વર્ડ ઑફ ધ યર 2020 ઇઝ...
પ્રતીકાત્મક તસવીર
ઑક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીના પ્રકાશકો આખા વર્ષ દરમિયાન જાહેરમાં વાતચીત કરવા માટે ફ્રીક્વન્ટ્લી વપરાતા શબ્દોમાંથી ‘વર્ડ ઑફ ધ યર’ની પસંદગી કરી એનો નવી આવૃત્તિમાં ઉમેરો કરતા હોય છે. નવા શબ્દની શોધ માટે લેક્સિકોગ્રાફરોની ટીમને કામે લગાડવામાં આવે છે. જોકે કોવિડ મહામારીએ અંગ્રેજી ભાષાને વિસ્તૃત કરવાની ફરજ પાડી છે. ન્યુઝ, બ્લૉગ્સ અને ઇન્ટરનેટ ટેક્સ્ટ મેસેજિસના વિશાળ કોપર્સ પર અંદાજે ૧૧ બિલ્યન શબ્દોને ટ્રૅક કર્યા બાદ લેક્સિકોગ્રાફરોએ ઘોષણા કરી છે કે કોરોનાકાળ દરમિયાન ‘અનમ્યુટ’, ‘મેઇલ-ઇન’, ‘લૉકડાઉન’, ‘સર્કિટ બ્રેકર’, ‘ફર્લો’, ‘ફેસમાસ્ક’, ‘પૅન્ડેમિક’ જેવા અનેક નવા શબ્દો સેંકડો વાર વાપરવામાં આવ્યા હોવાથી કોઈ એક શબ્દની પસંદગી કરવાનું અઘરું છે. ૨૦૨૦ના વર્ષે અનેકોની જિંદગી બદલી નાખી છે અને સામાન્ય રીતે આપણે ભાગ્યે જ જે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ એવા નવા શબ્દો આપણી બોલચાલમાં ઉમેરાઈ ગયા છે. આજે કેટલાક મુંબઈના વાચકોના મતે ૨૦૨૦ના ક્યા શબ્દો પૉપ્યુલર રહ્યા એ માટે તેઓ શું ફીલ કરે છે એ જાણીએ
ઑનલાઇન સ્ટડી શબ્દને સો માર્ક્સ આપ્યા : આરત ભાયાણી, સ્ટુડન્ટ
ADVERTISEMENT
ડિજિટલ વર્લ્ડમાં ઑનલાઇન શબ્દ કોઈના માટે નવો નથી. જૂના અને જાણીતા આ શબ્દએ છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોના જીવનને ખૂબ પ્રભાવિત કર્યું છે. સેકન્ડ યર બીએમએસના સ્ટુડન્ટ આરત ભાયાણી ઑનલાઇન વર્ડને સોમાંથી સો માર્ક આપતાં કહે છે, ‘સોશ્યલ મીડિયા, શૉપિંગ અને ઇન્ટરનેટ સર્ફિંગ સુધી સીમિત રહેલા ઑનલાઇન શબ્દની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આ વર્ષમાં આપણે ઑનલાઇન સ્ટડી, ઑનલાઇન મીટિંગ્સ, ઑનલાઇન સેમિનાર (વેબિનાર), ઑનલાઇન એક્ઝામ જેવા શબ્દો ફ્રીક્વન્ટ્લી બોલતા થયા. સ્ટુડન્ટ્સ અને ટીચર્સ માટે ઑનલાઇન સ્ટડી નવો જ કન્સેપ્ટ લઈને આવ્યું છે. એજ્યુકેશનના ફીલ્ડ સાથે જોડાયેલા તમામને આ શબ્દો જિંદગીભર યાદ રહી જવાના છે, કારણ કે એની કલ્પના કરી જ નહોતી. વર્ક ફ્રૉમ હોમ કલ્ચર પણ ઑનલાઇન સાથે કનેક્ટેડ છે. ઘરેથી કામ કરવાનો વિચાર આપણને પહેલાં આવ્યો નથી. હું એને ઓલ્ડ વર્ડ ન્યુ હૅપનિંગ કહીશ. ૨૦૨૦ના વર્ષે આપણને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઇન્ટરનેટ વગર તમે જીવી શકવાના નથી. આવનારાં વર્ષોમાં ઑનલાઇન શબ્દ સાથે બીજા નવા શબ્દો જોડાય એવી શક્યતા પણ છે. મારા મતે આ વર્ડને ડિક્શનરીના માધ્યમથી એલાબોરેટ કરવાનો સમય પાકી ગયો છે.’
લૉકડાઉન શબ્દને ડિક્શનરી સુધી રાખજો: પ્રશમ શાહ, સ્ટુડન્ટ
જીવનમાં પહેલી વાર સાંભળેલા શબ્દ લૉકડાઉને આપણને ઘરનાં કામ કરતાં, ઘરની રસોઈ જમતાં, પૈસાની બચત કરતાં, હેલ્થની સંભાળ લેતાં અને બીજું ઘણુંબધું શીખવ્યું છે તેમ છતાં હવે ક્યારેય આ શબ્દ સાંભળવાની કોઈની ઇચ્છા નથી. આ વર્ષના સૌથી પ્રચલિત વર્ડ લૉકડાઉનને કાયમ માટે ડિક્શનરીમાં દફનાવી દેવો જોઈએ એમ જણાવતાં બિઝનેસ મૅનેજમેન્ટનો સ્ટુડન્ટ પ્રશમ શાહ કહે છે, ‘માર્ચ મહિનામાં પહેલું લૉકડાઉન આવ્યું ત્યારથી હજારો વાર આ શબ્દ વાપર્યો છે. હજી પણ ન્યુઝમાં કે સોશ્યલ મીડિયામાં ક્યાંય લૉકડાઉન સંભળાય કે વાંચવા મળે તો હાર્ટબીટ્સ ફાસ્ટ થઈ જાય. લૉકડાઉન દરમિયાન આપણે ફૅમિલી સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો છે, પરંતુ ફરી એ માહોલમાં રહી શકીએ એમ નથી. આ સમયગાળાની સારી-નરસી બાજુને સમજવા માટે એનો ડિક્શનરીમાં સમાવેશ થવો જોઈએ. લૉકડાઉન વર્ડ ઉપરાંત મારા જેવા ફૂડી યંગસ્ટર્સમાં ટેકઅવે શબ્દ પૉપ્યુલર બન્યો હતો. રેસ્ટોરન્ટમાં જવા નથી મળતું તો કંઈ નહીં, ટેકઅવે ઑપ્શન તો છે એવું વિચારી ખુશ થઈ જતા. યુવાપેઢી અને ખાણી-પીણીના શોખીનોએ ટેકઅવે વર્ડનો ખૂબ પ્રયોગ કર્યો હશે એવું મારું માનવું છે. આ શબ્દને પણ ડિક્શનરીમાં સામેલ કરી શકાય.’
પૅન્ડેમિક શબ્દ જીભે ચડ્યો : ગિરીશ મેઘાણી, બિઝનેસમૅન
ઑક્સફર્ડ ડિક્શનરીના પ્રકાશકો દ્વારા જે ત્રણ નવા શબ્દોનો સમાવેશ કરવાની ઘોષણા કરવામાં આવી છે એમાંથી એક શબ્દ પૅન્ડેમિક હશે. વિશ્વવ્યાપી રોગચાળો દર્શાવતો આ શબ્દ કદાચ પહેલેથી ડિક્શનરીમાં હોય એવું બની શકે છે, પરંતુ રોજિંદા જીવનમાં આપણે એનો પ્રયોગ કરતા નહોતા. કૉમન મૅન માટે પૅન્ડેમિક શબ્દ ક્યારેય કૉમન નહોતો. કોરોનાએ એનો અર્થ સમજાવી દીધો અને લૉકજીભે ચડી ગયો એવો મત વ્યક્ત કરતાં કૅપિટલ માર્કેટ સાથે સંકળાયેલા ગિરીશ મેઘાણી કહે છે, ‘આમ જુઓ તો દર દાયકામાં નવો રોગચાળો ફેલાતો હોય છે. ભૂતકાળમાં સ્વાઇન ફ્લુ, ચિકન ગુનિયા, સાર્ક જેવા પૅન્ડેમિક શ્રેણીના રોગોની અસર જોવા મળી હતી. આ સાઇકલ ચાલતી રહે છે, પરંતુ છેલ્લા આઠ-દસ મહિનાથી વિશ્વભરના દેશોમાં કોરોનાએ જે રીતે કેર વર્તાવ્યો છે અને લોકોના જીવનમાં ઊથલપાથલ મચાવી છે ત્યાર બાદ ડે ટુ ડે લાઇફમાં બધા આ વર્ડ વાપરતા થયા છે. રોગચાળાની તીવ્રતાને સામાન્ય વ્યક્તિ સરખી રીતે સમજી શકે એ રીતે અર્થઘટન કરી એનો શબ્દકોષમાં સમાવેશ થવો જોઈએ. મારી દૃષ્ટિએ પૅન્ડેમિકને વર્ડ ઑફ 2020નું બિરુદ આપી દેવું જોઈએ.’
જ્યાં જુઓ ત્યાં કોવિડની જ ચર્ચા : ભાવિન લોડાયા, જીએસટી પ્રૅક્ટિશનર
કોવિડ સેન્ટર, કોવિડ પેશન્ટ, કોવિડ ટેસ્ટ, કોવિડ કેસ, સોશ્યલ મીડિયા પર કોવિડના મેસેજ, અખબારો અને ટીવીમાં કોવિડ. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધી આપણે કોવિડ શબ્દ સૌથી વધુ વખત બોલ્યા છીએ. વિશ્વભરના દેશોના સરકારી તંત્ર અને મેડિકલ સ્ટાફની ઊંઘ ઉડાડી દેનારી આ મહામારીએ બધાના જીવ અધ્ધર રાખ્યા હતા અને હજી વૅક્સિન ક્યારે આવશે એની રાહ જોવાઈ રહી છે ત્યારે મને લાગે છે કે ૨૦૨૦નો પ્રચલિત શબ્દ કોવિડોવરી અથવા કોવિડ હોવો જોઈએ. કોવિડ વર્ડને પ્રથમ ક્રમાંક આપતાં ભાવિન લોડાયા કહે છે, ‘કોરોના વાઇરસ કે નૉવેલ કોરોના વાઇરસ ડિસીઝ-19 એમ આખો શબ્દ કોઈ બોલતું નથી. લાઇફ ઘરમાં કેદ થઈ ગઈ ત્યારથી આમજનતાના મગજમાં માત્ર કોવિડ વર્ડ ક્લિક થતો રહ્યો છે. આ રોગે સૌને લર્નિંગ ઍન્ડ અર્નિંગ બન્નેની અગત્ય સમજાવી દીધી છે. આર્થિક ચિંતા કરાવી છે તો હેલ્થને કોઈ કાળે નિગ્લેક્ટ ન કરી શકાય એનો પાઠ ભણાવી દીધો છે. સામાજિક સેવા અને લૉકલ શૉપની વૅલ્યુ સમજાવી છે તો ઑનલાઇન એજ્યુકેશન અને વર્ક ફ્રૉમ હોમ કલ્ચરને અડેપ્ટ કરતાં શીખવ્યું છે. મારા મતે ઑક્સફર્ડ ડિક્શનરીમાં ઍડ કરવા માટે કોવિડ વર્ડ મોસ્ટ સૂટેબલ છે અને એને એક્સપ્લેઇન કરવાની પણ જરૂર નથી.’
ભારતે વિશ્વને આપ્યો નમસ્કાર શબ્દ
આપણે અંગ્રેજી ભાષાના શબ્દોની ખણખોદ કરીએ છીએ, જ્યારે અહીંથી હજારો કિલોમીટર દૂર અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓનું માનવું છે કે આ વર્ષના મોસ્ટ પૉપ્યુલર વર્ડ તરીકે અંગ્રેજી ભાષાના નહીં પણ હિન્દી ભાષાના નમસ્કાર શબ્દને સર્વાધિક ટોચનું સ્થાન મળવું જોઈએ. કોરાનાકાળમાં ભારતે દુનિયાને હાથ જોડીને નમસ્કાર બોલતાં શીખવ્યું છે. પશ્ચિમના દેશોમાં હાથ મિલાવીને અભિવાદન કરવાનું જે કલ્ચર છે એને બદલવામાં નમસ્કાર શબ્દની અહમ્ ભૂમિકા રહી હોવાથી ડિક્શનરીમાં એનો સમાવેશ થવો જોઈએ એવો અભિપ્રાય આપતાં નામ ન આપવાની શરતે તેઓ કહે છે, ‘કોવિડ રોગચાળાથી બચવા ડૉક્ટરોએ લોકોને હાથ મિલાવવાની ના પાડી છે. હવે અહીંના કલ્ચર પ્રમાણે લોકોને યાદ રહેતું નથી. કોઈને મળતી વખતે અનાયાસે હાથ લાંબો થઈ જતો. એમાં જ ઘણા કેસ વધી ગયા હતા. તેમની ટેવને ડાઇવર્ટ કરવા નમસ્કાર કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. નમસ્કાર કરવાની પરંપરાને અનુસરવાના હેલ્થ બેનિફિટ્સ જાણ્યા બાદ ઘણા વિદેશીઓ અમારી ઝુંબેશમાં જોડાયા છે. તેઓ હસતાં-હસતાં નમસ્કાર અથવા નમસ્તે બોલે છે. ઑક્સફર્ડના પ્રકાશકો આ વાતની નોંધ ન લે તોય ભારતીય તરીકે આપણે ગર્વ લેવા જેવું ખરું.’
ક્વૉરન્ટીન વિશે પહેલી વાર સાંભળ્યું : પ્રીત લીંબાણી, સ્ટુડન્ટ
ક્વૉરન્ટીન વર્ડ પહેલી વાર સાંભળ્યો ત્યારે બહુ નવાઈ લાગી હતી. બીમાર વ્યક્તિની દેખભાળ માટે ફેમિલી મેમ્બરે સાથે રહેવું જોઈએ એવું અત્યાર સુધી આપણે માનતાં હતા જ્યારે આ શબ્દ પેશન્ટ અથવા અસરગ્રસ્તને એકાંતવાસમાં રહેવાનું સૂચવે છે. વાતની શરૂઆત કરતાં કૉલેજ સ્ટુડન્ટ પ્રીત લીંબાણી કહે છે, ‘ક્વારેન્ટીન બહુ જ મીનિંગફુલ વર્ડ છે. ડિક્શનરીની ભાષામાં એને વિસ્તારપૂર્વક સમજાવવા હોમ ક્વૉરન્ટીન, કોવિડ સેન્ટર કે અન્ય સ્થળે ક્વૉરન્ટીન, સેલ્ફ કવૉરેન્ટીન જેવા શબ્દો ઉમેરી શકાય. આઇસોલેશન પણ એને મળતો શબ્દ છે. ઓછામાં ઓછા છ મહિના આખી દુનિયાએ આ શબ્દનો સતત પ્રયોગ કર્યો છે. રહેવાસી સોસાયટીમાં કેસ આવે કે તરત સાંભળવા મળે, આ વિન્ગના બધા ક્વૉરન્ટીનમાં ચાલ્યા ગયા. કોરોનાથી કોઈનું ડેથ થાય પછી ઘરના મેમ્બરોએ ક્વૉરન્ટીન થવું પડે જેથી અન્યને ચેપ ન લાગે. ક્વૉરન્ટીન થવાથી તમે બચી શકો છો અને બીજાને પણ બચાવી શકો છો. આ એવો વર્ડ છે જેણે આપણને હોપ આપી છે. કોઈ પણ પ્રકારના ચેપી રોગની શરૂઆતનાં લક્ષણોમાં જ થોડો સમય માટે સ્વજનોથી દૂર એકાંતવાસમાં રહેવાથી આપણી આસપાસના લોકોને એની અસર થતી નથી એવી સમજણ આપનારા આ શબ્દને નજરઅંદાજ ન કરી શકાય.’