ભારતના કોઈ પણ શહેરની સરખામણીમાં મુંબઈમાં પાણીની હંમેશાંથી રેલમછેલ રહી છે. આપણને મબલક પાણી વાપરવાની એવી તો આદત છે કે ટૂંકા ગાળા માટેનો પાણીકાપ પણ આપણે સહન નથી કરી શકતા. પાણીના મામલામાં આપણે કેટલા નસીબદાર છીએ એ જાણશો તો ખરેખર સમજાશે કે વપરાશમાં...
પ્રતિકાત્મક તસવીર
થાણેમાં ખોદકામ કરતી વખતે પાણીની એક ટનલ ડૅમેજ થઈ અને એના લીકેજમાં અઢળક પાણી વેડફાઈ ગયું છે, જેને રિપેર કરવામાં પણ ખાસ્સો સમય લાગશે, જેને કારણે બૃહન્મુંબઈ નગરપાલિકાએ સમગ્ર મુંબઈમાં એક મહિના માટે ૧૫ ટકા પાણીકાપ શરૂ કર્યો છે જે આખો એપ્રિલ મહિનો રહેશે. એક ઍવરેજ મુંબઈકરને દરરોજ વ્યક્તિદીઠ ૧૩૫ લિટર પાણી મળે છે. એમાંથી ૧૫ ટકા પાણી એટલે કે ૨૦ લિટર પાણી દરેક વ્યક્તિને ઓછું મળશે. આ ૨૦ લિટર ઓછા મળતા પાણી માટે લોકો જે રીતે ફરિયાદો કરી રહ્યા છે, ગુસ્સે થઈ રહ્યા છે અને પાણી-પાણી કરી રહ્યા છે એ કેટલી હદે વાજબી છે એ સમજવાની કોશિશ આજે કરીએ. ગુજરાત, રાજસ્થાન જેવાં રાજ્યો કે બૅન્ગલોર, ચેન્નઈ જેવાં મહાનગરો સાથે મુંબઈની સરખામણી કરીએ તો સમજાશે કે પાણીના મામલામાં આપણે કેટલા નસીબદાર છીએ. મુંબઈમાં પાણીને લઈને સમસ્યા તો છે, પણ એની અછત નથી. મુંબઈમાં પાણીની સમસ્યાઓ પર કામ કરનારી સંસ્થાઓ અને એના નિષ્ણાતોને પૂછીએ આજે કે ખરેખર મુંબઈકરોને એમને મળતા મબલક પાણીની કદર છે ખરી?
પાણીનો બગાડ ન થાય એવી માનસિકતા કેળવવી પડશે
આબિદ સુરતી, ડ્રૉપ ડેડ ફાઉન્ડેશન
ADVERTISEMENT
હું છેલ્લાં ઘણાં વર્ષોથી દર રવિવારે લોકોના ઘરમાં લીક થતા નળને રિપેર કરવા પહોંચી જાઉં છું. લાખો લિટર પાણી બચાવવાનું મારું કામ જોઈને ઘણા યુવાનો જોડાયા છે. નાની વસ્તીઓમાં રહેતા ઓછું ભણેલા લોકોને ત્યાં પાણી ઘણું ઓછું છે છતાં ત્યાં પણ લોકો એટલું જ પાણી વેડફે છે અને મોટા ટાવરમાં ભણેલા-ગણેલા લોકો રહે છે, જે પાણીની જરૂરત અને કિંમત બંને સમજે છે એ પણ એટલું જ વેડફે છે. તમે જ વિચારો, શું ઘરમાં નળ લીક હોય એ રિપેર કરાવવાના પૈસા એમની પાસે નથી? ના, એવું નથી. એ જાગરૂકતાનો અભાવ છે, જે આપણે લાવવાની તાતી જરૂર છે. પણ એ કઈ રીતે લાવી શકાય? મેં હમણાં થોડા સમય પહેલાં એક પ્રયોગ કરેલો. મેં વિચાર્યું કે આપણા ઋષિમુનિ અને ધર્મગુરુઓ લોકો પાસે સારાં કામ કઈ રીતે કરાવે છે? ભગવાને આમ કહ્યું છે એટલે કરો. એવું કહેવાથી લોકો આ વાત માને છે. હું કહું કે પાણી બચાવો તો લોકો માને નહીં, પરંતુ જો ભગવાને કહ્યું છે કે પાણી બચાવો તો માનશે. હું મીરા રોડ વિસ્તારમાં રહું છું અને અહીં મુસ્લિમો ઘણા વસે છે. મેં રિસર્ચ કર્યું અને શોધ્યું કે પ્રોફેટ મોહમ્મદે પાણી વિશે શું કહ્યું છે. એમાં મને મળ્યું કે તેમણે કહ્યું છે કે તમે ભલે તમારા મહેલના કિનારે વહેતી નદી પાસે બેઠા હો પણ તમને પાણી વેડફવાનો અધિકાર નથી. મેં અરેબિકમાં લખેલા આ લખાણ અને એનો અનુવાદ હોય એવું પોસ્ટર છપાવ્યું. એને મેં મસ્જિદની અંદર લોકો જ્યાં વઝૂ કરતા હોય એ પાણીના નળથી ૩ ફુટ દૂર લગાડ્યું. બસ, પછી હું મારાં બીજાં કામોમાં પરોવાઈ ગયો. એના ૨-૩ મહિના પછી એક દિવસ મને માર્ગમાં મૌલાના મળ્યા. તેમણે મને કહ્યું કે એ પોસ્ટરે કમાલ કરી. મસ્જિદમાં પાંચ વાર નમાઝ થાય છે. એ પાંચ વાર નમાઝ પઢવા આવતા લોકો માટે જે પાણી વપરાતું હતું એમાં ૯૦ ટકા પાણીની ટાંકી દરરોજ ખાલી થઈ જતી. હવે ઊંધું થાય છે. ૧૦ ટકા જ ટાંકી ખાલી થાય છે અને ૯૦ ટકા બચે છે. લોકો પાણી બચાવતા થયા, કારણ કે પ્રોફેટ મોહમ્મદ જે કહે એ માનવું જ તેમના માટે ધર્મ છે. આજકાલ ધર્મનો ઉપયોગ નકારાત્મક રીતે થાય છે એના બદલે સકારાત્મક રીતે આપણે કરીએ તો કદાચ રિઝલ્ટ મળે.
પાણીનું પ્લાનિંગ કરનારા લોકો દૂરદૃષ્ટા હતા
તલકભાઈ વી. શાહ, માજી હાઇડ્રોલિક એન્જિનિયર, મુંબઈ
ભારતનું આર્થિક કૅપિટલ મુંબઈ છે અને અહીં લોકોને પાણી જેવી મૂળભૂત જરૂરિયાત પૂરી પાડી શકાય એટલે ઘણું જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લાનિંગ કરવામાં આવેલું, કારણ કે જે લોકો આ કામ કરી ગયા એ દૂરદૃષ્ટા હતા. તેમણે એ વિચારેલું કે શહેરની વસ્તી ભવિષ્યમાં વધશે તો પણ પાણીની કમી ન થવી જોઈએ. એ લોકોએ કઈ રીતે કામ કર્યું એને સ્ટડી કરી, સમજીને અમે કેટલીક બુક્સ પણ લખી છે; પણ એ વાંચવાનો અને સમજવાનો કોઈ પાસે આજે સમય નથી. પહેલાં એક સમય એવો હતો કે એક ડિપાર્ટમેન્ટમાં કામ કરતા લોકો એ જ ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર થતા. એને લીધે અનુભવી લોકો જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા. આને કારણે તકલીફોને ટાળી શકાતી હતી. અત્યારે જે લોકો કામ કરે છે એ કદાચ એટલે ભૂલો કરી રહ્યા છે, કારણ કે તેમને આ ડિપાર્ટમેન્ટનો અનુભવ નથી. એમાં તેમનો પણ વાંક નથી. ઍડ્મિનિસ્ટ્રેશન લેવલ પર નિર્ણયોમાં આવતા બદલાવો પ્રજાને અસર તો કરવાના જ છે. આમ મુંબઈમાં પાણીની કમી નથી. મુંબઈકરો તો હંમેશાંથી આ બાબતે ભાગ્યશાળી જ રહ્યા છે.
તકલીફ મહત્ત્વની નથી હોતી, તકલીફ કોને થઈ રહી છે એ વધુ મહત્ત્વનું છે
સીતારામ શેલાર, પાણી હક સમિતિ
મુંબઈમાં દરરોજ ૨૦ લાખ લોકોને પાણી મળતું નથી અને કાપ છે એટલે મળતું નથી એવું નથી. દરરોજ જ તેમને પાણી નથી મળતું. આ ઝૂંપડપટ્ટી કે રોડ પર જ રહેતા લોકો છે. તેમણે ક્યાંકથી ને ક્યાંકથી પાણીનો મેળ કરવો પડે છે. તકલીફ તેમને છે. તેમને સાઇડ પર રાખીને બાકીનો એરિયા વિચારીએ તો કાયદાકીય રીતે દરેક જગ્યાએ દરરોજ વ્યક્તિદીઠ ૧૩૫ લિટર પાણી મળી રહ્યું છે. આ આંકડો કોલાબા કે દાદરથી આગળ વસતા લોકો માટે જુદા-જુદા કારણોસર ૩૦૦ લિટરે પહોંચી જતો હોય છે. જેને આપણે પ્રૉપર મુંબઈ કહીએ છીએ એ એરિયામાં મુંબઈનાં બીજાં પરાંઓ (સબર્બ) કે આજુબાજુની જગ્યાઓ જેમ કે વસઈ, નાલાસોપારા, કલ્યાણ, થાણે, નવી મુંબઈની સરખામણીમાં પાણીની કમી ન ક્યારેય હતી કે ન છે. પરંતુ આ જગ્યામાં રહેતા લોકોને પહેલેથી ઘણી સુવિધાઓ મળી છે, જેની તેમને આદત છે. હમણાં પાણીકાપની હાયવોય જે થઈ રહી છે એ એટલા માટે છે કે હાઈ ક્લાસ અને અપર મિડલ ક્લાસ પણ એનાથી અસરગ્રસ્ત થયા છે. બિચારા કેટલા લોકોને દરરોજ પીવાનું પાણી નથી મળતું તો એ ખાસ મુદ્દો નથી પરંતુ ટાઉનમાં લોકોના સ્વિમિંગ-પૂલ બંધ થઈ રહ્યા છે એ અસહ્ય બની રહ્યું છે. આમ તકલીફ મહત્ત્વની નથી હોતી. તકલીફ કોને થઈ રહી છે એ વધુ મહત્ત્વનું છે. મુંબઈમાં દરરોજ ૩૮૫૦ મિલ્યન લિટર પાણી લગભગ ૧.૫ કરોડ જનતામાં વહેંચાય છે. તો એનો અર્થ થયો કે દરેક વ્યક્તિને ૨૦૦ લિટર પાણી મળવું જોઈએ. પરંતુ પાણીની વહેંચણી એકસરખી નથી. એટલે લાખો લોકો પાણી વગર રહી જાય છે. મુંબઈ પાસે અતિ પાણી છે. પહેલથી જ હતું. અહીં કમી નથી એટલે કદાચ લોકોને કદર પણ નથી. જો નહીં કરે તો ભવિષ્ય પાણી વગરનું સૂકું બનતું જશે એ વિચારવું જોઈએ.
મુંબઈકરોને પાણી બચાવતાં આવડતું નથી
નિકોલસ અલ્મેડા, વૉચડૉગ ફાઉન્ડેશન
મુંબઈના લોકોને પાણીની બિલકુલ કદર નથી. ઘરોની અંદર હોય કે કન્સ્ટ્રક્શન માટે હોય, પાણીનો એટલો વેડફાટ આપણે કરીએ છીએ કે એ ખરેખર ચિંતાજનક છે. પાણીનો કઈ રીતે બચાવીને ઉપયોગ કરવો એ
આપણને આવડતું જ નથી. દિવસે-દિવસે પાણી ઓછું થતું જાય છે. આપણા પરદાદાઓ પાસે વહેતી નદીઓ હતી. બાપ-દાદા પાસે બાવડીઓ હતી. આપણી પાસે નળ છે અને આપણા પૌત્રો પાસે ટ્યુબ હશે. આ કપરી પરિસ્થિતિ વિશે અહીં કોઈ વિચારતું જ નથી. પબ્લિકની મેમરી ખૂબ ટૂંકા ગાળાની હોય છે એ પબ્લિકની સૌથી મોટી તકલીફ છે. પાણીનો કાપ શરૂ થાય કે નાનકડી તકલીફ પડે ત્યારે પાણી બચાવતાં માંડ શીખે અને જેવો કાપ હટે કે તરત જ પાણીનો વેડફાટ શરૂ. મુંબઈમાં પાણી સંબંધિત જાગૃતિ લાવવી અત્યંત આવશ્યક છે જેથી લોકો એનું મૂલ્ય સમજે. મુંબઈ પાસે દહિસર, મીઠી, પોઇસર અને ઓશ્વિરા આમ ૪ નદીઓ હતી; જે આજની તારીખે ગટર બની ગઈ છે. અમે વર્ષોથી આ ચાર અને એના જેવી બીજી મળીને કુલ ૨૮ નદીઓને સાફ કરવાનું બીડું ઝડપ્યું છે. અમારું કામ તો ચાલે છે પરંતુ અમે ઇચ્છીએ કે પબ્લિક પણ સમજે અને પાણીની કદર કરતી થાય.