Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કઈ ઉંમરે સંતાનના હાથમાં મોબાઇલ આપી શકાય?

કઈ ઉંમરે સંતાનના હાથમાં મોબાઇલ આપી શકાય?

Published : 16 June, 2023 03:55 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

બાળકને મોબાઇલમાં કાર્ટૂન બતાવીને જમાડતી મમ્મીઓએ સમજવાની ખૂબ જરૂર છે કે આ ઉંમરથી તમે તેને ઍડિક્શનની દુનિયામાં ધકેલી રહ્યા છો.

પ્રતીકાત્મક તસવીર

પેરન્ટિંગ ટિપ્સ

પ્રતીકાત્મક તસવીર


મોબાઇલ ફોનથી નાનાં બાળકોને જેટલાં બચાવી શકાય એટલું સારું એ તો સહુ જાણે છે, જોકે સાથે હકીકત એ પણ છે કે આજના સમયમાં મોબાઇલ વગર ચાલવાનું પણ નથી. એક સમય આવશે જ્યારે બાળકને આ રમકડું ખરીદીને તમારે આપવું જ પડશે. જોકે એની યોગ્ય ઉંમર શું હોઈ શકે એ સમજવાની કોશિશ કરીએ


‘બાળકને જેટલી મોટી ઉંમરે ફોન ખરીદી આપો એટલી તેની મેન્ટલ હેલ્થ સારી રહે છે.’ 



આ વિધાન સાંભળીને લાગે કે આમાં નવી વાત શું છે? આ તો ખબર જ છે. જોકે ખબર હોવા છતાં આપણે શું કરી રહ્યા છીએ? ઍપલના કો-ફાઉન્ડર સ્ટીવ જૉબ્સે પણ પોતે આઇ-પૅડ લૉન્ચ કર્યું ત્યારે તેમનાં બાળકોને આઇ-પૅડથી દૂર રાખેલાં, કારણ કે તેઓ નાનાં હતાં. જોકે કેટલાય લોકો એવા છે જેઓ પોતાનાં બાળકોને ગૅજેટ્સ હોંશે-હોંશે લઈ આપતા હોય છે અને મોટા ભાગનાં એવાં માતા-પિતા છે જેઓ ખુદ કન્ફ્યુઝનમાં રહે છે કે લઈ દેવું જોઈએ કે નહીં? જો લેવું હોય તો કઈ ઉંમરમાં તેના હાથમાં ફોન આપવો જોઈએ? પાડોશીનાં બાળકો પાસે ફોન છે કે બાળકના મિત્રો પાસે ફોન છે એ કોઈ માફક પ્રમાણ નથી કે તમારે પણ તમારા બાળકને ફોન લઈ દેવો.


૨૭,૯૬૯ જેટલી વ્યાપક સૅમ્પલ સાઇઝ સાથે થયેલા ધ સેપિયન લૅબના તાજેતરના ગ્લોબલ રિસર્ચમાં ૧૮થી ૨૪ વર્ષના યુવાનોની મેન્ટલ હેલ્થની એક સ્ટડી કરવામાં આવી હતી. સૌથી પહેલાં એ જાણવામાં આવ્યું હતું કે તેમના માટે કઈ ઉંમરમાં મોબાઇલ ફોન કે ટૅબ્લેટ ખરીદવામાં આવ્યાં હતાં? એનો ઉપયોગ તેમણે કઈ ઉંમરથી શરૂ કર્યો હતો અને આજે તેમની મેન્ટલ હેલ્થ કેવી છે? આ રિસર્ચમાં જાણવા મળ્યું કે તમે કઈ ઉંમરમાં બાળકને મોબાઇલ ફોન આપો છો એ બાબતની તેની મેન્ટલ હેલ્થ પર સીધી અસર પડે છે. જેટલો વહેલો મોબાઇલ ફોન બાળકના હાથમાં આવે એટલી તેની મેન્ટલ હેલ્થ પર વધુ અસર થાય છે. એમાં પણ છોકરીઓ પર આ અસર વધુ જોવા મળી હતી. ૬થી ૧૮ વર્ષના ગૅપમાં જેટલો જલદી મોબાઇલ ફોન હાથમાં આપવામાં આવ્યો હોય એ મુજબ છોકરીઓની મેન્ટલ હેલ્થ ૭૪ ટકાથી લઈને ૪૬ ટકા જેટલી નીચે ગઈ હતી કે ખરાબ થઈ હતી, જ્યારે છોકરાઓમાં આ ટકાવારી ૪૨ ટકાથી ૩૬ ટકા જેટલી નીચે જતી દેખાઈ હતી. આમ છોકરીઓ પર એની અસર વધુ હતી. 

હકીકત એ છે કે મોબાઇલ ફોનથી મેન્ટલ હેલ્થ ખરાબ થઈ રહી છે એ બધાને ખબર છે, પણ આજના સમયમાં માતા-પિતા માનતાં થઈ ગયાં છે કે એનાથી બાળકને સદંતર દૂર રાખી શકાય એમ નથી. મોબાઇલ કે સ્માર્ટફોન આપણા જીવનનો અંતરંગ ભાગ બની ગયા છે. એટલે જ આપણાં બાળકોના જીવનમાં પણ એ ઘર કરે એ સહજ છે. માતા-પિતા અમુક પ્રકારની ખાસ પાબંધીઓ બાળકો પર રાખતાં હોય છે અથવા કહીએ કે રાખવાની કોશિશ તો કરતાં જ હોય છે. આપણે ત્યાં હજી પણ મોટા ભાગે બાળકો મમ્મી-પપ્પાનો ફોન વાપરતાં હોય છે. ધીમે-ધીમે તેમનો વપરાશ એટલો વધતો જાય કે મમ્મી-પપ્પાને ખુદને જ્યારે ફોનની જરૂર પડે ત્યારે ન મળે. ત્યારે તેઓ એવું વિચારે કે હવે બાળકને પણ ફોન લઈ દઈએ. પણ શું આ કારણ પૂરતું છે ફોન લઈ દેવા માટે? બીજું એ કે દરેક સમજદાર માતા-પિતાને બાળકને ફોન લઈ દેતી વખતે એ પ્રશ્ન તો આવે જ છે કે આને ખરેખર ફોન લઈ દેવો જોઈએ કે નહીં? કઈ ઉંમરને યોગ્ય ઉંમર કહીશું જેમાં બાળકને ફોન આપી શકાય? શું ખરેખર આ બાબતે કોઈ નિયમો છે ખરા? થોડું સમજવાની કોશિશ કરીએ. 


૪થી ૬ વર્ષ 

નવજાત શિશુથી લઈને ચાર વર્ષ સુધીનાં ભૂલકાંઓને મોબાઇલથી સંપૂર્ણપણે દૂર રાખવાં જરૂરી જ છે. એ બાબતે તો કારણો આપવાં પડે એ પણ શરમજનક કહી શકાય. આટલા નાના બાળકને મોબાઇલમાં રાઇમ્સ બતાવતાં-બતાવતાં જમાડતી મમ્મીઓએ ખરેખર સમજવાની ખૂબ જરૂર છે કે આ ઉંમરથી તમે તેને જે ઍડિક્શનની દુનિયામાં ધકેલી રહ્યા છો એમાં પસ્તાવા સિવાય કશું હાથ નહીં આવે. એ સ્પષ્ટ કરતાં આશ્રય ક્લિનિક, બાંદરાના ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ સંજના ખથુરિયા કહે છે, ‘૪ વર્ષથી ૬ વર્ષનાં બાળકોની જો વાત કરીએ તો આ ઉંમરમાં બાળક માતા-પિતા, ભાઈ-બહેન કે ઘરના સભ્યો સાથેના કમ્યુનિકેશનથી સૌથી વધુ શીખે છે. જો તમારે તેને શીખવવું જ હોય તો તેને ખૂબ રમાડો, વાતો કે વાર્તાઓ કરો અને વધુમાં બુક્સ તેને વાંચી સંભળાવો. મોબાઇલમાંથી તેઓ વધુ શીખશે એ એક ભ્રમ છે. એટલે આ ઉંમરમાં તો મોબાઇલ લઈ દેવો બિલકુલ યોગ્ય નથી.’

૭થી ૧૧ વર્ષ 

યુએસમાં ૪૦ ટકા બાળકો આ ઉંમરમાં સ્માર્ટફોન વાપરતાં થઈ ગયાં હોય છે. આ એ ઉંમર છે જેમાં થોડીક આઝાદી મળવા લાગી હોય છે. સ્કૂલમાં અને ક્લાસિસમાં મોટા ભાગનો સમય તેઓ વિતાવતાં હોય છે એટલે સેફ્ટી માટે માતા-પિતાને લાગે છે કે બાળક પાસે ફોન હોવો જોઈએ. જોકે સમજવાની વાત એ છે કે આ એક કાચી ઉંમર છે એમ જણાવતાં સંજના ખથુરિયા કહે છે, ‘આ ઉંમરમાં સારા-નરસાનું ભાન હોતું નથી. બાળકની ક્રિટિકલ થિન્કિંગ પ્રોસેસ પણ શરૂ નથી થઈ હોતી. આ ઉંમરમાં તેમના હાથમાં ફોન આવે અને તે સોશ્યલ મીડિયાનો ઉપયોગ માતા-પિતાની જાણ વગર કરવા લાગે તો એ ખૂબ રિસ્કી છે. આદર્શ રીતે જો સિક્યૉરિટી માટે પણ આ ઉંમરમાં ફોન આપવો હોય તો સ્માર્ટફોન નહીં, બેઝિક ફોન આપો જેમાંથી ફક્ત કૉલ થઈ શકે અને મેસેજ જઈ શકે. એના સિવાય બીજું કંઈ આ ઉંમરે જરૂરી નથી. ઇન્ટરનેટનો ઉપયોગ તેમના પર્સનલ ડિવાઇસ પર તેઓ કરે એ આ ઉંમર માટે યોગ્ય નથી.’ 

૧૨થી ૧૪ વર્ષ 

આ ઉંમરમાં બાળકોમાં બુદ્ધિનો એટલો વિકાસ થયો હોય છે કે સમસ્યાને કઈ રીતે પાર પાડવી, મનના તરંગોને કઈ રીતે કન્ટ્રોલમાં રાખવા અને ક્રિટિકલ થિન્કિંગ ડેવલપ થઈ ગઈ હોય છે. આ વાત સમજાવતાં સંજના ખથુરિયા કહે છે, ‘પણ શું બધાં બાળકો આ ઉંમર સુધીમાં પરિપક્વ થઈ ગયાં હોય છે? પરિપક્વતાની શરૂઆત તો બધાં બાળકોમાં થઈ હોય છે, પરંતુ એની ડિગ્રી જુદી-જુદી હોઈ શકે છે. માતા-પિતા ખુદ સમજી શકે છે કે તેમનું સંતાન કેટલું પરિપક્વ છે. આ ઉંમર સુધી ફોનની જરૂર ન પડે એવું ભાગ્યે જ બને. એટલે આ ઉંમરનાં સંતાનો માતા-પિતાનો ફોન તો વાપરતાં જ હોય છે, પરંતુ તેમનો ખુદનો ફોન આવવો જોઈએ કે નહીં એનો નિર્ણય માતા-પિતાએ બાળકની પરિપક્વતા જોઈને કરવો જોઈએ. ફોન આપતાં પહેલાં તેમને એ સમજાવું જરૂરી છે કે આ એક મશીનથી વિશેષ કંઈ નથી. એટલે એમાં ઘૂસેલા રહીને એને જીવનનું કેન્દ્ર ન બનાવે. આ સમજવાની પરિપક્વતા તેનામાં હોય ત્યારે જ પર્સનલ ફોન તેને લઈ દઈ શકાય.’ 

અસર કેવી પડે?

નાની ઉંમરમાં ફોન હાથમાં આવી જાય એને કારણે મોટું નુકસાન એ છે કે બાળક એકલું પડતું જાય છે એમ સમજાવતાં અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશન અને પોદાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસિડન્ટ સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘મોબાઇલને કારણે સોશ્યલ ઇન્ટરૅક્શન ઘટતું જાય છે. તેમની અંદર માનવીય સંવેદનાઓઓને સમજવાની શક્તિ પૂરી રીતે ખીલી શકતી નથી, કારણ કે દિવસનો મોટા ભાગનો સમય તે મશીન સાથે વિતાવે છે. લોકોના હાવભાવ દ્વારા પરિસ્થિતિ સમજવાની એક ઉંમર હોય છે. બાળકો ઘણી વાર એકદમ નાનાં હોય છતાં ઘરમાં મમ્મી-પપ્પાનું મોઢું જોઈને સમજી જતાં હોય છે કે આજે ઝઘડો થયો છે. આમ તેની ઇમોશનલ ઇન્ટેલિજન્સ પૂરી રીતે ડેવલપ નથી થઈ શકતી જ્યારે આપણે તેને નાની ઉંમરથી મોબાઇલ આપી દઈએ છીએ.’

 ફોન આપતાં પહેલાં તેમને એ સમજાવું જરૂરી છે કે આ એક મશીનથી વિશેષ કંઈ નથી. એટલે એમાં ઘૂસેલા રહીને એને જીવનનું કેન્દ્ર ન બનાવે. આ સમજવાની પરિપક્વતા તેનામાં હોય ત્યારે જ પર્સનલ ફોન તેને લઈ દઈ શકાય. - સંજના ખથુરિયા, સાઇકોલૉજિસ્ટ

મોબાઇલ આપતાં પહેલાં આટલું ધ્યાન રાખજો

ફોન લઈ દેતાં પહેલાં આ પ્રશ્નોના જવાબ મેળવો એમ સૂચવતાં સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘તમારા બાળકને સ્માર્ટફોન શું કામ જોઈએ છે? તેના સેફ્ટી માટે કે તેના મિત્રો પાસે છે એટલે? આ સિવાય તમારું બાળક તમારા કહ્યામાં કેટલું છે એ પણ મહત્ત્વનું છે. તમે કહો કે ફોન મૂકી દે તો તે મૂકી દઈ શકે છે? તમે કહો કે એના પર અમુક જ ઍપ્સ રહેશે તો તે સમજીને વાત માનશે કે પછી લિબર્ટીનો દુરુપયોગ કરશે? ફોનને તે સ્ટેટસ સિમ્બૉલ સમજવાની ભૂલ તો નથી કરી રહ્યુંને? આ બધાના જવાબ સમજીને તમે નિર્ણય કરી શકો છો કે બાળકને તેનો પર્સનલ ફોન લઈ દેવો કે નહીં? જો લઈ દેવો તો કયા પ્રકારનો ફોન લઈ દેવો જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2023 03:55 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK