અંગ્રેજોને અનુસરવામાં પારસીઓ સૌથી આગળ. એટલે ‘દેશીઓ’માં પારસીઓ સૌથી પહેલાં પહોંચ્યા માથેરાન.
ચલ મન મુંબઈનગરી
આર્થર્સ સીટ, મહાબળેશ્વર
લીલમલીલી મહેકથી મને
લાલ માટીનો રસ્તો હવે સાદ કરે છે:
ADVERTISEMENT
મમ્મી! ચાલને માથેરાન!
ડાળે ડાળે કૂદતા પેલા વાંદરાઓ
મને સાદ કરે છે:
મમ્મી ચાલને માથેરાન!
મને બોલાવે ઘોડાના દાબડાઓ લાડથી,
મને બોલાવે પંખીના સૂર મીઠા ઝાડથી,
પ્હાડનું એકલ ઝાડ
ને ડૂબ્યા પડઘાઓ ફરિયાદ કરે છે:
મમ્મી ચાલને માથેરાન!
આજથી પચાસ-સાઠ વરસ પહેલાં સુરેશભાઈ દલાલે આ બાળકાવ્ય લખ્યું ત્યારે મુંબઈના મધ્યમ વર્ગના બાળક માટે વેકેશનમાં માથેરાન કે મહાબળેશ્વર જવું એ બહુ મોટી વાત. કારણ એ વખતે હજી આજના જેટલું ટૂરિઝમ ફૂલ્યુંફાલ્યું નહોતું. મુંબઈની બહારની મુસાફરી એટલે કાં ‘દેશ’ જવું, કાં સારા-માઠા પ્રસંગે કોઈને ત્યાં જવું કે પછી દેવદર્શન માટે યાત્રા કરવી. એ વખતે મધ્યમ વર્ગના માણસને પ્લેનની મુસાફરીનો તો સપનામાંય વિચાર ન આવે. બહારગામની ટ્રેનોમાં ત્રણ ક્લાસ : ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. વચમાં થોડાં વરસ વળી થર્ડ અને સેકન્ડની વચ્ચે ‘ઇન્ટર’ નામનો ક્લાસ ઉમેરેલો રેલવે કંપનીએ, પણ પછી કાઢી નાખ્યો. એટલે મધ્યમ વર્ગને તો પંખા વગરનો, બેસવા માટે લાકડાના બાંકડાવાળો થર્ડ ક્લાસ જ પોસાય. એટલે માથેરાન જવાનું હોય તો સૌથી મોટું આકર્ષણ તો ટૉય ટ્રેન.
સુજ્ઞ વાચકને વિમાસણ થતી હશે કે આજે મુંબઈના રસ્તા પર રખડવાને બદલે આમ બહારગામ કેમના ઊપડ્યા? કારણ કે મુંબઈ, માથેરાન અને મહાબળેશ્વર વચ્ચે એક લગભગ અજાણ્યો નાતો છે. એક જમાનામાં મુંબઈના પૂર્વ કિનારે ઘણાંબધાં નાનાં-નાનાં બંદર. એમાંનું એક માલેટ બંદર (આ ‘માલેટ’ ઉચ્ચાર બમ્બૈયા છે હોં). એની સાથે જોડાયેલા આર્થર મેલેટનો જન્મ ૧૮૦૬માં, અવસાન ૧૮૮૮માં. ૧૮૨૬થી ૧૮૬૦ સુધી મુંબઈ સરકારની નોકરી કરી. ૧૮૫૫થી ૧૮૬૦ સુધી મુંબઈની કાઉન્સિલના સભ્ય રહ્યા પણ બંદર સાથે મેલેટનું નામ જોડવાનું કારણ એ કે મુંબઈની ગોદી કહેતાં ડૉકના વિકાસમાં તેમનો મોટો ફાળો. એવો જ મહત્ત્વનો તેમનો ફાળો માથેરાનના વિકાસમાં. કહેવાય છે કે માથેરાનમાં પહેલવહેલું પાકું મકાન આ સાહેબે બંધાવેલું.
આ આર્થરસાહેબના ભાઈ હ્યુ પોઇન્ઝ મેલેટ. તેમણે મહાબળેશ્વરની ‘શોધ’ કરેલી. એટલે આર્થરસાહેબ ઘણી વાર કુટુંબ સાથે ત્યાં પણ જતા. પણ કહ્યું છેને કે ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થશે કાલે.’ ખીણમાં વહે સાવિત્રી નદી. આર્થર સાહેબ ઘણી વાર પત્ની અને બાળકો સાથે સાવિત્રી નદીમાં બોટિંગ કરે. પણ એક દિવસ શું સૂઝ્યું કે સાહેબે પત્નીને કહ્યું કે તમે બાળકોને લઈને બોટિંગ કરી આવો. હું અહીં બેઠો છું. એટલે એ બધાં ગયાં. હોડીમાં બેઠાં. નાવિકે હોડી હંકારી. માલેટ સાહેબની નજર હોડી પર, એમાં બેઠેલાં પત્ની અને બાળકો પર. અને એકાએક શું થયું એ તો રામ જાણે! નદીના પ્રવાહમાં વહી રહેલી હોડી ઊંધી વળી ગઈ, સાહેબની નજર સામે. પણ સાહેબ બેઠા હતા ડુંગરની ધારે અને નદી તો નીચે ખીણમાં. પોતાના પ્રાણપ્યારાં સ્વજનોને પોતાની આંખ સામે મરતાં જોયાં છતાં સાહેબ તેમને બચાવવા કાંઈ જ ન કરી શક્યા. એનો તેમને લાગ્યો ઊંડો આઘાત. અવારનવાર અહીં આવે. એ દિવસે બેઠા હતા ત્યાં જ જઈને બેસે. કલાકો સુધી સાવિત્રી નદીનાં વહેતા વારિને તાકી રહે. પછીથી એ જગ્યાને એમની સ્મૃતિમાં ‘આર્થર્સ સીટ’ નામ આપવામાં આવ્યું. અહીંનો આ સૌથી વધુ સુંદર પૉઇન્ટ મનાય છે. અલબત્ત, કેટલાક આ વાતને કપોળકલ્પના માને છે. તેમનું કહેવું છે કે આર્થર્સ સીટ નામ તો પડ્યું છે મુંબઈના ગવર્નર સર જ્યૉર્જ આર્થરના નામ પરથી. ૧૮૪૨થી ૧૮૪૬ સુધી તેઓ મુંબઈના ગવર્નર હતા. આર્થર રોડ અને આર્થર રોડ જેલ એ નામો પણ તેમના પરથી જ પડ્યાં છે.
પણ આ મેલેટ સાહેબે આ ‘શોધ’ કરી હતી કઈ રીતે? એ હતા મુંબઈ સરકારના નોકર. ૧૮૫૦ના કોઈક દિવસે પુણેથી થાણે જતાં રસ્તામાં ‘ચોક બંગલો’ ખાતે રોકાયા. એક સાંજે હાથમાં બંદૂક લઈને બાજુનો ડુંગર ચડવા લાગ્યા. અડધે સુધી ગયા ત્યાં જ ખાતરી થઈ ગઈ કે આ જગ્યા તો વિકસાવવા જેવી છે. બીજા દિવસે ત્યાંના પાટીલને સાથે લઈને ફરી છેક ડુંગરની ટોચે પહોંચ્યા. પાછા ફરતાં પાણી, માટી, વનસ્પતિ વગેરેના નમૂના સાથે લીધા.
થોડા મહિના પછી ત્યાંના પાટીલને સાહેબે થોડાં મરઘાં-બતકાં, બકરાં મોકલ્યાં અને આદેશ આપ્યો કે આ બધું ડુંગરની ટોચ પર લઈ જવું. તો પાટીલના દીકરા માધવરામને કામ સોંપ્યું ટોચ પર એક નાનકડું મકાન બાંધવાનું. છ અઠવાડિયાંમાં તો મકાન તૈયાર. ૧૮૫૦ના નવેમ્બરની પહેલી તારીખે બૉમ્બે પ્રેસિડન્સીના નામદાર ગવર્નર લૉર્ડ ફોકલૅન્ડની સવારી માથેરાન આવી પહોંચી. તેમને માથેરાન એટલું તો ગમી ગયું કે પોતાના મકાનની આસપાસ તેમણે તંબુઓ ખોડાવ્યા, પોતાના સ્ટાફને કામ કરવા માટે. પૂરો એક મહિનો ગવર્નરસાહેબ અહીં રહ્યા. પછી તો લગભગ દર વરસે ઉનાળામાં ગવર્નરસાહેબ માથેરાનમાં જ હોય. ફોકલૅન્ડ પછીના ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટન ૧૮૫૫ના ઉનાળામાં માથેરાન આવ્યા અને આવ્યા એવા જ એના પ્રેમમાં પડી ગયા. તેમણે માથેરાનના વિકાસ માટે ઘણી યોજના ઘડી ને પાર પાડી.
અંગ્રેજોને અનુસરવામાં હંમેશાં પારસીઓ સૌથી આગળ. એટલે ‘દેશીઓ’માં પારસીઓ સૌથી પહેલાં પહોંચ્યા માથેરાન. તેમાંના એક હતાં ગુલબાઈ ફરામજી પાઠક. તેમણે માથેરાન વિશેનું પહેલું ગુજરાતી પુસ્તક લખ્યું, જે પ્રગટ થયું ૧૮૯૧માં. એનું નામ જરા લાંબુંલચક : ‘માથેરાન: તેનો મુખ્તેસર હેવાલ, આબોહવા, તવારીખ, ઇત્યાદિ : તેના વિગતવાર નકશા સાથે.’ મુંબઈના કૈસરે હિન્દ સ્ટીમ પ્રેસમાં છપાયેલા ૭૨ પાનાંના આ પુસ્તકની કિંમત હતી એક રૂપિયો.
માથેરાનમાં હાથી અને ઊંટ જોવા મળે ખરાં? આજે તો હજી માંડ-માંડ ઈ-રિક્ષા અખતરા તરીકે શરૂ થઈ છે પણ ૧૮૯૧માં દસ્તૂરી આગળ ટોલ ટૅક્સના દરનું જે પાટિયું માર્યું હતું એમાં ટૅક્સના દર આ પ્રમાણે લખ્યા હતા :
હાથી : દોઢ રૂપિયો
ઊંટ : આઠ આના
પાલખી : એક રૂપિયો
ટટ્ટુ : ૯ પાઈ
ઘોડો : ૧ રૂપિયો છ આના
બળદ : ૧ આનો
ઘેટાં, બકરાં, ડુક્કર : ૧ પાઈ
બીજું કોઈ પણ જાનવર : ૩ પાઈ
એટલે એક જમાનામાં માથેરાન પર હાથી અને ઊંટ જોવા મળતાં હશે, ક્યારેક. પણ આ પ્રાણીઓ ડુંગર ચડતાં કઈ રીતે હશે એની અટકળ જ કરવી રહી.
આ પુસ્તકમાં જણાવ્યું છે કે અહીં બંગલા બાંધવા માટે અરજીઓ મગાવાઈ ત્યારે કુલ ૬૫ અરજી આવી હતી, જેમાં એક પણ હિંદુ ગુજરાતીનું નામ નહોતું. મરાઠીભાષીઓમાં પણ માત્ર એક અરજી આવી હતી, વિનાયક ગંગાધરની. બાર અરજીઓ પારસીઓની હતી. એમાં સર જમશેદજી જીજીભાઈ, રુસ્તમજી મેરવાનજી, હીરજી જહાંગીર, મંચેરજી જમશેદજી વગેરેનો સમાવેશ થતો હતો. બાકીની અરજી અંગ્રેજોની હતી.
આ પુસ્તક લખાયું ત્યારે હજી નેરળ-માથેરાન ટ્રેન શરૂ થઈ નહોતી. પગરસ્તે જ ચાલીને કે ડોળીમાં જવું પડતું. પુસ્તકનાં લેખિકા પણ એ રીતે જ આવતાં-જતાં. તેમણે માથેરાનની બજારની વિગતો આપી છે. એ પ્રમાણે એ વખતે બજારમાં ફક્ત દસ દુકાન હતી! બે ગાંધીની, બે શાકભાજીની, એક દરજીની, એક કંદોઈની અને ત્રણ કરિયાણાની. દસમી દુકાન અંગ્રેજો માટેની હતી, ‘હોલ શૉપ’. તો એ વખતના માથેરાનમાં ફક્ત છ હોટેલ હતી : ગ્રેન્વિલ, પિન્ટો, રગ્બી, ક્લેરેનડન, વિક્ટોરિયા અને આલ્બર્ટ વિક્ટર. એમાંની પહેલી ચાર માત્ર અંગ્રેજો માટે હતી. ‘દેશીઓ’ માટે માત્ર બે જ હોટેલ હતી. એમાં પાછી વિક્ટોરિયા હોટેલ ફક્ત પારસીઓ માટે હતી. વિદેશીઓ માટેની હોટેલોમાં રોજનું ભાડું પાંચ રૂપિયા હતું, જેમાં આખા દિવસના ‘ખાણા’નો સમાવેશ થતો પણ ‘પીણાં’નો નહીં. શાપુરજી નવરોજીએ શરૂ કરેલી વિક્ટોરિયા હોટેલનું ભાડું હતું દિવસના ત્રણ રૂપિયા. આ ઉપરાંત પોસ્ટ ઑફિસની સામે આવેલી લાઇબ્રેરી તથા જિમખાનાની વિગતો પણ પુસ્તકમાં આપી છે.
અને આજે પણ રસ પડે એવી એક વાત : ૧૮૯૦માં મુંબઈની બાલીવાલા નાટક મંડળી માથેરાન ગઈ હતી. ખાસ બાંધેલા તંબુમાં ત્રણ દિવસ સુધી નાટકના ખેલ થયા હતા. એની બધી જ આવક બાલીવાલાએ માથેરાનને દાનમાં આપી દીધી હતી. એમાંથી અહીંના દરેક પૉઇન્ટ પર એક-એક બાંકડો મૂકવામાં આવ્યો હતો. ‘માથેરાન’ નામ સમજાવવા લેખિકા બે વિકલ્પ સ્વીકારે છે. પહેલો, જે ટેકરીના માથા પર એટલે કે ટોચ પર રાન કહેતાં જંગલ આવેલું છે એ માથેરાન. આમ તો આ વાત બંધબેસતી થતી લાગે પણ એમાં મુશ્કેલી એ છે કે મરાઠીમાં head માટે માથું શબ્દ નહીં પણ ‘ડોકા’ શબ્દ વપરાય છે. લેખિકા નોંધે છે કે અહીંના અસલ વતની એવા ધનગર લોકો કહે છે કે મૂળ નામ ‘માતેરાન’ એટલે કે માતાનું રાન હતું. એમાંથી માથેરાન થયું. આ વાતને ટેકો આપતી એક મરાઠી કહેવત પણ લેખિકા નોંધે છે : ‘માતપીતે ગુમવલા, માતેરાન નાવ પાવલા.’
સુરેશ દલાલના બાળગીતના શબ્દો આપણને ક્યાંથી ક્યાં લઈ ગયા! માલેટ બંદરેથી ઊપડેલી આપણી હોડી તો પહોંચી ગઈ સીધી માથેરાન! અરે, પણ હોડી તે વળી માથેરાન કઈ રીતે પહોંચે? પણ ઉમાશંકર જોશીએ જ તો ગાયું છે :
છોને છોડે એ ભૂમિના કિનારા,
ને શહેરના મિનારા,
કે હોડીને દૂર શું, નજીક શું?
હવે આવતા અઠવાડિયે? કહેતી છે કે આડી રાત, એની શી વાત? અને અહીં તો એક નહીં, સાત-સાત રાત આડી છે!