બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનાં ફર્સ્ટ ફીમેલ પ્રેસિડન્ટ દીના મેહતા અને CA અસિત મેહતાનો નાનો પુત્ર આકાશ આજે સ્ટૅન્ડઅપ કૉમેડીની દુનિયામાં એક જાણીતું નામ છે, પરંતુ કઈ રીતે તેણે આ પ્રોફેશનમાં કાઠું કાઢ્યું એ રસપ્રદ સ્ટોરી છે
આકાશ મેહતા
એ પરિસ્થિતિ સાવ સરળ તો ન જ હોઈ શકે! બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનાં ફર્સ્ટ ફીમેલ પ્રેસિડન્ટ દીના મેહતા અને CA અસિત મેહતાનો નાનો પુત્ર આકાશ આજે સ્ટૅન્ડઅપ કૉમેડીની દુનિયામાં એક જાણીતું નામ છે, પરંતુ કઈ રીતે તેણે આ પ્રોફેશનમાં કાઠું કાઢ્યું એ રસપ્રદ સ્ટોરી છે. પૈસાદાર અને વગદાર માતા-પિતાએ બાળકની વાત માનીને તેને આંધળો સપોર્ટ કરવો કે પછી તેને ખરી રીતે સફળ અને આત્મનિર્ભર બનાવવા માટે અમુક કડક પગલાં પણ લેવાં એ આકાશની કથની પરથી સમજી શકાય છે
‘તમારાં મમ્મી-પપ્પાએ જે કર્યું હોય એ તમારે ન જ કરવું હોય એ એક હ્યુમન ટેન્ડન્સી છે. મમ્મી-પપ્પા બન્ને CA છે પણ મને મૅથ્સ આવડ્યું જ નહીં. મારે એ કરવું જ નહોતું. મને રસ હતો લોકોને ખુશ કરવામાં, હસાવવામાં. કોઈ પણ ગુજરાતી માતા-પિતાની જેમ મારાં માતા-પિતાને પણ એ જ ચિંતા હતી કે આ કોઈ ઢંગનું કામ નહીં કરે તો કમાશે શું? તેને છોકરી કોણ આપશે? તેમની ચિંતા ખોટી નહોતી એ મને આજે સમજાય છે; પરંતુ છેલ્લાં ૧૩ વર્ષની મારી મહેનતને કારણે એ ચિંતા હર્ષમાં પરિણમી છે, કારણ કે આજે દીના મેહતા અને અસિત મેહતાને કેટલાક લોકો આકાશનાં મમ્મી-પપ્પાના નામે પણ ઓળખે છે.’
ADVERTISEMENT
આ શબ્દો છે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનાં ફર્સ્ટ ફીમેલ પ્રેસિડન્ટ દીના મેહતા અને ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં વિશ્વસનીય નામ તરીકે ઓળખાતા અસિત મેહતાના નાના પુત્ર ૩૧ વર્ષના આકાશ મેહતાના જે પોતે સ્ટૅન્ડઅપ કૉમેડીની દુનિયામાં એક જાણીતું નામ છે. kuchBhiMehta - કુછ ભી મેહતાના નામે તેની યુટ્યુબ ચૅનલ છે જેની શરૂઆત તેણે ૨૦૧૫માં કરેલી. આજ દિવસ સુધી એમાં તેના ૧૮૧ વિડિયોઝ છે અને ૬,૧૯,૦૦૦ ફૉલોઅર્સ છે. તેના મોટા ભાગના વિડિયોઝ ખાસ્સા વાઇરલ થાય છે જેમાં ઘણા વિડિયોના વ્યુઝ ૧૦ લાખને પાર કરી ગયા છે. ૨૦૧૧થી તેણે ભારતભરમાં જુદાં-જુદાં શહેરોમાં ફરીને અઢળક સ્ટૅન્ડઅપ કૉમેડીના શોઝ કર્યા છે.
નાનપણ
ગ્રાન્ટ રોડમાં ઊછરેલો આકાશ ગુજરાતી માધ્યમમાં ભણ્યો. ત્રીજા-ચોથા ધોરણથી એ જ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં ભણવાનું શરૂ કર્યું. એ સમયને યાદ કરતાં આકાશ કહે છે, ‘અમારી સ્કૂલમાં ખાલી માધ્યમ બદલાયું, પુસ્તકો બદલાયાં; પણ શિક્ષકો એ જ હતા એટલે વિદ્યાર્થીઓ પણ એ જ રહ્યા. મને ત્યારે પણ બોલવાનું ખૂબ ગમતું. સ્ટેજ પર જવાનું ખૂબ ગમતું. મને યાદ છે કે હું આઠમા ધોરણમાં હતો ત્યારે એક વક્તૃત્વ સ્પર્ધામાં ‘વૉટ ઇઝ યૉર ડ્રીમ’ વિષય પર બોલ્યો હતો કે મારું સપનું છે હું દુનિયામાં બધાને હસાવવા માગું છું. આ સ્પર્ધામાં મારો પહેલો નંબર આવેલો. એ સમયે આવું સ્ટૅન્ડઅપ જેવું કશું હતું નહીં એટલે કરીઅર-ચૉઇસ તો મગજમાં પછી આવી, પણ નાનપણમાં એક વસ્તુ જે મને કરવી ખૂબ ગમતી એ છે લોકોને હસાવવા.’
ભારતમાં એ સમયે ખૂબ ચાલતા ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર શો અને વિદેશના પ્રખ્યાત શો કૉમેડી સેન્ટરની ૧૩ સીઝન આકાશે ખૂબ નાની ઉંમરમાં જોઈ કાઢેલાં. એના વિશે પોતાની ભાવના વ્યક્ત કરતાં આકાશ કહે છે, ‘મને કૉમેડી એક ચમત્કાર જેવી લાગતી. કઈ રીતે એક વ્યક્તિ સ્ટેજ પરથી આખા ક્રાઉડને હાસ્યના હિલોળે ચડાવે, એવું તે શું કરી નાખે કે પ્રેક્ષકો હસી-હસીને લોટપોટ થઈ ગયા હોય, તેમના મોઢાનું પાણી પણ પિચકારી બનીને સામે ફેંકાતું હોય. આ આખી દુનિયા જ મને જાદુની દુનિયા જેવી લાગતી અને બીજું કંઈ નહીં પણ નાનપણમાં મને લાગતું કે મારે મારી દુનિયા આવી બનાવવી છે.’
ભણતર
દીનાબહેન અને અસિતભાઈના ઘરમાં સહજ રીતે ફાઇનૅન્સનો જ માહોલ હોય, એમાં આ કલાકાર કઈ રીતે પાંગર્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં આકાશ કહે છે, ‘ભણવામાં હું ખાસ હોશિયાર નહોતો. એ સમયે મ્યુઝિકમાં મને ખૂબ રસ હતો. ન્યુ યૉર્ક જઈને મ્યુઝિક ટેક્નૉલૉજી ભણવાનું પણ મેં વિચાર્યું હતું. જ્યારે કૉલેજની વાત આવી ત્યારે જે કંઈ ન ભણે એ લૉ ભણે એવા નિયમ હેઠળ મેં લૉ કૉલેજ જૉઇન કરી જેની સાથે-સાથે મેં કૉમેડી કરવાનું પણ શરૂ કરી દીધું. એ દિવસોમાં અમિત ટંડન જેવા ગુરુઓનું માર્ગદર્શન મળ્યું. કૉમેડી શું છે, કઈ રીતે અને કેવી રીતે એનું સમાજમાં સ્થાન છે એ હું સમજ્યો. ચોથા વર્ષમાં લાગ્યું કે લૉ છોડીને હવે ફક્ત કૉમેડી પર જ ફોકસ કરું, પણ એવું થયું નહીં. કૉલેજ તો પૂરી કરી અને ડિગ્રી પણ લીધી.’
મમ્મીનું ઘડતર
લૉની ડિગ્રી લીધા પછી પણ તમને સ્ટૅન્ડઅપ કૉમેડી જ કરવી હતી એ જાણીને મમ્મી-પપ્પાનું રીઍક્શન શું હતું? એ પ્રશ્નના જવાબમાં હસતાં-હસતાં આકાશ કહે છે, ‘જેવું કોઈ પણ ગુજરાતી માતા-પિતાનું હોય એવું. આપણો છોકરો રાત્રે બારમાં જઈને લોકો સામે પર્ફોર્મ કરશે, આ પ્રોફેશનમાં શું પૈસા મળવાના, કઈ રીતે લોકો તમારી ઇજ્જત કરે... આ પ્રશ્નો ઊભા જ હતા. સામ, દામ, દંડ, ભેદ બધું જ તેમણે વાપરી લીધું હતું મને સમજાવવા માટે કે બેટા, કોઈ વ્યવસ્થિત કામ વિચાર, આ કૉમેડીના ચક્કરમાં ન પડીશ. એક વખત તો મને યાદ છે હું અને મમ્મી ગાડીમાં સાથે હતાં. તેમણે મને કહ્યું કે અમારા સમયમાં એવું હતું કે માતા-પિતા વહેલા મૃત્યુ પામતાં એટલે બાળકોને વસિયતના નામે બધું જલદી મળી જતું, પણ હું અને તારા પપ્પા ઘણું લાંબું જીવવાનાં છીએ એટલે તું જોઈ લે, તારું બધું તારે જાતે જ કરવાનું છે, બેઠાં-બેઠાં કશું મળી નથી જવાનું.’
પિતાએ આપેલો પાઠ
તો પપ્પા તમારી ફેવરમાં હતા કે નહીં? એ વાત પર ખુદ જોરથી ખખડી પડતાં આકાશ કહે છે, ‘મારાં નસીબ કે આ વાત પર મમ્મી અને પપ્પા બન્ને એકસરખું જ વિચારતાં હતાં. હું ૨૪ વર્ષનો હતો જ્યારે બૅન્ગલોરમાં મારો એક શો હતો. મારી ફ્લાઇટ ખાસ્સી મોંઘી થઈ હતી એટલે મેં ત્યાં ઍરપોર્ટથી બસ પકડી હતી કે ટૅક્સીમાં પૈસા વેડફવા નહીં. આ સમયે પપ્પાએ મને કહ્યું કે આકાશ, જો તું ફ્લાઇટ કે ટૅક્સીના ટ્રાવેલના પૈસા પણ ન કાઢી શકતો હોય તો કાં તો તને કમાતાં નથી આવડતું અને કાં તો તું જે પ્રોફેશનમાં છો એમાં પૈસા જ નથી, બન્નેમાંથી એક જ ઑપ્શન હોઈ શકે. પપ્પાના આ શબ્દો મારા મગજમાં એ દિવસે બેસી ગયા. કૉમેડી જ કરવી હતી એ નક્કી જ હતું, પણ એ દિવસથી મેં એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું કે આ પ્રોફેશનમાંથી પૈસા કેવી રીતે મળશે.’
ટૅલન્ટની કદર થઈ
આકાશે શરૂઆતમાં કૉમેડી ફૅક્ટરી નામની જાણીતી કંપની જૉઇન કરેલી જે માટે તે બે વર્ષ બરોડા પણ રહ્યો હતો. મોટો ભાઈ ભારતની બહાર જતો રહ્યો અને
મમ્મી-પપ્પાની કાળજી રાખી શકાય; પોતે ફક્ત ગુજરાતી જ નહીં, હિન્દી-અંગ્રેજીમાં પણ કૉમેડીના સ્કોપ ઊભા કરી શકે એ માટે તે ફરી મુંબઈ આવ્યો. સ્ટૅન્ડઅપના ઓપન માઇકથી જેણે શરૂઆત કરી હતી એ વ્યક્તિના પર્સનલ શોઝ થવા લાગ્યા. લોકો ફક્ત તેને સાંભળવા આવવા લાગ્યા. આ બધામાં સમય લાગ્યો, અથાગ પરિશ્રમ પણ લાગ્યો; પણ અંતે ટૅલન્ટની કદર થઈ અને આકાશનું પોતાનું એક ઑડિયન્સ તૈયાર થયું. એક દિવસ એવો આવ્યો કે તેના નામે શોઝ વેચાવા લાગ્યા એ વિશે વાત કરતાં આકાશ કહે છે, ‘અત્યાર સુધીની મારા પ્રોફેશનની મારી સૌથી મોટી અચીવમેન્ટ એ જ છે કે હું આકાશ મેહતા ઍન્ડ ફ્રેન્ડ્સ નામનો શો કરતો હતો જે દરેક શોમાં મારી સાથે ૪-૬ નવા કૉમેડિયન હતા. મારા નામ પર લોકો ટિકિટ ખરીદતા જેમાં આ લોકોને પણ ચાન્સ મળતો. તેમના વિડિયોઝ અમે બનાવતા અને આવા લગભગ ૧૦૦ જેટલા વિડિયોઝ તૈયાર થયા. હું મારા જ ફીલ્ડના નવા લોકો માટે ઉપયોગી બન્યો એ મારી અચીવમેન્ટ છે એમ હું માનું છું.’
એક સમયે એક શો મેળવવા માટે જેણે મહેનત કરવી પડતી હતી એ પછીથી એક જ દિવસમાં ત્રણ-ત્રણ શોઝ કરવા લાગ્યો હતો. એવો પણ એક દિવસ હતો જ્યારે તેણે અમદાવાદમાં એક જ દિવસમાં પાંચ શો કર્યા હોય. પોતાનો અપ્રોચ રિસર્ચ-ઓરિએન્ટેડ હોવાને કારણે એક જુદું ઑડિયન્સ ઊભું થયું છે એમ જણાવતાં આકાશ કહે છે, ‘હું લોકોને કહું છું કે હસાવી તો કોઈ પણ શકે પરંતુ હું તો તમારું મગજ ફાડવા આવ્યો છું. હંમેશાં પ્રયત્ન એ છે કે બધા ફક્ત હસીને ઘરે ન જાય પરંતુ મગજમાં એક વિચાર સાથે લઈને જાય.’
ગાળોની જરૂર
એક મોટો વર્ગ એ છે જે સ્ટૅન્ડઅપ કૉમેડી જુએ છે જ એટલે કારણ કે એમાં ગાળો ભરપૂર વપરાય છે અને બીજો વર્ગ એવો છે જે સ્ટૅન્ડઅપ કૉમેડી જોવા જવા એટલે નથી માગતો કારણ કે એમાં ગાળો ભરપૂર હોય છે. આકાશના સ્ટૅન્ડઅપમાં પણ તે ગાળોનો ઉપયોગ કરે જ છે. ઑડિયન્સને ધ્યાનમાં રાખીને તમે આ કરો છો કે તમને ખુદને જ આ આદત છે? એ વિશે વાત કરતાં આકાશ મહેતા કહે છે, ‘પહેલાં મારા ઑડિયન્સ તરીકે કૉલેજનાં બાળકો આવતાં. જેમણે કોઈ દિવસ સ્ટેજ ઉપર ઊભેલી કોઈ વ્યક્તિને ગાળો બોલતી જોઈ ન હોય એટલે તેમને એ સાંભળીને મજા પડતી. હવે છેલ્લાં ૧૩ વર્ષમાં મારું ઑડિયન્સ મારી સાથે મોટું થઈ ગયું છે. કૉમેડિયન અને ઑડિયન્સ બન્ને ઉંમર પ્રમાણે બદલાય છે. એમ હવે હું જે વાતો કરું છું એમાં મને પણ ગાળો નાખવાની જરૂર લાગતી નથી. બદલાવ આવી રહ્યો છે. જોઈએ એ ક્યાં લઈ જાય છે.’
પોતાની કંપની
આકાશ ‘લસુન લાઇવ’ નામની એક ઇવેન્ટ અને આર્ટિસ્ટ મૅનેજમેન્ટ કંપની ચલાવે છે જેમાં નવા ઊભરતા સ્ટૅન્ડઅપ કૉમેડિયન્સને કઈ રીતે આગળ વધવું એનું માર્ગદર્શન આપવામાં આવે છે અને તેમને વધુ કામ અપાવવાની કોશિશ કરવામાં આવે છે. એ વિશે વાત કરતાં આકાશ મહેતા કહે છે, ‘હું જ્યારે આ ફીલ્ડમાં નવો હતો ત્યારે મને જે તકલીફો પડી એ બીજા નવા કલાકારોને ન પડે એ માટેની મારી આ કોશિશ છે જેમાં અત્યારે અમારી પાસે મંદાર ભીડે, સિદ્ધાર્થ શેટ્ટી, રોહિત શાહ જેવા ટૅલન્ટેડ આર્ટિસ્ટ છે.’
આ સિવાય આકાશે ૨૦૨૨માં અંગ્રેજી ગીતોનું મ્યુઝિક આલબમ ‘વૉટ અ લાઇફ’ પણ બનાવ્યું હતું જે સ્પૉટિફાય પર સાંભળી શકાય છે.
ફૅન-મોમેન્ટ
મમ્મી-પપ્પા ક્યારેય તમારો પ્રોગ્રામ સાંભળવા આવ્યાં છે ખરાં? એ પ્રશ્નનો જવાબ આપતાં આકાશ કહે છે, ‘હા, એ પણ તેમના મિત્રો સાથે. તેમને મજા પડેલી. હવે તો હું જે નવા જોક્સ તૈયાર કરું એ તેમને પહેલાં સંભળાવું અને તેમનો ફીડબૅક લઉં છું. તેઓ હસી પડે તો લાગે કે મેં મારું કામ સારું કર્યું. એક સમય હતો જ્યારે મારા ઑડિયન્સમાં ફક્ત યંગસ્ટર્સ જ આવતા. હવે કેટલાક કૂલ કાકાઓ પણ આવે છે જે મને આવીને કહે છે કે હું તારાં મમ્મી-પપ્પાનો ફૅન હતો, હવે તારો ફૅન છું.’
અમે આકાશને કંઈક પૂછ્યું, તો ભાઈ શું કહે છે એ વાંચો..
મુંબઈમાં તમે ક્યાં રહો છો? પહેલાં ગ્રાન્ટ રોડ અને લગ્ન પછી હવે બાંદરા. કહેવાય છે કે બધા આર્ટિસ્ટ બાંદરા રહે છે. પણ આ એક મોટો સ્કૅમ છે કે બધા આર્ટિસ્ટ બિચારા ગરીબ જ રહે, કારણ કે બાંદરામાં રહો તો પૈસા બચે જ નહીં. ભારતમાં લગ્નો કેમ ટકી રહે છે? રિસર્ચ કહે છે કે વિદેશોમાં સૌથી વધુ ડિવૉર્સ ઘરના કામકાજને કારણે થતા ઝઘડાઓને કારણે થાય છે. વિચારો, તમારા લગ્નજીવનને ટકાવી રાખવા પાછળ ઘરનાં વાસણ ઉટકતાં બહેન કારણભૂત છે.