સ્નાયુઓ અને ત્વચાની કાળજી માટે મેડિસિન તરીકે આ માછલીનાં વિવિધ અંગોની જબરદસ્ત ડિમાન્ડ હોવાથી એના દામ માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ઘણા ઊંચા રહ્યા છે. જેટલી લાંબી એટલી મોંઘી એવો રેશિયો ધરાવતી આ માછલી જો કોઈ માછીમારને મળી જાય તો સમજો બેડો પાર!
ઘોલ માછલી
સાવ અચાનક જ ઘોલ માછલી ચર્ચામાં આવી ગઈ છે. બન્યું એવું કે ગયા અઠવાડિયે અમદાવાદ ખાતે બે દિવસીય પહેલી ગ્લોબલ ફિશરીઝ કૉન્ફરન્સ ઇન્ડિયા 2023 યોજાઈ હતી, જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘોલ નામની માછલીને ગુજરાતની રાજ્ય માછલી જાહેર કરી છે. રાજ્યની સત્તાવાર માછલી તરીકે ઘોલના નામની જાહેરાત થઈ, એ સાથે જ એવો સવાલ પુછાવા માંડ્યો હતો કે ઘોલમાં એવું તે શું છે કે એને રાજ્યની માછલી જાહેર કરવી પડે? ઘોલમાં એવું તે શું છે કે એ એની લંબાઈ પ્રમાણે ૧૫ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીના ભાવે વેચાય છે?
પહેલો સવાલ તો એ થાય કે રાજ્ય પ્રાણી કે પક્ષી તો જાણે સમજ્યા, પરંતુ રાજ્યની માછલી જાહેર કરવા પાછળનો ઉદ્દેશ્ય શું હોઈ શકે?
ઘોલ માછલી ઓછી સંખ્યામાં મળે છે અને એનું આર્થિક મૂલ્ય ખૂબ જ હોવાને કારણે ગુજરાત રાજ્યની સત્તાવાર માછલી તરીકે ઘોલની પસંદગી થઈ છે. વળી આ માછલી દુર્લભ થતી જાય છે ત્યારે રાજ્યની માછલી તરીકે એની જાહેરાત થતાં એના સંવર્ધન માટેનો માર્ગ પણ મોકળો થશે. એની માછીમારી પણ સીમિત કરી શકાશે અને એને કારણે એનો જથ્થો વધવાની તકો પણ ઊજળી થશે. કેટલાય કાંઠા વિસ્તારોમાં વસતા સમુદાયોમાં આ માછલીનું સાંસ્કૃતિક અને આર્થિક મહત્ત્વ વધુ છે. એ સ્થિતિમાં ઘોલને રાજ્યની માછલી જાહેર કરવાથી એના સંવર્ધનના પ્રયાસોને પ્રોત્સાહન મળશે અને ઘોલ વિશે લોકોની જાગૃતિ પણ વધશે. આ માછલીનું સફળ સંવર્ઘન થશે તો એને કારણે માછીમારોને આર્થિક ફાયદો મોટા પ્રમાણમાં થાય એમ છે. તમને આશ્ચર્ય જરૂર થાય, પરંતુ બે વર્ષ પહેલાં નવેમ્બર ૨૦૨૧માં ઉના તાલુકાના સૌયદ રાજપરા ગામનો ભીખા પુના નામનો માછીમાર માછીમારીની એક જ ખેપમાં કરોડપતિ થઈ ગયો હતો. માછીમારીમાં ૧૫૦૦ ઘોલ માછલીઓ પકડાઈ હતી અને એના વેચાણમાં ભીખા પુનાને પૂરા બે કરોડની આવક થઈ હતી! એ જોતાં આ માછલીનું સંવર્ધન થાય તો અનેક માછીમારોનું દળદર ફીટે એમ છે.
ADVERTISEMENT
ઘોલની માછીમારી મોટા પાયે થાય તો માછીમારોને મોટી કમાણી થઈ શકે છે એમ છતાં દક્ષિણ ગુજરાત સહિતના માછીમારો કેમ કરોડપતિ બની શક્યા નથી એ કારણ જાણવું પણ જરૂરી છે. સ્વાભાવિક છે કે એક સમય એવો હતો કે દહાણુથી દીવ સુધીના સમુદ્રકિનારાથી નજીકના દરિયામાં આ માછલી મળી આવતી હતી. પરંતુ હવે ઘોલ ઊંડા દરિયામાં જ મળે છે. એ વિશે માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા વલસાડ તાલુકાના મેથિયા ગામના ટોલરબોટથી માછીમારી કરાવતા જયંતીભાઈ ટંડેલ કહે છે, ‘ગુજરાતમાં મોટા ભાગે માછીમારી માટે એક વખત દરિયો ખેડવામાં આવે ત્યારે માંડ વીસ-પચીસ ઘોલ પકડાતી હોય છે. ભાગ્યે જ કોઈ વખત કોઈ માછીમારીમાં મોટી સંખ્યામાં એ પકડાતી હોય છે. તેઓ વધુમાં કહે છે કે બૉમ્બે હાઈના પ્લૅટફૉર્મની આસપાસના જળ વિસ્તારમાં ઘોલ મોટી સંખ્યામાં મળી આવતી હોય છે. એ વિસ્તારમાં પાણીનો પ્રવાહ બહુ ઝડપથી વહેતો હોય છે. વળી પ્લૅટફૉર્મ હોવાને કારણે એની આસપાસ લીલ પણ બાઝી જતી હોય છે, એને કારણે ઘોલ માછલી એ વિસ્તારમાં ઘણી જોવા મળે છે.’
ગુજરાત કરતાં પણ દક્ષિણ ભારતમાં એ વધુ પ્રમાણમાં પકડાય છે એમ જણાવતાં જયંતીભાઈ વધુમાં કહે છે, ‘સાઉથના માછીમારો ઘોલની માછીમારી કરવા માટે ખાસ પ્રકારની જાળનો ઉપયોગ કરે છે. ૧૫ લાખ રૂપિયાની એ જાળમાં ઘોલ મોટી સંખ્યામાં પકડાતી હોય છે. જ્યારે આપણે ત્યાં એવી આધુનિક જાળનો ઉપયોગ થતો ન હોવાથી ક્યારેક નસીબ હોય તો જ મોટી સંખ્યામાં ઘોલ પકડાતી હોય છે.’
તેઓ કહે છે કે ઘોલ માછલીનું માંસ પણ ખાસ પોષણ આપે છે, તેથી એ અલગ કરાય છે. એ ઉપરાંત વેસ્ટ ગણાતા એના આંતરિક ભાગોની પણ ઊંચી કિંમતે નિકાસ થાય છે. એ દૃષ્ટિએ જોઈએ તો ઘોલ માછલી માછીમારો માટે શુકનવંતી છે.
અધધધ કમાણી કરાવી આપતી માછલીમાં એવું તે શું છે એવો સવાલ જરૂર થાય, પરંતુ એ રહસ્ય જાણતાં પહેલાં આ માછલી કેવી છે એ જાણવું જોઈએ.
દેશી ભાષામાં ઘોલ તરીકે જાણીતી આ માછલીનું વૈજ્ઞાનિક નામ પ્રોટોનિબિયા ડાયકેન્થસ જેવું અટપટું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઍક્વેટિક બાયોલૉજી વિભાગનાં નિવૃત્ત પ્રોફેસર તથા હેડ ડૉ. મોહિની ગઢિયા ઘોલ વિશે કહે છે, ‘ક્રૉકર્સ તરીકે પણ ઓળખાતી આ માછલીનું ફૅમિલી તો સ્કીએનેનીડે ગણાય છે. સોનેરી ભૂખરા રંગની આ માછલી ભારતમાં મળતી સૌથી મોટા કદની માછલીઓમાંની એક છે. આ માછલી મહારાષ્ટ્રથી લઈને ખાસ કરીને દહાણુથી લઈને દીવ-ખંભાતના અખાતના જળ વિસ્તારમાં બહુ મળે છે.’
એ ખરું કે દુનિયાની વાત કરીએ તો પર્શિયાના અખાતથી પૅસિફિક સમુદ્રના જળ વિસ્તારમાં આ માછલી મળી આવે છે. આપણા દરિયાઈ વિસ્તારમાં ઘોલની દસેક પ્રજાતિ મળી આવે છે. અલગ-અલગ પ્રજાતિની ઘોલ માછલીની લંબાઈ પણ જુદી-જુદી હોય છે. સામાન્ય રીતે ઘોલ દોઢેક મીટર લાંબી હોય છે. ઓછી લંબાઈ ધરાવતી ઘોલના પણ ૧૫થી ૨૦ હજાર રૂપિયા ઊપજી આવતા હોય છે, જ્યારે મોટા કદની ઘોલના તો ૫૦ હજારથી ૧ લાખ રૂપિયા સુધીના ભાવ મળે છે. મતલબ કે ઘોલ જેમ લાંબી હોય એમ એના ભાવ વધુ ઊપજે.
હવે ભાવની વાત કરીએ એ પહેલાં સમજી લેવું પડે કે ઘોલ માછલી કલ્પવૃક્ષ જેવી છે. ઘોલનું માંસ પણ ખૂબ જ લાભકારી છે તો એમાંથી વેસ્ટ તરીકે કાઢી નખાતા અવયવો પણ ખૂબ ઉપયોગી છે. એ જોતાં આહાર તરીકે અને વ્યવસાયિક રીતે પણ ઘોલ મહત્ત્વની અને મોંઘી છે. ડૉ. મોહિની ગઢિયા ઘોલપુરાણની વાત આગળ વધારતાં કહે છે, ‘ઘોલના આંતરિક અવયવોનો ઉપયોગ તબીબી ક્ષેત્રે વધુ થાય છે અને એને કારણે જ એનો ભાવ પણ વધુ છે. મેડિકલ ક્ષેત્રે એના ઉપયોગ ઉપરાંત કૉસ્મેટિક તરીકે પણ ઘોલ ઉપયોગી થઈ પડે છે. ઘોલના સ્નાયુઓમાં કોલેજનનું પ્રમાણ સારું એવું હોય છે. કોલેજન માણસની ચામડી ફિટ રાખે છે. એને કારણે કરચલીઓ પડતી નથી. આજના યુગમાં બધાને યુવાન દેખાવું છે, તેથી કરચલીઓ ન પડે એ માટે કોલેજનનો ઉપયોગ વધ્યો છે અને એ કારણે પણ ઘોલ માછલીના સ્નાયુઓના ભાવ વધુ આવે છે. ડૉ. મોહિની ગઢિયા તો ઘોલ માછલીના માંસને પોષણનું પાવરહાઉસ કહે છે. તેમના મતે ઘોલમાંથી ઓમેગા 3, આયર્ન, સેલેનિયમ, મૅગ્નેશિયમ, ફ્લોરાઇડ, આયોડીન, ડીએચએ અને ઈપીએ મળી રહે છે. માણસની પ્રોટીન, વિટામિન અને ખનિજની જરૂરિયાત એમાંથી પૂરી થઈ જતી હોય છે.’
જયંતીભાઈ કહે છે, ‘ઘોલના સ્નાયુઓનો ઉપયોગ અત્તર બનાવવા માટે પણ થાય છે. એ ઉપરાંત એનો ઉપયોગ બિઅર અને વાઇન બનાવવા માટે પણ થાય છે. ઘણા દેશોમાં વાઇન બનાવવા માટે એના બ્લૅડરનો ઉપયોગ થાય છે.’
જોકે એ બધામાં ઘોલ માછલીનો તબીબી ક્ષેત્રે ઉપયોગ વધુ થાય છે. એ વિશે સુરતની મૈત્રીયી ગ્રુપ ઑફ હૉસ્પિટલમાં ડિરેક્ટર એવા કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. નરેન્દ્ર સિંહ તન્વર ઘોલ માછલીની ન્યુટ્રિશનલ અને મેડિકલ પ્રૉપર્ટીઝ વિશે કહે છે, ‘ઘોલના માંસમાંથી અનેક વિટામિન અને ખનિજ મળી રહેતાં હોવાથી પોષણની દૃષ્ટિએ ખૂબ ઉપયોગી છે તો એના અવયવોમાંથી દવા બનાવાય છે. ખાસ તો આ માંસથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઘોલનું હૃદય રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લાભકારી છે. એ ઉપરાંત બાળકોના માનસિક વિકાસ માટે ઘોલ માછલી ખૂબ ઉપયોગી છે. એમાંથી ઓમેગા 3 મળી રહે છે, જે બાળકોના મગજનો વિકાસ સારો કરે છે. બાળકોની તર્કશક્તિ વધારવામાં પણ એનો ફાળો મોટો છે. બાળકોનો આઇક્યુ વધારવામાં પણ એ ફાયદાકારક છે. ઘોલના માંસમાથી મળતાં વિટામિન, પ્રોટીન અને ખનિજોને કારણે આંખનું તેજ વધે છે અને હૃદયને પણ તંદુરસ્ત રાખે છે. ઘોલના સ્નાયુઓમાંથી ટાંકા મારવાના દોરા બને છે. આ દોરા આપોઆપ પીગળી જાય એવા હોવાને કારણે એ વધુ ઉપયોગી છે.’
ઘોલનો ઉપયોગ એના માંસ માટે થાય છે તો એમાંથી નહીં ખવાતો ભાગ વેસ્ટ તરીકે ફેંકી દેવાતો હોય છે, પરંતુ એનો ઉપયોગ ફાર્મસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં વધુ થાય છે. દવા કે ટાંકા લેવા માટેના દોરા બનાવવામાં તો એ વપરાય છે તો ચીન તથા હૉન્ગકૉન્ગમાં પરંપરાગત સારવાર માટે પણ એ કામમાં લેવાય છે. સાથે-સાથે કૉસ્મેટિક્સ ઉદ્યોગમાં પણ ઘોલના અવયવોનો ઉપયોગ થતો હોવાને કારણે આ માછલીની માંગ વધુ રહે છે. માંગ વધુ રહે ત્યારે સ્વાભાવિક છે કે એનો ભાવ વધુ રહે છે. ઉપરાંત પ્રદૂષણને કારણે કિનારાના જળ વિસ્તારમાં મળતી ઘોલ માછલીનો જથ્થો હવે સાવ ઓછો થયો છે. દરિયાના ઊંડાણના વિસ્તારમાંથી એ ઓછા પ્રમાણમાં મળી રહે છે, એને કારણે એની માગ પહોંચી વળાતી નથી અને એને કારણે પણ ઊંચી કિંમત રહે છે. યાદ રહે કે ૨૦૨૧-’૨૨ના વર્ષમાં ગુજરાતમાં કુલ ૮.૭૪ લાખ ટન માછલી પકડવામાં આવી હતી, જેમાંથી ૧૧,૨૨૧ કરોડ રૂપિયાની આવક થઈ હતી. કુલ ૮.૭૪ લાખ ટન માછલીમાંથી ફક્ત ૨.૩ લાખ ટન માછલી અને એના અવયવોની નિકાસ થઈ હતી, જેમાંથી ૫૨૩૩ કરોડની આવક થઈ હતી! મતલબ કે ગુજરાતમાંથી નિકાસ થતી માછલીઓમાંથી ૧૭ ટકા નિકાસ ઘોલની હતી. ઘોલનું માંસ યુરોપ અને મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ થાય છે, જ્યારે એના ઍર બ્લૅડરની નિકાસ ચીન, હૉન્ગકૉન્ગ તથા એશિયાના બીજા દેશોમાં વધુ થાય છે. ચીન અને હૉન્ગકૉન્ગમાં તો એનું સૂપ બહુ વેચાય છે. માંસ અને ઍર બ્લૅડર તથા સ્નાયુઓને અલગ કરીને નિકાસ કરાય છે અને એના દામ ઊંચા ઊપજતા હોવાને કારણે જ ઘોલ માછીમારો લખપતિ કરી દે એવી માછલી છે.