Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એન્વાયર્નમેન્ટની સુરક્ષા માટે ઍક્શનમાં છો કે ઍન્ગ્ઝાયટીમાં?

એન્વાયર્નમેન્ટની સુરક્ષા માટે ઍક્શનમાં છો કે ઍન્ગ્ઝાયટીમાં?

Published : 10 March, 2023 04:10 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

તેમને લાગે છે કે બીજાની બેદરકારીથી તેમનું ભવિષ્ય અનિશ્ચિત છે. નવી પેઢી કેમ આવું ફીલ કરે છે એનાં કારણોની ખણખોદ કરીએ

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર


અભ્યાસ કહે છે કે પર્યાવરણ, હવામાન પરિવર્તન, સ્વચ્છતા પ્રત્યે જાગૃત યુવાપેઢી અંદરખાને છૂપા ભયથી પીડાય છે. એ માટે ઇકો-ઍન્ગ્ઝાયટી શબ્દ આજકાલ ખૂબ ચર્ચામાં છે. તેમને લાગે છે કે બીજાની બેદરકારીથી તેમનું ભવિષ્ય અનિશ્ચિત છે. નવી પેઢી કેમ આવું ફીલ કરે છે એનાં કારણોની ખણખોદ કરીએ


ગાયના દૂધ પર વાછરડાનો હક છે તેથી ઘરમાં દૂધ વાપરવા પર પ્રતિબંધ, પર્યાવરણના સંરક્ષણ માટે ફટાકડા નહીં ફોડવાના, વીજળી બચાવવા લાઇટ-પંખા બંધ કરી દેવા વગેરે. જે વાચકોએ ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ જોઈ હશે તેમણે યશ સોનીની બહેનનું પાત્ર ભજવતી તર્જની ભાડલા બબલીની આવી રમૂજી વૃત્તિને ખૂબ એન્જૉય કરી હશે. ફિલ્મમાં તેને પર્યાવરણપ્રેમી બતાવવામાં આવી છે. જોકે એની પાછળનો હેતુ ઘરની આર્થિક પરિસ્થિતિ હોવાનો પાછળથી ફોડ પાડવામાં આવે છે. રીલ લાઇફને બાજુ પર મૂકીને રિયલ લાઇફની વાત કરીએ તો આપણી આસપાસ તર્જની જેવાં ઘણાંબધાં પાત્રો પર્યાવરણના સંરક્ષણને લઈને ગંભીર છે. વાતાવરણને સ્વચ્છ રાખવા અને પર્યાવરણને બચાવવા દરેક નાગરિકે પોતાનો સો ટકા નહીં પણ બસો ટકા ફાળો આપવાનો છે. જોકે અતિ સર્વત્ર વર્જયેત. પર્યાવરણ, સ્વચ્છતા, ક્લાઇમેટ ચેન્જ વગેરેની અતિશય ચિંતા ઍન્ગ્ઝાયટી તરફ દોરી શકે એવું એક સંશોધનમાં જાણવા 
મળ્યું છે.  



અભ્યાસ શું કહે છે?


યુવાપેઢી તેમના પેરન્ટ્સ કરતાં જુદા જ પ્રકારની ચિંતા કરતી હોવાનું અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મ‍ળ્યું છે. બૉસ્ટન સફોક યુનિવર્સિટીના મનોવિજ્ઞાનનાં પ્રોફેસર ડૉ. સારાહ શ્વાર્ટ્ઝના માર્ગદર્શનમાં ૨૫ વર્ષથી નીચેની વયના વિશ્વભરના આશરે ૧૦ હજાર યુવાનોને ક્લાઇમેટ ચેન્જ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી ૬૨ ટકા યુવાનોએ પર્યાવરણ અને હવામાન પરિવર્તનથી ભયભીત હોવાની કબૂલાત કરી હતી. યુવાપેઢીનું કહેવું હતું કે પર્યાવરણ સંરક્ષણ માટે લોકોની બેદરકારી જોઈને તેઓ ઉદાસ થઈ જાય છે. પર્યાવરણની વધુપડતી ચિંતા વ્યક્તિને માનસિક રોગનો શિકાર બનાવે છે એવું તારણ નીકળ્યું હતું. વર્ષ ૨૦૧૮માં સંયુક્ત રાષ્ટ્રના જલવાયુ પરિવર્તન સંદર્ભે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ૨૦૩૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં ૪૫ ટકાના ઘટાડા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો આમ નહીં થાય તો અનેક દેશોમાં ભૂખમરો અને દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

મનોવૈજ્ઞાનિકો આ રિપોર્ટને પણ ઍન્ગ્ઝાયટી સાથે જોડી રહ્યા છે. શું પર્યાવરણની ચિંતા તેમ જ સ્વચ્છતા માટેનો અતિ આગ્રહ માનસિક રોગનું કારણ બની શકે? 


યુવાપેઢી કેમ પ્રભાવિત?

ઉપરોક્ત ​અભ્યાસ વિશે માહિતી આપતાં મીરા રોડની વૉક્હાર્ટ હૉસ્પિટલનાં મનોચિકિત્સક ડૉ. સોનલ આનંદ કહે છે, ‘ઇકોલૉજિકલ આપત્તિ અથવા પર્યાવરણીય નુકસાનના ભયને ઇકો-ઍન્ગ્ઝાયટી તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન અને ભવિષ્યમાં પર્યાવરણની સ્થિતિ તેમ જ માનવસર્જિત ક્લાઇમેટ ચેન્જ (ગ્લોબલ વૉર્મિંગ) ચિંતાની લાગણીનાં મુખ્ય કારણો છે. આજીવિકા અને આવાસની અછત, પ્રદૂષણ તેમ જ હવામાન પરિવર્તનની ઘટનાઓના જોખમ વિશે જાગૃતિ અને લાચારી ભય ઉત્પન્ન કરે છે. યુવાનો વધારે પ્રભાવિત થયા છે; કારણ કે તેઓ મનોવૈજ્ઞાનિક, સામાજિક અને શારીરિક રીતે વિકાસ કરી રહ્યા છે. તેમને લાગે છે કે આ જ પરિસ્થિતિ રહી તો તેમનું કોઈ ભવિષ્ય નથી. સરકારે અને પુખ્ત વયના લોકોએ તેમને છેતર્યા હોવાની માન્યતા પ્રબળ બનતી જાય છે. રાજકારણીઓની નિષ્ક્રિયતાથી યુવાપેઢી પરેશાન છે. દુનિયાભરના લાખો યુવાનોનો દાવો છે કે વર્તમાન વાતાવરણની તેમની ભાવનાત્મક અને શારીરિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો થવાની છે.’

 આજીવિકા અને આવાસની અછત, પ્રદૂષણ તેમ જ હવામાન પરિવર્તનની ઘટનાઓના જોખમ વિશે જાગૃતિ અને લાચારીના કારણે યુવાનો વધારે પ્રભાવિત થયા છે. મનોવૈજ્ઞાનિક, સામાજિક અને શારીરિક રીતે વિકાસ કરી રહેલી યુવાપેઢીને લાગે છે કે આ જ પરિસ્થિતિ રહી તો તેમનું કોઈ ભવિષ્ય નથી. - ડૉ. સોનલ આનંદ

આ પણ વાંચો: હેલા ધોરણમાં પ્રવેશ માટે છ વર્ષની ઉંમર જ કેમ?

લક્ષણો અને ઉપાય

ઇકો-ઍન્ગ્ઝાયટીનાં લક્ષણો વિશે જણાવતાં ડૉ. સોનલ આનંદ કહે છે, ‘અસ્વચ્છ વાતાવરણમાં ગૂંગળામણ થવી, બીમાર થઈ જવાનો ડર લાગવો, સમાચારો વાંચીને ઊંઘ ન આવવી, લોકોની બેદરકારી જોઈને હતાશા થવી અથવા ગુસ્સો આવવો, નકારાત્મક વિચારો આવવા વગેરે પ્રાથમિક લક્ષણો છે. મજાની વાત એ કે આ રોગનું મારણ પર્યાવરણ સંબંધિત પ્રવૃત્તિ જ છે. કેટલાક અભ્યાસ મુજબ, અનપ્લગ્ડ આઉટડોર વૉક લેવાથી અથવા પર્યાવરણ આધારિત ધ્યાન કરવાથી ઇકો-ઍન્ગ્ઝાયટી ધરાવતા લોકોને મદદ મળી શકે છે. બાગકામ અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓમાં જોડાવાથી ભય ઓછો થાય છે. પેરન્ટ્સે પણ સંતાનોને સમજાવવું જોઈએ કે બીજા શું કરે છે એની ચિંતા કરવા કરતાં તમે જે કરો છો એ યોગ્ય છે.’

જીતીશ નહીં ત્યાં સુધી જંપીશ નહીં

પર્યાવરણની સુરક્ષા એક એવો જંગ છે જેનો દુનિયાભરના લોકો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને યુવાનો વધારે ચિંતિત છે, કારણ કે તેમને ડિસિપ્લિન્ડ લાઇફ પસંદ છે. આવો મત વ્યક્ત કરતાં વિરારમાં રહેતી અને જૉબ કરતી ૨૨ વર્ષની પાયલ પરમાર કહે છે, ‘પ્રદૂષણ અને ગંદકી આ બન્ને એવી વિકરાળ સમસ્યા છે કે એને સમયસર ડામવામાં નહીં આવે તો આવનારી પેઢીને ઘણું ભોગવવું પડશે. વૃક્ષો બચાવો અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખો. આ બે સરળ કામ કરવામાં પણ લોકોને જોર પડે ત્યારે ગુસ્સો આવે. એક વાર રસ્તામાં એક જણને સૉફ્ટ ડ્રિન્ક પીધા પછી બૉટલ ફેંકતાં જોઈને તરત અટકાવીને ધમકાવ્યો કે સામે ડસ્ટબિન પડેલું દેખાતું નથી? કચરાપેટી ચાર ડગલાં દૂર હતી તોય ન માન્યો એટલે ખૂન્નસ ચડ્યું. જોકે એની સાથે જીભાજોડી કરવામાં સાર નથી એવું સમજીને મેં જાતે જ બૉટલ ઉપાડી લીધી. આવું થાય ત્યારે મગજમાં એ વાત સતત ટકટક કરે. એવું નથી કે મોટા લોકો જ કચરો ફેંકે છે. યુવાનોમાં પણ હજી જોઈએ એવી જાગરૂકતા આવી નથી. પર્યાવરણ બગડે એટલે હવામાન પરિવર્તન થાય. કચરો ફેંકો એટલે રોગચાળો ફેલાય. આ સાદી સમજણ છે. આગામી પેઢીના સ્વાસ્થ્ય માટેની આ ચળવળ હું જીતીશ નહીં ત્યાં સુધી જંપીને બેસવાની નથી.’ 

અવેરનેસ છે એટલે ચિંતા થાય છે

બોરીવલી ઈસ્ટમાં આવેલી શેઠ ગોપાલજી હેમરાજ હાઈ સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો વંશ પરમાર મોદીજીના સ્વચ્છતા અભિયાનથી ખાસ્સો પ્રભાવિત છે. પ્લાસ્ટિકની ચીજવસ્તુના ઉપયોગનો પણ તે વિરોધ કરે છે. પર્યાવરણના સંરક્ષણ વિશે સભાનતા ધરાવતો વંશ કહે છે, ‘સ્કૂલના શિક્ષકો અને માતા-પિતા પાસેથી સ્વચ્છતાનો ગુણ શીખ્યો છું. સરકારી ધોરણે થઈ રહેલા પ્રયાસો પણ કાબિલેદાદ છે. આપણે જોઈએ છીએ કે ગંદકીના કારણે અનેક બીમારી થાય છે. સભાનતા આવી ત્યારથી ગમે ત્યાં કચરો ફેંકે એવા લોકો પ્રત્યે અણગમો થાય છે. પહેલાં તો તેમને કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખી આવવાની વિનંતી કરું. મોટા ભાગે લોકો ક્ષોભ અનુભવે અને ઉપાડી લે છે. જો ન માને તો જાતે ઉપાડીને કચરાપેટીમાં નાખી આવું. હમણાં ધુળેટીના દિવસે પ્લાસ્ટિકની બૉટલો એકઠી કરી હતી. સ્વચ્છતાનો આગ્રહી છું, પરંતુ આ બાબતને લઈને લોકો સાથે ઝઘડો નથી કરતો. અમારી પેઢીને ચિંતા સતાવે છે; કારણ કે પ્રદૂષણ, પર્યાવરણનું નિકંદન અને હવામાન પરિવર્તનનાં કેવાં નકારાત્મક પરિણામો આવી શકે છે એનાથી સભાન છીએ. અગાઉ લોકોને નૉલેજ ઓછું હતું તેથી ચિંતામુક્ત રહી શકતા હતા, જ્યારે અમારી જનરેશનમાં અવેરનેસ છે એટલે થોડો ભય લાગે. જોકે આ ચિંતા ઍન્ગ્ઝાયટી લેવલ સુધી દોરી જાય એવું મને નથી લાગતું. જેમ-જેમ સભાનતા વધશે એમ ભવિષ્ય ઉજ્જવળ થવાનું છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2023 04:10 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK