આવું અમે નહીં, સંશોધકો કહે છે. એક અભ્યાસ મુજબ ઘરકામમાં મદદ કરતો પતિ જો વાસણ ધોવામાં મદદ કરે તો પત્ની વધુ ખુશી અનુભવતી હોય છે, પરંતુ મોટા ભાગના પુરુષોને ક્લીનિંગ કરવું પસંદ નથી. આ રિસર્ચમાં કેટલો દમ છે એ જોઈએ
સંબંધોનાં સમીકરણ
પ્રતીકાત્મક તસવીર
ઘરકામમાં મદદરૂપ થવાની બાબતમાં ભારતીય પુરુષો વિશ્વના અન્ય પુરુષો કરતાં ઘણા પાછળ છે એવું અત્યાર સુધી માનવામાં આવતું હતું, પણ વર્કિંગ વિમેનની વધતી સંખ્યા અને
પૅન્ડેમિક બાદ પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે. આજે અનેક પુરુષો પત્નીને ઘરકામમાં હોંશે-હોંશે મદદ કરવા લાગ્યા છે. જોકે કિચનમાં વાસણ માંજવાની વાત આવે ત્યારે પુરુષોને કંટાળો આવે ખરો. જો તમને પણ ક્યારેક વાસણ માંજવા પડે ત્યારે કંટાળો આવતો હોય તો આજે તમારા કામની વાત કરવી છે. એક અભ્યાસ મુજબ હાઉસહોલ્ડ ઍક્ટિવિટીમાં હેલ્પફુલ હસબન્ડ જો ડિશ-વૉશિંગમાં હેલ્પ કરે તો વાઇફ વધુ ખુશી અનુભવતી હોય છે એવું બહાર આવ્યું છે. જોકે પુરુષોને આ કામ કરવું પસંદ નથી એવું પણ એમાં કહેવાયું છે. આજે રસોઈ બનાવવામાં અનેક પુરુષોને ઇન્ટરેસ્ટ પડ્યો છે પણ વાસણ માંજવાનું કે કિચન ક્લીનિંગનું કામ કરવાની મોટા ભાગે તેઓ ના પાડે છે. પણ જો પત્નીના દિલમાં સ્થાન મેળવવું હોય તો ક્યારેક વાસણ માંજી આપવાથી પણ કામ બની શકે છે એવું આ રિસર્ચ કહે છે ત્યારે આ સંદર્ભે પુરુષોનું શું કહેવું છે એ જોઈએ.
નો ક્લીનિંગ પ્લીઝ
ADVERTISEMENT
મુલુંડના દિનેશ રાજગોર રસોઈ બનાવવામાં માહેર છે પણ વાસણ ઘસી આપવાની વાત નહીં કરવાની. અમુક કામ પુરુષોને ફાવતાં નથી તો અમુક કામ કરવાનું જાણી જોઈને ટાળે છે એવો મિશ્ર પ્રતિભાવ વ્યક્ત કરતાં તેઓ કહે છે, ‘ઘરમાં બધાને મારા હાથનાં દાળ-શાક બહુ ભાવે. નિત નવી વાનગી ટ્રાય કરીએ તો સ્વાભાવિક છે પથારો થવાનો અને વાસણ પણ વધુ નીકળે. ઢગલો વાસણ જોઈને શિલ્પા સાથે ક્યારેક રકઝક થાય ખરી. બનાવો થોડું ને બગાડો ઝાઝું એવું બોલે. વાસ્તવમાં પુરુષોને ઝાડુ-પોતાં મારવાં, બહારથી ચીજવસ્તુ લાવી આપવી જેવાં કામ કરવામાં તકલીફ નથી થતી પરંતુ વાસણ ઘસવાં કે પ્લૅટફૉર્મ સાફ કરવું થોડું અઘરું લાગે છે. કદાચ કરવા જાય તો કામમાં પત્ની જેટલી ચીવટતા અને સ્વચ્છતા જોવા ન મળે. વાસણ ગમે એટલાં ચમકાવો તોય તેને ચીકાશ રહી ગઈ છે એવું લાગે. આ એવું કામ છે જેમાં પત્નીને બીજા કરી આપે એ નથી ફાવતું. જોકે કરી આપો તો ચહેરા પર રોનક આવી જાય. બીજું એ કે આપણા સમાજમાં વાસણ માંજવાની પ્રક્રિયાને સ્ત્રીઓ સાથે એવી રીતે જોડી દેવામાં આવી છે કે પુરુષોને કરવું પડે તો ઈગો હર્ટ થાય છે. હવે આ કામ કરવાનું બાકી રહી ગયું હતું, અંદરખાને એવો એહસાસ થયા વગર ન રહે. મારા મતે મોટા ભાગના પુરુષો પત્નીના વાંધાવચકાથી બચવા વાસણ માંજવાનું ટાળતા હોય છે તો કેટલાકને ક્લીનિંગ પ્રત્યે અણગમો હોવો જોઈએ.’
દિનેશ રાજગોર પત્ની શિલ્પા સાથે.
રસોઈ બનાવવી, ઝાડુ-પોતાં કરવાં, બહારથી ચીજવસ્તુ લાવી આપવી વગેરે કામ કરવામાં પુરુષોને તકલીફ નથી થતી પરંતુ વાસણ ઘસવાં અઘરું છે. કદાચ કરવા જાય તો પત્નીના હાથ જેવી સ્વચ્છતા જોવા ન મળે. વાસણ ગમે એટલાં ચમકાવો તોય તેને ચીકાશ રહી ગઈ છે એવું લાગે. જોકે કરી આપો તો ગમે ખરું : દિનેશ રાજગોર
પત્નીને જ નથી ગમવાનું
કુશાલ મોમાયા પત્ની મુક્તિ સાથે.
દરેક પુરુષે જમાના પ્રમાણે પોતાના કામકાજનાં ક્ષેત્રો વિસ્તારવાં પડે છે. આ કામ પતિનું અને ફલાણું કામ પત્નીનું છે એવા જૂના નિયમો હવે ચાલવાના નથી. જરૂર પડે તો ડિશ ક્લીનિંગ પણ કરવું પડે એવો સ્પષ્ટ જવાબ આપતાં વસઈના કુશલ મોમાયા કહે છે, ‘વાઇફ વર્કિંગ હોય ત્યારે મૅરિડ લાઇફને બૅલૅન્સ કરવા બન્નેએ તમામ પ્રકારના કામમાં એકબીજાને મદદરૂપ થવું પડે છે. મારી વાઇફ મુક્તિ હોમ ટ્યુટર હોવાથી એ પણ ઘણી વ્યસ્ત રહે છે. જોકે મૅગી, ભેળપૂરી, સૅન્ડવિચ કે ચા બનાવવી અને વાસણ ઘસવાં જુદી વાત છે. જરૂર પડે રસોડું સંભાળી લેનારા પુરુષોને કિચન ક્લીનિંગમાં રસ નથી પડતો એનું મુખ્ય કારણ છે મહિલાઓનો સ્વભાવ. પુરુષ ગમે એટલું સારું કામ કરીને આપશે, પત્નીને એમાં કચાશ દેખાવાની જ. પતિદેવની ભૂલ શોધવી એ પત્નીની ટૅલન્ટ છે. એક દાખલો આપું. એક વાર વાસણ ઘસીને પછી લૂછીને ગોઠવી આપ્યાં. બધાં વાસણ વ્યવસ્થિત જગ્યાએ ગોઠવ્યાં પણ ચાની ગળણી આડીઅવળી મુકાઈ ગઈ. સવારે પાંચ વાગ્યે ગરણી ન મળી એમાં બબાલ થઈ. ડે ટુ ડે લાઇફમાં યુઝફુલ વાસણો સમયસર મળે નહીં તો પત્નીને સો ટકા વાંધો પડવાનો. આ ઘર-ઘરની કહાણી છે. વાસણ ઘસવાં ખરેખર ટાસ્ક છે અને એમાં મોટા ભાગના પુરુષો નિષ્ફળ જાય છે. રસોડાનાં કેટલાંક કામો એવાં છે જેમાં પત્નીને પોતાપણું બતાવવું હોય. પુરુષમાં અમુક બાબતે ઈગો હોય એમ પત્નીને પણ જતાવવું હોય કે મારા વગર આ કામ થવાનું નથી.’
રાજીપો દેખાય નહીં
પ્રવીણ પટેલ પત્ની વિજયા સાથે.
આપણા દેશના કલ્ચર પ્રમાણે ભારતીય પુરુષો કામધંધા પર વધુ ધ્યાન આપે છે. પુરુષ કમાવા જાય અને સ્ત્રી રસોડું સંભાળે એવી સામાજિક વ્યવસ્થાના કારણે અમારી પેઢીને ઘરનાં કામકાજ કરવાનો વારો આવ્યો નથી, પરંતુ સંજોગોને આધીન કરવાં પડે તો તેઓ નાનપ નથી અનુભવતા એવો મત વ્યક્ત કરતાં બોરીવલીના સિનિયર સિટિઝન પ્રવીણ પટેલ કહે છે, ‘અમને ત્રણ પરણેલી દીકરીઓ છે. ઘરમાં બે નિવૃત્ત વ્યક્તિ રહેતી હોય ત્યારે એકબીજાને દરેક કામમાં મદદરૂપ થયા વિના ચાલવાનું નથી. અગાઉ કોઈક વાર મદદ કરતો હતો. પત્ની વિજયાનું ની રિપ્લેસમેન્ટનું ઑપરેશન થયા બાદ ઘરકામમાં વધુ રસ લેવાનું શરૂ કર્યું. રસોઈ બનાવતાં નથી આવડતી, પણ બીજાં જે કામ કહો એ કરી આપું. ઘણી વાર વાસણ ઘસી આપ્યાં છે. પત્નીને રાજી કરવા માટે થઈને કામ કરવું એવું નથી. સમય અને પરિસ્થિતિ અનુસાર પુરુષે પોતાની જાતને ઢાળતાં શીખવું પડે છે. અમારા કેસમાં વાત અરસપરસને સાચવવાની છે. સામાન્ય રીતે પુરુષોને હાથ ગંદા થાય એવા કામમાં મદદ કરવી ગમતી નથી તેથી ઉપરોક્ત રિસર્ચમાં દમ તો છે. જોકે પત્નીઓનો સ્વભાવ વિચિત્ર હોય છે. પતિ વાસણ કરી આપે તો તેને ગિલ્ટ ફીલ થાય કે આજે એમને આવું કામ કરવું પડ્યું અને અંદરખાને પાછી રાજી થતી હોય કે હાઈશ...વાસણ ઘસાઈ ગયાં. આમાં એના રાજીપાની સાચી ખબર ન પડે પણ મને લાગે છે કે આનંદ જ વધુ થતો હશે.’