આ છે યુવા ભારતનું વિઝન. પગભર થતાંની સાથે જ એસઆઇપી, પોતાનું ઘર અને રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા થયેલા યુવાનોના ફાઇનૅન્સ ફન્ડા સમજવા જેવા છે
માઇન્ડ યૉર મની
પ્રતીકાત્મક તસવીર
દુનિયાના સૌથી સફળ રોકાણકારોમાં જેમની ગણના થાય છે એ વૉરન બફેટે તેમનું પ્રથમ રોકાણ માત્ર ૧૧ વર્ષની ઉંમરે કર્યું હતું. ૧૪ વર્ષની એજમાં તેઓ એક ફાર્મના માલિક બની ગયા હતા. એમ છતાં એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે રોકાણ માટે તેઓ મોડા પડ્યા. વૉરેન બફેટનાં મની લેસન યુવાનો માટે પ્રેરણાનો સ્રોત છે. નાણાકીય સ્વતંત્રતા પાયાની જરૂરિયાત છે એવી સમજણ ધરાવતી નવી જનરેશન પગભર થતાંની સાથે જ ઇન્વેસ્ટમેન્ટ, હોમ અને રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતી થઈ ગઈ છે. ભારતની યુવાપેઢી પણ વિશ્વના ટોચના ધનિકોના મની મૅનેજમેન્ટના ફન્ડાથી ખાસ્સી પ્રભાવિત છે. જોશ અને જુસ્સાથી ભરપૂર ભારતનો યુવા ફર્સ્ટ સૅલેરીથી જ આ દિશામાં વિચારવાનું શરૂ કરી દે છે એવો એક સર્વે સામે આવ્યો છે ત્યારે જાણીએ આજની યંગ પેઢી પોતાના લૉન્ગ ટર્મ ફાઇનૅન્સ પ્લાનિંગ માટે શું કરે છે એ.
સ્ટેપ બાય સ્ટેપ
ADVERTISEMENT
મીત દેસાઈ
યુવાનોને હરવાફરવા અને મોજમસ્તી માટે જ ફ્રીડમ જોઈએ છે એવી ધારણા ખોટી છે. અમારી નજરમાં ઇન્ડિપેન્ડન્સની જુદી વ્યાખ્યા છે. બારમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આત્મનિર્ભર બની ગયેલો વિરારનો ૨૩ વર્ષનો મીત દેસાઈ કહે છે, ‘અમારી જનરેશનને પોતાની કમાણીમાંથી સપનાંઓ પૂરાં કરવાં છે. એક્સપોઝર વધારે મળતું હોવાથી વિચારશક્તિ ખીલી છે. મારા ફાઇનૅન્શિયલ ગોલ્સ એકદમ ક્લિયર છે. પહેલું લક્ષ્ય સ્કૂટર લેવાનું હતું. રિયલ એસ્ટેટ સેક્ટરમાં જૉબ લાગતાં જ સ્કૂટર લેવા માટે સેવિંગ સ્ટાર્ટ કરી દીધું. ટૂંકા ગાળામાં લઈ પણ લીધું. સેકન્ડ ટાર્ગેટ છે પોતાનો ફ્લૅટ લેવો. ત્યાર બાદ જૉબ છોડીને કન્સ્ટ્રક્શન લાઇનમાં પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવો છે. એસઆઇપી અને પોસ્ટ ઑફિસમાં રિકરિંગ અકાઉન્ટમાં લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ પણ શરૂ કરી દીધું છે. જોકે રિટાયરમેન્ટ પ્લાનિંગને હજી વાર છે. અત્યારે તો એક પછી એક ટાર્ગેટ અચીવ કરવાની દિશામાં આગળ વધી રહ્યો છું. મારા મામાની લાઇફથી હું ઘણો ઇન્સ્પાયર થયો છું. તેઓ સેલ્ફમેડ પર્સનાલિટી છે. ટીનેજથી તેમના માર્ગદર્શનમાં નાણાકીય સ્વતંત્રતાના જે પાઠ શીખી રહ્યો છું એનાથી ભવિષ્યમાં આર્થિક રીતે વધુ સ્વતંત્ર બનીશ.’
મલ્ટિપલ ગોલ્સ છે
ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર બાય બેન્જામિન ગ્રેહામ, રોબર્ટ કિયોસાકી લિખિત રિચ ડૅડ પુઅર ડૅડ, મૉર્ગન હાઉસેલની ધ સાઇકોલૉજી ઑફ મની, વન અપ ઑન વૉલસ્ટ્રીટ બાય પીટર લિંચ જેવાં પુસ્તકો તેમ જ પપ્પાના મિત્રોની લાઇફસ્ટોરીઝ પ્રેરણાના સ્રોત છે એવી જાણકારી આપતાં નરીમાન પૉઇન્ટનો ૨૫ વર્ષનો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પ્રતિશ ખાટા કહે છે, ‘આર્ટિકલશિપ દરમિયાન મળતા માત્ર ચાર હજારના બેઝિક સ્ટાઇપેન્ડ અમાઉન્ટમાંથી સ્ટૉક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. લૉન્ગ ટર્મમાં કમ્પાઉન્ડિંગની ગેમ બને છે એમ જણાતાં ઘણાંબધાં પુસ્તકો ફંફોળ્યાં. ફૅમિલી- ફ્રેન્ડ્સની સ્ટોરીઝમાંથી ઘણું શીખવા મળ્યું. ફૉરેન ટૂર માટે પણ મસ્ત પ્લાનિંગ કર્યું છે. મ્યુચ્યુઅલ ફન્ડમાં એટલું ઇન્વેસ્ટમેન્ટ કરું છું કે પ્રિન્સિપલ અમાઉન્ટને ટચ કર્યા વિના પ્રૉફિટમાંથી ફૉરેન ફરી શકું. પેરન્ટ્સ પાસેથી પૈસા લીધા વગર હાયર સ્ટડીઝ, હરવુંફરવું, બિગ ફૅટ વેડિંગ જેવા મલ્ટિપલ ગોલ્સ પૂરા કરવા છે. સૅલેરીમાંથી સેવિંગની રકમ સાઇડમાં કરવાની અને પછી ખર્ચા કરવાના. વાસ્તવમાં પેરન્ટ્સનો અને અમારી જનરેશનનો માઇન્ડસેટ જુદો છે. મિડલ એજ પછી કામ કરવાની ઇચ્છા હોયને કરો એ જુદી વાત છે પણ પેરન્ટ્સની જેમ ફરજિયાત ન કરવું પડે એવું પ્લાનિંગ હોવું જોઈએ. ૪૫ વર્ષની એજમાં દુનિયા એક્સપ્લોર કરીને સેટલ થઈ જવું છે.’
આ પણ વાંચો: જોઈ લો આ બહેનનો પિછવાઈ પ્રેમ તેમને ક્યાં લઈ ગયો
પેરન્ટ્સ પાસેથી પૈસા લીધા વગર હાયર સ્ટડીઝ, હરવુંફરવું, બિગ ફૅટ વેડિંગ જેવા મલ્ટિપલ ગોલ્સ અચીવ કરવા હોય તો સૅલેરીમાંથી સેવિંગની રકમ સાઇડમાં રાખીને પછી ખર્ચા કરવાના.
પ્રતિશ ખાટા
ધીમી ઉડાન વધુ ઊંચે લઈ જશે
ભાવિક જાટકિયા
જૉબના પહેલા જ વર્ષથી દર મહિને ૧૦૦૦ રૂપિયાનો એસઆઇપી સ્ટાર્ટ કરી દીધો હતો. જેમ-જેમ સૅલેરી ઇન્ક્રીમેન્ટ થતો ગયો એમ એસઆઇપી અને એલઆઇસીમાં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું જેથી ભવિષ્યમાં લોનના ચક્કરમાં પડવું ન પડે. ડાયમન્ડ માર્કેટમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતો બાંદરાનો ભાવિક જાટકિયા આવી સમજદારીભરી વાત કરતાં જણાવે છે, ‘એસઆઇપી તમને ૨-૫ વર્ષે નહીં પણ ૧૦-૧૫ વર્ષે સારો ફાયદો અપાવે છે. મન્થલી સેવિંગના હિસાબે ઇન્કમ-ટૅક્સ રિટર્નમાં પણ બેનિફિટ થાય. મારા મતે મહિને ૧૦-૧૨ હજારનો એસઆઇપી રાખવો જ જોઈએ. તમે ૨૮ વર્ષના છો અને ૧૫ વર્ષ પૈસા ભરો તો ૯ લાખના ૪૫-૫૦ લાખ રૂપિયા થશે. ૪૩ વર્ષની ઉંમરમાં તમારી પાસે સારીએવી મૂડી હશે. આજકાલ વિદેશની જેમ આપણા દેશમાં પણ ઘણા ટીનેજમાં પગભર થઈ જાય છે. તેઓ હજી વધારે સારું પ્લાનિંગ કરી શકે. એસઆઇપીની સાથે બોનસનો લાભ મળે એવા એલઆઇસીના ગૅરન્ટેડ પ્લાન પણ મને ઍટ્રૅક્ટ કરે છે. મારી પ્રેરણાનો સ્રોત કોઈ મહાન વ્યક્તિ નહીં, આસપાસના લોકો છે. ભણવામાં આવતું કે ટીપે-ટીપે સરોવર ભરાય એવી જ રીતે ધીમે-ધીમે ભરેલી ઉડાન વધુ ઊંચે લઈ જાય છે.’
સેકન્ડ હોમ ઇન લાઇન
આઇટી સેક્ટરમાં કામ કરતો મીરા રોડનો મંથન દુબલ જીજાજીના માર્ગદર્શનમાં મની મૅનેજમેન્ટના પાઠ શીખ્યો છે. ૨૭ વર્ષની ઉંમરમાં પોતાનું ઘર લેવાનું સપનું સાકાર કરવામાં સફળતા મેળવનારો આ યુવાન ઉત્સાહ સાથે કહે છે, ‘પેરન્ટ્સની વિચારધારા અને સપનાંઓ જુદાં હતાં. તેમનું ઇન્વેસ્ટમેન્ટ બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ અને એલઆઇસી સુધી મર્યાદિત હતું. અલગ-અલગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી મની મલ્ટિપલ થાય એવું માર્ગદર્શન આપનારું કોઈ નહોતું તેથી તેઓ સારું રિટર્ન મેળવી ન શક્યા. વાસ્તવમાં તેઓ બૅન્કની બચતમાં જ ખુશ રહેતા. અમારા ગોલ્સ ઊંચા હોવાથી પ્રૉપર ફાઇનૅન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. મેં થર્ડ સૅલેરીથી લાંબા ગાળાનો એસઆઇપી સ્ટાર્ટ કર્યો છે. જૉબ સ્ટાર્ટ કર્યાનાં છ વર્ષમાં મીરા રોડમાં પોતાનો ફ્લૅટ લેવાનો ટાર્ગેટ સરળતાથી અચીવ થઈ ગયો. હવે મુંબઈની બહાર સેકન્ડ હોમ લેવાનું પ્લાનિંગ છે. એ માટે કેટલો અમાઉન્ટ જોઈશે એનું કૅલ્ક્યુલેશન અને રિસર્ચ કરીને ઇન્વેસ્ટમેન્ટ તેમ જ સેવિંગ શરૂ કરી દીધું છે.’
વૉરેન બફેટની ટિપ્સ
નિયમ નંબર ૧, ક્યારેય પૈસા ગુમાવવા નહીં.
નિયમ નંબર ૨, ક્યારેય નિયમ ૧ને ભૂલવો નહીં.
તમારો હોલ્ડિંગ ગાળો લાઇફટાઇમનો હોવો જોઈએ.
રિસર્ચ વિના રોકાણ ન કરવું.
આપણે ચૂકવીએ છીએ એ કિંમત છે અને જે મેળવીએ છીએ એ મૂલ્ય છે.
સમજણ ન પડે એવા વ્યવસાયમાં પૈસા ન નાખવા.