Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મરી જવું એટલે શું?

મરી જવું એટલે શું?

Published : 16 July, 2021 09:51 AM | IST | Mumbai
RJ Dhvanit Thaker

બાળકો જ્યારે આ વાત પૂછે છે ત્યારે પેરન્ટ્સ એનો જવાબ આપવાનું ટાળી દે છે. તેમના મનમાં એવું છે કે સમય જતાં વાસ્તવિક કહેવાય એવી આ વાતને તેઓ સમજી જશે. જોકે એવું કરવાને બદલે તેમને અત્યારના તબક્કે જ આ હકીકતથી વાકેફ કરવામાં આવે એ જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાળકો જ્યારે આ વાત પૂછે છે ત્યારે પેરન્ટ્સ એનો જવાબ આપવાનું ટાળી દે છે. તેમના મનમાં એવું છે કે સમય જતાં વાસ્તવિક કહેવાય એવી આ વાતને તેઓ સમજી જશે. જોકે એવું કરવાને બદલે તેમને અત્યારના તબક્કે જ આ હકીકતથી વાકેફ કરવામાં આવે એ જરૂરી છે, કારણ કે બાળક સૌથી વધારે લૉસને સમજવાની ક્ષમતા ધરાવતું હોય છે


બાળકને પોષણ આપે છે માતાનું દૂધ અને પછી એ કામ કરે છે માતૃભાષા. હા, માતૃભાષા પણ બાળકને પોષણ આપવાનું જ કામ કરે છે અને એટલે જ જ્યારે પણ સપનાં આવે છે ત્યારે એ માતૃભાષામાં હોય છે. જોકે આપણે અત્યારે વાત માતૃભાષાની નથી કરવાની. આપણે વાત કરવાની છે જરા જુદી એટલે આપણે એ ટૉપિક પર ફરી પાછા આવી જઈએ.
બાળક ત્રણ-ચાર વર્ષનું થાય એટલે તે સવાલો પૂછવાનું શરૂ કરે. શરૂઆતમાં બે-ચાર અને એ પછી ધીમે-ધીમે ક્રમ વધવા માંડે અને પછી તો અસંખ્ય સવાલ પૂછવાની ટેવ પડે. ‘આ શું છે?’, ‘આ શું કામ છે?’, ‘આ આવું કેમ છે?’થી માંડીને ‘આને કોણ લાવ્યું?’, ‘આ કેવી રીતે આવ્યું?’, ‘આ શું કામ આવ્યું?’ અને ઘણી વાર તો એવા-એવા સવાલ જેના જવાબ પણ આપણે કોઈ જાણતા ન હોઈએ. ‘હું ક્યાંથી આવ્યો?’, ‘મને કેવી રીતે લાવ્યા?’ આ સવાલ અઘરા છે, પણ આ અને આવા બધા સવાલો જ દેખાડે છે કે બાળકમાં જન્મજાત જિજ્ઞાસા ભરી છે અને તેને એ જ જિજ્ઞાસાવૃત્તિ આગળ વધારે છે. 
વાતો કરવી હોય, જવાબો સાંભળવા હોય એટલે બાળક બૅક-ટુ-બૅક પ્રશ્નોનો વરસાદ વરસાવે. ઘણી વાર તો તેને સાચા જવાબમાં રસ ન હોય કે પછી જવાબ સાચો મળ્યો છે કે નહીં એની પણ ખબર ન હોય, પણ અધૂરા કે પછી આપવા ખાતર આપી દેવામાં આવેલા જવાબમાં રહેલો પ્રેમ અને વહાલ તેને સંતોષ આપી દે અને એ સંતોષ તેની મૂડી છે, તેણે એ દિવસે કરેલી કમાઈ છે. 
બાળકને જવાબના શબ્દો કે પછી જવાબના સ્વરૂપમાં કહેવામાં આવેલાં લાંબાંલચક વાક્યો કરતાં એ કેવી રીતે અને કેવા ભાવથી કહેવાયાં છે એની અસર વધુ થતી હોય છે. એ પણ એટલું જ સાચું છે કે આ બાળકો આજકાલ અઘરા સવાલ પૂછતાં થઈ ગયાં છે અને એ તો દરેક પેરન્ટ્સને લૉકડાઉનમાં ખબર પણ પડી ગઈ છે. ખાસ કરીને પપ્પાઓને. પહેલાં તો પોતે જાગે એ પહેલાં બાળક સ્કૂલમાં રવાના થઈ ગયું હોય અને પોતે રાતે આવે ત્યારે બાળક સૂઈ ગયું હોય અને કાં તો તેની એનર્જી પૂરી થઈ ગઈ હોય એટલે પપ્પાને તેના સવાલોના આક્રમણનો સામનો નહોતો કરવો પડતો. જોકે ગયા વર્ષે જોયેલા પહેલા લૉકડાઉન અને એ પછી ઉત્તરોત્તર વધતા જતા દિવસોની વચ્ચે પપ્પાને ખબર પડી ગઈ કે તેમનો ચિરંજીવ આદું ખાઈને પાછળ પડી જાય છે. કેટલાક પપ્પાએ તો ઘરમાં આદું લેવાનું પણ બંધ કરાવી દીધું, પરંતુ બચ્ચાઓના પ્રશ્નોનો મારો અકબંધ રહ્યો.
પ્રશ્નોના આ મારા વચ્ચે સૌથી અઘરો અને સૌથી આકરો સવાલ આ દિવસોમાં જો કોઈ પુછાયો હોય તો એ હતો : વૉટ ઇઝ ડેથ? તમે પણ મરી જવાના? મરી જઈએ પછી શું થાય? તમે ક્યાં જશો મરીને? પછી ત્યાંથી બધું દેખાય? હું બોલાવું તો તમે ત્યાંથી આવશો?
હા, બાળકોના મનમાં આ દિવસોમાં સૌથી વધારે પ્રશ્નો આ આવ્યા અને એનું કારણ પણ હતું. લૉકડાઉન અને કોરોના વચ્ચે આજુબાજુમાં સતત આ જ વાત થયા કરતી. ટીવી પર પણ એવી જ વાતો ચાલુ રહેતી અને ઘરમાં પણ એ જ વાત. મૃત્યુદર વધ્યો, ફલાણાં સગાં ગુજરી ગયાંથી લઈને એવા-એવા ઓળખીતા પણ ઘણાએ ગુમાવ્યા જેમને બાળકો પોતે પણ બહુ સારી રીતે ઓળખતાં હતાં.
મરીને ક્યાં જવાનું હોય?
પેરન્ટ્સને અઘરું પડી જાય આ પ્રકારના સવાલોના જવાબ આપવાનું અને આ જ આપણો આજના દિવસનો ટૉપિક છે. ટૉપિક પણ છે અને તકલીફ પણ છે. આપણે જીવનનાં અમુક પાસાંઓ વિશે બાળકને સમજાવતા નથી. એમ ધારી લઈએ છીએ કે તે પોતાની મેળે, જાતે સમજી જશે. એવું ધારી લઈએ છીએ કે સમય જતાં, મોટાં થશે એટલે પોતાની આસપાસની દુનિયામાંથી કે પછી કુટુંબમાં બનતી ઘટનાઓને જોઈને આપમેળે તેને સમજણ આવી જશે. ગુમાવવાનું દર્દ, ગુમાવવાની પીડા શું કામ મોડેથી શીખવાની, જાણવાની? હકીકત તો એ જ છે કે આપણે આ પીડા, આ દર્દ, આ પેઇન તો નાનપણથી જ શીખીએ છીએ તો પછી એ જ વાતને શું કામ, અત્યારે, આ સમયે આ કાળમાં સમજાવી ન શકાય? 
બાળકનો ફુગ્ગો ફૂટી જાય એ એક પ્રકારે તો મોત જ છેને - ફુગ્ગાનું મોત. કદાચ આ જ હોતી હશે મૃત્યુની સમજણ. તેને જે ખૂબ વહાલું હોય એ રમકડું તૂટી જાય, ખોવાઈ જાય કે પછી બગડી જાય અને ક્યારેય પછી ચાલુ ન થાય એ પણ એક પ્રકારે તો રમકડાનું મોત જ છે. રમકડું ગુમાવવું કે ફુગ્ગો ગુમાવવો બાળકને ક્યારેય નથી ગમતું અને એ પછી પણ એનો સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ છૂટકો હોતો નથી. આ જે અવસ્થા છે એ અવસ્થા વાસ્તવિકતા તરફ લઈ જવાનું કામ કરે છે અને એ સ્વીકાર જ જીવનની સાચી ઓળખ છે.
હા, આ એ અવસ્થા છે જે બાળકોને પોતાની ગમતી વસ્તુ ગુમાવવાના સ્વીકારભાવ તરફ લઈ જાય છે. ગુમાવવાની અવસ્થા જ તમને સ્વીકારભાવની ઓળખ કરાવે છે. યાદ કરો, વર્ષો પહેલાં આપણે કોઈ ટ્રિપમાં ગયા હોઈએ, વેકેશન પર કે પછી ટ્રેકિંગ પર ગયા હોઈએ અને એ સમયે કોઈની સાથે આપણી ઓળખાણ થઈ હોય, એવી વ્યક્તિ સાથે જેમની સાથે આપણે કાયમી નથી રહેવાનું. ખબર જ છે કે થોડા દિવસોમાં  એ ઓળખાણને, એ વ્યક્તિને ત્યાં મૂકીને આવવાનું છે.
એ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરીએ જ છીએ. એ બીજા શહેરમાં, આપણે બીજા શહેરમાં. અરે, સગાંઓને ત્યાં જઈએ તો ત્યાં પાડોશમાં રહેતાં અને આપણા ફ્રેન્ડ્સ બની ગયેલાં બીજાં બાળકો ફરી પાછાં તરત તો નથી જ મળી શકવાનાં. આંસુ આવે થોડી વાર, પણ એમ છતાં એ હકીકત બાળક સ્વીકારતાં શીખે જ છે. ગમતી ચૉકલેટ, બરફનો ગોળો કે આઇસક્રીમ ખાતાં-ખાતાં નીચે પડી જાય અને એ ફરી નહીં મળે એ લૉસ બાળકે ઍક્સેપ્ટ કરવો જ પડે છે. સાઇકોલૉજિકલી પુરવાર થયેલી એક વાત મારે તમને કહેવી છે. 
જે ઘરમાં પાલતુ પ્રાણી હોય એ ઘરમાં સ્વજન ગુમાવવાની પીડાનો સ્વીકાર બાળકને જલદી શીખવા મળે છે. પાલતુ પ્રાણીની વિદાયને તે નજીકથી જુએ છે. તમે જુઓ કે જેટલી સહજતાથી બાળક ખાલીપો સ્વીકારે છે એટલી ઝડપથી આપણી ઉંમરના કે પછી વડીલો એ સ્વીકારી નથી શકતા. તેમને કળ વળવામાં વાર લાગે છે. જેટલા ઘનિષ્ઠ સંબંધ, પીડા એટલી વધુ. આપણે સ્વજનને ગુમાવવાનું દુઃખ સારી રીતે જાણીએ છીએ. બસ, નથી કરતાં તો એનો સ્વીકાર. એક વાત આપણે સમજી લેવી પડશે કે પીડાના સ્વીકાર સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ છૂટકો નથી. જો એ નહીં સ્વીકારીએ તો યાદ રાખજો, આ પીડા પણ લાગેલા ઘા જેવી થઈ જાય. પીડા પાકશે અને એમાં પસ થઈ જશે. કિશોરકુમારનાં બે ગીતો એવાં છે જે આપણને મૃત્યુનો સ્વીકાર શીખવે છે. એ સ્વીકારમાં પણ અદ્ભુત ફીલિંગ્સ છે જેની વાતો હવે પછી આપણે કરવાના છીએ.



 બાળકનો ફુગ્ગો ફૂટી જાય એ એક પ્રકારે મોત જ છેને - ફુગ્ગાનું મોત. કદાચ આ જ હોતી હશે મૃત્યુની સમજણ. તેને જે ખૂબ વહાલું હોય એ રમકડું તૂટી જાય, ખોવાઈ જાય કે પછી બગડી જાય અને ક્યારેય પછી ચાલુ ન થાય એ પણ એક પ્રકારે તો રમકડાનું મોત જ છે.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2021 09:51 AM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK