ઘણા એવા મનુષ્યો પણ હોય છે જેઓ સફળતા મેળવવા માટે ધીરજ રાખી શકતા નથી
મારી વાત
પ્રતીકાત્મક તસવીર
આપણને જીવનમાં જેકોઈ સફળતા કે નિષ્ફળતા પ્રાપ્ત થાય છે એ કેવળ આપણા પોતાના વિચારોનું ફળ છે. જેના વિચારો મહાન છે એ મનુષ્ય ઉન્નતિ કરી શકે છે, વિજય મેળવી શકે છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના વિચારોનો અમલ કરતો નથી ત્યાં સુધી તે દુખી રહે છે. મનુષ્ય ભલે સાંસારિક બાબતોમાં રચ્યોપચ્યો હોય, પણ જ્યાં સુધી પોતાના વિચારોમાં વિષયવાસનાનું પ્રાધાન્ય હોય છે ત્યાં સુધી તે સફળતા મેળવી શકતો નથી. સફળતા મેળવવા માટે સ્વાર્થી વિચારોને તિલાંજલિ આપવી જરૂરી છે. કદાચ એટલું ન બની શકે તો પણ થોડે ઘણે અંશે ત્યાગ કરવો જરૂરી છે. ત્યાગ વિના કોઈ પણ ઉન્નતિ કે ઉદ્દેશની પૂર્ણતા થતી નથી. જ્યારે મનુષ્ય પોતાના સ્વાર્થી વિચારોનો નાશ કરશે ત્યારે જ તે સાંસારિક સફળતા પ્રાપ્ત કરી શકશે અને ત્યારે જ પોતાની યોજનાને પોતાના મગજમાં સ્થિર કરી સ્વાવલંબી બની પોતાના નિર્ણય પર દૃઢ રહી શકશે. વિચારોને જેટલા ઉન્નત બનાવી શકાય એટલા બનાવવા, એ પછી સ્થાયી સફળતા જરૂર પ્રાપ્ત થશે. સિદ્ધિ કોઈ પણ પ્રકારની હોય, એ પરિશ્રમનું ફળ જ હોય છે. સંયમ, દૃઢતા, નવા વિચારો, નવી યોજનાઓ માટે કરેલા પરિશ્રમથી જ સફળતા મળે છે.
ઘણા એવા મનુષ્યો પણ હોય છે જેઓ સફળતા મેળવવા માટે ધીરજ રાખી શકતા નથી, તેઓ સંયમ અને ધૈર્ય ન હોવાને કારણે હાર સ્વીકારી લે છે. જે વ્યક્તિઓએ ઊંચાં સપનાં જોયાં છે તેઓ સંસારમાં પરિવર્તન લાવીને જ રહ્યા છે. લેખક, શિલ્પકાર, ચિત્રકાર, કવિ, ઉદ્યોગપતિઓ, સંતોએ પોતાના નિર્ણય પર દૃઢ રહીને દુનિયામાં સ્વર્ગ ખડું કરી દીધું છે. જેના હૃદયમાં સુંદર સ્વપ્ન છે, મહાન આદર્શ છે તે એને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. કોલંબસે નવી દુનિયાનું સપનું જોયું હતું અને એ તેને પ્રાપ્ત થયું હતું. ભગવાન બુદ્ધે એક આધ્યાત્મિક સંસારની કલ્પના કરી હતી જ્યાં પૂર્ણ શાંતિ હોય. તેઓ આવી કલ્પનાની મદદથી બૌદ્ધ ધર્મનો પ્રસાર કરી શક્યા.
ADVERTISEMENT
જેઓ વિચારહીન છે, અજ્ઞાની છે તેઓ કેવળ બાહ્ય વસ્તુઓ અને એનું સ્વરૂપ જુએ છે. નિરાશ બનીને ભાગ્ય, સંજોગ અને પ્રારબ્ધની વાત કરે છે. ધનવાન માણસને જોઈને કહે છે કે તે કેટલો ભાગ્યવાન છે. કોઈ બુદ્ધિશાળીને જોઈને કહે છે કે તેના પર ઈશ્વરની કૃપા છે. પણ એ સમજતો નથી કે ત્યાં સુધી પહોંચવા માટે તેણે કેટલી મુશ્કેલીઓ, આપત્તિઓ અને નિષ્ફળતાઓનો સામનો કેટલી ખુશીથી કર્યો છે. તેમણે કેટલો ત્યાગ કર્યો છે, કેટલો પરિશ્રમ કર્યો છે. ધનસંપત્તિ અને આધ્યાત્મિક જ્ઞાન પણ યત્ન કરવાથી જ મળે છે અને જે બધું મળે છે એ આપણા વિચારોનું જ પરિણામ હોય છે. માટે તમારા વિચારોમાં પરિવર્તન લાવો. સારા-નવા વિચારોને આવકારો, સદ્કાર્યમાં રચ્યાપચ્યા રહો, નઠારાનો સાથ છોડો તો સ્વતંત્રતા અને સફળતા તમારા હાથમાં જ છે, ક્યારેક નિષ્ફળતા મળે તો આ વાક્ય યાદ રાખવું - Hope is healthier than despair and perseverence is more sensible than giving up.
- હેમંત ઠક્કર