જો તમે પ્રગતિ અને વિકાસ ઇચ્છતા હો તો તમારે પણ કોઈની પ્રગતિ અને વિકાસને રૂંધવાં ન જોઈએ. એમ છતાં અજાણતાં લોકોથી આ કૃત્ય થાય છે જેને લીધે કલ્પશાસ્ત્ર ગણાતા વાસ્તુશાસ્ત્રનો દોષ થાય છે
પ્રતિકાત્મક તસવીર
વ્યક્તિ માત્ર પ્રોગ્રેસની અપેક્ષા રાખતી હોય છે એવા સમયે સૌથી પહેલું ધ્યાન જો કોઈ રાખવાનું હોય તો એ કે તમે કોઈનો વિકાસ કે પ્રગતિ રોકો નહીં. અલબત્ત, એ અજાણતાં પણ થવું ન જોઈએ. જોકે એવું થતું હોય છે જેને લીધે વાસ્તુદોષ વ્યક્તિએ સહન કરવાનો આવે છે. આ પ્રકારના વાસ્તુદોષથી દૂર રહેવા માટે કેવી-કેવી ભૂલો ન થાય અને કઈ-કઈ વાતની કાળજી રાખવી જોઈએ એ સમજવા જેવું છે.
વાસ્તુદોષથી બચવા માટે સૌથી પહેલાં કાર્ય કરવાનું હોય તો એ છે કે ભૂલથી પક્ષીઓ પાળીને એમને ઘરમાં ન રાખો.
ખુલ્લું આકાશ જ એમનું ઘર | પક્ષીઓને પાળીને એમને ઘરમાં રાખવાનો અર્થ સીધો એવો થાય છે કે તમે એમની પાસેથી જે એમનું ઘર છે એ આકાશ છીનવી રહ્યા છો. જો તમારી પાસેથી કોઈ આકાશ છીનવી લે તો તમે કેવી રીતે પ્રગતિ કરો? કેવી રીતે તમે આગળ વધો? વાસ્તુશાસ્ત્ર કહે છે કે જે ઘરમાં પક્ષીઓને બંધિયાર અવસ્થામાં રાખવામાં આવે છે એ ઘરમાં વિકાસદોષ અકબંધ રહે છે. એના નિવારણમાં એક જ કાર્ય સાર્થક પુરવાર થાય છે અને એ છે પક્ષીઓને આઝાદ છોડી દેવાં. જો તમે એવી કોઈ બ્રિડ ઘરમાં લાવ્યા હો જેને તમારા શહેર કે વિસ્તારમાં ચારો મળવો અસંભવ હોય અને તમે એને છૂટા ન મૂકી શકતા હો તો આ વાંચ્યા પછી પહેલું કામ એ પક્ષીઓના પાંજરાને મોટું કરવાનું કરવું હિતાવહ છે તો સાથોસાથ ઈશ્વર સામે પ્રણ પણ લેવું જોઈએ કે હવે તમે એ પક્ષીને શોખ ખાતર નહીં પણ એનો જીવ બચેલો રહે એ હેતુથી ઘરમાં રાખ્યું છે.
આ પ્રકારનું પક્ષી જેના ઘરમાં હોય તેણે આ વાસ્તુદોષ દૂર કરવા માટે મહિનામાં એક વાર અન્ય પક્ષીઓને મુક્ત કરવાનું કાર્ય કરવું જોઈએ.
કુદરતી સ્વરૂપ સાથે ચેડાં ન કરો | બોન્સાઇ રાખવાનો શોખ પણ અનેક લોકો ધરાવતા હોય છે, પણ વાસ્તુશાસ્ત્રમાં એ પ્રકારના ઝાડ ઘરમાં રાખવાની ના પાડવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જેનો વિકાસ પહેલેથી જ રૂંધી નાખવામાં આવ્યો છે, જે પોતાના મૂળભૂત રૂપમાં રહ્યું નથી અને ક્યારેય જે પોતાનું એ રૂપ મેળવી શકવાનું નથી એ ક્યારેય પ્રગતિનાં વાઇબ્રેશન પસાર કરે નહીં એટલા માટે અકુદરતી રીતે નાના કરવામાં આવેલા ઝાડને ઘરમાં રાખવું નહીં.
વાસ્તુશાસ્ત્ર કાટ ધરાવતા પ્લાન્ટને પણ ઘરમાં રાખવાની ના પાડે છે. આજે અનેક ઘરોમાં બ્યુટી કે હેલ્થના પર્પઝથી અલોવેરા રાખવામાં આવે છે, પણ વાસ્તુશાસ્ત્ર એ પ્રકારના છોડને ઘરમાં રાખવાની ના પાડે છે તો સાથોસાથ એ પણ સૂચન કરે છે કે જો તમે એ પ્લાન્ટ ઘરમાંથી કાઢી શકો એમ ન હો તો એવા પ્લાન્ટને ઓછામાં ઓછા લોકોની નજર પડે એ રીતે ઘરના પાછળના ભાગમાં રાખવા જોઈએ.
જ્યાં ને ત્યાં ભગવાન ન રાખો | ભગવાનનો અર્થ માત્ર દેવી-દેવતાની મૂર્તિ જ નહીં; પણ ભગવાનના ફોટોથી લઈને ક્રિસ્ટલ, દેવસ્થાનમાંથી મળેલા દોરા-ધાગા, પેન્ડન્ટ કે પછી એવી કોઈ પણ ચીજ જ્યાં-ત્યાં ન મૂકો જેના પર આસ્થા મૂકવામાં આવી હોય. ઘણાના ઘરમાં એ પ્રકારની ચીજવસ્તુઓથી આખું ઘર ભરાયેલું હોય છે તો ઘણા લોકો એવી ચીજવસ્તુઓ કબાટ, ટેબલ કે પછી તૈયાર મંદિરની નીચે આવતા ડ્રૉઅરમાં ભરી રાખતા હોય છે. એક વાત હંમેશાં યાદ રાખવી કે ભગવાનની આ પ્રકારની ચીજવસ્તુઓ જો તમે લાવ્યા હોય તો એનો ઉપયોગ કરો અને કાં તો એ પૂરા ભક્તિભાવથી તમારા સ્વજનને ભેટ તરીકે આપી દો. ધારો કે એવું ન કરવું હોય તો પછી એ જ્યાંથી લાવ્યા હોય ત્યાં પાછી આપી દો.
જ્યારે પણ એવું કહેવામાં આવે એ જ્યાંથી આવી હોય ત્યાં પાછી આપી આવો, ત્યારે એનો અર્થ સરળ રીતે એટલો જ કાઢવો કે એ ચીજવસ્તુ મંદિરમાં મૂકી આવો. ઘરમાં અથડાતી-કુટાતી કે પછી અસાધના લાગે એ રીતે પડી રહેતી આ પ્રકારની ચીજવસ્તુઓ વ્યક્તિના વિકાસમાં બંધનકર્તા બને છે એટલે એટલું યાદ રાખવું કે આ પ્રકારની ચીજો એટલી જ રાખવી જેટલાની તમે કાળજી લઈ શકતા હો.