તો હું ગૅરન્ટી સાથે કહું છું કે બૈરાઓથી થાકેલી ત્રણ પ્રજાતિઓના લેટર બૉમ્બ સૌથી પહેલાં આપણા માથે ફૂટે
લાફ લાઇન
પ્રતીકાત્મક તસવીર
રાજકારણમાં સમયાંતરે લેટર બૉમ્બ આવતા રહે. આવે એકાદ પણ એનો ધડાકો છેક પાર્ટીના ઉપરના લેવલવાળાને પણ ખળભળાવી જાય. લેટર બૉમ્બથી સીધેસીધું કોઈ મરતું નથી, ખાલી અધમૂઆ જ થવાય છે અને આપણે મધ્યમવર્ગ અને એનાથી નીચેના વર્ગના તો કાયમ એવી જ હાલતમાં જીવતા હોય છે. હવે વિચાર કરો કે આ નાનો માણસ પણ પોતાની વ્યથા-કથા લખીને લેટર બૉમ્બ ફોડ્યા કરે તો...
બસ, આટલા અમસ્તા વિચાર સાથે મનમાં થયું કે હાલો, આપણે લેટર બૉમ્બ બનાવીએ અને એનો તમારા પર ઘા કરીએ. જો લેટર બૉમ્બ બનવા માંડે તો સૌથી પહેલો લેટર બૉમ્બ કોણ લખે, ખબર છે? પાણીપૂરીવાળો. બૈરાઓનો અસહ્ય ત્રાસ સહન કરતા આ પાણીપૂરીવાળાનો લેટર બૉમ્બ વાંચો...
ADVERTISEMENT
પાણીપૂરીવાળાનો લેટર બૉમ્બ
પ્રતિશ્રી મુંબઈની જાહેર જનતા,
આથી હું કુશાભાઉ ઉર્ફે કીકો ભૂળ વતન યુપી, ઉંમર વર્ષ ૪૮. આ પત્રથી મુંબઈની જનતાને જાહેરમાં ફરિયાદ કરું છું કે હું ઘાટકોપરના જૉલી જિમખાના પાસે છેલ્લાં આઠ વર્ષથી પાણીપૂરીની રેંકડી ચલાવું છું.
મારી રેંકડી પર ઘાટકોપરની સારા ઘરની મહિલાઓ જ પાણીપૂરી ખાવા આવે છે જેમાં કુંદનબહેન નામે એક બહેન છેલ્લા દોઢ વરસથી મારી જ રેંકડી પર મોર ખોખાં ગળે એ રીતે પાણીપૂરી ઝાપટે છે. આ કુંદનબહેન વર્ષો જૂનાં ગ્રાહક હોઈ મને તેમણે વિશ્વાસમાં લઈને દગો કર્યો છે.
છેલ્લા છ મહિનાથી તેમણે ધંધામાં મંદીનું બહાનું દઈ મને પાણીપૂરીની પ્લેટના સાડાત્રણ હજાર રૂપિયા ચૂકવ્યા નથી. ઉપરાંત થાળી ભરીને કોરી પૂરીના પૈસા પણ મને આપેલા નથી. મેં મારી મહેનતના રૂપિયાની ઉઘરાણી કરતાં તેમણે મને સાડાત્રણ હજારનાં જૂનાં કપડાં લઈ જવાની અથવા ઘરમાંથી વાસણ લઈ જવાની ઑફર આપી છે તો સમગ્ર મુંબઈ તેમ જ મહારાષ્ટ્રના લોકોને મારી નમ્ર અપીલ છે કે એક પાણીપૂરીવાળા ભૈયાને તેના સાડાત્રણ હજાર રૂપિયા પાછા અપાવી ન્યાય અપાવો.
જો મને એક અઠવાડિયામાં ન્યાય નહીં મળે તો સમગ્ર મુંબઈમાં પાણીપૂરીની રેંકડી લઈને અમે આંદોલન પર ઊતરીશું. અમે લોકો રોજ નહાવા લાગીશું, સાબુથી હાથ ધોઈશું, રગડો રોજેરોજ બનાવીને ખવડાવીશું અને અમારી કલાનું આત્મવિલોપન કરી નાખીશું. પાણીપૂરી ભક્તો જાગીને સંગઠિત થઈ મને ન્યાય અપાવવા વિનંતી. તમને ફુદીનાના તીખા તમતમતા પાણીના સોગન.
લિ. કુશાભાઈ પાણીપૂરીવાળો, ઘાટકોપર
lll
પાણીપૂરીવાળા પછી જો બહેનોથી વધારે હેરાન કોઈ થતું હોય તો એ છે પાર્લરવાળાં બહેનો. હા, પાર્લરવાળાં બહેનોની ઉપર તો મારે આખી વેબ-સિરીઝ લખવી છે, પણ અત્યારે એટલો બધો સમય નથી એટલે લખું છું પાર્લરવાળાં બહેનનો લેટર બૉમ્બ.
પાર્લરવાળાં બહેનનો લેટર બૉમ્બ
પ્રતિ શ્રી મહિલા વિકાસ અને બાળકલ્યાણ મંત્રીશ્રી,
મારું નામ પરિતા છે. હું બોરીવલીના ચીકુવાડી વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવું છું. આ પત્રથી મારે આપને મુંબઈની કેટલીક મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી છે.
કેટલીક સ્ત્રીઓ અમને આઇબ્રોના ભાવ પૂછીને મફતમાં આઇબ્રો કરાવી જાય છે. કેટલીયે બે-ત્રણ વાર ફેશ્યલ કરાવી બે મહિનામાં પોતાનું પાર્લર ખોલી નાખે છે. કેટલીક સ્ત્રીઓ ભેંસ જેવી કાળીમશ હોવા છતાં કૅટરિના કૈફ જેવો લગ્નપ્રસંગે મેકઅપ કરાવે છે જેના લીધે લગ્નના એક વીક પછી એ કન્યા જ્યારે મોં ધુએ છે ત્યારે અમારી આખી બ્યુટિશ્યન ઇન્ડસ્ટ્રીને ગાળો પડે છે, જે નિંદનીય છે. અમે તો સુંદરને વધુ સુંદર બનાવીએ છીએ. તોય લ્યુનાને ગાભો મારતાં સ્પ્લેન્ડર ન થાય એવા મેસેજ કરવામાં આવે છે. કેટલીક મહિલાઓના મેકઅપ અમે ધરમૂળથી બદલી નાખ્યા છે એટલે હવે અમે જ તેને માર્કેટમાં ઓળખી નથી શકતા. તો અમારી બ્યુટી ઇન્ડસ્ટ્રીને ગંભીરતાથી લઈ આવી ફરિયાદોનો નિકાલ કરવા વિનંતી. આપ કશાં પગલાં લેશો તો આપનું તથા આપના પરિવારના પ્રસંગે અમો આજીવન બ્યુટી પાર્લરની મફત સેવા આપીશું.
ઘટતું કરવા વિનંતી, વધતું અમે કરી લેશું...
આપની પરિતા, બોરીવલી
lll
પાણીપૂરીવાળા ને પાર્લરવાળા પછી જો બહેનોથી હેરાન કોઈ થતું હોય તો એ શાકવાળો છે. શાકવાળાનો લેટર બૉમ્બ આવે તો કેવો હોય એની એક આછેરી ઝલક...
શાકવાળાનો લેટર બૉમ્બ
પ્રિય ખેડૂત વિકાસ નિગમ,
હું રામજી ઓસરિયા, હું ગોરેગામના જવાહરનગરના ચાર નંબરના ખૂણે શાકની લારી લઈને ઊભો રહું છું. આ ચાર નંબરમાં રહેતાં કુમુદબહેન કાયમ શાક બીજા પાસેથી લે ને પછી છેલ્લે મારી પાસે આવીને સો ગ્રામ ટમેટાં ભેગાં અઢીસો ગ્રામ
કોથમીર-મરચાં મફતમાં લઈ જાય. હું ના પાડું તોયે જતી વખતે બેચાર મરચાં ઉપાડીને નકટા બકરાની જેમ ચાલતી પકડે. આવું તેમનું રોજનું થઈ ગયું છે. હવે તો હું તેમનાથી થાકી ગયો છું. મેં કાલે રાતે હિસાબ માંડ્યો તો આ કુમુદબહેને મારી પાસેથી અત્યાર સુધીમાં બારસોનું શાક લીધું છે ને આઠ હજાર રૂપિયાનાં કોથમીર-મરચાં મફતમાં લઈ લીધાં છે. આગળ-પાછળનો હું એકેય હિસાબ યાદ રાખવા નથી માગતો, મારી વાત માત્ર એટલી છે કે મને ન્યાય અપાવો ને કુમુદબહેન મારી લારીએ ન આવે એવું કરો.
જો તે મારી લારી ઉપર આવતાં બંધ ન થયાં તો હવે હું મારાં તમામ વસ્ત્રોનો ત્યાગ કરીને નાગડોપૂગડો મોરચો કાઢીશ ને મારી સાથે ગોરેગામમાં શાક વેચતા બધા ભાઈઓને પણ જોડીશ. મારો આ પત્ર વાંચી ઘટતું કરવા નમ્ર અરજ.
લિ. રામજી ઓસરિયા, ગોરેગામ.