કોઈ પણ કલાકાર પોતાનું સર્વોત્તમ ત્યારે જ આપી શકે જ્યારે તે પીડામાં હોય. જ્યાં સુધી તમારી અંદર એક કસક હોય, તડપ હોય, અધૂરપ હોય ત્યાં સુધી જ તમે સર્જન કરી શકો. ગમતી વસ્તુ મળી જાય તો તમારી સર્જનાત્મક શક્તિ પર અવળી અસર પડે છે.
વો જબ યાદ આએ
રાજ કપૂર સાથે લતા દીદી હળવા અંદાજમાં.
લતાજીની સ્મરણાંજલિના અનેક અધ્યાય આપણે વાંચ્યા. એ સિલસિલો આગળ વધારતાં આજે રાજ કપૂર સાથેની તેમની સંગીતયાત્રાના ઉતાર-ચડાવની વાતો કરવી છે. ‘બરસાત’થી શરૂ થયેલા રાજ કપૂર અને લતાજીના સંબંધોમાં ‘કભી ખુશી કભી ગમ’ની જેમ ભરતી-ઓટ આવતી રહી. ‘બરસાત’ના દિવસોને યાદ કરતાં લતાજી એક ઇન્ટરવ્યુમાં કહે છે...
‘એ દિવસોમાં હું ઇન્ડસ્ટ્રીમાં નવી-નવી હતી. રાજસા’બ એક સફળ અભિનેતા અને પ્રોડ્યુસર તરીકે લોકપ્રિય હતા. એક દિવસ એક ખૂબસૂરત યુવાન મારા ઘરે આવ્યો. કહે, ‘રાજસા’બ તમને મળવા માગે છે. તમે કાલે સ્ટુડિયો પર આવી જાઓ.’ તે એટલો શરમાળ હતો કે ઘરની અંદર પણ ન આવ્યો. તે ગયા પછી મેં કહ્યું, ‘રાજસા’બ તો હૅન્ડસમ છે જ, તેમના માણસો પણ ઓછા હૅન્ડસમ નથી.’
બીજા દિવસે હું સ્ટુડિયોમાં ગઈ. ત્યાં તેમણે પેલા યુવાન સાથે મારી ઓળખાણ કરાવીને કહ્યું, ‘આ જયકિશન છે, મારી ફિલ્મનો મ્યુઝિક-ડાયરેક્ટર.’ હું તો આશ્ચર્ય પામી ગઈ. ‘બરસાત’માં મારાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં. શંકર-જયકિશન મારા ફેવરિટ સંગીતકાર હતા. રાજસા’બ સાથે મળીને અમે જે કામ કર્યું છે એની મજા કંઈક ઓર હતી.’
‘બરસાત’ની સફળતા બાદ શંકર-જયકિશન ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા. આરકે ફિલ્મ્સની બહારની ફિલ્મોમાં પણ તેમની મુખ્ય ગાયિકા લતાજી હતાં. લતાજી અને જયકિશન એ સમયે આયુષ્યના એવા પડાવ પર હતાં જ્યાં એકમેકનું સાયુજ્ય મનભાવન થાય એવી પૂરતી શક્યતા હતી. એ એક માનવસહજ ઘટના હતી. એમાં કશું ખોટું નહોતું. રાજ કપૂરની ચકોર આંખોથી એ વાત છાની નહોતી રહી, પરંતુ જ્યારે કોઈકે એમ કહ્યું કે આ બન્ને લગ્ન કરવા ઇચ્છે છે ત્યારે તેમનો ‘કમર્શિયલ’ આત્મા સજાગ થઈ ગયો.
જયકિશનને તેઓ દોસ્તીદાવે સલાહ આપતા કે પ્રેમ કરવો એ કાંઈ ગુનો નથી, પરંતુ તેને લગ્નના બંધનમાં બાંધવાની ભૂલ કરવા જેવી નથી. તેઓ કહેતા, ‘તું આટલો હૅન્ડસમ છે. તને અનેકગણી સુંદર યુવતી મળી જશે. તું સ્વરના પ્રેમમાં છો, પરંતુ શરીરની કુરૂપતા નજર સામે આવશે ત્યારે નશો ઊતરી જશે.’ (પ્રિય લેખક ગુણવંત શાહનું વાક્ય યાદ આવે છે ઃ ‘એક પુરુષ બે ભૂરી આંખોના પ્રેમમાં પડ્યો અને આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો.’)
બીજી તરફ લતાજીને ચેતવણી આપતા અને સમજાવતા કે ‘જયકિશન પાછળ અનેક યુવતીઓ ગાંડી છે. તેનો સ્વભાવ ઓછો રંગીલો નથી. કોઈ પણ પગલું ભરતાં પહેલાં લાખ વાર વિચાર કરજે.’
ત્યાર બાદ શું થયું એની ખબર નથી, પરંતુ એ વાત પછી આગળ વધી નહીં. જોકે જીવનભર લતાજી અને જયકિશનના સંબંધ સૌજન્યપૂર્ણ રહ્યા. આ વાતો કેવળ ગૉસિપ નથી એનો પુરાવો વર્ષો બાદ સિમી ગરેવાલના એક ઇન્ટરવ્યુમાં મળે છે. તેણે રાજ કપૂરને પ્રશ્ન કર્યો, ‘એમ કહેવાય છે કે લતાજી અને જયકિશન વચ્ચે ગેરસમજ ઊભી કરવા માટે તમે જવાબદાર હતા.’ જવાબમાં રાજ કપૂર પોતાની ચિરપરિચિત ‘ભોલાભાલા રાજુ’-સ્ટાઇલમાં કહે છે, ‘કોઈ પણ કલાકાર પોતાનું સર્વોત્તમ ત્યારે જ આપી શકે જ્યારે તે પીડામાં હોય. જ્યાં સુધી તમારી અંદર એક કસક હોય, તડપ હોય, અધૂરપ હોય ત્યાં સુધી જ તમે સર્જન કરી શકો. મનગમતી વસ્તુ પ્રાપ્ત થઈ જાય તો એ પરિસ્થિતિની તમારી સર્જનાત્મક શક્તિ પર અવળી અસર પડે છે. મેં બન્નેને આ જ વાત સમજાવવાની કોશિશ કરી હતી.’
રાજ કપૂરની વાતો સાંભળીને ‘Read between the lines’નો સાચો અર્થ શું છે એ બરાબર સમજાય છે. શૈલેન્દ્રનું ગીત યાદ આવે છે, ‘હૈ સબસે મધુર વો ગીત જિન્હેં હમદર્દ કે સૂર મેં ગાતે હૈં’ (પતિતા – શંકર-જયકિશન–તલત મેહમૂદ).
રાજ કપૂર નામના સિક્કાને ધ્યાનથી જોઈએ તો એક બાજુ હાડોહાડ બિઝનેસમૅન દેખાય જે પોતાના કલાકારોને પીડામાં રાખવાનું કામ કરે. એ કેવળ એટલા માટે કે તેઓ તેમનું ઉત્તમ આપી શકે. સિક્કાની બીજી બાજુ એક સંવેદનશીલ સર્જક દેખાય જે કલાકારોને પોતાની સર્જનાત્મક ઊંચાઈઓ પર પહોંચાડવામાં દિલોજાનથી કોશિશ કરે. સાચા રાજ કપૂરને શોધવું એ ભલભલા માટે મુશ્કેલ કામ હતું. હરીન્દ્ર દવેની ભાષામાં કહીએ તો ‘સત્ય આ બેની વચ્ચે છે દોસ્ત.’
રાજ કપૂરની મ્યુઝિકલ સેન્સ લાજવાબ હતી. ગીતમાં તેમને શું જોઈએ છે એની બરાબર ખબર હતી. ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’નું ઇન્ટરલ્યુડ મ્યુઝિક ફાઇનલ રિહર્સલ વખતે બદલવાનું તેમણે નક્કી કર્યું. શંકર-જયકિશન અને રાજ કપૂર વચ્ચે બહુ સારો ‘મ્યુઝિકલ રેપો’ હતો. હસરત જયપુરી અને શૈલેન્દ્ર સાથે કલાકો સુધી બેસીને સૌ ધૂન બનાવતા. અમુક ગીતોને રાજ કપૂર ‘પોપટિયા’ (પોપટ ગાતો હોય એવાં) ગીત કહેતા. એનો અર્થ એ કે એ ગીતો હલકાફૂલકા રમતિયાળ છે જે ચોક્કસ લોકપ્રિય થશે.
‘બરસાત’ પછી રાજ કપૂરની ફિલ્મોમાં લતાજીનો સ્વર અનિવાર્ય બની ગયો. આરકે સ્ટુડિયોમાં સંગીતની જે મહેફિલ જામતી એમાં લતાજીની હાજરી હોય જ. બન્ને એકમેકની પ્રતિભાની ઇજ્જત કરતાં. નર્ગિસના અભિનયને પડદા પર જીવંત કરવામાં લતાજીના કોકિલસ્વરનો મહત્ત્વનો ફાળો હતો.
‘સંગમ’માં એક ગીત હતું, ‘મૈં કા કરું રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા.’ લતાજીને આ ગીત અશ્લીલ લાગતું. એ ઉપરાંત વૈજયંતીમાલા પર સ્વિમિંગ-કૉસ્ચ્યુમમાં આ ગીત પિક્ચરાઇઝ થવાનું હતું. લતાજી પોતાની ઇમેજ બાબતે ખૂબ સભાન હતાં. ‘બૂટ પૉલિશ’માં એક ગીત હતું, ‘મૈં બહારોં કી નટખટ રાની, સારી દુનિયા હૈ મુઝપે દીવાની.’ આ ગીતના શબ્દો સામે લતાજીને વાંધો હતો એટલે એ આશા ભોસલેના સ્વરમાં રેકૉર્ડ થયું. ‘સંગમ’ સમયે રાજ કપૂરના વ્યક્તિત્વનો તેમના પર જબરદસ્ત પ્રભાવ હતો. છેવટે તેમણે નમતું ઝોખ્યું અને આ ગીત રેકૉર્ડ કર્યું.
સંબંધ જ્યારે સમયની કસોટીએ ચડે છે ત્યારે એની સાચી પરીક્ષા થાય છે. કોઈ પણ દેખીતા કારણ વિના બે વ્યક્તિ એકમેકથી દૂર થતા જાય છે. લતાજી અને રાજ કપૂર વચ્ચે એવું જ બન્યું. કદાચ અહમ્ અને પોતપોતાના ક્ષેત્રની અચીવમેન્ટ બન્ને વચ્ચેની દીવાલ બની ગઈ હોય એ શક્ય હશે. એકમેકની અત્યંત નિકટ હોવા છતાં એક સમય આવ્યો જ્યારે લતાજી અને રાજ કપૂર ભાગ્યે જ એકમેકને મળતાં. કોઈ ફિલ્મની પાર્ટીમાં કે પછી અવૉર્ડ સમારંભમાં બન્નેની અલપઝલપ મુલાકાત થતી. લાંબા અરસા બાદ બન્ને આમને-સામને આવ્યાં, જ્યારે ૧૯૬૯માં લતાજીને ટ્રોફી આપવા રાજ કપૂર સ્ટેજ પર આવ્યા હતા.
એ દિવસોમાં ગાયક કલાકારોને રૉયલ્ટી નહોતી મળતી. લતાજીએ નક્કી કર્યું કે જે નિર્માતા રૉયલ્ટી નહીં આપે તેની સાથે કામ નહીં કરવું. રાજ કપૂર ‘મેરા નામ જોકર’ની તૈયારી કરતા હતા. એ સમયની વાત કરતાં લતાજી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મેં રાજસા’બને કહ્યું કે હવે પછી મને તમારી ફિલ્મોમાં ગીત ગાવાની રૉયલ્ટી મળશે તો જ હું ગાઈશ.’
તેમણે કહ્યું, ‘લતાબાઈ, આરકેમાં અમે કોઈને આજ સુધી રૉયલ્ટી આપી નથી અને આપવાના નથી. તમારે રૉયલ્ટી વગર જ ચલાવી લેવું પડશે.’
મેં જવાબ આપ્યો, ‘તો હું પણ કાંઈ ચોપાટી ફરવા મુંબઈ નથી આવી. રૉયલ્ટી વિના ગાવાનું મારે માટે શક્ય નથી.’ વર્ષો બાદ લતાજીએ આ કિસ્સો એકદમ હળવા મૂડમાં હસતાં-હસતાં કહ્યો હતો, પરંતુ એ સમયે બે ધુરંધર કલાકારોનો અહમ્ જરૂર ટકરાયો હશે એમાં શંકા નથી.
આમ ‘મેરા નામ જોકર’માં લતાજીના સ્વરમાં એક પણ ગીત રેકૉર્ડ નહોતું થયું. ફિલ્મની સરિયામ નિષ્ફળતા બાદ રાજ કપૂરને ‘બૉબી’ માટે લતા મંગેશકરના સ્વરની સખત જરૂર હતી. પોતાની નાટકીય સ્ટાઇલમાં તેમણે લતાજીના ઘરે જઈને ‘આપ તો સરસ્વતી માં હો’ એમ કહીને ગીત ગાવા માટે મનાવી લીધાં હતાં.
એમ કહેવાય છે કે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ની પ્રેરણા તેમને લતાજીના ચહેરા પરથી મળી હતી. તેમણે લતાજીને ફિલ્મની હિરોઇનનો રોલ ઑફર કર્યો હતો. લતાજીએ એનો અસ્વીકાર કર્યો હતો. એ દરમ્યાન ફરી એક વાર એવું કંઈક બન્યું જેથી બન્ને વચ્ચે તનાવ વધી ગયો. મુન્ની નસરીન કબીર સાથેના ઇન્ટરવ્યુમાં એ વિશે વાત કરતાં લતાજી કહે છે, ‘રાજ કપૂર હૃદયનાથ પાસે આવ્યા અને ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ ઑફર કરી. તેણે હા પાડી. એ દિવસોમાં મારે મુકેશભૈયા સાથે અમેરિકાની ટૂર પર જવાનું હતું. ટૂરમાં એક દિવસ તેમણે કહ્યું, ‘હૃદયનાથને બદલે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં સંગીત આપવાના છે.’ મેં તેમની વાતો પર ધ્યાન ન આપ્યું, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં આવી અફવા ફેલાતી હોય છે.
ટૂર પૂરી કરીને અમે મુંબઈ આવ્યાં ત્યારે ખબર પડી કે એ અફવા નહીં, હકીકત હતી. કોઈ પણ કારણ જણાવ્યા વિના રાજ કપૂરે પોતાનો નિર્ણય બદલી નાખ્યો. મને લાગે છે કે લક્ષ્મીકાંતે તેમને મનાવ્યા હશે કે ‘બૉબી’નું સંગીત આટલું લોકપ્રિય થયું તો પછી સંગીતકાર બદલવાની શું જરૂર છે.
હૃદયનાથ ખૂબ ચિડાયેલો હતો, કારણ કે તે સામે ચાલીને રાજ કપૂર પાસે નહોતો ગયો. અધૂરામાં પૂરું હોય એમ પ્રેસમાં આર્ટિકલ આવવા લાગ્યા જેમાં સત્યનો એક અંશ નહોતો. મને ગુસ્સો આવ્યો. મેં રાજ કપૂર સાથે દલીલ કરી અને પૂછ્યું, ‘આવું જ કરવું હતું તો પછી હૃદયનાથ પાસે આવ્યા જ શું કામ હતા? મારે તમારી સાથે કામ નથી કરવું.’
પંડિત નરેન્દ્ર શર્મા ફિલ્મના ગીતકાર હતા. તેઓ એક બાબતે ચોક્કસ હતા કે મારા સિવાય કોઈ આ ફિલ્મનાં ગીત ગાઈ જ ન શકે. લક્ષ્મીકાંતે કહ્યું કે જો હું ગીત નહીં ગાઉં તો તેઓ ફિલ્મ છોડી દેશે. આ બધી ભાંજગડ જોઈને હૃદયનાથે મને કહ્યું કે જે થયું એ ભૂલી જઈને તારે ગીત ગાવાં જોઈએ.
જ્યારે હું ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ના ટાઇટલ-સૉન્ગના રેકૉર્ડિંગ માટે ગઈ ત્યારે પણ મારો ગુસ્સો હજી ઊતર્યો નહોતો. પંડિતજીએ મને ગીત લખાવ્યું. લક્ષ્મીકાંત-પ્યારેલાલે રિહર્સલ કરાવ્યું. ત્યાર બાદ મારી ટેવ મુજબ ચંપલ કાઢીને હું માઇક સામે ઊભી રહી ગઈ. રાજ કપૂરે ‘Let’s go for take’ કહ્યું અને મેં શરૂ કર્યું. પહેલા જ ટેકમાં ગીત ઓકે થયું. મેં ચંપલ પહેર્યાં અને હું ઘરે જવા નીકળી ગઈ.’
સંબંધ કાચના વાસણ જેવા હોય છે. જો એમાં એક વાર તડ પડી જાય પછી એની આવરદા કેટલી હશે એ કહેવાય નહીં. એ સંબંધ ટકે તો પણ એ તડ સતત યાદ અપાવે કે કશુંક ખૂટે છે. આ ઘટના પછી લતાજી અને રાજ કપૂરના સંબંધમાં જે થોડીઘણી ઉષ્મા હતી એ પણ ગાયબ થઈ ગઈ. હા, સંગીતપ્રેમીઓનાં નસીબ એટલાં સારાં કે બન્ને વચ્ચે છેવટ સુધી પ્રોફેશનલ રિલેશન કાયમ રહ્યા, જેના પરિણામસ્વરૂપ આપણને અનેક યાદગાર ગીતો મળ્યાં.