ચલો કચ્છ
અત્યાર સુધીમાં જૈન યુથ ફોરમે ‘SPM યુ ટર્ન ટુ કચ્છ’ પ્રોગ્રામ હેઠળ ૭૨ પરિવારોને પોતાના વતન કચ્છમાં પાછા સેટલ કર્યા છે. નોકરી જતી રહી હોય, લૉકડાઉન દરમ્યાન ધંધો બંધ પડી ગયો હોય અથવા તો મુંબઈની તકલાદી જિંદગીથી ત્રાસી ગયા હોય એવા લોકોને કચ્છમાં આત્મનિર્ભરતા સાથે જીવવા માટે તમામ સુવિધા પૂરી પાડવાની યુનિક યોજના શું છે? અત્યાર સુધીમાં તેમને કેવો રિસ્પૉન્સ મળ્યો છે અને કઈ રીતે તેઓ આ આખા પ્રોગ્રામને હાથ ધરી રહ્યા છે એ વિશે વિસ્તારપૂર્વક જાણીએ
નામ : હાર્દિક મામણિયા. ઉંમર હતી માત્ર ૨૭ વર્ષ અને વિચાર આવ્યો કે સમાજ માટે કંઈક કરવું છે, પણ શું કરવું એ સમજાતું નહોતું. ઘરનો માહોલ સામાજિક સેવાનો. પિતાએ પરિવાર માટે ભરપૂર કામ કર્યાં. પોતે મુંબઈમાં જ બૉર્ન ઍન્ડ બ્રૉટ-અપ થયો. કારોબાર પણ મુંબઈમાં. એમ છતાં કચ્છ પ્રત્યે આ યુવાનને ગજબનું આકર્ષણ. કારણમાં એટલું જ હતું કે નાનપણમાં ઘરના વડીલો સાથે કચ્છમાં રહેવાનું ખૂબ બન્યું એટલે મુંબઈ જન્મભૂમિ અને કર્મભૂમિ હોવા છતાં કચ્છ માટેનો સૉફ્ટ કૉર્નર ક્યારેય ઓછો ન થયો. પોતાના વતન માટે, વતનના લોકો માટે ‘કુછ કરીએ, કુછ કરીએ’નો વિચાર હાર્દિકે પોતાના કેટલાક મિત્રો સમક્ષ મૂક્યો. હિરેન સંઘવી, જયેશ ગોગરી, કેતન સૈયા અને વિનેશ મામણિયાએ હાર્દિકની વાતને વધાવી લીધી અને ૨૦૦૯માં આ પાંચ ફાઉન્ડર મેમ્બરોએ એક અનોખા યુવા સંગઠનની શરૂઆત કરી જેનું નામ છે જૈન યુથ ફોરમ. છેલ્લાં દસ વર્ષમાં આ યુવક સંગઠને એટલાં અને એવાં-એવાં કાર્યો કર્યાં છે કે તમે તેમના પર ઓવારી જવાના. જોકે આજે આ દિવસે આત્મનિર્ભરતાની વાત સાથે આપણે તેમની વાત કાઢી છે એનું કારણ છે તેમની ‘SPM યુ ટર્ન ટુ કચ્છ’ યોજના. વેલ, મુંબઈમાં રહેતા, મુંબઈમાં સ્થાયી થયેલા કચ્છી ભાઈબંધુઓએ પોતાના પરિવાર સાથે જો કચ્છમાં સેટલ થવું હોય, મુંબઈની ભાગદોડભરી જિંદગીમાંથી વિરામ લઈને શાંતિ અને સુખભર્યું જીવન જીવવું હોય તો આ યુવાનો મદદ કરવા તૈયાર છે. પાંચ બાબતોમાં આ ગ્રુપ લોકોને મદદ કરે છે : ઘર, જૉબ, શિક્ષણ, મેડિકલ અને લોન. ધારો કે કોઈને કચ્છ સેટલ થવું છે, પરંતુ તેમની પાસે ઘર નથી તો આ ગ્રુપ તેમને ઘર લઈ શકાય એવી વ્યવસ્થા કરી આપે છે, એના માટે લોન આપે છે, બાળકોના શિક્ષણને અસર ન થાય એ માટે શું કરવું એનું માર્ગદર્શન આપે છે, સ્કૂલ સાથે કૉન્ટૅક્ટ કરાવી આપે છે. ત્યાં ગયા પછી વ્યક્તિની આવડત મુજબ તેમણે શું કામ કરવું એ દિશામાં માર્ગદર્શન આપે છે અને કચ્છમાં રહેલી કંપનીઓમાં તેમની જરૂરિયાત મુજબ પ્લેસમેન્ટ પણ કરાવી આપે છે. છેલ્લે તેમણે કચ્છમાં સ્થાયી થયેલા લોકો માટે હેલ્થ કાર્ડ પણ લૉન્ચ કર્યાં છે જેનાથી કચ્છમાં કોઈને હૉસ્પિટલની ઇમર્જન્સી આવી જાય તો તેમની સારવાર રાહતદરે થઈ જાય. આમ તો આ પ્રોગ્રામ લૉકડાઉન પહેલાં આ ગ્રુપે લૉન્ચ કર્યો હતો, પરંતુ એને ખરો રિસ્પૉન્સ મળ્યો લૉકડાઉન દરમ્યાન.
આંખ ઊઘડી
મુંબઈમાં ક્વૉલિટી ઑફ લાઇફ છે જ નહીં એ વાત લૉકડાઉનના છેલ્લા આઠ મહિનામાં ઘણા લોકોને સમજાઈ ગઈ. લોકોનો મુંબઈ પરથી મોહ ઘટી રહ્યો છે એનો સાક્ષાત્કાર અમને છેલ્લા છ-સાત મહિનામાં સરસ રીતે થઈ ગયો. એ વિશે જણાવતાં હાર્દિક કહે છે, ‘‘SPM યુ ટર્ન ટુ કચ્છ’ યોજનાની શરૂઆત અમે જાન્યુઆરી ૨૦૨૦માં કરી. જોકે ત્યારે હાર્ડ્લી દસેક લોકોએ એમાં ઇન્ટરેસ્ટ બતાવ્યો હતો. જોકે લૉકડાઉનમાં તો આ સંખ્યામાં જે ઉછાળો આવ્યો એનું વર્ણન કરી શકાય એમ નથી. ૪૦૦ જેટલી ઍપ્લિકેશન્સ અત્યારે પ્રોસેસમાં છે અને અત્યાર સુધીમાં ૭૨ એવા પરિવારો ત્યાં સ્થાયી પણ થઈ ચૂક્યા છે. અત્યારે પણ દર અઠવાડિયે ૩૦થી ૪૦ ઍપ્લિકેશન્સ આવે છે જેમાં એમબીએ, ચાર્ટર્ડ
અકાઉન્ટન્ટ અને એન્જિનિયરો જેવા પ્રોફેશનલ્સથી લઈને વેપારીઓનો પણ સમાવેશ થાય છે.’
પહેલું અનલૉક થયું પછી આ ગ્રુપે ‘ગ્રેટવાઇટ સેકન્ડ ઇનિંગ્સ કૅર યોજના’ લૉન્ચ કરી હતી જેમાં લગભગ લૉકડાઉન હળવું થયા પછી વડીલોને કચ્છમાં ચાર મહિના રહેવાની તક આપવામાં આવી હતી. તેમને ઘર ચલાવવા પાંચ મહિના માટે આર્થિક સહાય પણ કરાઈ હતી. એને પણ જબરો રિસ્પૉન્સ મળ્યો. હાર્દિક કહે છે, ‘લૉકડાઉન દરમ્યાન લગભગ ૧૦ હજાર લોકોને અમે કચ્છ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. એ પહેલાં અમે કેટલાક એવા પ્રોગ્રામ્સ કર્યા જેમાં યંગસ્ટર્સ અને વડીલોને કચ્છમાં વિવિધ શિબિરો અને કાર્યક્રમોના માધ્યમથી લઈ જઈએ અને ત્યાંની ભૂમિથી અને ત્યાંના વાતાવરણથી અવગત કરાવીએ. આવી ૨૧ શિબિરો થઈ. પાંચેક વર્ષમાં લગભગ ૨૧૦૦ યુવાનોને કચ્છ લઈ ગયા છીએ. અમારી પહેલાંની વિવિધ યોજના દ્વારા લોકોને અમે કચ્છનો સ્વાદ ચખાડી દીધો હતો અને કોરોનામાં ઘણા લોકોને ત્યાં જવાની જરૂરિયાત સમજાઈ ગઈ. સુખ, શાંતિ, ધર્મ અને પરિવાર માટે સમય અને ઓછા પ્રદૂષણમાં કુદરતની સમીપ પોતાના ઘરે રહેવાની બાબત હવે લોકોને તક જેવી લાગે છે. કોરોનાકાળમાં પરિવાર સાથે સમય પસાર કરતા લોકોને સમજાઈ ગયું કે ખરેખર મુંબઈમાં જીવન જે રીતે જીવાઈ રહ્યું છે એના કરતાં ગામડામાં કદાચ વધારે બહેતર રીતે જીવાશે. આમાં કોઈક એવા લોકો છે જેમની નોકરી છૂટી ગઈ હોય અથવા કોઈકનો ધંધો બંધ પડી ગયો હોય. અમારી યોજના અંતર્ગત અમે લોકોને ત્રણ લાખ રૂપિયાની લોન આપીને તેમને ઘર વસાવવામાં મદદ કરીએ છીએ. સાથે જ ત્યાં રહેલી મલ્ટિ-નૅશનલ કંપનીઓથી લઈને ત્યાં અન્ય કોઈ દુકાન શરૂ કરવાની તક હોય તો એ પણ પ્રોવાઇડ કરીએ છીએ. ઘણા પ્રોફેશનલ્સને એ રીતે અમે સેટ પણ કર્યા છે. કોઈને દુકાન ખોલવામાં મદદ કરી છે. બાળકોને ભણાવવા માટેની વ્યવસ્થા શું છે અને એમાં જો ક્યાંક મદદની જરૂર હોય તો એ પણ પૂરી પાડીએ છીએ. એક વાત તો આપણે સૌ જાણીએ છીએ કે ગામડાંમાંથી લોકો ઓછા થયા છે અને ગામડાં મૃતપ્રાય બની ગયાં છે. બીજી બાજુ વસ્તીવધારાને કારણે મુંબઈમાં જીવન જીવવા જેવું રહ્યું નથી. લોકો જો ધારે તો ગામડામાં પણ શાંતિથી અને સુખથી રહી શકે છે બધી જ પાયાની સગવડો સાથે. યુ ટર્ન ટુ કચ્છ એ જ વાતને પ્રાધાન્ય આપે છે.’
બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ થઈ કે આ ગ્રુપે કચ્છમાં સ્થાયી થયેલા પરિવારોનાં ફીડબૅક લીધાં અને એને તેમના સમાજની પત્રિકામાં પ્રકાશિત કર્યાં. તેમના ફોન-નંબર સાથે તેમની વિગતો શૅર કરવામાં આવી એટલે ધારો કે કોઈને કચ્છમાં સ્થાયી થવું હોય અને ત્યાંનો શું અનુભવ છે એ કોઈને ડાયરેક્ટ પૂછવો હોય તો ફોન કરીને ખાતરી પણ કરી શકે. આ પગલાએ ઘણા પરિવારોને ઇન્સ્પાયર્ડ પણ કર્યા કચ્છ તરફ આગળ વધવા માટે. કચ્છમાં સ્થાયી થવાના ચાર ફાયદાઓ આ યુથ ફોરમ દ્વારા લોકોને જણાવવામાં આવી રહ્યા છે : ફાયદો નંબર - ૧ : કુદરતને અનુકૂળ થઈને જીવન જીવવા મળે. ફાયદો નંબર - ૨ : પોતાનો આર્થિક, આત્મિક, આધ્યાત્મિક વિકાસ કરીને એનો લાભ સમાજને પણ મળે. ફાયદો નંબર - ૩ : કચ્છમાં વિચરતા જૈન સાધુ-સંતોને
ટેકો મળે અને ફાયદો નંબર - ૪ : સ્વધર્મીઓને સહાયભૂત થઈ શકાય, ગ્રામ્ય સંસ્કૃતિ મજબૂત થાય. હાર્દિકભાઈ કહે છે, ‘જૈન યુથ ફોરમના યુવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે
અને અમારા પ્રોગ્રામ્સને પાર પાડવા માટે અમને સ્પૉન્સરો પાસેથી પણ ભરપૂર સહાય મળે છે. બીજું, કોઈ પણ પ્રકારની સહાય કરતાં પહેલાં અમારી પાસે આવેલી ઍપ્લિકેશનની પૂરેપૂરી તપાસ થાય છે. જે ગામના લોકોની ઍપ્લિકેશન હોય એ વ્યક્તિનું નામ એ ગામમાં છે કે નહીં એ ગ્રામપંચાયત સાથે કન્ફર્મ કરીએ. બધા જ પુરાવા સાથે એન્ટ્રી પાસ થાય પછી તેમને સ્ટેબલ કરવામાં મંડી પડીએ છીએ. આ કામમાં અમને ગાંધીધામ ચેમ્બર ઑફ કૉમર્સ, ભુજ ચેમ્બર ઑફ કૉમર્સ અને કચ્છ ચેમ્બર ઑફ કૉમર્સનો ખૂબ સપોર્ટ મળ્યો છે. આ સંસ્થાઓમાં ઘણા લોકોને પ્લેસમેન્ટ મળ્યું છે. ત્યાંના મિનિસ્ટર વિનોદ ચાવડાએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે.’
આ ગ્રુપના ચાલીસ જણની કોર ટીમ છે અને એ સિવાય જુદા-જુદા રીજનમાં ૧૪૦ જણ જોડાયેલા છે. દેશભરમાં તેમનાં ૩૧ સેન્ટર છે. હાર્દિક કહે છે, ‘મારું સૂત્ર છે કે એકબીજાને ગમતા રહીએ. દર વખતે હું વાતચીતની શરૂઆત આ જ પહેલા વાક્યથી કરું છું. આજે કચ્છમાં નેચર ક્યૉર સેન્ટરમાં લોકો સાજા થવા આવે છે એના કરતાં પર્મનન્ટ્લી અહીં જ રહીએ તો એ વ્યક્તિની સોશ્યલ લાઇફની સાથે ફિઝિકલ લાઇફને પણ સુંદર રીતે પ્રભાવિત કરી શકે એમ છે. ૨૦૦૦ના ભૂકંપ પછી કચ્છમાં ઘણી તકો અવેલેબલ છે એ હવે લોકોમાં પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. અમારું એક જ ધ્યેય છે કે લોકો શાંતિમય, ધર્મમય, સમાજમય અને કચ્છમય થાય. એના માટે જે અનુકૂળ વાતાવરણ જનરેટ કરવું પડે એ કરવાના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમારા ગ્રુપ અંતર્ગત અમે વડીલોને, કપલને, યુવાનોને, બાળકોને આવરી લે એવા અઢળક પ્રોગ્રામો કર્યા છે. જોકે આ બધુ જ શક્ય બન્યું છે કારણ કે અમારી ટીમ જોરદાર કામ કરે છે. બધી જ બાબતોમાં ટીમનો સાથ-સહકાર જે સ્તરનો છે એનું વર્ણન કરી શકાય એમ નથી. પ્રવીણ ગાલા, જયવંતીબહેન ઍન્કરવાલા અને પ્રવીણ છેડા જેવા ઘણા સમાજપ્રેમીઓનો અમને અમારાં કાર્યોને આગળ વધારવા માટે સહકાર મળી રહ્યો છે.’
અહીં ઉલ્લેખનીય છે કે જૈન યુથ ફોરમ દ્વારા નિયમિત ધોરણે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માટે ‘થૅન્ક યુ’ ગુજરાતી પ્રોગ્રામ, કપલ વચ્ચે સંવાદિતા વધારતી વર્કશૉપ ‘એકબીજાને ગમતા રહીએ’, ભગવાન મહાવીરની વાતો આજે પણ કેટલી સાપેક્ષ છે એ વાતને પ્રતિપાદિત કરતો પ્રોગ્રામ ‘ધર્મમંથન’ અને ‘મહાવીર મૅનેજમેન્ટ ગુરુ’, પરિવારને એકસૂત્રે જોડતો પ્રોગ્રામ ‘હમ સાથ-સાથ હૈં’, વાંચન પ્રત્યેનો લગાવ વધારવા ‘રીડ ટુ લીડ પ્રોગ્રામ’, આવાસ યોજના, પૅન્શન યોજના જેવા પંદર કરતાં વધારે પ્રોગ્રામ ચાલે છે.
ADVERTISEMENT
કચ્છ સ્થાયી થયેલા લોકો શું કહે છે?
મુંબઈના ફ્રેન્ડ્સ સિવાય બીજું કશું જ મિસ નથી થતું
વર્ષો સુધી ડોમ્બિવલીમાં રહેલા અને ચાંદલાનો બિઝનેસ કરનારા ભાવિન જયંતીલાલ વોરા તેમનાં પત્ની ભાવિની અને અગિયાર વર્ષના દીકરા ધૈર્ય સાથે પોણાબે વર્ષ પહેલાં કચ્છમાં સેટલ થઈ ગયા અને તેમની નિરાંતનો પાર નથી. ભાવિનભાઈ કહે છે, ‘શરૂઆતમાં દીકરાના ભણવાની ચિંતા હતી. એક વર્ષ અહીંની સ્કૂલમાં મૂક્યો, પણ પછી તેને માટુંગા હૉસ્ટેલમાં રાખ્યો. જોકે લૉકડાઉનને કારણે તે અમારી સાથે થઈ ગયો. મુંબઈની દોડધામભરી જિંદગીમાંથી મુક્તિ મળી એની ધરપત કેવી છે એ હું તમને શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. અહીં આવીને હું ધર્મ તરફ વળ્યો, અધ્યાત્મ સાથે નાતો જોડાયો.’
ભાવિનભાઈ અત્યારે મુંદ્રામાં રહે છે
અને રામદેવનગર સોસાયટી નામના પાંચ એકરમાં વિસ્તરેલા વિવિધ કૉમ્પ્લેક્સના મૅનેજર તરીકે
સક્રિય છે.
હું શિફ્ટ થઈ ગયો છું અને હવે ધીમે-ધીમે દીકરો પણ કચ્છમાં રહેવા રાજી થઈ જાય એવા પ્રયત્નો ચાલુ છે
વૈશાલ સોમચંદ ધરમશી મૂળ ડોમ્બિવલીના. જોકે અત્યારે તેઓ કચ્છના કહેવડાવવાનું વધુ પસંદ કરે છે. છેલ્લા આઠ મહિનાથી તેઓ કચ્છમાં છે. તેમના પેરન્ટ્સ કચ્છમાં જ રહે છે અને પોતાનું ફાસ્ટ-ફૂડ સેન્ટર ચલાવે છે. વૈશાલભાઈ કહે છે, ‘મુંબઈમાં જ જન્મ્યો, ભણ્યો, ગણ્યો અને વર્ષો સુધી કામ પણ કર્યું. જોકે કચ્છમાં સેટલ થઈ શકાય એ તકથી હું ખૂબ એક્સાઇટેડ થયો હતો. હકીકતમાં મારા પેરન્ટ્સ તો પહેલેથી જ કચ્છમાં રહે છે. તેમનો ફાસ્ટ-ફૂડનો સ્ટૉલ છે એટલે એકડે એકથી શરૂ કરવાનું નહોતું. મેં ઘણો સમય માર્કેટિંગમાં કામ કર્યું છે. અત્યારે સ્પોકન ઇંગ્લિશના ઑનલાઇન ક્લાસ લઉં છું. આઠ મહિનામાં કચ્છ સ્ટેને મેં તો ભરપૂર એન્જૉય કર્યો છે. અત્યારે અમારી સ્થિતિ થોડીક વિચિત્ર છે. મારી પત્નીને સુરતમાં તેની કરીઅરને લગતી એક સરસ ઑપોર્ચ્યુનિટી છે. મારા સનને મુંબઈ છોડવું નથી. મારે કચ્છમાં પેરન્ટ્સ સાથે રહેવું છે. છેલ્લે કદાચ અમે કચ્છ અને સુરતને પ્રાધાન્ય આપીશું. દીકરાને હવે કન્વિન્સ કરવાના અને તેનું મન આ દિશામાં વાળવાના પ્રયાસો ચાલુ છે.’
અત્યારે કચ્છમાં ભુજ-માંડવી રોડ પર આવેલા ૭૨ જિનાલય પાસે રહેતા વૈશાલભાઈએ કચ્છમાં સારા પ્રમાણમાં કૉસ્મોપૉલિટન ક્રાઉડ જોયું છે. અહીં ઘણી ઇન્ડસ્ટ્રીઓ ડેવલપ થઈ રહી છે. વૈશાલભાઈ કહે છે, ‘હું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને એક્સપ્લોર કરી રહ્યો છું. ઘરના ફૂડ-સ્ટૉલ ઉપરાંત એ દિશામાં પણ હું આવક ઊભી કરવાનું વિચારી રહ્યો છું.’
જેવી નોકરીની સગવડ થઈ એવો જ અમે મુંબઈ છોડી દેવાનો નિર્ણય લઈ લીધો
૩૪ વર્ષથી મીરા રોડમાં રહેલા અને અકાઉન્ટન્ટ તરીકે ભાયખલામાં કામ કરનારા પરેશ રતનશી સાવલાની તો વર્ષોથી મુંબઈ છોડવાની ઇચ્છા હતી, જે હવે લૉકડાઉન દરમ્યાન પૂરી થઈ. પરેશભાઈ કહે છે, ‘મુંબઈની હાડમારી આંખમાં પાણી લાવી દે એવી છે. હું સવારે નવ વાગે ઘરેથી નીકળતો તો રાતે દસ અને અગિયાર વાગે ઘરે પહોંચતો. કોઈ લાઇફ જ નહીં. રવિવાર તો આખો થાક ઉતારવામાં જતો. મેં જ્યારે પહેલાં કચ્છમાં સેટલ થવાનો વિચાર મૂક્યો ત્યારે મને મૂંઝવણ હતી કે મુંબઈમાં જ જન્મેલી અને ઊછરેલી મારી વાઇફ એમાં સપોર્ટ નહીં કરે. જોકે મારી સમજાવટની અસર થઈ અને અત્યારે તે છેલ્લા આઠ-નવ મહિનાથી અહીં આવ્યા પછી ખૂબ નિરાંત અનુભવે છે. આજે અમે સાથે ધર્મક્રિયાઓ કરીએ છીએ, વાતો માટે સમય મળે છે, ચોખ્ખી હવા મળે છે અને આરામ પણ ભરપૂર મળે છે. હવે અહીં અકાઉન્ટન્ટ તરીકે જૉબ પણ મળી ગઈ છે. મારા મોટા દીકરાનું ગ્રૅજ્યુએશન પૂરું થઈ ગયું છે અને તેને પણ ગાંધીધામની એક હૉસ્પિટલમાં જૉબ મળી ગઈ છે. નાનો દીકરો હજી કચ્છ અને મુંબઈમાંથી ક્યાં રહેવું એને લઈને કન્ફ્યુઝ્ડ છે. જોકે તેની જ્યાં ઇચ્છા હશે ત્યાં રાખીશું. અત્યારે તો તેણે કેસી કૉલેજમાં અગિયારમા ધોરણમાં ઍડ્મિશન લીધું છે. મને તો એક જ વસ્તુ લાગે છે કે સાવ ઘરડા થઈને મુંબઈ છોડીને કચ્છ રહેવા આવીએ એના કરતાં થોડાક હાથ-પગ બરાબર ચાલતા હોય ત્યારે જ આવી જાઓ તો તમને સેટલ થવામાં આગળ જતાં વાંધો ન આવે. મારાં મમ્મી અહીં જ રહે છે. તેમની માંદગીમાં મારે ઘણી વાર લેવા-મૂકવા કચ્છ આવવું પડતું. હવે જોકે એ બાબતમાં આરામ થઈ ગયો છે અને પાછલા જીવનમાં મા સાથે રહેવાનો અવસર પણ મળ્યો છે.’

