ભવિષ્યમાં પ્રાથમિક શાળાઓના સમાજવિદ્યાના પેપરમાં હનુમાનનાં પરાક્રમો વિશે ટૂંકી નોંધ લખો કે એકલવ્યએ કયા ગુરુની પ્રતિમા બનાવી હતી એ પ્રશ્ન એક માર્કમાં પુછાઈ શકે છે, કારણ કે મહાભારત અને રામાયણને પાઠ્યપુસ્તકમાં સમાવવામાં આવે એની ખાસ ભલામણ થઈ છે.
પ્રતીકાત્મક તસવીર
તમે કહો છો કે રામ ખૂબ જ સારા હતા અને તે તો ભગવાન છે છતાં તેમણે સીતામાતાને વનમાં મોકલી દીધાં? એક ધોબીના કહેવાથી તેમનો ત્યાગ કરી દીધો? ભગવાન કોઈ દિવસ કોઈ સાથે ખોટું કરે જ નહીં, પછી તેમણે પોતાની પત્ની સાથે આવું કઈ રીતે કર્યું? બિચારા લવ-કુશનો શું વાંક? - ૧૧ વર્ષની આર્યાએ ‘બાળકોની રામાયણ’ વાંચ્યા પછી એટલા બધા પ્રશ્નોની છડી માતા-પિતા પર વરસાવી કે માતા-પિતા મૂંઝાઈ ગયા કે રામાયણ આને વાંચવા દેવાની હતી કે નહીં.
તમે કહો છો કે યુધિષ્ઠિર સત્યવાદી હતા. જ્યારે તેમણે ‘નરો વા-કુંજરો વા’ કહ્યું ત્યારે તેમણે અર્ધસત્ય કહ્યું હતું. આ અર્ધસત્ય શું છે? આ તો તેમણે ખોટું બોલ્યું જ કહેવાયને? તેમણે કહ્યું કે મને ખબર નથી, પણ ખબર તો હતી જને તેમને. એનો અર્થ એમ કે તે ખોટું બોલ્યા...૧૦ વર્ષનો કાર્તિક તેના દાદા પાસેથી વાર્તા સાંભળતાં-સાંભળતાં અધીરો થઈને બોલ્યો. તેના દાદાએ જવાબ આપ્યો કે બેટા, જો તે સાચું બોલત તો પાંડવો હારી જાત અને અધર્મની જીત થાત. કોઈ મોટા કાર્ય માટે તેમણે આ નાનું બલિદાન દેવું પડ્યું. - તો શું હું કોઈ મોટા કામ માટે કાલે ઊઠીને ખોટું
બોલું તો ચાલે? કાર્તિકના આ પ્રશ્નનો જવાબ દાદાએ શું આપવો તેમને ખબર નથી.
હાલમાં નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ અને ટ્રેઇનિંગ (NCERT) દ્વારા નિર્મિત કમિટીએ પ્રાથમિક શાળાઓમાં સમાજવિદ્યા વિષયમાં ભારતનાં બે મહાકાવ્યો રામાયણ અને મહાભારતના કેટલાક અંશોનો સમાવેશ કરવાની ભલામણ કરી છે. કમિટીનું માનવું છે કે આ રીતે બાળકોમાં નાની ઉંમરથી આત્મસન્માન, દેશભક્તિ અને ગૌરવનું નિર્માણ કરી શકાશે. આપણી સંસ્કૃતિનાં દર્શન સમા આ બે મહાકાવ્યો ભારતના દરેકેદરેક નાગરિકને જ્ઞાત હોવાં જરૂરી છે, કારણ કે આ બંને મહાકાવ્યો ભારતના ગૌરવવંતા ઇતિહાસને વર્ણવે છે. આટલાં વર્ષો પછી પણ આ કથાઓ આપણા જીવનનું, આપણા સમાજનું અને આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. એમાં આવતાં પાત્રો ફક્ત પાત્રો નથી, આપણી પેઢીઓની પેઢીઓનું સંસ્કાર-સિંચન કરનારા આદર્શો છે. આપણને જે ભારત પર માન છે એ ભારતની આરસી આ મહાકાવ્યો છે. જો આ મહાકાવ્યો પાઠ્યપુસ્તકમાં આવે એ જરૂરી છે એ વાત સાચી. એનાથી અઢળક ફાયદાઓ પણ થશે એ પણ સમજી શકાય.
ADVERTISEMENT
પ્રશ્નો સારા છે
પરંતુ સમસ્યા એ છે કે આ મહાકાવ્યોને ૧૦૦ ટકા સાચી રીતે સમજવાની તાકાત તો વડીલોમાં પણ નથી તો બિચારાં નાનાં ભૂલકાંઓ એને કઈ રીતે સમજશે? અત્યારની ૨૧મી સદીની પેઢી એવી નથી કે ચૂપચાપ દરેક વાતને માની લે. એટલે હજાર પ્રશ્નો ઊભા થવાના જ છે. એ પ્રશ્નોની સાથે-સાથે સમજ પણ વિકસવાની જ છે. એ વિશે વાત કરતાં લેખક ડૉ. રઈશ મનીઆર કહે છે, ‘બાળકની અંદર કુતૂહલ હોય એટલે પ્રશ્નો આવે અને એ પ્રશ્નો હંમેશાં સારા માટે જ હોય છે. ઘણી વખત પ્રશ્નો જન્મવા જ પૂરતા હોય છે, બધાના જવાબ આપવા જરૂરી નથી અથવા તો કહીએ કે જવાબ મળી જ જવા જોઈએ એવું નથી. બાળકો પ્રશ્ન પૂછે એમાંથી જ તેઓ દુનિયાને વધુ સારી રીતે ઓળખતાં શીખે છે. એટલે તેઓ સવાલ પૂછશે એનાથી ગભરાવવાનું નથી. ઊલટું એ સારું છે. તેઓ મોટાં થશે એટલે ખુદ સમજી જશે. તેમને તમે પ્રેમથી વાળી શકો. પ્રશ્નને ઓપન-એન્ડેડ એટલે કે આમ પણ હોય કે તેમ પણ હોય, કઈ પણ હોઈ શકે એમ સમજી શકાય.’
ઉંમર સંબંધિત
તો જ્યારે રામાયણ કે મહાભારતનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ થાય ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. રઈશ મનીઆર કહે છે, ‘વિષય કોઈ પણ હોય, ઉંમર પ્રમાણે જ ભણાવવાનો હોય છે. રામાયણ અને મહાભારતમાં અઢળક પ્રસંગો છે. એમાંથી બાળકોને તેમની ઉંમર પ્રમાણે જે પ્રસંગો કહેવાવા જોઈએ એનો સમાવેશ થવો જોઈએ. જે પાઠ્યપુસ્તક સમિતિઓ હોય છે તેઓ આ બાબતે હંમેશાં સચેત જ હોય છે અને તેઓ જાણે છે કે શું લેવું અને શું ન લેવું. આપણે બસ એમના પર વિશ્વાસ રાખવો જરૂરી છે.’
ઉદ્દેશ મહત્ત્વનો
રામાયણ અને મહાભારત પેઢી દર પેઢી બાળકો ટીવીમાં જોતાં આવ્યાં જ છે. તો પછી એનો સમાવેશ પાઠ્યપુસ્તકમાં થાય એનાથી શું ફરક પડે? આ પ્રશ્નનો જવાબ આપતાં શિક્ષણવિદ દિનકર જોશી કહે છે, ‘સાચી વાત છે કે રામાયણ અને મહાભારતના કિસ્સાઓ મોટા ભાગનાં બાળકોએ ઘણી પેઢીઓથી ટીવી પર જ જોયા છે. હવે તો એનાં કાર્ટૂન્સ પણ આવતાં થયાં છે, પરંતુ ટીવી પર આ ગાથાઓ દેખાડવાનો ઉદ્દેશ મનોરંજનનો છે. વળી એ ફક્ત બાળકો માટે નથી હોતું. વયસ્ક લોકોને પણ એ ગમે એ રીતે એનું નિર્માણ થાય છે. ઘણા ભારેખમ શબ્દો અને પ્રસંગો બાળકોને સમજાતા નથી અથવા અધૂરા સમજાય છે. જો
પાઠ્યપુસ્તકમાં એનો સમાવેશ થશે તો એ બાળકો માટે જ હશે. તેમને
સમજાય, તેમને ઉપયોગી થાય એના માટે એ પ્રસંગ લખવામાં આવશે. એનાથીયે ઉપર એનો આશય બાળકોના સારા ચારિત્ર-ઘડતરનો છે, મનોરંજનનો નહીં જે સૌથી મહત્ત્વની બાબત છે.
એટલે આ રીતે રામાયણ-મહાભારતને શિક્ષણમાં આવરી લેવાનો નિર્ણય ઘણો સારો છે.’
પરીક્ષાલક્ષી
રામાયણ અને મહાભારતને શિક્ષણ તરીકે લેવાની આ બાબત ૨૪ વર્ષ જેટલી કામગીરી કરીને પાઠ્યપુસ્તક બોર્ડમાંથી ડેપ્યુટી ડિરેક્ટર તરીકે નિવૃત્તિ લેનાર જાણીતા શિક્ષણવિદ રતિલાલ બોરીસાગર કહે છે, ‘ઘણાં ઘરોમાં આ ગ્રંથોનું મહત્ત્વ હોય એટલે બાળકોને એના પ્રસંગો ખબર જ હોય, પરંતુ અમુક ઘરોમાં એવું ન હોય તો એ બાળકો માટે સારું કે તેઓ આ જ્ઞાનથી વંચિત નહીં રહે. જોકે શિક્ષણની એક સમસ્યા છે. એ પરીક્ષાલક્ષી થઈ જાય, એ પરાણે યાદ રાખવું પડે કે પરાણે ભણવું પડે તો એમાંથી આપોઆપ રસ ઊડી જાય છે. બાળકોને વાર્તાઓ કહીએ તો મજા પડે, પણ એ વાર્તાઓની પરીક્ષા લેવામાં આવશે એટલે ધ્યાનથી સમજજો એમ કહીએ તો તેમનો રસ જ ગાયબ થઈ જાય. એવું ન થાય એ માટે સતર્કતા જરૂરી છે. રામાયણ અને મહાભારત જ્યારે પણ અને જેને પણ ભણાવવામાં આવે, કોર્સ તરીકે નહીં પરંતુ કથા તરીકે જ ભણાવવામાં આવે એ જરૂરી છે. કોઈ પણ રીતે બાળકનો રસ એમાંથી ઊડી ન જવો જોઈએ.’
પ્રસંગો
તો એવા કયા-કયા પ્રસંગો છે જે બાળકોને પ્રેરણા પણ આપે, તેમને એમાં ખૂબ રસ પણ પડે અને જેમને પાઠ્યપુસ્તકમાં સામેલ કર્યા હોય તો એના થકી બાળકો ઘણું પામે? એનો જવાબ આપતાં રતિલાલ બોરીસાગર કહે છે, ‘શબરી-રામની કથા, હનુમાનના બધા પ્રસંગો, એકલવ્ય-દ્રોણની કથા, અર્જુન અને પક્ષીની આંખવાળી કથા, કર્ણના દાનની કથા, ભીમના શૌર્યની કથાઓ, ભીમ જ્યારે વનમાં વૃદ્ધ હનુમાનને મળે છે એ પ્રસંગ, લવ-કુશની શૌર્યગાથાઓ, કૃષ્ણ-સુદામાની કથા, જેવા અનેકાનેક નિર્દોષ પ્રસંગો છે જે બાળકોને જણાવવા જ જોઈએ. એ તેમના ઘડતરમાં ઘણો ફાયદો કરે.’
દેશ અને સંસ્કૃતિ
આ બાબતે પોતાનું મંતવ્ય જણાવતાં દિનકર જોશી કહે છે, ‘બાળકોને પુષ્પક વિમાન વિશે જણાવવું જોઈએ. રામ કે અર્જુન મંત્રો બોલે અને શસ્ત્રો ચલાવે તો એ જમાનાનાં હાઇ-ટેક શસ્ત્રો વિશે પણ વાત કરી શકાય. રામાયણ-મહાભારતમાં ફક્ત અધ્યાત્મ નથી, વિજ્ઞાન પણ છે એ અપ્રોચથી પણ આપણે બાળકોને ભણાવી શકીએ. આ રીતે તેમનામાં દેશ અને સંસ્કૃતિ માટે એક અહોભાવ નિર્મિત થશે જે જરૂરી છે. નવી પેઢીને આપણે આ રીતે જ આપણી સંસ્કૃતિ સાથે જોડી શકીશું. મહાન હોવાનાં ગાણાં ગાવાની વાત નથી, પરંતુ જે વસ્તુઓ મહાન હતી એના વિશે પૂરી જાણ કરવાની આ વાત છે.’