Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એ પહેલો તું’કારો અને હાથમાં રહેલાં ફૂલ

એ પહેલો તું’કારો અને હાથમાં રહેલાં ફૂલ

Published : 29 August, 2023 01:19 PM | IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

‘તમે’માંથી ‘તું’ પર આવવામાં પ્રવીણને એક મહિનો લાગ્યો હતો. ‘ચંદરવો’ના શુભારંભ સમયે હું મેકઅપ-રૂમમાં મેકઅપ કરાવતી હતી એ દરમ્યાન મારી પાસે આવ્યા અને તેમણે પ્રેયર માટે સ્ટેજ પર આવવાનું કહેતી વખતે મને સાવ જ અનાયાસ ભાવ સાથે પહેલી વાર તું’કારો કર્યો

સરિતા જોષી

એક માત્ર સરિતા

સરિતા જોષી


એક્ઝૅક્ટ ૩૦ દિવસનાં રિહર્સલ્સ પછી ‘ચંદરવો’ નાટક તૈયાર થયું. ‘ચંદરવો’ આઇએનટી દ્વારા રંગભવનમાં કરવામાં આવતા ફેસ્ટિવલમાં ઓપન કરવાનું હતું. રંગભવનમાં દર વર્ષે નાટકોનો ફેસ્ટિવલ થતો એ તો મેં તમને ગયા મંગળવારે કહ્યું, પણ એ કહેવાનું બાકી હતું કે નાટકના થોડા શો મુંબઈમાં કરીને સીધું અમદાવાદની ટૂર પર જવાનું હતું. તમને ગયા અઠવાડિયે કહ્યું એમ, એ સમયે અમદાવાદની ટૂર બહુ લાંબી થતી. ઓછામાં ઓછું એકથી દોઢ મહિનો ત્યાં રહેવાનું અને દરરોજ શો કરવાના. મેં તો પહેલેથી જ પ્રવીણ જોષીને કહી રાખ્યું હતું કે હું ઑડ-ડેના જ તમને ડેટ આપીશ એટલે વાત જેવી અમદાવાદ ટૂરની આવી કે તરત મેં તેમને કહી દીધું કે શનિ-રવિ અહીં મુંબઈમાં મારા નાટકના શો હશે એટલે હું એવી રીતે તો અમદાવાદ નહીં આવી શકું, પણ હા, જો તમે ઇચ્છતા હશો તો ઑડ-ડેની તારીખ હું તમને આપીશ.


‘પહેલાં નાટક ઓપન થઈ જવા દે, આપણે બાકીનું બધું પછી નક્કી કરીશું...’



પ્રવીણની એક વાત બહુ સ્પષ્ટ હતી. હાથમાં જે કામ હોય એ પહેલાં કરવાનું અને એ કામને પ્રામાણિક રહેવાનું. ‘ચંદરવો’નાં ગ્રૅન્ડ રિહર્સલ્સ આવ્યાં, જેમાં આઇએનટીથી માંડીને અમારી લાઇનમાં હોય એવા પ્રવીણના ઘણા મિત્રો પણ નાટક જોવા આવ્યા. એ લોકોનો રિસ્પૉન્સ બહુ સારો હતો. તેમનો રિસ્પૉન્સ જોઈને પ્રવીણને જે હાશકારો થતો એ હું જોઈ શકતી હતી. મેં અહીં હાશકારો શબ્દનો ઉલ્લેખ કર્યો છે, ખુશીની વાત હું નથી કરતી. પ્રવીણ હંમેશાં કહેતા કે તમે તમારું કામ શ્રેષ્ઠ રીતે કર્યું છે એ વાતની ખુશી ત્યારે જ તમને મળે જ્યારે તમને ખાતરી થાય કે તમારું કામ લોકોને ગમ્યું. જો તમે શ્રેષ્ઠ રીતે કામ કર્યું હોય અને એ પછી પણ નાટક ઑડિયન્સને ન ગમે તો પણ તમે એટલું આશ્વાસન લઈ શકો કે તમે તમારી મહેનતમાં ક્યાંય કચાશ નહોતી રાખી. જો મહેનતમાં કચાશ રહી ગઈ હોય તો એ નિષ્ફળતા તમને પીડા આપે, પણ જો તમે ક્યાંય કચાશ ન રહેવા દીધી હોય અને એ પછી પણ તમને નિષ્ફળતા મળે તો ઍટ લીસ્ટ તમારા હૈયે હાશકારો રહે.


