ઍટલી સમજાવી ગયો કે તમે ભલે નવી જનરેશનના હો, ભલે તમારી ગણના નવી પેઢી સાથે થતી હોય, પણ તમારા માટે તમારાં રૂટ્સ છૂટવાં ન જોઈએ
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ફાઇલ તસવીર
શાહરુખ ખાનની ‘જવાન’ ફિલ્મે દેકારો મચાવી દીધો છે અને ખરું કહું તો ફિલ્મ એવી પણ નથી કે તમે એવું ધારી બેસો કે બૉક્સ-ઑફિસના આંકડાઓમાં રમત ચાલી રહી છે, પણ હા, રમત એ વાતમાં ચોક્કસ છે કે આ ફિલ્મ શાહરુખ ખાનની ફિલ્મ કહેવામાં આવી રહી છે. ગઈ કાલે કહ્યું એમ, આ ફિલ્મ હકીકતમાં એના ડિરેક્ટર ઍટલીની ફિલ્મ છે અને ઍટલી પાસેથી સૌકોઈએ શીખવાનું છે. આજની જનરેશન માટે પણ ઍટલી પાસે લેસન છે તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કહેવાતા ધુરંધર ડિરેક્ટરો માટે પણ ઍટલી પાસે લેસન છે. મહત્ત્વનું એ છે કે એ લેવાની તૈયારી સૌકોઈમાં હોવી જોઈએ.
ઍટલી સમજાવી ગયો કે તમે ભલે નવી જનરેશનના હો, ભલે તમારી ગણના નવી પેઢી સાથે થતી હોય, પણ તમારા માટે તમારાં રૂટ્સ છૂટવાં ન જોઈએ. તમે જઈને જોઈ આવો એક વાર ‘જવાન’, તમને સમજાશે કે ઍટલીએ પ્યૉર હિન્દી ફિલ્મ બનાવી છે. એ હિન્દી ફિલ્મ જે જોવા માટે ઑડિયન્સ હંમેશાં તલપાપડ હોય છે. અગાઉ કહ્યું છે, આજે ફરીથી કહું છું અને ભવિષ્યમાં પણ કહેતો રહીશ કે ઑડિયન્સને ભૂલો એ બિલકુલ ન ચાલે. ફિલ્મ વ્યક્તિગત મનોરંજન માટે છે જ નહીં એટલે એવું ધારવું કે માનવું બિલકુલ ગેરવાજબી છે કે તમે જેકંઈ બનાવો, એમાં જેકોઈ સ્ટાર લઈને આવી જાઓ એ બધું વાજબી ગણાય. ના રે, ઑડિયન્સનો પૈસો પરસેવાનો પૈસો છે. તમે વાતાનુકૂલિન વાતાવરણમાં બેસીને વાતોનાં વડાં અને વેડમી બનાવો છો, એ તો બાપડો બહાર તડકામાં ફરે છે, પરસેવો પાડીને પૈસો કમાય છે અને એ પછી તે ઘરે આવીને પોતાના ફૅમિલી સાથે ફિલ્મ જોવા થિયેટર સુધી હેરાન થતો આવે છે.
ADVERTISEMENT
ટિકિટ માટે ખર્ચવામાં આવતો એ પૈસો પસીનાનો અને બચત કરેલો પૈસો છે. એ પૈસાનું વળતર આપવું એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દરેકેદરેક વ્યક્તિની નૈતિક જવાબદારી છે, એવી નૈતિક જવાબદારી, જેવી નૈતિકતા સાથે શરીર પર કપડાં પહેરીને એ લોકો ઘરની બહાર નીકળે છે. તમે આચરેલું પાપ ક્યારેય થિયેટરની સ્ક્રીન પર ન ચાલી શકે.
જ્યારે પણ અને જ્યાં પણ મેકર્સ વધારે મોટો થયો છે, જ્યારે અને જ્યાં પણ મેકર્સને એવું લાગવા માંડ્યું છે કે એ ભગવાન છે ત્યારે અને ત્યાં-ત્યાં તેણે ધોબીપછાડ ખાધી છે અને ચહેરા પર માર સહન કર્યો છે. ઇતિહાસ જોઈ લેવાની છૂટ, તમને કોઈ રોકશે નહીં, પણ કબૂલ કરો, સ્વીકાર કરો, ઑડિયન્સ માઈબાપ છે અને ઑડિયન્સથી ઉપર કે આગળ કશું હોતું નથી.
ઍટલી પાસેથી આ વાત જેમ હિન્દી ફિલ્મમેકર્સે શીખવાની છે તો એવી જ રીતે આજની જનરેશને પણ એ સમજવાનું છે કે તમે ભલે દુનિયાઆખી ફરી ચૂક્યા હો અને દુનિયા તમારી સામે ઘૂંટણ ટેકવતી હોય, પણ તમારી નજર ત્યાં જ હોવી જ્યાં તમારી જવાબદારી ઊભી છે, જ્યાં તમારી ફરજ લંગારાયેલી છે. જો જવાબદારી ચૂક્યા, ફરજ ભૂલ્યા તો ક્યારેય કોઈ તમને પાસે નહીં આવવા દે. છોને તમે જગતની મોટી તોપ જ કેમ ન હો, પણ માણસને વહાલું તો એ જ લાગતું હોય છે જે પોતાના મૂળ સાથે અકબંધ રહે.