જ્યારે ફિલ્મની વાર્તા લઈને ગુરુ દત્ત સાહિર લુધિયાન્વી પાસે ચર્ચાવિચારણા કરવા ગયા ત્યારે તેમણે નામ આપ્યું, ‘કાગઝ કે ફૂલ’. ગુરુ દત્તને આ શીર્ષક ગમી ગયું
વો જબ યાદ આએ - ગુરુ દત્ત સ્પેશ્યલ
ફિલ્મનું પોસ્ટર
જીવન આપણી પૂર્ણધારણાઓ મુજબ નથી ચાલતું. આપણા જીવનનો આલેખ આપણે દોરવાનો હોય છે પરંતુ જો વિધિના લેખ અલગ હોય તો એ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. જીવનમાં ડગલે અને પગલે એવા સંજોગો સર્જાય છે જ્યાં વ્યક્તિએ સંઘર્ષ કરવો કે સમાધાન, એ નિર્ણય લેવાનો હોય છે. જ્યારે આ બેમાંથી એક પણ નિર્ણય લેવાની હિંમત ન હોય ત્યારે પ્રવાસ જ માંડી વાળવો એવી મનોદશા થઈ જાય છે. ‘ગૌરી’ના શૂટિંગ દરમ્યાન ગીતા અને ગુરુ દત્ત વચ્ચેના મતભેદ અને મનદુઃખ એટલાં વધી ગયાં કે ‘ગૌરી’નું શૂટિંગ અધવચ્ચેથી અટકાવીને ગુરુ દત્ત પૂરા યુનિટ સાથે મુંબઈ પાછા આવી ગયા.
પહેલાં ‘રાઝ’ અને ત્યાર બાદ ‘ગૌરી’, આમ એક પછી એક બે ફિલ્મોની શરૂઆત કરીને બંધ કર્યા બાદ ગુરુ દત્ત હતપ્રભ થઈ ગયા. એનું કારણ એ નહોતું કે તેમને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. તેમની પીડા એ હતી કે તે કૈંક અલગ કરવા માગતા હતા જે શક્ય ન બન્યું. ફિલ્મ ધાર્યા પ્રમાણે ન બને તો એ પ્રોજેક્ટ આગળ ન વધારવો એવી તેમની માન્યતા હતી. તેમને ડર એ હતો કે લોકોને તેમના માટે ગેરસમજ થશે. તેમનામાં એટલી હિંમત નહોતી કે તે ખુલાસા કરે. એક તરફ પત્ની સાથેના સંબંધો પણ કથળતા જતા હતા અને બીજી તરફ તેમની સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં અંતરાય આવતા હતા એટલે તે મનોમન ગૂંગળાતા હતા.
ADVERTISEMENT
રાબેતા મુજબ સ્ટુડિયો આવીને પણ તે નિષ્ક્રિય બનીને વિચારોમાં ગુમસુમ બેસી રહેતા. અનેક વાર ઘરે જવાને બદલે સીધા લોનાવલા ફાર્મહાઉસ પર પહોંચી જતા અને દિવસોના દિવસો ત્યાં જ રહેતા. ત્યાંના લોકલ માણસો સાથે ખેતીવાડીની ચર્ચા કરતા. એક દિવસ તેમણે નિર્ણય લીધો કે બિઅર બનાવવાની નાની ફૅક્ટરી શરૂ કરવી છે. એ માટે ફટાફટ કામ શરૂ કર્યું. મનોમન તે જાણતા હતા કે સચ્ચાઈઓનો સામનો કરવાને બદલે છટકબારીઓ શોધવાનો આ મિથ્યા પ્રયત્ન છે. અંતે તો તેમણે ફિલ્મમેકર તરીકે જ જીવન વ્યતીત કરવાનું છે.
વર્ષો પહેલાં તે હૉલીવુડની ‘A Star is born’ ફિલ્મથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. એના પરથી પ્રેરિત એક વાર્તા તેમણે લખી હતી જ્યારે તે પરણ્યા નહોતા. એમાં એક પરિણીત ડિરેક્ટર ફિલ્મની હિરોઇનના પ્રેમમાં પડે છે એની વાત હતી (એમ કહેવાય છે એ સમયે ડિરેક્ટર કેદાર શર્મા અભિનેત્રી ગીતા બાલીના એકતરફી પ્રેમમાં હતા એ કિસ્સા પર આધારિત આ વાર્તા હતી). ગુરુ દત્તે નક્કી કર્યું કે મારે ‘પ્યાસા’ જેવી બીજી એક ક્લાસિક બનાવવી હોય તો આ વાર્તા યોગ્ય છે. તેમણે અબ્રાર અલવીને પટકથા પર કામ કરવાનું કહ્યું.
જ્યારે ફિલ્મની વાર્તા લઈને ગુરુ દત્ત સાહિર લુધિયાન્વી પાસે ચર્ચાવિચારણા કરવા ગયા ત્યારે તેમણે નામ આપ્યું, ‘કાગઝ કે ફૂલ’. ગુરુ દત્તને આ શીર્ષક ગમી ગયું. તેમની ઇચ્છા હતી કે સાહિર આ ફિલ્મનાં ગીતો લખે, પણ સાહિર અને એસ. ડી. બર્મન વચ્ચે ‘પ્યાસા’ના નિર્માણ દરમ્યાન મનદુઃખ થયું હતું એટલે સાહિરે ના પાડી અને ગીતકાર તરીકે કૈફી આઝમી આવ્યા. ગુરુ દત્ત વીતેલા યુગના સફળ ડિરેક્ટર મહેશ કૌલને લેવાનો વિચાર કરતા હતા, પણ તેમણે નામરજી બતાવી એટલે ગુરુ દત્તે પોતે જ ડિરેક્શન કરવાનું નક્કી કર્યું (જોકે અદાકાર તરીકે મહેશ કૌલે ફિલ્મમાં હીરોના સસરા તરીકે મહત્ત્વનો રોલ કર્યો છે). હીરો તરીકે અશોકકુમાર સાથે વાત થઈ પણ તે ખૂબ વ્યસ્ત હતા એટલે વાત ન બની. ત્યાર બાદ ચેતન આનંદનો સંપર્ક કર્યો. તેમણે નાના ભાઈ દેવ આનંદ જેટલી કિંમત માગી. એ શક્ય નહોતું, કારણ કે જો તે હીરો હોય તો ડિસ્ટ્રિબ્યુટર્સ ફિલ્મની કિંમત ઘટાડી નાખે. અંતે જેમ હર વખતે થાય છે એમ ગુરુ દત્તે હીરોની ભૂમિકા કરવાનું નક્કી કર્યું.
ફિલ્મની ઓરિજિનલ સ્ટોરીમાં ડિરેક્ટર સુરેશ સિંહા (ગુરુ દત્ત), અભિનેત્રી શાંતિ (વહીદા રહમાન) અને ડિરેક્ટરની પત્ની (શશિકલા), આ ત્રણ પાત્રોના પ્રણયત્રિકોણની વાત હતી. ત્રણેય પાત્રોને સરખું મહત્ત્વ આપવાનું હતું. શરૂઆતના થોડા દિવસ પતિ-પત્ની બન્ને આક્રમક થઈને એકમેક સાથે ઝઘડો કરે છે એ દૃશ્યોનું શૂટિંગ થયું. એ જોઈ લોકોમાં ગુસપુસ થવા લાગી કે આ ફિલ્મ ગુરુ દત્તના જીવનની પરછાઈ છે. એસ. ડી. બર્મને ચેતવણીના સ્વરમાં કહ્યું, ‘તારી અંગત જીવનની કથની પરથી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન ન કર.’ ગુરુ દત્તનો અહમ ઘવાયો એટલે જવાબ આપ્યો, ‘તમે સંગીત પર ધ્યાન આપો. મને મારું કામ કરવા દો.’
આ દરમ્યાન ગુરુ દત્તના કાને વાત આવી કે ફિલ્મી વર્તુળોમાં એવી ગૉસિપ ચાલે છે કે ગુરુ દત્ત પોતાના વૈયક્તિક જીવન પર ફિલ્મ બનાવે છે. તે એકદમ વિચલિત થઈ ગયા. તેમને લાગ્યું કે પોતાનું લગ્નજીવન ટકાવી રાખવું હોય તો વાર્તા બદલવી પડશે. અબ્રાર અલવી કહે છે, ‘ગુરુ દત્તે મને વાર્તામાં ફેરફાર કરવાનું કારણ કહ્યું ત્યારે મેં કહ્યું કે એની જરૂર નથી. ગીતાજી સેટ પર આવે છે અને શૂટિંગ જોયું છે. તેમને આવું લાગ્યું હોત તો સ્પષ્ટપણે મને કહ્યું હોત. એ કાંઈ બોલતાં નથી તો તમે શું કામ ચિંતા કરો છો?’
‘આજે ભલે કાંઈ ન બોલે પણ બોલનાર અનેક છે. જો તેમનો બબડાટ વધશે તો આજે ગીતાના મનમાં જે નથી એ કાલે આવશે. મારે ઝેરનાં પારખાં નથી કરવાં. એના કરતાં અત્યારે જ આપણે વાર્તા બદલી નાખીએ એ જ બહેતર છે.’ ગુરુ દત્ત પોતાની વાત પર મક્કમ હતા.
આમ વાર્તામાં ફેરફાર કરવામાં આવ્યો. શશિકલા અને ગુરુ દત્તનું દસ દિવસનું શૂટિંગ રદ થયું. વાર્તામાં પત્ની અને હિરોઇનનું પાત્ર સમાંતર હતું એને બદલે પત્નીનું પાત્ર એકદમ ગૌણ કરી દેવામાં આવ્યું. શશિકલાની જગ્યાએ અભિનેત્રી વીણાનું આગમન થયું. મૂળ વાર્તામાં પતિ-પત્ની સંઘર્ષ કરતાં હતાં એમ છતાં સાથે રહેતાં હતાં. એને બદલે પત્નીને પિયર મોકલી દેવામાં આવી અને સસરા-જમાઈ અને પિતા-પુત્રી વચ્ચેના સંઘર્ષની વાતો ઉમેરવામાં આવી. આ બધું કરવા પાછળ ગુરુ દત્તને એક જ આશય હતો કે કોઈ પણ હિસાબે પોતાનું લગ્નજીવન ટકી જાય.
‘કાગઝ કે ફૂલ’ એક સફળ ફિલ્મમેકર સુરેશ સિંહા (ગુરુ દત્ત)ની વાર્તા છે જેમાં તે પત્નીથી અલગ થઈ ગયો હોય છે. તેની મુલાકાત શાંતિ (વહીદા રહમાન) સાથે થાય છે. સિંહાના સહકાર અને માર્ગદર્શનને કારણે શાંતિ એક વિખ્યાત અભિનેત્રી બને છે. એ દરમ્યાન બન્ને વચ્ચે પ્રણયના અંકુર ફૂટે છે પણ એ ‘પ્લેટૉનિક લવ’ છે. લોકોમાં જાતજાતની અફવાઓ ફેલાય છે. તેમના સંબંધને કારણે યુવાન પુત્રીને (બેબી નાઝ) લોકો અનેક મહેણાંટોણા મારતા હોય છે. કંટાળીને તે શાંતિને પોતાના પિતાની જિંદગીથી દૂર જવાનું કહે છે. શાંતિ વિદાય લે છે. ભાંગી પડેલો સુરેશ શરાબનો સથવારો લે છે. તેની કારકિર્દી ધૂળમાં મળી જાય છે. તે કંગાળ બની જાય છે અને એક દિવસ સ્ટુડિયોમાં ડિરેક્ટરની ખુરસી પર તે મૃત્યુ પામે છે.
‘પ્યાસા’નો હીરો કવિ વિજય દુનિયાને નકારીને ગુમનામ થઈ જાય છે. આ જ વિષયને ગુરુ દત્ત ‘કાગઝ કે ફૂલ’માં આગળ વધારે છે. ફરક એટલો છે કે ‘પ્યાસા’નો હીરો દંભી દુનિયાથી દૂર જતો રહે છે. તેનું જવું Symbolic છે. ‘કાગઝ કે ફૂલ’માં તે ફાની દુનિયામાં રહેવા કરતાં મોત પસંદ કરે છે.
‘પ્યાસા’ વખતે ગુરુ દત્તને ફિલ્મની સફળતાની ખાતરી નહોતી. પણ ‘કાગઝ કે ફૂલ’ની સફળતા માટે ગુરુ દત્તનો આત્મવિશ્વાસ બમણો હતો. સામાન્ય રીતે કોઈ પણ ફિલ્મનો ‘પ્રિવ્યુ’ મિની થિયેટરમાં થતો હોય છે, પરંતુ ‘કાગઝ કે ફૂલ’ સિનેમાસ્કોપ હોવા છતાં એના પ્રિવ્યુ શોની વ્યવસ્થા ગુરુ દત્તે પોતાના બંગલામાં કરી. સૌ આમંત્રિતોએ ફિલ્મ જોયા બાદ એકસરખી પ્રશંસા કરતાં કહ્યું, ‘અદ્ભુત’. એ સાંભળી તેમનો બમણો થયેલો આત્મવિશ્વાસ ઓર વધી ગયો. ફિલ્મની રિલીઝ પહેલાં જ એવી હવા ફેલાઈ ગઈ કે ગુરુ દત્ત એક બીજી માસ્ટરપીસ ફિલ્મ લઈને આવી રહ્યા છે.
ગુરુ દત્તના કઝિન બ્રધર અને વિખ્યાત ફિલ્મમેકર શ્યામ બેનેગલ મારી સાથે ‘કાગઝ કે ફૂલ’ની વાત કરતાં કહે છે, ‘ફિલ્મનું પ્રીમિયર મરાઠા મંદિરમાં થયું. પૂરી ઇન્ડસ્ટ્રી ત્યાં હાજર હતી. ફિલ્મ પૂરી થઈ ત્યારે પિન ડ્રૉપ સાઇલન્સ હતું. લોકો ચૂપચાપ થિયેટર છોડીને જતા હતા. ગુરુ દત્ત હતાશ થઈને આ જોઈ રહ્યા હતા. વિવેચકોએ ફિલ્મને ‘ફ્લૉપ’ જાહેર કરી દીધી. ગુરુ દત્ત અને અબ્રાર અલવીએ પ્રેક્ષકોનો મૂડ જોવા એક થિયેટરમાં પ્રેક્ષકો વચ્ચે બેસીને ફિલ્મ જોવાનું નક્કી કર્યું. ચાલુ ફિલ્મે લોકો ગુરુ દત્તનો હુરિયો બોલાવતા હતા. અમુક લોકોને ‘બકવાસ ફિલ્મ હૈ’ બોલતા ઊભા થઈને થિયેટર છોડી જતાં જોઈને ગુરુ દત્તે અબ્રારને કહ્યું, ‘We have delivered an unborn child.’
‘આરપાર’થી ‘પ્યાસા’ સુધી ગુરુ દત્તે નિષ્ફળતાનો સામનો નહોતો કર્યો. ‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતાએ તેમને હચમચાવી નાખ્યા. જો ‘પ્યાસા’ વખતે આવું થયું હોત તો તેમને આવો આઘાત ન લાગત, કારણ કે ‘પ્યાસા’ તેમની આ પહેલાંની શૈલીથી અલગ એક પ્રયોગાત્મક ફિલ્મ હતી. એની સફળતાની કોઈ આશા જ નહોતી. એની નિષ્ફળતા તેમણે ખેલદિલીથી સ્વીકારી લીધી હોત. ‘કાગઝ કે ફૂલ’ની નિષ્ફળતા જીરવવી મુશ્કેલ હતી, કારણ કે એ તેમનું રમણીય સપનું હતું જે ભાંગીને ભૂકો થઈ ગયું હતું.
‘કાગઝ કે ફૂલ’ની કારમી નિષ્ફળતાની ચોટ એટલી ગહેરી હતી કે તેમણે એક ફિલ્મમેકર તરીકેનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો અને નિર્ણય લીધો, ‘આજ પછી હું કોઈ ફિલ્મ ડિરેક્ટ નહીં કરું.’