દરેક પરિવારનાં નાણાકીય લક્ષ્યો નિશ્ચિત હોય તો આર્થિક બાબતે કોઈ ચિંતા રહેતી નથી અને સંપત્તિસર્જનનો માર્ગ આસાન બની જાય છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આપણે હાલમાં હોળીનો તહેવાર ઊજવ્યો. આ પર્વ અનિષ્ટોને બાળી નાખવા માટેનું છે. આ નિમિત્તે સંપત્તિસર્જનના માર્ગમાં આવતાં ‘અનિષ્ટો’નું દહન કરી દેવું જોઈએ. જોકે સવાલ એ છે કે આ અનિષ્ટો કયાં?
નોંધનીય ‘અનિષ્ટો’ આ પ્રમાણે છેઃ
ADVERTISEMENT
1) પોતાનાં નાણાકીય લક્ષ્યો બાબતે અજાણ હોવું: જીવનમાં નાણાકીય હોય કે બીજાં હોય, કોઈ પણ લક્ષ્ય વગરનું જીવન દિશાવિહીન હોય છે. આપણા વિષય પૂરતું, આપણે નાણાકીય લક્ષ્યોની વાત કરવાની છે. દરેક પરિવારનાં નાણાકીય લક્ષ્યો નિશ્ચિત હોય તો આર્થિક બાબતે કોઈ ચિંતા રહેતી નથી અને સંપત્તિસર્જનનો માર્ગ આસાન બની જાય છે.
2) રોકાણ કરવા માટે કરજ લેવું: માર્કેટમાં તેજીનું વાતાવરણ હોય ત્યારે વધારે વળતર મેળવવાની લોકોને લાલસા જાગે છે. આવામાં પૈસા ઉધાર આપીને શૅરબજારમાં ટ્રેડિંગ કરવા માટે લલચાવનારા લોકોનો રાફડો ફાટે છે. ઇક્વિટીમાં રોકાણ કરીને મોટું વળતર મળશે એવા લોભને વશ થઈને લોકો રોકાણ કરવા માટે કરજ લેતા હોય છે, જે સંપત્તિસર્જનના માર્ગમાં આવતું ઘણું મોટું અનિષ્ટ હોય છે. કોઈ પણ કરજ વ્યાજ વગરનું હોતું નથી, જ્યારે ઇક્વિટીમાં ઊંચું વળતર સતત મળશે એવી કોઈ ગૅરન્ટી હોતી નથી. આમ, ઉધારના પૈસે કરાયેલું રોકાણ એકંદરે ખોટ કરનારું સાબિત થઈ શકે છે.
3) પહેલેથી માથે હોય એ દેવું ચૂકવ્યા પહેલાં રોકાણ કરવું: સામાન્ય રીતે લોકો જ્યારે પણ કોઈ વધારાનાં નાણાં ઉપલબ્ધ થાય અથવા જ્યારે પણ કોઈ બોનસ પ્રાપ્ત થાય છે ત્યારે નાણાંનું રોકાણ કરવા માગતા હોય છે. વાસ્તવમાં વધારાનાં નાણાંમાંથી રોકાણ કરતાં પહેલાં દેવું ચૂકવવાનું સલાહભર્યું કહેવાય. એમાંય જો જે ઘરમાં રહેતા હો એ ઘર પર લોન લીધી હોય તો આ વાત ખાસ લાગુ પડે છે.
4) સમયસર ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી ન કરવી: ક્રેડિટ કાર્ડનો જો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એ ચુકવણી કરવા માટેની એક ઉત્તમ પદ્ધતિ છે. ઘણી વાર લોકો બિલની રકમમાંથી લઘુતમ રકમની જ ચુકવણી કરતા હોય છે. આમ કરવાથી દેવાની રકમ ખૂબ જ વધી જાય છે અને વખત જતાં દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ જવાનું જોખમ રહે છે.
5) ખર્ચની રકમ માટે આયોજન ન કરવું: સંપત્તિસર્જનની યાત્રામાં જે સૌથી મોટો અવરોધ આવે છે એ આયોજન કર્યા વગર કરવામાં આવતો ખર્ચ હોય છે. આ અનિષ્ટને દૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે બજેટ બનાવવું અને એને વળગી રહેવું. આપણે આપણા બજેટમાં બિનઆયોજિત ખર્ચ માટે ૫-૧૦ ટકાનો ગાળો રાખી શકીએ છીએ.
6) કટોકટી માટેના ભંડોળનો અભાવ: કટોકટી માટે ભંડોળ બાજુએ રાખવાનું આપણને નકામું લાગી શકે છે કારણ કે આપણી પાસે અમુક ફાજલ રકમ પડી રહેતી હોય છે. જોકે અમુક સમયે લોકો આ નાણાંનો ઉપયોગ તેમની સામે આવતી લલચામણી ઑફરોમાં રોકાણ કરવામાં કરી નાખતા હોય છે, જે અનુચિત કહેવાય.

