મુંબઈ યુનિવર્સિટીના સંસ્કૃત ડિપાર્ટમેન્ટને ૬૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે નવા ૪ કોર્સ શરૂ કર્યા છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ યુનિવર્સિટીના સંસ્કૃત ડિપાર્ટમેન્ટને ૬૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે નવા ૪ કોર્સ શરૂ કર્યા છે. આ એ વાતની પુષ્ટિ કરે છે કે ગ્લોબલાઇઝેશન અને મસમોટી ડિગ્રીઓના જમાનામાં મુંબઈગરાઓને ભારતની ધરોહરસમાન સંસ્કૃત શીખવાનો આજે પણ એટલો જ રસ છે. આ વાત આપણું સવાશેર લોહી વધારે એવી છે. જિગીષા જૈને કેટલાક મુંબઈકરો પાસેથી જાણવાની કોશિશ કરી છે કે સંસ્કૃતમાં એવી કઈ તાકાત છે જે લોકોને આજે પણ આકર્ષે છે
વેદોનું વાંચન અને અધ્યયન મને ગમે છે ધ્રુવી પટેલ શાહ, બિઝનેસ, ૨૮ વર્ષ, વાશી
ADVERTISEMENT
મેં ફાઇનૅન્સમાં એમબીએ કર્યું છે અને હું મારો ફૅમિલી બિઝનેસ સંભાળું છું. મારા ઘરમાં બધા ધાર્મિક ઘણા. ઉપરછલ્લી વાતોમાં મને રસ ઓછો પડે. મને ઊંડાણમાં ઊતરવું ગમે એટલે જ્યારે વેદ-પુરાણની વાતો લોકો પાસેથી સાંભળતી ત્યારે જિજ્ઞાસા ઘણી વધી જતી, પણ જેટલું સાંભળવા મળે એ જ્ઞાન પૂરતું લાગતું જ નહીં મને. એટલે થયું કે અહીં-ત્યાં શોધવાને બદલે ખુદ વાંચીને સમજીએ. એ માટે સંસ્કૃત આવડવું જરૂરી હતું. એટલે દોઢ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતથી મુંબઈ શિફ્ટ થઈ એ પછી અહીં કાલિનામાં સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું. પહેલાં બેઝિક કોર્સ કર્યો અને હાલમાં ડિપ્લોમામાં ઍડ્મિશન લીધું છે. ખરું કહું તો બિઝનેસ, ઘર અને સાથે ભણવાનું અઘરું તો છે, એમાં પણ હું વાશી રહું છું એટલે છેક ત્યાંથી કાલિના આવવાનું ટ્રાવેલ લાંબું છે. ખાસ કરીને જ્યારે બિઝનેસ માટેની મીટિંગ વીક-એન્ડમાં ગોઠવવામાં આવે અને મારે ક્લાસ હોય ત્યારે ખૂબ ભાગદોડ થઈ જાય છે. જોકે જે જ્ઞાન માટે હું એ કરી રહી છું એ માટે આ ભાગદોડ કાંઈ નથી. હું જેમ-જેમ વાંચતી જાઉં છું, શીખતી જાઉં છુ એમ મને એમાં ઊંડાં ઊતરવાની મજા પડતી જાય છે. મને વેદો વિશે વાંચવાનું ખૂબ ગમે. મારે એનું અધ્યયન કરવું જ છે. લોકોને લાગે છે કે આજના યુવાનોને સંસ્કૃત શીખવાની કે ધરોહર સાચવવાની પડી નથી, પરંતુ એવું નથી. મને એની કિંમત છે અને એટલે જ હું એ શીખી રહી છું.
જાતે ગ્રંથો વાંચીને પોતાનો દૃષ્ટિકોણ બનાવવા સંસ્કૃત શીખું છું રમણભાઈ સોમૈયા, સીએ, ૬૦ વર્ષ, ખેતવાડી
હું છેલ્લાં બારેક વર્ષથી મુંબઈ યુનિવર્સિટીના જુદા-જુદા સંસ્કૃતના કોર્સિસ કરી રહ્યો છું. સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી એવા ઘણા જુદા-જુદા કોર્સિસ છે. મને રસ પડતો ગયો અને હું એ ભણતો ગયો. ખરું કહું તો હું ફક્ત જ્ઞાન માટે ભણી રહ્યો છું. ઘરમાં પહેલેથી ધાર્મિક વાતાવરણ રહ્યું છે, પરંતુ ધર્મને સાચી રીતે સમજવા માટે મેં વિચાર્યું કે હું સંસ્કૃત શીખું. ધર્મ તો કોઈ ગુરુ પાસે પણ શીખી શકાય, પરંતુ એ તેમનો દૃષ્ટિકોણ શીખવે. જ્યારે હું ગ્રંથો વાંચું કે સમજું તો એ મારો દૃષ્ટિકોણ બનતો જાય. એ વાત સાચી છે કે હું જે પણ શીખીશ એ મારી ક્ષમતા મુજબ જ શીખી શકીશ, પરંતુ જ્યારે કોઈ ગુરુ કે જ્ઞાનીજન આ બાબતે વાત કરશે ત્યારે હું એને એક ફિલ્ટર સાથે સમજી શકીશ, નહીં કે આંખ બંધ કરીને માની લઈશ. સંસ્કૃતના ભણતરે મને સમજાવ્યું કે ભક્તિભાવ જરૂરી છે, પણ જ્ઞાન વગરની ભક્તિ અધૂરી છે. ભણતર એ ભક્તિને પાયો આપે છે અને એને કારણે ભક્તિ મજબૂત બને છે. પહેલાં પણ તમે સેવા-પૂજા-દર્શન-વાંચન બધું કરતા હો, પણ જેવું ભણતર એની સાથે જોડાય તો એ ક્રિયા વધુ અર્થસભર બનતી જાય.
મુંબઈ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગનાં હેડ શકુંતલા ગાવડે શું કહે છે?
છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકોનો અભિગમ બદલાયો છે. આજે વિદેશના અને દેશના લોકો સંસ્કૃત શીખવા માગે છે, કારણ કે બધા જાણવા માગે છે કે આપના ગ્રંથો, વેદો, પુરાણો શું કહેવા માગતાં હતાં. ઉત્સુકતા વધવાના અઢળક કારણોમાંનું એક કારણ વિશ્વસ્તરે યોગની જે નામના થઈ છે એ નામના પણ છે. ભણતરમાં એક મુદો મહત્ત્વનો એ છે કે ડિગ્રી માટે, નોકરી માટે કે ફક્ત નામના માટે ભણતર નથી હોતું. એનો મુખ્ય હેતુ જ્ઞાનનો હોય છે. હર્ષ એ વાતનો છે કે સંસ્કૃત શીખવા આવનારા મોટા ભાગના લોકો જ્ઞાનને મહત્ત્વ આપીને જ સંસ્કૃત શીખવા આવે છે. આજની તારીખે ઘણા જુદા-જુદા વિષયોના તજ્જ્ઞો છે જે સંસ્કૃત શીખવા માગે છે, કારણ કે સંસ્કૃતમાં ફક્ત ધાર્મિક વાતો જ લખાયેલી નથી. ગણિત, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, મેડિસિન, યોગશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, માનસશાસ્ત્રના પણ ગ્રંથો લખાયેલા છે. એનું જ્ઞાન મેળવવા પણ તમારે પહેલાં સંસ્કૃત શીખવું પડે છે. આમ, અમારી પાસે વિધવિધ બ્રાન્ચમાંથી વિદ્યાર્થીઓ આવે છે જેમને પોતાની બ્રાન્ચને લગતું જ્ઞાન પુરાણોમાં શું હતું એ વિશે જાણવું હોય છે. સંસ્કૃતમાં સ્કોપ ઘણા છે અને એને કારણે વધુ ને વધુ લોકો આ તરફ વળી રહ્યા છે એની ખુશી છે.
આપણે સંસ્કૃત નહીં શીખીએ તો એ ધરોહર ગુમાવી દઈશું ચૈતન્ય જોષી, વિદ્યાર્થી, ૨૨ વર્ષ, ઐરોલી
મને નાનપણથી ઘરમાં છૂટ હતી કે તને જે ભણવું હોય એમાં તું આગળ વધી શકે છે અને મેં મારા સૌથી મનપસંદ વિષય સંસ્કૃતને પસંદ કર્યો. મારા પિતાજી પણ સંસ્કૃતમાં અનુસ્નાતક કક્ષા સુધી ભણ્યા છે. હાલમાં હું સંસ્કૃતમાં એમએ કરી રહ્યો છું. મેં એમાં જ સ્નાતકની ડિગ્રી પણ લીધી છે. સંસ્કૃત એક દેવભાષા છે. ખાલી વખાણ નથી કરતો, પણ એ શીખવાથી એક અલગ તેજ આવે છે વ્યક્તિમાં. મારી ઉંમરના બીજા મિત્રો પણ છે, જેઓ બીજા વિષય ભણે છે. તેમની અને અમારી વચ્ચેનો એક ફરક કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. એ ભણતાં-ભણતાં આજે મારામાં એ સમજ કેળવાય છે કે આ આપણી ધરોહર છે, આપણી પૂંજી છે. આપણે સંસ્કૃત નહીં શીખીએ તો આપણે એ ધરોહર ગુમાવી દઈશું. એક સમય હતો જ્યારે દેશ માટે લોહી આપવા લોકો તૈયાર હતા અને એ તેમની દેશભક્તિ હતી. આજની તારીખે મને લાગે છે કે આપણે આપણી સંસ્કૃતિને બચાવવા માટે કંઈક કરીએ. જો એ માટે કાંઈ કરી શક્યા તો એ મારા માટે એક મોટી દેશભક્તિ છે.
સંસ્કૃત દરેક ભાષાની જનની છે તેજલ દેસાઈ, શિક્ષક, ૪૫ વર્ષ, બોરીવલી
મેં હિસ્ટરીમાં એમએ અને બીએડ કર્યું છે. ઘણાં વર્ષો હું ઘરે ટ્યુશન્સ લેતી હતી ત્યારે મેં જોયું કે મારી પાસે આવતાં બાળકો સંસ્કૃત ભણવા માગે છે. એનાં ટ્યુશન હોય તો તેમને એની જરૂર છે. મને પહેલેથી સંસ્કૃત ગમતું, પણ બાળકોને ભણાવવા માટે તો મારે પણ એ ભણવું પડશે એમ વિચારીને મેં મુંબઈ યુનિવર્સિટીના સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં ઍડ્મિશન લીધું. પહેલાં એક બેઝિક કોર્સ કર્યો અને પછી એન્ટ્રન્સ એક્ઝામ આપીને મેં માસ્ટર કોર્સમાં ઍડ્મિશન લીધું. એ કોર્સ કરતાં-કરતાં જ મેં વિચારી લીધેલું કે હવે હું સ્કૂલમાં જૉબ કરીશ. જ્યારે મેં મારી આજુબાજુની સ્કૂલોમાં અપ્લાય કરી ત્યારે મને આ ડિગ્રી પર દરેક સ્કૂલે જૉબ ઑફર કરી હતી. એમાંથી મેં પસંદ કર્યું કે મારે કઈ સ્કૂલમાં કામ કરવું છે. સંસ્કૃત વિષય ભણીને શું કરવાનું? જૉબ તો મળશે નહીં એવું વિચારનારાઓ માટે હું એક ઉદાહરણ છું. આ વિષય સાથે ભણીને જો કોઈ જૉબ કરવા માગે તો માર્કેટમાં ડિમાન્ડ ઘણી છે અને જો ભણાવવું હોય તો શીખવા માટે અઢળક વિદ્યાર્થીઓ મળી જાય છે. સંસ્કૃત દરેક ભાષાની જનની છે એટલે એ શીખ્યા પછી હું ગુજરાતી, મરાઠી અને હિન્દી પણ વધુ સારું જાણતી થઈ છું અને ભણાવું પણ છું.