તમે બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન બંધ નહીં કરાવી શકો કે હવે ઘરની બહાર જ નથી નીકળવું એવો નિર્ણય પણ નહીં લઈ શકો એ દેખીતી વાત છે ત્યારે તમારી તબિયતને પ્રદૂષણયુક્ત હવાથી કઈ રીતે પ્રોટેક્ટ કરશો?
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
ઘરની બહાર નહીં પણ ઘરની અંદર પણ હવાનું ભરપૂર પ્રદૂષણ હોય છે, અજાણતાં જ લંગ્સને નુકસાન થાય એવું તો આપણે કંઈ નથી કરી બેસતાને એ જાણી લો
મુંબઈમાં જુહુની એક હૉસ્પિટલમાં ઍવરેજ ઉંમર ૨૫ વર્ષ ધરાવતી લગભગ ૮૮ નર્સની લંગ્સની કૅપેસિટી પર એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં તારણ મળ્યું કે તેમનાં લંગ્સની કૅપેસિટી લગભગ ૩૦ ટકા જેટલી ઘટી છે. જાણીતા પલ્મનોલૉજિસ્ટ અને ઇન્ડિયા લંગ્સ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. સંજીવ મહેતાનો આ પાંચ વર્ષ જૂનો સર્વે છે. આ જ સર્વે જો આજે થાય તો અત્યારે મુંબઈની હવામાં જે પ્રકારનું પ્રદૂષણ વધેલું દેખાય છે એમાં સર્વેનો રિપોર્ટ વધુ ચોંકાવનારો આવે તો નવાઈ નહીં લાગે. ડૉ. સંજીવ પોતાના ઓવરઑલ ઑબ્ઝર્વેશનના આધારે કહે છે કે પુખ્ત વયના લોકોનાં ફેફસાંની ક્ષમતા તો ઘટી જ છે પણ હવે તો બાળકોનાં ફેફસાં પણ નબળાં થતાં થાય છે અને નાનાં બાળકોને શ્વાસની તકલીફો પણ વધી છે, જેના આંકડા વધુ ચોંકાવનારા છે. વિશ્વના તમામ દેશોની તુલનાએ આપણા દેશમાં ફેફસાંની સમસ્યા ધરાવતા, શ્વસનને લગતા પ્રૉબ્લેમ ધરાવતા લોકોની સંખ્યા હાઇએસ્ટ રેન્જ પર પહોંચી છે અને એ બાબતે હજીયે આપણા દેશમાં લોકોમાં કોઈ ગંભીરતા નથી આવી એ વધુ ચિંતાજનક બાબત જણાય છે.’
ADVERTISEMENT
યસ, મામલો ગંભીર છે અને બહુ જ અવગણાયેલો પણ છે. સૌથી છેલ્લે જેના પર આપણે ફોકસ કરતા હોઈએ તો એ છે આપણા શ્વાસ. જબ તક ચલ રહા હૈ તબ તક ચલને દો જેવું વલણ શ્વાસ માટે એટલે પણ હોય છે, કારણ કે એ તો આપણે જન્મ્યા ત્યારથી એની મેળે કામ કરે છે એટલે આપણે ધ્યાન ન આપીએ તો પણ શું?
ઘરમાં થતું પ્રદૂષણ
ડૉ. સંજીવ
કોઈ પણ જાતની સુગંધ ફેફસાં માટે જોખમી છે. ડૉ. સંજીવ કહે છે, ‘સુગંધ અમુક પ્રકારના હવામાં છૂટેલા પાર્ટિકલ્સ જ છે. એટલે જ ગમે એનો ધુમાડો તમારા શ્વાસમાં ન જાય એ મહત્ત્વનું છે પછી એ કારનો ધુમાડો હોય, સિગારેટનો ધુમાડો હોય કે તમારા ઘરમાં અગરબત્તીનો ધુમાડો હોય. આજકાલ કપૂર દાનીનું ચલણ ચાલ્યું છે, પરંતુ મારી દૃષ્ટિએ કપૂરની એ વાસ પણ જોખમી છે. તમારા ઘરમાં વપરાતું ફિનાઇલ, મચ્છરને ભગાડવા માટે વપરાતાં વિવિધ ડિવાઇસ, કુલર, રૂમ ફ્રેશનર, પરફ્યુમ્સ, લાંબો ટાઇમ ઘર બંધ રહ્યા પછી સર્વિસિંગ કર્યા વિના વપરાતું એસી જેવી બાબતો તમારા ઘરમાં પ્રદૂષણ વધારે છે, જે ફેફસાંને બગાડે છે. બચી શકાય એટલું બચવું જોઈએ. તમે બહાર રહો છો એના કરતાં ઘરમાં કે ઑફિસમાં વધુ સમય પસાર કરો છો એટલે ઍટ લીસ્ટ એ જગ્યાએ હવામાં પ્રદૂષણ ન હોય એનું ધ્યાન રાખવું.’
આયુર્વેદ શું કહે છે? એ જાણીએ ડૉ. મહેશ સંઘવી પાસેથી
ડૉ. મહેશ સંઘવી
બગડેલી હવા વચ્ચે ફેફસાંને બચાવવા માટે આપણી પ્રાચીન ઉપચાર પદ્ધતિ આયુર્વેદમાં ઘણી કહેવામાં આવી છે. એ વિશે જાણીતા આયુર્વેદ નિષ્ણાત અને વર્લ્ડ રેકૉર્ડ હોલ્ડર ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આપણું નાક ફેફસાં અને મસ્તિષ્ક એમ બન્નેનો દરવાજો છે. અહીંથી લેવાતા શ્વાસની અસર એટલે જ આ બે હિસ્સા પર સૌથી વધુ પડે છે. નાકની વૉલ પર મ્યુકસ એટલે કે કફની ચીકાશભરી પરત છે, જે કોઈ પણ પ્રકારના કચરાને ફેફસાં કે મગજ સુધી જતાં અટકાવે છે. વાયરસની એન્ટ્રી નાક દ્વારા છે એ કોરોનામાં આપણે જોયું. હવે અત્યારે જે ઋતુ છે એમાં જમા થયેલો કફ છૂટો પડતો હોય છે એ દરમ્યાન હવાનું પ્રદૂષણ હોય તો એ ફેફસાંમાં જમા થતા અંદરના હિસ્સાને કડક કરતું જાય. એટલે ભલે હવે કોવિડનો ભય નથી તમને તો પણ પ્રદૂષણવાળી જગ્યાએ જાઓ તો માસ્ક અવશ્ય પહેરવાની સલાહ આપીશ. બીજું, નાકની દીવાલમાં દિવસમાં ત્રણ વાર તેલ ચોપડીને એને ગ્રીસિંગ કરો એટલે નાક વાટે કચરો ફેફસાંમાં જતાં પહેલાં નાકની દીવાલ પર જ ચોંટી જાય. તેલની પસંદગીમાં કોપરેલ, તલનું તેલ, દિવેલ અથવા ગાયનું ઘી એમ કંઈ પણ વાપરી શકાય. ઘટ્ટ તેલ હોય તો એ વધુ અકસીર રીતે પ્રોટેક્ટિવ શીલ્ડ તરીકે કામ કરે. એટલે જો દિવેલને નાકની દીવાલ પર આંગળી વડે અપ્લાય કર્યું હોય તો એ બહેતર રિઝલ્ટ આપે. દિવસમાં બે વાર નાકમાં ગાયનું ઘી નાખીને નસ્ય કરો, જે તમારા ચેતાતંતુઓને પણ પોષિત કરશે.’
ફેફસાં ઉપરાંત આ ઋતુમાં થતી કેટલીક સમસ્યાઓના ઘરેલુ નુસ્ખા વિશે વાત કરતાં ડૉ. મહેશ ઉમેરે છે, ‘કફને છૂટો કરીને બહાર કાઢી દેવાની આ શ્રેષ્ઠ સીઝન છે. એટલે અજમાને તવા પર ગરમ કરીને પાછળથી એમાં થોડું આખું મીઠું ઍડ કરીને એને નાકથી સૂંઘો તો કફ છૂટો પડે. મીઠું અહીં ઍન્ટિવાઇરસ તરીકે કામ કરે. એ સિવાય કાંદાનો ખરડ એટલે કે કાંદાને પીસીને તેને તાવડી પર શેકીને સુંઘો તો એ પણ કાંદામાં રહેલા અમોનિયાને કારણે ઉપયોગી સાબિત થાય. જેમને રની નોઝ હોય તેઓ અજમા-મીઠાનો પ્રયોગ કરી શકે અને જેમને રની નોઝ ન હોય તેઓ કાંદાના ખરડનો અથવા તો કાંદા ન વાપરતા હોય તેઓ નીલગિરિનું તેલ વાપરી શકે. બીજું, સવાર-સાંજ નવશેકું સૂંઠનું પાણી પીવાથી પણ વાત, પિત્ત અને કફના દોષમાં સારું પરિણામ મળી શકે. રાતે હળવો ખોરાક લો, દહીં ન ખાવું, માવાની મીઠાઈ આ સીઝનમાં ન ખાવી. કેળાં, ચીકુ જેવાં ફ્રૂટ્સ આ સીઝનમાં ન ખાવાં. દાળિયા અને ખજૂરનું સેવન આ ઋતુમાં કફના નિકાલ માટે ઉપયોગી છે. આ ઋતુમાં ગૅસની સમસ્યા પણ વિશેષ જોવા મળે છે એટલે ભૂખ કરતાં ઓછું જમો અને ભોજનમાં આદું, ફુદીનો, લીંબુ, મધ અને લસણનો ઉપયોગ વધારે કરો. જમવાના બે કલાક પહેલાં કોઈ પણ જાતનાં ગરમ-ઠંડાં પીણાં ન લેવાં. પ્રાણાયામનો અભ્યાસ ફેફસાંની ક્ષમતાને સુધારવા માટે કામ લાગી શકે. કપાલભાતિ પણ કચરો સાફ કરવા માટે ખૂબ ઉપયોગી છે. બાફ લો અને ગરમ પાણી પીઓ એ પણ શ્વાસની ક્ષમતાને વધારે છે. ગૅસ, ઍસિડિટી, અપચો જેવી સમસ્યા આ ઋતુમાં વિશેષ હોવાથી અજમો, જીરુ, વરિયાળી, મેથી, ધાણા, સૂંઠ, હરડે, સંચળ અને વાવડિંગ આ નવ આઇટમને સરખા ભાગે લઈને એનું ચૂરણ બનાવી લેવું. જમ્યા પછી નવશેકા પાણીમાં એક ચમચી લેવાથી પેટની ઘણી સમસ્યામાં રાહત મળશે. એવી જ રીતે જનરલ હેલ્થ માટે રોજ રાતે ઠંડા પાણીથી પગ બરાબર ધોઈને જ પથારીમાં સૂવા જવું, જે તમારી એનર્જીને ન્યુટ્રિલાઇઝ કરી દે. સવારે ઊઠો ત્યારે તાળી પાડવાનો અભ્યાસ કરવો, જે શરીરના મર્મસ્થાનને ઉત્તેજિત કરે. સવારે નાસ્તા પહેલાં ગળો, ગોખરું અને આમળાંને સરખા ભાગે લઈને પીસીને બનતું રસાયન ચૂર્ણ લેવાથી લાભ થશે.’