Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > તમે હોવ સાથે તો હર ક્ષણ ગમે છે

તમે હોવ સાથે તો હર ક્ષણ ગમે છે

Published : 06 October, 2024 03:52 PM | IST | Mumbai
Hiten Anandpara

કોઈ વ્યક્તિ ગમે કે ન ગમે એ આપણી વિચારધારા તથા સ્વભાવ પર નિર્ભર હોય છે

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


જીવનમાં કોઈક ગમે તો અનેક ગમ સામે લડવાની શક્તિ મળે છે. કોઈ વ્યક્તિ ગમે કે ન ગમે એ આપણી વિચારધારા તથા સ્વભાવ પર નિર્ભર હોય છે. પ્રિયજનો સાથેનો પ્રેમ સર્વોપરી હોય છે, કારણ કે ભગવાને પરિવારમાં જે બે-ચાર જણ હોય તેમને સુખી કરવાનું કામ પરસ્પર સોંપ્યું છે. વાસણો હોય તો ખખડે પણ ખરાં, અનબન થાય પણ ખરી છતાં અંતે જે યાદ રાખવાનું છે એનો નિર્દેશ અંજના ભાવસાર ‘અંજુ’ કરે છે...


પછી બમણા વેગે તું ભેટી પડે છે



હું તકરાર પણ એટલે આવકારું


ભલે ભૂલ છે તું, મને તું ભૂલ્યો છે

છતાં તું ગમે છે, તને નહીં મઠારું


અત્યંત ચવાઈ ગયેલા જોકને યાદ કરીએ તો પત્ની આખી જિંદગી પતિને સુધાર-સુધાર કર્યા કરે છે અને અંતે વિધાન કરે છે કે તમે પહેલાં જેવા નથી રહ્યા. એકમેકની ભૂલનો નિર્દેશ કરવો જરૂરી હોય છે, ભલે ખોટું લાગે. હિત જોવા માટે ઘણી વાર હેત ભૂલવું પડે. સંતોનાના કિસ્સામાં તો ખાસ. સંતાન ખોટા માર્ગે વળી રહ્યું હોય ત્યારે મમતાને મ્યુટ કરી ઠપકાને સક્રિય કરવો પડે. પારકા લોકો મજાક કરી જાણે છે, પોતીકાએ જ કડુ કડિયાતું પાવાની જવાબદારી લેવી પડે. લવ સિંહા શબ્દ ચોર્યા વગર કહે છે...

હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે

મારાપણાનો ભાવ છે, કાયમ નહીં રહે

જોવા ગમે એ ચહેરા ઊતરવાના આંખથી

વસ્તુનો? જે ઉઠાવ છે કાયમ નહીં રહે

કોઈ અહીં કાયમ રહેવા નથી આવ્યું. પર્વત યુગો સુધી ટકી રહે છે, જીવ નહીં. આપણે તો આયુમર્યાદામાં રહીને આપણે ભાગે આવેલી ફરજ નિભાવી જવાની છે. કામ કરવામાં જાતને જોડવી છે કે ખોડખાંપણ કાઢવામાં વેડફવી છે એ આપણે નક્કી કરવાનું છે. કોઈની ખામીઓ દર્શાવીએ તો એમાં એ સુધરે એવો ભાવ હોવો આવકાર્ય છે. સર્વનું શુભ ઇચ્છવાનો સંદેશ ધર્મશાસ્ત્ર આપે છે. હિમલ પંડ્યા ‘પાર્થ’ એક માર્ગ દર્શાવે છે...

રોજ જે ચહેરો સતત જોવો ગમે

આઈના પર એ જ ચહેરો ચોડ ને

ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે

તું હૃદય સાથે હૃદયને જોડ ને

ઉંમર પ્રમાણે આપણી માન્યતા બદલાતી જાય છે. પ્રારંભમાં જે સ્પર્ધાનો ભાવ હોય એ પછી સમાવેશી અભિગમ તરફ જતો લાગે. હુંપણું આખરે તો સર્વપણું બને એમાં સૃષ્ટિનું હિત સમાયેલું છે. સારાનરસા પ્રસંગો બનતા રહે છે, એમાં સ્થિતપ્રજ્ઞ રહેવાનું અઘરું છે પણ અશક્ય નથી. ઉર્વીશ વસાવડા જિંદગીના પ્રવાહને આલેખે છે...

પડાવો એક બે એવાય સફરમાં આવે

ગમે કે ના ગમે બે-ચાર પળ અટકવાનું

ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા

સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું

આજકાલ ધરતી પર ઘણાં છિદ્ર પડી રહ્યાં છે. ઇમારતના પાયા ખોદવાના કારણે નહીં, પણ રૉકેટ અને મિસાઇલના મારાને લીધે. ઇઝરાયલ સામે હવે ઈરાન પત્તું ઊતર્યું છે. બસો જેટલાં મિસાઇલ ઝીંકી ઈરાને યુદ્ધના વિસ્તારની સંભાવના વધારી દીધી છે. ઇઝરાયલ સાથેની આ લડાઈ વકરશે તો વર્ષોની જહેમતથી ઊભાં થયેલાં નગરો બિસમાર બનતાં જશે અને વધુ ને વધુ લોકો ખપ્પરમાં હોમાશે. હરીશ મીનાશ્રુનો શેર આ સંદર્ભે જોવા જેવો છે...

ખખડ્યા કરે છે અંદર ઈશ્વરની એ ઇમારત

નકશામાં કોણ કરતું, ખંડેરનો ઉમેરો?

કાચી કબરના માપે મેરાઈએ સીવ્યો છે

માટીનો એક ડગલો, તમને ગમે તો પહેરો

જે શહેરમાં તમે રહેતા હો એને ખંડેર બનતું જોવું પીડાદાયક હોય છે. ધર્મની હુંસાતુંસીમાં અધર્મનું વજન વધતું જાય છે. નાત અને જાતના ભેદ આઘાત અને પ્રત્યાઘાતનું રૂપ લઈ રહ્યા છે. શૂન્ય પાલનપુરી એને નિરૂપે છે...

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે

અમોને સંકુચિત દૃષ્ટિ તણો ઉત્પાત ખટકે છે

સમંદરને ગમે ક્યાંથી ભલા બુદબુદની પામરતા?

અમોને પણ અમારા દેહની ઓકાત ખટકે છે

લાસ્ટ લાઇન

બગીચો ગમે છે ને રણ પણ ગમે છે

તમે હોવ સાથે તો હર ક્ષણ ગમે છે

      હશે એવું કહેશે નજરની જ સામે

      મને એટલે તો આ દર્પણ ગમે છે

ખબર છે કે ખોટી પ્રતીક્ષા કરું છું

છતાં પણ મને એ જ વળગણ ગમે છે

      સતત યાદ આવે છે એવી રીતે એ

      નથી કોઈ કારણ, અકારણ ગમે છે

દુઃખોને ગળે હું લગાડી હસું છું

મને મારા મનની આ સમજણ ગમે છે

      મને ક્યાંથી ક્યાં લઈ ગયા શબ્દ ‘હમદમ’

      કવિતાનું તેથી જ સગપણ ગમે છે

- તુરાબ હમદમ

Whatsapp-channel Whatsapp-channel

06 October, 2024 03:52 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK