પ્રાણીઓ નિશ્ચિત સમયે તળાવ કે નદી તરફ ગતિ કરતાં હોય, કારણ કે એમના જળઆચમનની સાઇકલ સમયચક્ર પ્રમાણે ચાલતી હોય છે.
દોડનારા ક્યાં જુએ પગલાં તરફ?
કઈ તરફ જોવું અને કઈ તરફ જવું એ દરેકની આદત, અનુભવ, કાર્યશૈલી, સ્વભાવ વગેરે અનેક બાબતો પર નિર્ભર હોય છે. જિંદગીમાં ધ્યેય નક્કી હોય તો એ તરફ ગતિ થાય. પ્રાણીઓ નિશ્ચિત સમયે તળાવ કે નદી તરફ ગતિ કરતાં હોય, કારણ કે એમના જળઆચમનની સાઇકલ સમયચક્ર પ્રમાણે ચાલતી હોય છે. મુંબઈમાં બળી (તાજી વિયાયેલી ગાય કે ભેંસના દૂધમાંથી બનતી વાનગી) વેચતા રેંકડીવાળા જોવા મળે છે. એની આસપાસ એકાદ કૂતરું તો બેઠું જ હોય. કોઈ ખાનાર આવે ત્યારે બળી તરફ એ નજરે જુએ જાણે આખી કાયનાત એક સફેદ ટુકડામાં જ સમાઈ ગઈ હોય. રમેશ પારેખ આપણી જિજ્ઞાસુવૃત્તિને નિરૂપે છે...
સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે
જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે
છે પગ તળે પથ્થર તરફ લઈ જાતા માર્ગ, ને
લોકો ખુદાના નકશા લઈ નીકળેલ છે
સૃષ્ટિ અજાયબીઓથી ભરેલી છે. અમીબા જેવા સૂક્ષ્મ જીવથી લઈને મહાકાય વ્હેલ સુધીની વૈવિધ્યસભર જીવસૃષ્ટિ આપણને તાજ્જુબ કરી મૂકે. એનો આનંદ લેતાં-લેતાં આપણે શ્વાસનો પ્રવાસ ચાલુ રાખવાનો હોય. એ પ્રવાસ વ્યર્થપૂર્ણ નહીં પણ અર્થપૂર્ણ બને એ માટે પુરુષાર્થ કરવો પડે. ખલીલ ધનતેજવી એ ખુમારી દર્શાવે છે...
પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ
જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી
દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું
ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી
ચંદ્રનું અજવાળું ઘરમાં ઊતરે એવી બાલ્કની બધાના નસીબમાં નથી હોતી. ચાલમાં રહેતા લોકોનાં ઘરોમાં તો બારી પણ નથી હોતી. અછત અને છત, રંક અને રાજા, ગરીબ અને તવંગર વચ્ચેની ભેદરેખા વિસ્તૃત થતી જાય ત્યારે અસતુંલન સરજાતું રહે. એક તરફ જેમના પર ક્રિમિનલ કેસો ચાલે છે એવા નેતાઓ લોકસભા અને રાજ્યસભામાં લીલાલહેર કરતા હોય અને બીજી તરફ કોઈ પ્રામાણિક શિક્ષક કે ઑફિસર બિચાતો રહેંસાતો-રહેંસાતો પોતાની ફરજ દિલથી નિભાવ્યા કરે. ‘મરીઝ’નો સવાલ અણિયાળો લાગે તો આગોતરી ક્ષમા...
સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે
સૌ પાકા ગુનેગાર સુખી છે, હું દુખી છું
શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે?
ગુનો કરવા માટે આવડત પણ જોઈએ અને દિલ પણ કાળુંકલૂટું જોઈએ. સામાન્ય માણસ પાસે એ કૌશલ્ય નથી. તે ભગવાનથી ડરે છે. આ ડર તેની સારપ સાચવી રાખે છે. આ સારપ સૃષ્ટિને ટકાવી રાખે છે. હા, સારપ મોંઘી તો પડવાની. જેનું મૂલ્ય થવું જોઈએ એની કિંમત થઈ જાય. આશ્લેષ ત્રિવેદીની વ્યથામાં અફસોસ વર્તી શકાય છે...
થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં
ચારે તરફથી એની નજરમાં હતા અમે
એક નામના અભાવે ધકેલાયા દર-બ-દર
ખાલી ગણ્યું તમે એ કવરમાં હતા અમે
જે કવરમાં રિકવર થવાનાં સપનાં હોય એ ધ્યાન બહાર રહી જાય ત્યારે હયાતી હતપ્રભ થઈ જાય. જે નિષ્ઠા અને નિસબતથી આપણે કામ કર્યું હોય એનું વળતર ન મળે કે એની નોંધ ન લેવાય ત્યારે હૈયામાં એક ફાંસ ચૂભ્યા કરે. આવી કોઈક પળે રવિ દવે ‘પ્રત્યક્ષ’ સ્વનું મૂલ્યાંકન કરે છે...
એ રીતે જોઈ રહ્યો મારા તરફ
કોઈ જોતું જેમ કૅમેરા તરફ
એ નદીનાં આંસુનું વર્ણન પૂછે
ધ્યાન મારું જાય પરપોટા તરફ
આપણું ધ્યાન ઘણી ઘટનાઓમાં જાય છે તો ઘણી ઘટનાઓ ધ્યાન બહાર રહી જાય છે. ઈશ્વરે આપણને ૩૬૦ ડિગ્રી ફરતી આંખ નથી આપી એટલે બધું તો દેખાવાનું નથી એ સ્વાભાવિક છે. જે દેખાય છે એમાંથી કેટલું સમજાય છે એ સવાલ છે. જે સમજાય છે એમાંથી જીવનમાં કેટલું ઊતરે છે એ તપાસનો વિષય છે. સુધીર પટેલ પેન ઝાટકીને નિષ્કર્ષ આપે છે...
શું કરો છો વાત દિલની એને, જે
ખુદના દિલને સાંભળી શકતો નથી
ડગ ભરું છું એ તરફ કાયમ છતાં
ફાંસલો કેમે ટળી શકતો નથી
ક્યા બાત હૈ!
ક્યાં જઈશ, શંકા તરફ, શ્રદ્ધા તરફ
તું ગયો છે લેશ ક્યાં તારા તરફ?
વ્યર્થ તારી દોટ છે દરિયા તરફ
લાગણીને વાળ તું ખોબા તરફ
ADVERTISEMENT
કાં વગોવે છે હજુ ગઈ કાલને?
દોડનારા ક્યાં જુએ પગલાં તરફ?
દોષ બાબત ખુદને આંકી જોઈએ
આંગળી ચીંધાય ના દુનિયા તરફ
શું ઉદય કે અસ્ત એ તું પૂછ નહિ
શાંત ચિત્તે જોઈ લે મારા તરફ!
- શૈલેન રાવલ