Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > જો તમારે જજ બનવું હોય તો...

જો તમારે જજ બનવું હોય તો...

03 December, 2023 01:41 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવરાત્રિને લગતી આ સિરીઝ લોકોને ગમી છે એટલે જ એની વાતને અહીં કન્ટિન્યુ કરીને આજે આપણે એ વાત કરવાની છે કે જો તમારે જજ બનવું હોય, જજિંગ કરવા જવું હોય તો શું-શું ધ્યાન રાખવું જોઈએ?

પ્રતિકાત્મક તસવીર

ધીના ધીન ધા

પ્રતિકાત્મક તસવીર


સૌથી પહેલાં તો એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે હવે ડાન્સ-ક્લાસ સાથે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી સંકળાયેલા ન હોવા જોઈએ અને ધારો કે એવું હોય તો તમારું ડાન્સ-ફૉર્મ બિલકુલ અલગ હોવું જોઈએ. તમને હું કહીશ કે અમારી પાસે ઘણી વાર ઘણા લોકો જજની ડિમાન્ડ કરતા હોય છે. અમે બીજા કોઈ કામમાં અટવાયેલા હોઈએ કે પછી કૉમ્પિટિશન થોડી નાના સ્તરની હોય અને એ લોકોને એવું લાગતું હોય કે અમારે એના માટે સમય ન ખર્ચવો જોઈએ તો અમારી પાસે આવી ડિમાન્ડ આવે. એવા સમયે અમે પહેલું ધ્યાન એ રાખીએ કે જે પ્રકારની કૉમ્પિટિશન હોય એ પ્રકારના ડાન્સ-ક્લાસ સાથે જોડાયેલા લોકોને અમે એ સંસ્થા કે વ્યક્તિને સજેસ્ટ જ ન કરીએ. હા, જો ગરબા કૉમ્પિટિશન હોય તો કથ્થક કે ભરતનાટ્યમ જેવા જુદા પ્રકારના ડાન્સ સાથે જોડાયેલા હોય એ લોકોનું નામ આપવાનું છોડીએ પણ નહીં. તેમને ડાન્સની ખબર છે, તેમને સ્ટેપ્સ અને નજાકતથી લઈને મ્યુઝિક અને એક્સપ્રેશનની ખબર હોય એટલે નૅચરલી જે જજિંગ થાય એ સારા સ્તરનું થાય. જોકે ધારો કે તેઓ ગરબા સાથે જ સંકળાયેલા હોય તો અમે તેમને ત્યાં મોકલવાનું અવૉઇડ કરીએ, પણ એવા સમયે અવૉઇડ ન કરીએ જે સમયે બન્ને વચ્ચે બહુ મોટું અંતર હોય.


દાખલા તરીકે જે-તે વ્યક્તિના ક્લાસ અંધેરીમાં ચાલતા હોય અને તેણે જજિંગ માટે પાલઘર કે થાણે જવાનું હોય તો એવા કિસ્સામાં કનેક્શન કે ઓળખાણ હોવાની શક્યતા સાવ નહીંવત્ થઈ જાય. આવું ધ્યાન શું કામ રાખવું જોઈએ એનો પણ જવાબ આપીએ.



ગરબા માત્ર ડાન્સ નથી, એ પણ આર્ટ છે અને આર્ટની વાત હોય એવા સમયે કોઈ હિસાબે પાર્શ્યાલિટી ન થવી જોઈએ. લોકો મહેનત કરતા હોય, જીવ પર આવીને પોતાનું બેસ્ટ આપવાની કોશિશ કરતા હોય એવા સમયે જો કોઈને ઓળખાણના પાંચ માર્ક પણ વધારે મળી જાય તો જેણે મહેનત કરી છે તેની બધી મહેનત નકામી જાય. એવું આપણે કરવું જ શું કામ જોઈએ અને શું કામ કોઈની મહેનતને વ્યર્થ પુરવાર કરવી જોઈએ?


જજિંગમાં આવતી વખતે બીજી એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે નક્કી કરી લેવું કે તમે ક્લાસ ચલાવવા માગો છો કે પછી જજિંગ કરીને હવે તમારી આવડતને લોકો સુધી પહોંચાડવા માગો છો? ગરબાના ક્લાસ થકી ધારો કે તમે તમારી ઇન્કમ જનરેટ કરવા માગતા હો તો જજ બનીને પૉપ્યુલરિટીનો લાભ ન લેવો જોઈએ. નિયમ છે કે કંઈક મેળવવા માટે તમારે કંઈક છોડવું પડે. જો તમે બન્ને બાજુએ પગ રાખવા જાઓ તો એમાં બદનામી તમારી થાય. અમારી વાત કરીએ તો અમે જ્યારથી જજિંગ શરૂ કર્યું ત્યારથી નક્કી કરી લીધું કે અમારે હવે ગરબા-ક્લાસ ચાલુ રાખવા નહીં. અમે લીધેલો આ નિયમ માત્ર અમારા બે પૂરતો જ સીમિત નથી. અમારી દીકરી તરન્નુમને પણ આ જ વાત લાગુ પડે છે અને અમારી ટીમમાં રહેલા અન્ય સિનિયર કોરિયોગ્રાફર્સને પણ અમે એ જ કહીએ છીએ કે જો તમે ક્લાસ કરશો તો અમે તમારું નામ કોઈ જગ્યાએ જજિંગ માટે નહીં આપીએ. આવું કરવાથી બે ફાયદા થાય. એક તો તમારે બહુબધાને ચોખવટો ન કરવી પડે, કારણ કે જજિંગમાં તમારો કોઈ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હોતો નથી. બીજો ફાયદો, તમારા જજિંગમાં માત્ર ને માત્ર આર્ટ જ મહત્ત્વની હોય, બીજું કશું નહીં. એટલે તમને પણ કોઈ કરતાં કોઈ જાતનો ભાર ન રહે.

હમણાંની જ વાત કરીએ તો થોડા સમય પહેલાં ‘કલાગુર્જરી’માં ગરબા કૉમ્પિટિશન હતી. અમે એના જજિંગ માટે ગયાં. આખી કૉમ્પિટિશન બહુ સરસ હતી. બહુ મજા આવી. ફાઇનલમાં જે વિનર બન્યું એ વિનરનું નામ અમે અનાઉન્સ કર્યું ત્યારે એ ગ્રુપ સ્ટેજ પર જ રડી પડ્યું. તેમના જે શબ્દો હતા એ શબ્દો અમને ક્યારેય નહીં ભુલાય. તેમણે કહ્યું કે તમે લોકો જજિંગમાં આવવાના છો એની અમને ખબર પડી એટલે અમને ખાતરી હતી કે હવે જે રિઝલ્ટ આવશે એ સો ટકા ફેર આવશે.


એ ગ્રુપ સાત વર્ષથી કૉમ્પિટિશનમાં ભાગ લેતું હતું, પણ તેમનો નંબર જ નહોતો લાગતો. જોકે અહીં તમે એક વાત એ પણ જુઓ કે તેમણે મહેનત છોડી નહીં, હિંમત હારી નહીં અને લગાતાર પ્રયાસો ચાલુ રાખ્યા તો તેમને વિનર બનવા મળ્યું. આ જ કારણ છે કે અમે કહેતા હોઈએ છીએ કે કૉમ્પિટિશનમાં વિનર અને લૂઝર નથી હોતા પણ વિનર અને લર્નર હોય છે. તમે હારો તો નાસીપાસ થવાને બદલે તમારી હારનાં કારણોનું તમારે પોસ્ટમૉર્ટમ કરવાનું હોય અને એ પછી એમાંથી જે શીખવા જેવું હોય, સુધારવા જેવું હોય એ શીખી-સુધારીને નવેસરથી પ્રયાસ શરૂ કરી દેવાના હોય.

આ વર્ષની નવરાત્રિમાં જે કોઈ કૉમ્પિટિશન હાર્યા છે તેમણે આ જ વાત સમજવાની છે કે તમે લૂઝર નહીં, લર્નર બનજો અને એ રિઝલ્ટમાંથી જે કંઈ શીખવા જેવું હતું એ શીખીને આગળ વધજો.

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2023 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK