પરમાત્મા માણસને બચાવવા નહીં આવે કારણ કે એ ટેકો નથી આપતો, એ માણસને ટેકો લેવો ન પડે એવો સમર્થ બનાવે છે
પ્રતીકાત્મક તસવીર
ઈશ્વર અત્યારે સૌથી વધુ યાદ આવે છે. માણસની જ્યારે મર્યાદા આવી જાય ત્યારે પરમાત્માનું શરણ શોધે છે. અત્યારે લાચાર બનેલો માનવી પ્રભુને પ્રાર્થી રહ્યો છે. પણ ઈશ્વર છે ક્યાં? કેમ પોતાના પ્રિય સર્જન મનુષ્યને આમ તરફડવા દે છે? લાખોના જીવ જઈ રહ્યા છે છતાં કેમ આ કોરોનાને અટકાવતો નથી? વચન આપ્યું હતું ને કે સંભવામિ યુગે યુગે? કે પછી પરિત્રાણાય સાધુનામ અને ધર્મસંસ્થાપના અર્થે જ આવી શકાય, માણસોને બચાવવા માટે નહીં? કેમ જોઈ શકતો હશે દયાનો સાગર ઈશ્વર માનવીની આ યાતના? જ્યારે પણ આવું જોખમ આવે છે ત્યારે ઈશ્વર યાદ આવે છે, ઈશ્વર સામે પ્રશ્નો થાય છે અને અંતે માનવીની માન્યતામાં ઈશ્વર જ મજબૂત બને છે. માણસો ઈશ્વરથી એટલા બધા ડરે છે કે તેની સામે મનમાં પ્રશ્ન ઊઠે તો પણ મનોમન હાથ જોડીને ઈશ્વરની માફી માગી લે છે, કાન પકડી લે છે, મનમાંના પ્રશ્નને ઢબૂરી દે છે, જીભ પર આવવા દેતા નથી. અને આવો ઈશ્વરનો ડર માત્ર હિન્દુઓમાં જ છે એવું નથી, બધા ધર્મમાં છે. ડરીએ તો છીએ આપણે પરમાત્માથી, દેવતાઓથી, દેવીઓથી એટલે મનમાં તેમની બાબતે પ્રશ્ન થાય તો આ દેવતાઓ નારાજ થઈ જશે એ બીકથી બોલતા નથી. જે નાસ્તિક છે તેમને આવા વખતે મજા પડી જાય છે. તેઓ કહે છે, ‘જુઓ, તમારો ભગવાન છે જ નહીં. જો હોત તો તમને બચાવવા આવ્યો હોત.’ તેઓ એમ પણ કહે છે કે ‘આ સૃષ્ટિ વિજ્ઞાનના નિયમો મુજબ ચાલે છે, વિજ્ઞાન જ માણસને બચાવશે.’ ઉદાહરણ પણ આપે કે ‘કોરોનાની સારવારમાં વિજ્ઞાન જ કામમાં આવ્યું છે. વેન્ટિલેટર વિજ્ઞાને બનાવ્યાં, દવાઓ વિજ્ઞાને શોધી, વૅક્સિન વિજ્ઞાને વિકસાવી, ઑક્સિજન સિલિન્ડર વિજ્ઞાનને લીધે અસ્તિત્વમાં આવ્યાં, ડૉક્ટરો વિજ્ઞાન દ્વારા જીવ બચાવી રહ્યા છે.’ તેમની આ વાતો પાછી ખોટી પણ નથી. ઈશ્વરના ઇનકારની વાત સિવાય તેમના મુદ્દા સાચા છે. માણસની વહારે વિજ્ઞાન જ આવ્યું છે. અત્યારે તેઓ એ પ્રશ્ન પૂછી શકે એમ છે કે વર્ષોથી જેની આરાધના કરી છે, જેને પૂજ્યો છે, જેને અર્ઘ્ય ચડાવ્યા છે, જેને નૈવેદ્ય ધરાવ્યાં છે, છપ્પનભોગ ધરાવ્યા છે એ ઈશ્વર શા માટે માણસને બચાવતો નથી? જેનામાં અનન્ય આસ્થા રાખી છે એ જો અણીના સમયે કામમાં ન આવે તો એના હોવાનો અર્થ શું?
સામાન્ય માનવીને કદાચ આવા પ્રશ્ન થશે જ નહીં, કારણ કે એને તો પ્રશ્ન કરતો જ બંધ કરી દીધો છેને. પ્રશ્નનો વિચાર કરવાની પણ હિંમત એ બિચારો કરી શકે એમ નથી, પણ એનાથી પ્રશ્ન ખતમ થઈ જતા નથી. અત્યારે દરેક આસ્થાળુ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ‘હે દયાના સાગર, માનવીઓ પર કૃપા કર, આ મહામારીથી બચાવ. હે સર્વશક્તિમાન, હે નોધારાના આધાર, હે પરમકૃપાળુ, હે તારણહાર, અમ અભાગિયાઓ પર કૃપા કર.’ ઈશ્વર આ પ્રાર્થના સાંભળતો નહીં હોય? સાંભળતો હશે તો કંઈ કરતો નહીં હોય? કેમ કંઈ કરતો નહીં હોય? કોરોનાનો વાઇરસ પણ ઈશ્વરે જ બનાવ્યો હશે? એણે જ બનાવ્યો હશેને? શા માટે બનાવ્યો હશે? અહીંથી આગળ એનું શ્રદ્ધાળુ માનસ ઉત્તરો આપવા માંડે છે.
ADVERTISEMENT
જવાબ ન મળે ત્યારે જસ્ટિફિકેશન
માનવજાતે કુદરતને કેટલું નુકસાન પહોંચાડ્યું છે, હવે ઈશ્વર એનો દંડ આપી રહ્યો છે. ઈશ્વર માણસને સમજાવવા માગે છે કે સુધરી જા, નહીંતર આટલી જ વાર લાગશે. આસ્થાથી આંધળો થયેલો માણસ આ બધા જ જવાબો સુધી પણ પહોંચશે. માણસને પોતાની હેસિયત દેખાડી દેવામાં આવી છે એ સાચું, પણ એ ઈશ્વરે દેખાડ્યું છે? માણસને સમજાવવા માટે ઈશ્વર આવો રસ્તો અખત્યાર કરે? ઇતિહાસ તપાસી જુઓ. જ્યારે-જ્યારે આવું કોઈ મહાસંકટ આવ્યું છે ત્યારે માણસે એવું જ કહ્યું છે કે ઈશ્વરે માણસને પાઠ ભણાવવા કે પછી એનાં પાપોની સજારૂપે મહાખતરો ઊભો કર્યો છે. આ જવાબ નથી, જસ્ટિફિકેશન છે. માણસ હારી જાય ત્યારે ઈશ્વર પાસે જાય અને જ્યારે ઈશ્વરીય મદદ નથી મળતી ત્યારે જસ્ટિફિકેશન શોધે છે. ધર્મનું જસ્ટિફિકેશન, કારણ કે તેના માટે ઈશ્વર અને ધર્મ અલગ નથી. હવે આ વાંચો, ધ્યાનથી વાંચજો : ‘ધર્મ આ નિર્દયી દુનિયામાં દયા છે. ધર્મ સર્વહારાઓના હૃદયની આહ છે. ધર્મ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં પણ મળનાર સાંત્વન છે.’ આ વાક્યો કોઈ અત્યંત ધાર્મિક માણસે ઉચ્ચાર્યાં હશેને? આમાં છેલ્લે એક વાક્ય ઉમેરવાનું બાકી છે. એ ઉમેરાશે એટલે લખનારને તમે ઓળખી જશો. એ વાક્ય છે, ‘ધર્મ પ્રજાનું અફીણ છે.’ કાર્લ માર્ક્સ. હા, એ જ નાસ્તિક જે સામ્યવાદ લઈને આવ્યો. પણ માર્ક્સ ધર્મનું મહત્ત્વ સમજતો હતો એટલે તેણે ધર્મથી મુક્તિની વાત કરી હતી. ધર્મ એક કાલ્પનિક ખુશી, સાંત્વન આપે છે. ધર્મથી મુક્તિનો અર્થ એ છે કે એમાં કાલ્પનિક સાંત્વન કે એવી ખુશીની જરૂર પડતી નથી.’
આસ્તિકો પાસે એમની દલીલો અને કારણો હશે, નાસ્તિકો પાસે તેમનાં. કાર્લ માર્ક્સ, એક નાસ્તિકની વાતમાં જ જવાબનો થોડો ભાગ છે. એટલે જ તેને યાદ કર્યો હતો. માણસને સંકટના સમયમાં, અસહાયતાના વાતાવરણમાં, જ્યારે પોતે કશું જ કરી નહીં શકે એવી ખાતરી થઈ જાય ત્યારે એક આધારની, એક સાંત્વનની જરૂર હોય છે, એક આશ્વાસનની જરૂર હોય છે, એક ટેકાની જરૂર હોય છે અને એ ટેકો ઈશ્વર આપે છે. ઈશ્વર કંઈ હાથ પકડીને તમને ડૂબતા ન બચાવે. એ તમને તરતા રહેવાની શક્તિ આપે, બચી જવાનો વિશ્વાસ આપે, આશા આપે.
કાળ અને સર્જનહાર બન્ને
ઈશ્વર દયાળુ ન હોઈ શકે અને સજા દેનાર પણ ન હોઈ શકે. જો દયાળુ હોય તો એ ઈશ્વર નથી, કારણ કે દયાનો ગુણ આવે તો ઈશ્વર નિર્ગુણમાંથી સગુણ થઈ જાય. તે તો નિર્ગુણ નિરાકાર છે. તે કોઈ પ્રત્યે પ્રેમ કે દ્વેષ રાખી શકે નહીં. તે સારો કે ખરાબ હોઈ શકે નહીં. તે સારા અને ખરાબ બન્ને પ્રત્યે સમાન ભાવ રાખનાર હોય અને એવો હોય તો જ ઈશ્વર હોઈ શકે, અન્યથા માણસ હોય. એ તો સત અને અસત બન્નેથી રમે છે. તે કાળ પણ છે અને સર્જનહાર પણ છે. તેના માટે સર્જન જેટલો જ સહજ છે સંહાર. તેને સર્જનનો આનંદ નથી અને સંહારનું દુ:ખ નથી. એટલે કોરોના હોય કે વાવાઝોડા કે ભૂકંપ કે યુદ્ધ કે સુનામી કે પછી કોઈ ફૂલનું ખીલવું કે માનવજાતનું સમૃદ્ધ ખુશહાલ થવું કે બાળકોનું ખિલખિલાટ હસવું કે પક્ષીઓનું ગાવું - તેને માટે એ બધું જ સમાન છે. તે ક્યારેય કોઈનો પક્ષ લઈને ભૂમિકા ભજવે નહીં. કૃષ્ણની જેમ તે પણ લડવા ઊતરે નહીં. કોઈનો પક્ષ લેવો એ પણ ઈશ્વરત્વ નથી. એટલે ઈશ્વર આ મહામારીની ભયંકર સ્થિતિમાં કે આનાથી પણ ખરાબ પરિસ્થિતિ થશે તો પણ પોતે ઉગારવા માટે નહીં આવે. તે માણસને જ એટલો સમર્થ બનાવશે કે માણસ લડે અને જીતે. કપરા સંજોગોમાં અત્યાર સુધી ઈશ્વરે માણસને સક્ષમ બનાવતો આવ્યો છે, મજબૂત બનાવતો આવ્યો છે. તે ટેકો નથી આપતો, તે માણસને ટેકો લેવો ન પડે એવો સમર્થ બનાવે છે. આફતોને ઈશ્વર મોકલતો નથી. તે તો જે થાય છે એને જુએ છે - સાક્ષીભાવે, નિર્લેપભાવે. ઈશ્વર ઉપર બેસીને કોઈ શતરંજની બાજી નથી રમી રહ્યો કે સામસામે લડાવે. માણસ અને કુદરતને લડાવે, માણસ અને વાઇરસને લડાવે. ઈશ્વર તો એ બધાથી પર છે.
પ્રજા ગૉડ-ફિયરિંગ?
આપણે ઈશ્વરને માણસ જેવો કલ્પી લીધો છે એ જ સમસ્યા છે. એ રાજાની જેમ સજા આપે, તે તેની પ્રાર્થના કરનારને સપોર્ટ કરે અને નહીં કરનારનું નખ્ખોદ વાળી નાખે એવો નથી. એવો તો માણસ હોય, ઈશ્વર નહીં. એનો અનાદર કરનારને નરકમાં નાખે અને આદર આપનારને સ્વર્ગ આપે એવો નથી. અનાદર કરનાર પણ સદ્ભાવથી જીવન જીવે, સર્વ પ્રત્યે કરુણા રાખે તો ઈશ્વરને એટલો જ પ્રિય છે. અને આદર આપનાર જો પાપી હોય તો ઈશ્વર માટે એટલો જ અપ્રિય હોઈ શકે, કારણ કે ઈશ્વર માણસ નથી. આપણે ઈશ્વરને માણસ જેવો ગણવા માંડ્યા એટલે જ ડરીએ છીએ. એવી એક માન્યતા પ્રચલિત થઈ છે કે પશ્ચિમના દેશો, ખાસ કરીને ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ છે એવા દેશોના લોકો ગૉડ-લવિંગ છે અને આપણે હિન્દુઓ ગૉડ-ફિયરિંગ. આપણે ઈશ્વરથી ડરીએ છીએ, તેઓ ઈશ્વરને પ્રેમ કરે છે. પણ આ માન્યતા સાચી નથી. હિન્દુઓ ભગવાનથી ડરે છે એટલી વાત સાચી છે, પણ ખ્રિસ્તીઓ ડરતા નથી, પરમાત્માને પ્રેમ કરે છે એ વાત સર્વથા સાચી નથી. હમણાં અમેરિકામાં થયેલા એક સર્વે પ્રમાણે ૮૦ ટકા ખ્રિસ્તી ધાર્મિકો માને છે કે ઈશ્વર માનવીનાં પાપોની સજા કોરોના દ્વારા આપી રહ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં એક બેઝિક માન્યતા એ છે કે માનવી જન્મથી જ પતિત અને પાપી છે, પોતાના પાપની માફી માગ્યા વગર એને મુક્તિ ન મળે. છતાં એ પ્રજા ગૉડ-લવિંગ? અને અહીં હિન્દુઓની માન્યતા એવી છે કે આત્મા શુદ્ધ અને પવિત્ર છે, માણસ જન્મથી પાપી નથી. છતાં આ પ્રજા ગૉડ-ફિયરિંગ? હિન્દુ ધર્મમાં ઈશ્વરની સામે કોઈ ઍન્ટિ-ઈશ્વર નથી. ખ્રિસ્તીઓએ શેતાનની કલ્પના કરી છે જે ઈશ્વરને ટક્કર આપે છે. પરમાત્માની કોઈ હરીફાઈ કરે એવું હોય તો એ પરમાત્મા રહેતો નથી, સામાન્ય બની જાય છે.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)