેવાનું કે આ આખી ફિલ્મ ૮૦ અને ૯૦ના દસકાને ધ્યાનમાં રાખીને તૈયાર થઈ હોય એ રીતે બની છે. ૮૦ અને ૯૦ જ નહીં, ૭૦ના દસકામાં પણ આ જ શિરસ્તો હતો, જે ‘જવાન’માં દર્શાવવામાં આવ્યો છે. એકવીસમી સદીનો એક છોકરડો ડિરેક્ટર અને એ ડિરેક્ટરે તૈયાર કરેલી ફિલ્મ એટલે જાણે કે ૮૦ના દસકાનું સર્જન. અહીં કોઈ જાતનું ક્રીટીસિઝમ નથી થઈ રહ્યું, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે એકવીસમી સદીના આ છોકરાને પણ ખબર છે કે પોતે શું બનાવી રહ્યો છે અને પોતે જે બનાવી રહ્યો છે એ ઑડિયન્સને જોઈએ છે કે નહીં?
ADVERTISEMENT
તમે ઑડિયન્સને જોઈને ચાલશો તો જ તમે બૉક્સ-ઑફિસ પર ટકશો. ‘ગદર’ની સીક્વલ પછી આ જ વાત ફરી એક વાર પુરવાર થઈ છે અને પુરવાર થયેલી આ વાતમાં ફરી એક વાર સાબિત થયું છે કે તમે જો ઑડિયન્સને સાથે રાખશો તો ઑડિયન્સ માથે સાડલો ઓઢીને તમારું સન્માન કરશે, તમારું સામૈયું કાઢશે. માનવામાં ન આવતું હોય તો એક વાર થિયેટરમાં જઈને જુઓ, અરે મલ્ટિપ્લેક્સમાં જઈને પણ તમે જુઓ, તમને ખબર પડશે કે ઑડિયન્સ કેવું સામૈયું કાઢે છે અને કયા સ્તરે સૌકોઈને મસ્તક પર બેસાડીને નાચે છે, નાચે પણ છે અને સહર્ષ સ્વીકાર પણ કરે છે.
‘જવાન’ માટે જો કહેવું હોય તો કહી શકાય કે એ એક ફિલ્મ નહીં, ફેસ્ટિવલ છે અને આ ફેસ્ટિવલની વધામણી ઑડિયન્સે મન મૂકીને કરી છે. પહેલા જ દિવસે રેકૉર્ડબ્રેક કમાણી થઈ છે અને કમાણીનો સાચો જશ જો કોઈને આપવાનો હોય તો એ સાઉથના ડિરેક્ટર ઍટલીને આપવાનો છે. માત્ર અને માત્ર ઍટલીને. કારણ કે એ માણસે પ્રેક્ષકની નાડ પકડી છે અને પકડાયેલી એ નાડને લીધે જ ઑડિયન્સ થિયેટરમાં ચિચિયારી પાડે છે, ચિચિયારીની સાથોસાથ ઑડિયન્સ રીતસર દેકારો મચાવી દે છે. શાહરુખની એન્ટ્રીથી લઈને શાહરુખના અમુક ડાયલૉગ્સ પર પડનારી ચીસો બીજું કંઈ નથી, ઍટલીનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્વાગત છે અને આ સ્વાગત જ દર્શાવે છે કે આપણે અહીં, એટલે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સમજવું પડશે કે ઑડિયન્સને ઇગ્નૉર કરશો તો નહીં ચાલે.
તમે નવી જનરેશન માટે ફિલ્મ બનાવો અને પછી કહો કે ઑડિયન્સ આવી નહીં, તો ભલામાણસ કંટોલાં ઑડિયન્સ આવે. ફિલ્મને હંમેશાં ફિલ્મની જેમ જોવાની છે અને જો તમે ફિલ્મને ફિલ્મના સ્તરે જોઈ શકશો તો અને તો જ એ તમારા ઑડિયન્સ સુધી પહોંચશે. ઑડિયન્સ સુધી પહોંચવું જરૂરી છે, ઑડિયન્સ સુધી પહોંચવું મહત્ત્વનું છે. જો તમે એમાં કોઈ થાપ ખાધી તો તમારી ફિલ્મ ઊંધા માથે પછડાટ ખાશે અને તમારે, દોષ શોધવા માટે બહાનાં શોધવાં પડશે. બહેતર છે કે બહાનાં શોધવાનું કામ ન કરવું અને એવી ફિલ્મો બનાવવી જેની સાથે ઑડિયન્સ કનેક્ટ થાય.
આ સલાહ પણ છે અને ગોલ્ડન વર્ડ્સ પણ...