ગ્રૅન્ડ રિહર્સલ્સ પૂરું થયા પછી હું પ્રવીણના ચહેરા પર પથરાયેલો હાશકારો સ્પષ્ટપણે જોઈ શકતી હતી.

lll


‘ચંદરવો’ નાટકના શુભારંભનો દિવસ આવ્યો. એ દિવસે રંગભવન ઑડિટોરિયમમાં હું પહોંચી ત્યારે પ્રવીણ આવી ગયા હતા. એકદમ સૂટ-બૂટમાં તૈયાર થયેલા પ્રવીણ ખૂબ બધાં ફૂલ સાથે ટક... ટક... ટક... કરતા મેકઅપ-રૂમમાં આવ્યા. અહીં હું તમને પહેલાં મારી આદતની વાત કરું.

મારો મેકઅપ ચાલતો હોય કે પછી હું તૈયાર થતી હોઉં એ સમયે ગ્રીનરૂમમાં હું કોઈ સાથે વાત ન કરું. હું સંપૂર્ણપણે ચૂપ હોઉં. ત્યાં સુધી કે મારે જો મારા મેકઅપ આર્ટિસ્ટને પણ કંઈ કહેવાનું હોય તો હું ઇશારાથી જ તેને કહી દઉં. જૂની રંગભૂમિના અમે કલાકારો. અમે એ મુજબ જ ઍક્ટ્રેસ જોયા હતા, જે આ જ રીતે પોતાનો મેકઅપ કરાવતા. તમે જેવું જુઓ એવું જ શીખો. બસ, હું પણ એવું જ શીખી, પણ હા, મારામાં એક ચેન્જ આવ્યો હતો. એ સમયે મનમાં ચાલતા વિચારોમાં બીજી કોઈ વાત ન હોય. મારા મનમાં નાટકની સ્ક્રિપ્ટ ચાલ્યા કરે અને હું

મનમાં ને મનમાં રિહર્સલ્સ કરતી હોઉં.

એ દિવસે પણ એવું જ હતું. હું મેકઅપ-રૂમમાં તૈયાર થતી હતી, મારો મેકઅપ ચાલતો હતો. મનમાં નાટક ચાલતું હતું અને એક જ ધ્યેય હતું કે મારે થોડી વાર પછી સ્ટેજ પર જવાનું છે એટલે હું ચિત્ત એકાગ્ર કરીને બેઠી હતી અને ત્યાં જ મેકઅપ-રૂમના દરવાજા પાસે ટક... ટક... થયું અને થોડી જ ક્ષણોમાં અમારા મેકઅપ-રૂમના દરવાજા પર હળવા ટકોરા પડ્યા.

ઠક... ઠક...

મારી મેકઅપ આર્ટિસ્ટે જઈને દરવાજો ખોલ્યો અને કશું જ બોલ્યા વિના તે પાછી અંદર આવી. હું કંઈ પૂછું કે તે કંઈ કહે એ પહેલાં તો શૂઝનો અવાજ મારી વધારે નજીક આવ્યો અને પ્રવીણ મારી સામે પ્રગટ થયા.

અમારા બન્નેની આંખો મળી અને પ્રવીણે તેમના હાથમાં રહેલાં ફૂલ મારી સામે ધર્યાં.

‘ઑલ ધ બેસ્ટ...’

મેં માત્ર સ્માઇલ સાથે જવાબ આપ્યો, પણ પ્રવીણનું ધ્યાન એ સ્માઇલ પર પણ નહોતું. પ્રવીણે એ પણ જોયું નહોતું કે મેં તેમના હાથમાંથી ફૂલ નથી લીધાં. પોતાનામાં જ મસ્ત એવા પ્રવીણે તરત જ મને આગળની સૂચના આપતાં કહ્યું, ‘હવે આપણે પ્રેયર કરવાની છે, સ્ટેજ પર આવો...’

અને પછી તેમનું ધ્યાન ગયું કે મેં હજી કૉસ્ચ્યુમ ચેન્જ કર્યા નથી.

હા, મેકઅપ કરાવતી વખતે મેં હજી ગાઉન પહેર્યો હતો. આ મારી આદત છે. મેકઅપ પહેલાં થાય અને કૉસ્ચ્યુમ પછી ચેન્જ કરવાના. કારણ પણ સમજાવું. જો મેકઅપ પહેલાં તમે કૉસ્ચ્યુમ ચેન્જ કરી નાખ્યા હોય તો એ કૉસ્ચ્યુમ મેકઅપ દરમ્યાન બગડવાની શક્યતા રહે અને જૂની રંગભૂમિ હંમેશાં લિમિટેડ બજેટમાં ચાલતી હોય એટલે નાની-નાની વાતોની દરકાર અમને ત્યાંથી જ શીખવા મળી હતી.

‘તમે હજી કૉસ્ચ્યુમ નથી ચેન્જ કર્યા?’ પછી પ્રવીણે ધ્યાનથી જોયું, ‘વેરી ગુડ... સરસ ગાઉન પસંદ કર્યો છે.’

હું ચૂપ રહી, પણ મારા ચહેરા પર હજી પણ સ્માઇલ હતું. મારે નિયમ તોડવો નહોતો અને પ્રવીણને એના વિશે ખબર નહોતી એટલે એ તો વાતો કરવાના મૂડમાં જ ત્યાં ઊભા હતા.

‘એક કામ કરો, તમે તૈયાર થઈ જાઓ એટલે આપણે સાથે પ્રેયર કરી લઈએ...’

મારો નિયમ તૂટ્યો.

મારે જવાબ આપવો પડ્યો,

‘એક કામ કરો...’ મેં કહ્યું, ‘તમે પ્રેયર કરી લો, હું મારી પ્રેયર અહીં, મારી રીતે કરી લઈશ...’

‘બિલકુલ નહીં...’ પ્રવીણે ઝાટકા સાથે મારી સામે જોયું, ‘પ્રેયર આપણે બધાં સાથે કરીશું... આ જ અમારી પ્રથા છે. કલાકાર-કસબીઓ બધાં સાથે સ્ટેજ પર આવે અને આપણે બંધ પડદે પ્રેયર કરીએ.’

મને રાહત આપતાં પ્રવીણે કહી પણ દીધું.

‘તમે તમારું બધું કામ પતાવી લો, પછી સાથે પ્રેયર કરીએ...’ પ્રવીણે પહેલી વાર મારી સામે જોયું, ‘ટેક યૉર ઑનટાઇમ... નો વરીઝ...’

પ્રવીણ બહાર નીકળવા માંડ્યા અને પછી અચાનક ઊભા રહ્યા અને કંઈક વિચારીને તેઓ ફરી મેકઅપરૂમમાં આવ્યા.

‘નવી રંગભૂમિનો આ જ નિયમ છે... કહો કે મેં એને ચુસ્ત રીતે પાળવાનું શરૂ કર્યું છે. આપણે બધા સાથે જ પ્રેયર કરીશું અને નટદેવતાને પ્રાર્થના કરીશું કે આપણી મહેનતને તેઓ સ્વીકારે...’ પ્રવીણના ચહેરા પર નિરાંત હતી, ‘શાંતિથી તૈયાર થઈ જા, તું આવશે તો ગમશે...’

‘મને...’ પ્રવીણે સહેજ ભાર સાથે કહ્યું, ‘સાથે પ્રેયર કરીએ આપણે આવ...’

‘તમે’માંથી ‘તું’ અને આ વખતે તેમના હાથમાં ફૂલ પણ હતાં...

કોઈ જાતની દલીલ વિના મેં હોઠ ભીડીને બસ સ્માઇલ સાથે તેમની સામે જોયું.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

29 August, 2023 01:19 PM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK