ચોથી ડિસેમ્બરે તેમને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન તરફથી ભારતમાં બનેલી સાઇલન્ટ ફિલ્મના ઇતિહાસ સંદર્ભે સંશોધન કરવા બદલ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ ગુલઝારના હાથે આપવામાં આવ્યો
વીરચંદ ધરમશી
ભીનો વાન, ઊંચા, પાતળા, ખૂલતું શર્ટ જે ક્યારેય ઇન્સર્ટ ન હોય, ખૂલતું પૅન્ટ, ઊભા હોય તો ખભે થેલો હોય જેમાં પુસ્તકો હોય અને હાથમાં પણ પુસ્તક હોય. કાળી ફ્રેમનાં ચશ્માં, સીધા ઓળેલા વાળ. તેમને મળવું હોય તો એશિયાટિક લાઇબ્રેરીમાં પહોંચી જવાનું એવું મિત્રો કહેતા. હવે ૮૭ વરસની ઉંમરે નેરુલથી નિયમિત લાઇબ્રેરીમાં જઈ શકતા નથી એટલે ઘરે બેસીને તેમનું કામ કરે છે. હાલ તેઓ સાઇલન્ટ ફિલ્મના ઇતિહાસના પુસ્તકનું કામ કરી રહ્યા છે. ભારતીય મૂંગી ફિલ્મો વિશે વીરચંદભાઈ માહિતીના એકમાત્ર આધારભૂત સ્રોત છે એવું કહેવું અતિશયોક્તિ નથી.
ચોથી ડિસેમ્બરે તેમને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન તરફથી ભારતમાં બનેલી સાઇલન્ટ ફિલ્મના ઇતિહાસ સંદર્ભે સંશોધન કરવા બદલ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ ગુલઝારના હાથે આપવામાં આવ્યો. ૮૭ વરસના વીરચંદ ધરમશી વિશે પણ સંશોધનાત્મક લખાણ થઈ શકે એવું વ્યાપક તેમનું વ્યક્તિત્વ છે. આટલી ઉંમરે પણ કલા પ્રત્યેની તેમની જિજ્ઞાસા અને અભ્યાસમાં સહેજ પણ ઓટ આવી નથી. આજે પણ તેઓ પોતાના સંશોધનના કામમાં સતત પ્રવૃત્ત રહે છે. મૂંગી ફિલ્મો વિશે સંશોધન કરવાનું કઈ રીતે સૂઝ્યું એ સવાલના જવાબમાં વીરચંદભાઈ કહે છે, ‘મારો સ્વભાવ જ છે માહિતીઓને શોધવાનો અને વાંચવાનો. ફિલ્મો વિશે વાંચતાં જણાયું કે ૧૯૪૫ પહેલાંની ફિલ્મો વિશે સાચી માહિતી જ નથી. એમાં પણ મૂંગી ફિલ્મો વિશે દાદાસાહેબ ફાળકે સિવાય બીજાં નામોનો ઉલ્લેખ નહોતો. મને એ વિશે સવાલો થયા અને એના જવાબો શોધવા માટે મારે સંશોધન કરવું પડ્યું. અઘરું હતું એ કાળ વિશે જાણવું, કારણ કે આપણે ત્યાં એ માહિતીને જાળવવાના પ્રયત્નો જ નથી થયા. ૧૮૯૫ની સાલથી ૧૯૩૦ની સાલ સુધીમાં આપણે ત્યાં ૧૩૦૦ મૂંગી ફિલ્મો બની હતી. એમાંથી ફક્ત ત્રીસેક ફિલ્મો જ આપણને મળે છે. એમની જાળવણીની કોઈએ પરવા કરી જ નથી. પહેલી ફિલ્મ ૧૯૧૨માં ‘સાવિત્રી’ હતી જે નિષ્ફળ રહી. બીજી ફિલ્મ ‘પુંડલિક’ હતી જે એન. જી. ચિત્રે તેમ જ આર. જી. ટોર્ની દ્વારા બનાવવામાં આવી હતી. એ માત્ર ૨૦ મિનિટની હતી. ત્યાર બાદ ૧૯૧૩માં ફાળકે દ્વારા ‘રાજા હરિશ્ચંદ્ર’ અને ‘મોહિની ભસ્માસુર’ રિલીઝ થઈ.’
ADVERTISEMENT
વીરચંદભાઈએ મૂંગી ફિલ્મોની ફિલ્મોગ્રાફી પર ૧૯૮૦ના દાયકાથી કામ શરૂ કર્યું હતું. મૂંગી ફિલ્મોના એન્સાઇક્લોપીડિયામાં પણ તેમનું ખાસું પ્રદાન છે. તેઓ આર્કિયોલૉજીનું ભણ્યા નથી, પણ દુનિયાના અનેક આર્કિયોલૉજિસ્ટો સાથે કામ કર્યું છે. ઍન્થ્રોપોલૉજી હોય કે કળા-સાહિત્ય કે આર્કિયોલૉજી - દરેક વિષયમાં વીરચંદભાઈ પાસે વિસ્તૃત માહિતી અને વાંચન હોય જ. આવું કેવી રીતે બને? એ વિશે પણ થોડી માહિતી મેળવીએ.
વીરચંદ ધરમશી મસાલાના વેપારી કલ્યાણજીભાઈના પુત્ર. તેઓ કદી કૉલેજમાં ગયા જ નથી. મૅટ્રિક ફેલ વીરચંદભાઈને ત્રણ વરસની ઉંમરથી જ વાંચવાનું ઘેલું. સદનસીબે પિતાએ ક્યારેય તેમને વાંચતા ટોક્યા નહીં. છ વરસની ઉંમરથી મ્યુઝિયમ અને લાઇબ્રેરીમાં જવું તેમને ગમતું. આર્કિયોલૉજિકલ સર્વે પણ વાંચતા. પુસ્તકો ખરીદવાની શરૂઆત પણ ત્યારથી જ કરી હતી. શાળામાં જતા, પણ ગણિત અને વિજ્ઞાનમાં રસ પડતો નહીં એટલે એમાં નાપાસ થતા. છેવટે નક્કી કર્યું કે હવે ભણવું નથી. એ જમાનામાં કમાવા માટે ડિગ્રીની જરૂર નહોતી. પિતાજી દર મહિને એક ફિલ્મની ટિકિટ લઈ આપતા એ જોવાની, કારણ કે હિન્દી ભાષા આવડે. એ સિવાય ફિલ્મ વિશે ત્યારે કોઈ સભાનતા નહીં. ધંધામાં નુકસાન જવાને કારણે વેપાર પડી ભાંગ્યો અને પિતાજી પણ અવસાન પામતાં તેમણે કમાવા માટે એક્સપોર્ટ-ઇમ્પોર્ટની પેઢીમાં નોકરી કરી. એ દરમિયાન પણ વાંચવાનું અને કામ અંગે જે શહેરમાં જાય ત્યાં મ્યુઝિયમમાં અભ્યાસ માટે જવાનું ચાલુ રહ્યું.
ફક્ત વાંચીને તેમણે જે જ્ઞાન મેળવ્યું એને કારણે પીએચ.ડી.નો અભ્યાસ કરનાર આર્કિયોલૉજિસ્ટોના સલાહકાર તરીકે કામ મેળવ્યું એટલે તેમણે નોકરી છોડી દીધી હતી. આમ પણ તેમને રિસર્ચના કામમાં જેટલો રસ પડતો હતો એટલો અન્ય કામમાં નહોતો. તેમના અભ્યાસ અને વાંચનને કારણે જાણીતા ફિલ્મસર્જક સત્યજિત રે, સેનાકે બંડારનાયક શ્રીલંકન (આર્કિયોલૉજિસ્ટ, હિસ્ટોરિયન તેમ જ ભારતના ભૂતપૂર્વ શ્રીલંકન હાઈ કમિશનર), જ્યોતીન્દ્ર જૈન (ઇન્ડિયન આર્ટ અને કલ્ચરલ હિસ્ટોરિયન, મ્યુઝિયોલૉજિસ્ટ) તેમના ખાસ મિત્રો બન્યા. પછી તો એવા જ મિત્રો બનતા જે વાંચતા હોય અને રિસર્ચ કરતા હોય. તેમને જે વિષયમાં રસ પડે એમાં વાંચવાનું શરૂ કરે. ૧૯૬૫થી હજી બે-ચાર વરસ પહેલાં સુધી એશિયાટિક લાઇબ્રેરીમાં તેઓ આખો દિવસ વિતાવતા. વીરચંદભાઈને મળવું હોય કે સંપર્ક કરવો હોય તો મિત્રો એશિયાટિક લાઇબ્રેરીમાં પહોંચી જતા. પુસ્તકો તેમનો પહેલો પ્રેમ છે એ તેમનાં પત્ની નવલબહેને સ્વીકારી લીધું હતું. કોઈ ફરિયાદ વિના તેમણે ઘર સંભાળ્યું, બાળકો ઉછેર્યાં અને સુખદુખે વીરચંદભાઈને સાથ આપ્યો.
ભારતના પ્રથમ આર્કિયોલૉજિસ્ટ ભગવાનલાલ ઇન્દ્રજી પરનું તેમનું પુસ્તક માઇલસ્ટોન કહી શકાય.
આર્કિયોલૉજી અને ઍન્થ્રોપોલૉજીના એન્સાઇક્લોપીડિયા જેવા વીરચંદભાઈ હવે સાઇલન્ટ ફિલ્મોના પણ એન્સાઇક્લોપીડિયા બની ગયા છે એવું કહીએ તો અતિશયોક્તિ ન ગણાય. તેમને એ જ અફસોસ હતો કે તેમણે જેટલું વાંચ્યું એટલું લખ્યું નહીં. તેઓ કહે છે કે હું જે રીતે વાત કરી શકું છું એટલી રસાળ રીતે લખી નથી શકતો એવી ગ્રંથિને કારણે લખ્યું નહીં. એટલે બીજાઓએ લખ્યું હોય એમાં મારું ઇનપુટ હોય અને ક્યારેક એમાં મારા નામની નોંધ લેવાય તો ક્યારેક ન પણ લેવાય. સાઇલન્ટ ફિલ્મ વિશે કોઈ ઠોસ માહિતી નથી એટલે મેં એની ફિલ્મોગ્રાફી કરવાનું શરૂ કર્યું. જોકે ત્યાં સુધીમાં એ એરાના માણસો રહ્યા નહીં. કશું નોંધાયું નહોતું એટલે માટી ખોદીને શહેર શોધવા જેટલું કામ અઘરું થયું. વળી હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો માણસ નહીં એટલે મદદ પણ સહેલાઈથી ન મળે.
એમ છતાં જ્યાં-જ્યાંથી માહિતી મળી એ ચકાસતાં-ચકાસતાં આજે તેમની પાસે મૂંગી ફિલ્મો વિશેની અપ્રગટ માહિતીનો ભંડાર એકત્રિત થયો છે. ફિલ્મો અને ખાસ કરીને મૂંગી ફિલ્મો વિશે જે કોઈએ માહિતી જોઈતી હોય તેણે વીરચંદભાઈ પાસે ગયા વગર છૂટકો નથી. આવી યોગ્ય વ્યક્તિનું સન્માન એકંદરે ખંત અને મહેનતનું સન્માન છે. વીરચંદભાઈને અનેક અભિનંદન.
- દિવ્યાશા દોશી