Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક શિક્ષક સફળ બિઝનેસમૅન બનવામાં ક્યાં કાચો પડ્યો?

એક શિક્ષક સફળ બિઝનેસમૅન બનવામાં ક્યાં કાચો પડ્યો?

Published : 10 December, 2023 07:37 AM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

તેર જ વર્ષના સમયગાળામાં રૉકેટ સ્પીડમાં ગ્રોથ કરનારી અને લાખો ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ લાવીને પ્રાઇવેટ ક્લાસિસમાં ફ્રી ભણાવવાથી શરૂ કરનારી ‘બાયજુઝ ક્લાસિસ’ની જર્નીમાંથી ઘણું શીખવા જેવું છે. ૨૨ મિલ્યન ડૉલરનું વૅલ્યુએશન ગણતરીના દિવસોમાં પાંચ મિલ્યન ડૉલર પર

બાયજુ રવિન્દ્રન

બાયજુ રવિન્દ્રન



ભારતના દક્ષિણી છોરનું છેક છેવાડાનું રાજ્ય કેરળ. એનું પણ વળી એક નાનકડું ગામડું અઝીકોડ. ૧૯૮૦ની સાલમાં આ ગામમાં કેરળમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રવીન્દ્રન અને શોભાવલ્લીના ઘરે બે સંતાનોનો જન્મ થયો. એક બાયજુ અને બીજો તેનો નાનો ભાઈ રિજુ. ત્યારે તે ગામના લોકોએ કે તે બાળકનાં મા-બાપે ધાર્યું પણ નહીં હોય કે આ છોકરો એક દિવસ આ ગામનું નામ આખા ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જાણીતું કરશે.


અઝીકોડની પ્રાથમિક શાળામાં ભણેલો બાયજુ ભણવામાં હોશિયાર છોકરો તો હતો જ, સાથે શિક્ષક મા-બાપનું માર્ગદર્શન. એને કારણે ભણીગણીને તે એન્જિનિયરની ડિગ્રી સુધી પહોંચી શક્યો. કન્નુરની ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજથી મેકૅનિકલ એન્જિનિયર તરીકે બીટેકની ડિગ્રી મેળવી અને એક મલ્ટિનૅશનલ શિપિંગ કંપનીમાં સર્વિસ એન્જિનિયર તરીકે સ્માર્ટ ઍન્ડ સ્ટેડી જૉબ પણ મળી ગઈ. જોકે કહેવાય છેને કે સંતાનોને બાળપણથી મળેલા સંસ્કારો આખી જિંદગી કામમાં આવે છે. એ જ રીતે નાનપણથી જ મા અને બાપ બંનેને શિક્ષણના નોબેલ પ્રોફેશનમાં કામ કરતાં જોઈને બાયજુમાં પણ એ સંસ્કાર રેડાયા અને શિપિંગ કંપનીની નોકરી છોડીને તેમણે શિક્ષણના ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું. ભણતરમાં તો પહેલેથી હોશિયાર હતા જ. બે-બે વાર કૅટની પરીક્ષા ૧૦૦ પર્સેન્ટાઇલ સાથે ક્લિયર કરવા છતાં તેમણે આઇઆઇએમમાં પણ ઍડ્મિશન ન લીધું અને શરૂ થઈ એક એવા માર્ગની સફર જે બાયજુને ઝંઝાવાતી ઝડપે ઘણે દૂર સુધી લઈ જવાની હતી.



વિચાર ક્યાંથી જન્મ્યો?
વાત કંઈક એવી છે કે બાયજુ જ્યારે બ્રિટનની શિપિંગ કંપનીમાં કામ કરતા હતા ત્યારે તેઓ તેમના મિત્રોને કૅટની પરીક્ષા માટે ખૂબ મદદ કરતા. તેમના મિત્રોને ભારતની શ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલમાં ઍડ્મિશન મળે એ માટે તેઓ એન્ટ્રન્સ પરીક્ષાઓમાં તેમને માર્ગદર્શન જ નહોતા આપતા, એના પ્રિપરેશન માટે પણ હેલ્પફુલ થતા. હવે આ રીતે મદદ કરતાં-કરતાં એક સમયે બાયજુને વિચાર આવ્યો કે આ રીતે હું મારા મિત્રોને તો મદદ કરું છું, પણ એક વાર મને પોતાને પણ ચકાસી લઉં તો? નિર્ણય લેવાઈ ગયો, કૅટની પરીક્ષા પણ અપાઈ ગઈ અને ૧૦૦ પર્સેન્ટાઇલ પણ આવી ગયા અને પરિણામે આ એક વિચારને જન્મ આપ્યો : ‘મારે આઇઆઇએમમાં તો નથી જવું, પણ જેમને જવું છે તેમને કોચિંગ આપું તો કેવું?’ શરૂઆત થઈ મફતમાં ગણિતના ક્લાસિસ લેવાથી. ત્યાર બાદ જ્યારે લાગ્યું કે ‘ના, હું શીખવી શકું છું!’ ત્યારે બાયજુએ ફી લઈને વર્કશૉપ લેવાનું શરૂ કર્યું. જોતજોતામાં તો તેમની વર્કશૉપ એટલી જાણીતી થઈ ગઈ કે સમય એવો આવ્યો કે તેમની એક જ વર્કશૉપમાં ૨૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવા માંડ્યા. આવી જબરદસ્ત સફળતાને કારણે ૨૦૦૯ની સાલથી તેમણે પોતાના ક્લાસિસના વિડિયો લેવાનું શરૂ કર્યું અને જેમને ઑનલાઇન શીખવું હોય એવા વિદ્યાર્થીઓને તેમણે વિડિયો દ્વારા શીખવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે તેમના કોચિંગમાં ભણીને આઇઆઇએમ ગ્રૅજ્યુએટ્સ થયેલા કેટલાક વિદ્યાર્થીઓએ બાયજુને પોતાના કોચિંગ ક્લાસિસ શરૂ કરવા માટે સમજાવ્યા. અને ૨૦૧૧ની સાલમાં શરૂ થયા બાયજુ સરના પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસનું એક સાહસ; જે હવે કિન્ડર ગાર્ટનનાં નાનાં ભૂલકાંઓથી લઈને બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને તો ભણાવતા જ હતા, સાથે જ કૅટ માટેની પણ તૈયારીઓ કરાવતા હતા. આ કોચિંગ ક્લાસિસનું નામ રાખવામાં આવ્યું, ‘થિન્ક ઍન્ડ લર્ન’.    
૨૦૧૩ની સાલ આવતાં સુધીમાં તો એન્જિનિયર બાયજુ સરે પોતાના આ સ્ટાર્ટઅપ માટે ફન્ડ રેઇઝ કરવાનું અને ક્લાસિસને એક અલાયદા મુકામ સુધી લઈ જવાનું નક્કી કર્યું. પહેલા જ ફન્ડિંગ તરીકે ઇરીન કૅપિટલ તરફથી બાયજુ રવીન્દ્રને મેળવ્યા નવ મિલ્યન ડૉલર. સ્વાભાવિક છે કે કોઈ પણ ઇન્વેસ્ટર આટલી મોટી રકમનું ફન્ડિંગ કંઈ આમ અમસ્તા જ તો કરી ન દે. પૂછવામાં આવ્યું કે આ ભંડોળનો તમે ઉપયોગ કઈ રીતે કરશો? આઇઆઇએમ એલિજિબલ બાયજુ સર પાસે એનો પણ જવાબ તૈયાર જ હતો. ૨૦૧૫ની સાલમાં બાયજુઝની એક ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી. આજ સુધી ઑફલાઇન ટ્યુશન ક્લાસિસ માટે ટેવાયેલા વિદ્યાર્થીઓ માટે આ એક સાવ અલગ અને અનોખો જ અનુભવ થઈ રહેવાનો હતો, કારણ કે બાયજુઝની ઑનલાઇન ક્લાસિસમાં શીખવવાની રીત જ કંઈક અનોખી હતી. આ ક્લાસિસ એવું કહેતા હતા કે જાતે શીખો અને આગળ વધો. પરિણામ એ આવ્યું કે ૨૦૧૫ની સાલમાં જ્યારે આ ઍપ્લિકેશન લૉન્ચ થઈ ત્યારે ૫.૫૦ મિલ્યન લોકો કરતાં વધુએ આ ઍપ્લિકેશન ડાઉનલોડ કરી.


વધુ ફન્ડિંગ 
૨૦૦૯માં ઑફલાઇન ક્લાસિસ, ૨૦૧૧માં K12 સેગમેન્ટમાં પણ ક્લાસિસની શરૂઆત અને ૨૦૧૩ની સાલમાં સ્ટાર્ટઅપની શરૂઆત. ૨૦૧૩માં નવ મિલ્યન ડૉલરનું પહેલું ફન્ડિંગ પણ મળી ગયું, જેને કારણે ૨૦૧૪ની સાલમાં ટૅબ્લેટ લર્નિંગ પ્રોગ્રામની પણ શરૂઆત થઈ ગઈ. આખરે ૨૦૧૫ની સાલમાં જ્યારે ઍપ્લિકેશનનું લૉન્ચિંગ થયું ત્યારે ૫.૫ મિલ્યન ડાઉનલોડ્સ સાથે ધારી પણ નહોતી એવી જબરદસ્ત સફળતા મળી. હવે આટલી ઘટનાઓ કોઈ પણ સ્ટાર્ટઅપના માલિકને પ્રોત્સાહિત કરવા માટે પૂરતી જ સાબિત થાય એમાં કોઈ શંકા નથી. સાથે જ એના ઇન્વેસ્ટર્સ પણ ખુશખુશાલ જ હોવાના.

બાયજુ સરને સમજાઈ ગયું હતું કે હવે વધુ ફન્ડિંગ ઉઠાવવાનો સમય આવી ગયો છે. ૨૦૧૫ની સાલમાં સિરીઝ B તરીકે સીક્યુઆ કૅપિટલ પાસે ૨૫ મિલ્યન ડૉલરનું બીજું ફન્ડિંગ મેળવ્યું. બાયજુ ક્લાસિસને મળી નવી ટૅગલાઇન, ‘ફૉલ ઇન લવ વિથ લર્નિંગ’ અને સ્ટુડન્ટ્સ સબસ્ક્રાઇબર્સ અધધધ ૩૦ લાખ કરતાં વધુના આંકડે પહોંચી ગયા. સફળતા વધુ એમ નાણાંની જરૂરિયાત પણ વધુ. એક જ વર્ષમાં એટલે કે ૨૦૧૬ની સાલમાં તો ફરી એક વાર સિરીઝ C તરીકે બાયજુએ ત્રીજી વારનું ફન્ડિંગ ઉઠાવ્યું. આ વખતે સીક્યુઆ કૅપિટલની સાથે ત્રીજા ઇન્વેસ્ટર તરીકે સોફીના વેન્ચર પણ ઉમેરાયું અને રકમ હતી ૭૫ મિલ્યન ડૉલર.


બિઝનેસ મૉડલ 
હવે આપણા જેવા સામાન્ય માણસને થાય કે આટલું બધું અને આટલી ઝડપથી ફન્ડિંગ મેળવનારી એક સામાન્ય ટ્યુશન ક્લાસિસ ચલાવતી કંપનીનું ઑપરેટિંગ મૉડલ શું હશે કે આ બધા ઇન્વેસ્ટર્સને એમાં આટલો બધો ફાયદો દેખાયો? તો બાયજુ ક્લાસિસને તમે એક ‘ફ્રીમિયમ બિઝનેસ મૉડલ’ પર કામ કરનારી કંપની તરીકે ગણાવી શકો. એટલે વળી શું? એવો પ્રશ્ન થાય તો કહીએ કે બાયજુ એની ઍપ્લિકેશન કે વેબસાઇટ પર દરેક સ્ટુડન્ટને પોતાની વિગતો ભરી ફ્રી ક્લાસિસ ઑફર કરતી હતી. શરૂઆતના ૧૫ દિવસ આ દરેક સ્ટુડન્ટને ફ્રીમાં ક્લાસિસ અટેન્ડ કરવા મળતા. ત્યાર બાદ જે-તે સ્ટુડન્ટે તેના ક્લાસિસ ભણવા માટે કોર્સ ખરીદવો પડતો હતો, જેમાં વન-ટુ-વન કોચિંગથી લઈને ફીડબૅક સુધીની અનેક સુવિધાઓ હતી.
હવે આ રીતે ચાલતા આ ક્લાસિસમાં મુખ્યત્વે ત્રણ રીતે બાયજુ કમાણી કરી શકતું હતું. એક, જે કોઈ વિદ્યાર્થી તેમના કોર્સ ખરીદે એની સબસ્ક્રિપ્શન ફી, જેમાં અલગ-અલગ ટેસ્ટસિરીઝ વગેરે પણ રહેતું. બીજો એક વિકલ્પ હતો ટૅબ્લેટ કોર્સનો. અર્થાત્ સ્ટુડન્ટ બાયજુનું ટૅબ્લેટ ખરીદી શકતો જેમાં ઇનબિલ્ટ કોર્સિસ, એનું કોચિંગ, મૉડલ એક્ઝામ પેપર્સ વગેરે બધું જ આવતું. ત્રીજો બિઝનેસ સોર્સ હતો ઑફલાઇન ક્લાસિસનો, જે ભારતનાં ઘણાં શહેરોમાં બાયજુઝ ક્લાસિસ તરીકે ચાલતા હતા એ આપણે જાણીએ છીએ.
સફળતાના ડંકા વાગ્યા 

 

૨૦૧૬ની સાલ આવતા સુધીમાં તો બાયજુઝ ક્લાસિસ ભારતની પહેલી એવી કંપની બની ગઈ જેને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગના ફાઉન્ડેશન તરફથી ફન્ડિંગ મળ્યું અને ત્યાર પછીનાં બે જ વર્ષમાં એટલે કે ૨૦૧૮ની સાલમાં ફરી એક વાર આ લર્નિંગ ક્લાસિસની કંપનીએ પોતાની સફળતાનો ડંકો વગાડ્યો. ૨૦૧૮માં બાયજુઝ પહેલી એવી એડટેક (એજ્યુકેશન ટેક્નૉલૉજી) કંપની બની જે ભારતની સ્ટાર્ટઅપ યુનિકૉર્ન ક્લબમાં સામેલ થઈ. 

આથી સ્વાભાવિક છે કે દરેક ઇન્વેસ્ટરને એ સ્ટાર્ટઅપમાં ગળા સુધીનો વિશ્વાસ હોય અને એ વિશ્વાસને કારણે જ ફન્ડિંગ મળ્યું અધધધ ૮૦૦ મિલ્યન ડૉલરનું. આ વખતે ઇન્વેસ્ટર્સ તરીકે બ્લૅકરૉક જેવી કંપની પણ ઉમેરાઈ. હા, જોકે એ વાત સાચી કે ૮૦૦ મિલ્યનમાંથી માત્ર ૪૦૦ મિલ્યન જ બહારનું ફન્ડિંગ હતું. બાકીના ૪૦૦ મિલ્યન બાયજુ રવીન્દ્રને પોતે કંપનીમાં ઇન્વેસ્ટ કર્યા. ભારત આખામાં જ્યાં જુઓ ત્યાં બાયજુઝ-બાયજુઝ ક્લાસિસની બોલબાલા થવા માંડી હતી. અને કેમ ન હોય? આખરે આ ટ્યુશન ક્લાસિસ ચલાવતી કંપનીએ ભારતના જ નહીં, વિદેશના પણ નાના-મોટા ઘણા ક્લાસિસ પોતાને હસ્તક કરી લઈને એજ્યુકેશન ક્ષેત્રે મોટું નામ કર્યું હતું.

એક્વિઝિશન ઍન્ડ પ્રમોશન 
કોઈ પણ બિઝનેસમાં પૂરતું નાણાભંડોળ આવે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ બિઝનેસમૅન તેના બિઝનેસના વધુ ફેલાવા માટે પ્રવૃત્ત થાય. તો પછી આ તો એવો બિઝનેસમૅન હતો જે આખા ભારતના અનેક વિદ્યાર્થીઓને ભણતરના પાઠ ભણાવતો હતો. બાયજુઝ ક્લાસિસ તળાવની માછલીમાંથી નદીની મહાકાય માછલી બની ચૂકી હતી અને હવે એ અફાટ સમુદ્રની વિશાળ વ્હેલ બનવા તરફ પોતાનું લક્ષ્ય સેવી રહ્યું હતું. બાયજુ રવીન્દ્રને ૨૦૧૭ની સાલમાં આજુબાજુ નજર દોડાવી અને શરૂ કરી નાના લર્નિંગ પ્લૅટફૉર્મ્સ અને ક્લાસિસને હસ્તગત કરી લેવાની પ્રક્રિયા. સૌથી પહેલાં ૨૦૧૭ની સાલમાં ‘વિદ્યાર્થા’ નામનું લર્નિંગ ગાઇડન્સ પ્લૅટફૉર્મ તેમણે ઍક્વાયર્ડ કર્યું. એ જ વર્ષના અંત ભાગ સુધીમાં તો બાયજુઝે અમેરિકા સુધી પગ ફેલાવવા માટે ટ્યુટર વિસ્ટા ઍન્ડ એડ્યુરાઇટ પણ ખરીદી લીધું.

હવે જ્યારે ફેલાવો આટલો ઝડપથી અને આટલો જબરદસ્ત થઈ રહ્યો હોય ત્યારે એની જાહેરાત કરવા માટે પણ કોઈ મોટા સ્ટારની જ જરૂર પડે! ૨૦૧૭ના વર્ષમાં બાયજુઝે શાહરુખ ખાનને પોતાના બ્રૅન્ડ ઍમ્બૅસૅડર તરીકે સાઇન કર્યો. અને શરૂ થયું ભારતના દરેક પ્લૅટફૉર્મ પર અગ્રેસિવ માર્કેટિંગ. ૨૦૧૯ની સાલ આવતાં સુધીમાં તો બાયજુઝ ક્લાસિસ આખા ભારતમાં એટલા મોટા સ્તરે વિસ્તરી ચૂક્યા હતા કે ભારતીય ક્રિકેટ ટીમના સ્પૉન્સર તરીકે ઓપ્પો કંપનીને પછાડી બાયજુઝે સ્થાન મેળવી લીધું. બાયજુઝ હવે ભારતીય ક્રિકેટ ટીમનું ઑફિશિયલ સ્પૉન્સર હતું. ૨૦૨૦ની સાલ આવી અને આ ક્લાસિસે ૩૦૦ મિલ્યન ખર્ચીને ફરી એક લર્નિંગ પ્લૅટફૉર્મ હસ્તગત કરી લીધું. આ વખતે નામ હતું વાઇટહૅટ જુનિયર. ૨૦૨૦ના ઑગસ્ટ મહિનામાં હજી તો વાઇટહૅટ ઍક્વાયર્ડ કરવાની પ્રોસેસ પૂરી જ થઈ હતી ત્યાં સપ્ટેમ્બર મહિનામાં ફરી એક એજ્યુકેશન ટેક્નૉલૉજી સ્ટાર્ટઅપ પણ હસ્તગત કરી લીધું. નામ હતું લેબઇન ઍપ્લિકેશન. ઊભા રહો. આંખો પહોળી થઈ જાય એવી વિગત હજી હવે આવે છે. આ જ ૨૦૨૦નું વર્ષ અને આ જ સપ્ટેમ્બર મહિનો. બાયજુઝે ભારતના હજી એક જાણીતા ઑનલાઇન અને ઑફલાઇન ક્લાસિસને હસ્તગત કર્યા, જેનું નામ હતું આકાશ એજ્યુકેશનલ સર્વિસ. કોઈ અંદાજ મૂકી શકે કે આ માટે બાયજુઝે કેટલી રકમ ચૂકવી હશે? એક બિલ્યન ડૉલર. જી હા, ૧૦૦ કરોડ ડૉલર!

માલિકી અને બજારકિંમત 
આટલાં બધાં ક્લાસિસ અને લર્નિંગ ઍપ્લિકેશન પ્લૅટફૉર્મ્સ હસ્તગત કરી ચૂકેલી ટ્યુશન ક્લાસિસ ચલાવતી કંપની બાયજુઝની એક પ્રાઇવેટ ટ્યુશન કલાસ તરીકે ૨૦૦૯ની સાલમાં મફતમાં ભણાવવાથી શરૂઆત થઈ હતી અને માત્ર ૧૩ વર્ષમાં તો તે ન માત્ર ભારતની સ્ટાર્ટઅપ યુનિકૉર્ન ક્લબમાં સામેલ થઈ, બલ્કે ૨૨ બિલ્યન ડૉલરની કંપની બની ગઈ. અર્થાત્ પેટીએમ જેવી સફળ અને લિસ્ટેડ સ્ટાર્ટઅપ કંપનીના વૅલ્યુએશન કરતાં પણ વધુ.

જેટલા ઇન્વેસ્ટર્સ તમારી કંપનીમાં રોકાણ કરે એ કંપનીમાં પોતાની હિસ્સેદારી પણ માગે જ એ સ્વાભાવિક છે. આખરે તે લોકો પણ બિઝનેસ કરવા બેઠા છે, સખાવત કરવા તો બેઠા નથી. આથી બાયજુઝને જેટલા નવા ઇન્વેસ્ટર્સ મળતા ગયા એટલા કંપનીમાં હિસ્સેદાર પણ વધતા ગયા. છેલ્લા રેકૉર્ડ્સ પ્રમાણે વાત કરીએ તો કંપનીના સીઈઓ બાયજુ રવીન્દ્રન પાસે ૨૫ ટકા જેટલો માલિકી હિસ્સો છે અને ૪ ટકા જેટલો માલિકી હિસ્સો છે દિવ્યા ગોકુલનાથ અને બાકીની મૅનેજમેન્ટ ટીમ પાસે. આ સિવાય બાકીનો હિસ્સો રોકાણકારો પાસે છે. 
વર્ષ ૨૦૨૧ના જૂન મહિનામાં જ્યારે બાયજુઝે ૧૬.૫૦ બિલ્યન ડૉલરનું ફન્ડિંગ મેળવ્યું ત્યારે એ ભારતની સૌથી સફળ સ્ટાર્ટઅપ કંપની તરીકે મોખરાના સ્થાને આવી ગઈ હતી. એણે પેટીએમ જેવી લિસ્ટેડ કંપનીને પણ પાછળ છોડી દીધી. જુલાઈ ૨૦૨૨ની સાલમાં કંપનીનું વૅલ્યુએશન નક્કી કરવામાં આવ્યું ત્યારે આંકડો મુકાયો હતો ૨૨ બિલ્યન ડૉલર. 
તો પછી ત્યાર બાદ એવું તે શું થયું કે ૨૦૨૩ની સાલમાં એટલે કે આ જ વર્ષે બાયજુઝની જ એક ઇન્વેસ્ટર કંપની દ્વારા એનું બે-બે વાર વૅલ્યુએશન કરવામાં આવ્યું અને તે બંને વાર ૨૨ બિલ્યન ડૉલરનો પેલો આંકડો ઘટતો જ ગયો. ૨૦૨૩ના એપ્રિલ મહિનામાં એટલે કે નવું નાણાકીય વર્ષ શરૂ થાય ત્યારે જ બ્લૅકરૉક કંપની દ્વારા બાયજુઝનું વૅલ્યુએશન કરવામાં આવ્યું અને તેમણે કહ્યું કે કંપની હાલ ૧૧.૫૦ બિલ્યન ડૉલરનું વૅલ્યુએશન ધરાવે છે. અર્થાત્ ૨૦૨૨માં મળેલા વૅલ્યુએશન કરતાં લગભગ અડધું. એટલું જ નહીં, એના એક જ મહિના બાદ એટલે કે ૨૦૨૩ના મે મહિનામાં બ્લૅકરૉકે ફરી કંપનીની ઇવૅલ્યુએશન પ્રોસેસ કરી અને આ વખતે તેમનો અંદાજ ૬૨ ટકા જેટલો ઘટી ગયો. તેમણે કહ્યું કે બાયજુઝનું વૅલ્યુએશન અંદાજે ૮.૪ બિલ્યન ડૉલર જેટલું છે. આટલો મોટો ફરક અને એ પણ એક જ વર્ષમાં? સ્વાભાવિક છે કે પ્રશ્નો થાય જ અને એ પણ એ કંપની વિશે જે હજી થોડા સમય પહેલાં જ ૪૦થી ૪૫ બિલ્યન ડૉલરના વૅલ્યુએશન સાથે પબ્લિક ઇશ્યુ લાવવા વિચારી રહી હતી. અરે વિચાર શું, બાયજુ રવીન્દ્રને પ્રોસેસ પણ સ્ટાર્ટ કરી નાખી હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2023 07:37 AM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK