છેલ્લાં ૧૦ વર્ષથી ફિનિશલાઇનને નજરમાં રાખી એકધારું દોડનારા કાંદિવલીના પ્રશાંત શેઠને ન્યુ યૉર્કમાં આયોજિત ફુલ મૅરથૉન દોડતી વખતે ખ્યાલ આવ્યો કે મગજમાં ટાઇમસેટ કરી લક્ષ્યાંકને વળગી રહેવા કરતાં રમતના ફીવરને એન્જૉય કરવો જોઈએ
પૅશનપંતી
પ્રશાંત શેઠ
એક દાયકા અગાઉ મૅરથૉનમાં દોડવાનું શરૂ કરનાર કાંદિવલીના ૫૦ વર્ષના બિઝનેસમૅન પ્રશાંત શેઠનું એક જ સ્વપ્ન હતું, વિદેશની ધરતી પર ડંકો વગાડવો. ન્યુ યૉર્કમાં આયોજિત ફુલ મૅરથૉનમાં દોડી તેમણે પોતાના ડ્રીમને ફુલફિલ જરૂર કર્યું, પરંતુ દોડ માટેની તેમની માન્યતા બદલાઈ ગઈ. હવે તેઓ માને છે કે કોઈ પણ રમતમાં લક્ષ્યાંકને વળગી રહેવાનું ગાંડપણ ન હોવું જોઈએ. આજે તેઓ વાત કરે છે ન્યુ યૉર્ક મૅરથૉનમાં જોયેલા માહોલ બાદ વિચારોમાં આવેલા પરિવર્તનની.
દરેક ભારતીય મૅરથૉન રનર જીવનમાં કમસે કમ એક વાર ફૉરેન ઇવેન્ટમાં ભાગ લેવાનું સપનું જુએ છે. ૧૦ વર્ષથી પોતે પણ આ ડ્રીમ જોયું હતું એની વાત કરતાં પ્રશાંત શેઠ કહે છે, ‘વિદેશની ધરતી પર આ મારી પ્રથમ દોડ હતી. મજાની વાત એ છે કે વિશ્વની પ્રતિષ્ઠિત મૅરથૉન પૈકીની એક આ ઇવેન્ટમાં ભાગ લેવા માટેના ચોક્કસ માપદંડ નથી. એજન્ટ થકી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મુંબઈમાં ૨૮ ડિગ્રીથી વિપરીત ન્યુ યૉર્કનું તાપમાન ૧૦ ડિગ્રી હતું. પવનની ઝડપ અને ઠંડીનો અહેસાસ લેવા ન્યુ જર્સીની શેરીઓમાં ૧૫ કિલોમીટર સુધી દોડી જોયું. અહીં ફ્લૅગઑફ મોડી સવારે ૯.૧૫ વાગ્યે થાય છે. સ્ટેટન આઇલૅન્ડ પહોંચવા માટે સવારે ૬ વાગ્યા સુધીમાં હોટેલ છોડવી પડે. ૧૪૦ દેશોના લગભગ ૫૦,૦૦૦ દોડવીર હતા. દોડમાં પાંચ બુરરૉગ્સ (પડાવ કહી શકાય) આવે. ન્યુ યૉર્ક સિટીથી સ્ટાર્ટ કરી રેસના અંતિમ તબક્કામાં મૅનહટનમાંથી પસાર થઈ સેન્ટ્રલ પાર્કમાં એન્ડ થાય. અહીં હવામાન સતત બદલાયા કરે છે. સ્ટેટન આઇલૅન્ડ પર ત્રણ કલાક રાહ જોયા પછી ફ્લૅગઑફ થયું. શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ હતું. બપોર સુધી સૂરજ માથા પર આવી જતાં શરીરમાં ગરમાટો આવ્યો ત્યાં એક કલાકમાં ભારે વરસાદ પડ્યો. ૨૬.૨ માઇલ (અમેરિકામાં કિલોમીટર નહીં, પણ માઇલમાં કૅલ્ક્યુલેશન થાય. અંદાજે ૦.૬૨૧૪ માઇલ એટલે એક કિલોમીટર)ની રેસ પૂરી કરવામાં ૪ કલાક ૫૯ મિનિટ અને ૨૩ સેકન્ડનો સમય લીધો હતો.’
ADVERTISEMENT
માઇન્ડસેટ ચેન્જ
વાસ્તવમાં ૪ કલાક ૧૫ મિનિટમાં રેસ પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે દોડવાનું સ્ટાર્ટ કર્યું હતું. અંદાજે ૨૭ કિલોમીટર દોડ્યા બાદ થયું કે આ હું શું કરી રહ્યો છું? અર્જુનની આંખ જેમ માછલી પર હોય એ રીતે મારી આંખોને રસ્તા પર કેન્દ્રિત કરી એકધારું દોડવાની જરૂર નહોતી એમ જણાવતાં તેઓ કહે છે, ‘મૅરથૉન દોડતી વખતે અત્યાર સુધી ચિયરઅપ કરી રહેલા લોકો તરફ કેમ ન જોયું એવો સવાલ પોતાની જાતને પ્રથમ વાર પૂછ્યો. આ ભીડ જ તો રનરને દોડ પૂરી કરવા પ્રોત્સાહિત કરે છે. મૅરથૉન એ માત્ર દોડ નથી, ફેરીથૉન છે જેનાથી તમારો ઉત્સાહ વધે અને પૉઝિટિવ વાઇબ્સ મળે. અચાનક મારી દોડવાની સ્પીડને ઘટાડી નાખી. ફિનિશલાઇન સુધી પહોંચવામાં ભલે વાર લાગે, પરંતુ આ નજારો મિસ ન થવો જોઈએ. મુંબઈની જેમ સતત ધમધમતી ન્યુ યૉર્ક સિટીમાં જુદો જ માહોલ જોવા મળ્યો. ન્યુ યૉર્કવાસીઓ રસ્તાઓ પર ઘંટડી વગાડીને દોડવીરોનો જુસ્સો વધારતા હતા. દરેક જંક્શન પર મ્યુઝિકલ બૅન્ડ, ચિયરગર્લ્સ, પોતાની રાષ્ટ્રીયતાના વિવિધ પોશાકમાં આવેલા લોકો, કાર્યક્રમનું સંચાલન કરતા ૧૨,૦૦૦ સ્વયંસેવકો, પૅરામેડિક્સ અને સુરક્ષા દળોનો કાફલો હતો. આ બધાનો ઉલ્લેખ કરતી વખતે મને હજી પણ ગુસ બમ્પ્સ આવે છે.’
રમત આપણને સહનશીલતા શીખવે છે એવું હું હંમેશાં માનું છું. જીત હાંસલ કરવા અને ફિટનેસના પર્પઝથી બધા દોડતા હોય, જ્યારે મેં સેલ્ફ ડિસ્કવરીને ફોકસમાં રાખીને દોડવાનું શરૂ કર્યું હતું. જીતવાનો ટાર્ગેટ ક્યારેય નહોતો રાખ્યો, પરંતુ ફિનિશલાઇન સુધી જલદી પહોંચવાનું ઝનૂન ચોક્કસ હતું. ન્યુ યૉર્ક મૅરથૉન પછી આ માઇન્ડસેટ ચેન્જ થયો એમ જણાવતાં પ્રશાંતભાઈ કહે છે, ‘ધૈર્ય, સતત પ્રયાસો અને પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી જીવનમાં ઘણુંબધું મેળવી શકો છો, પરંતુ વાઇબ્સને ફીલ કર્યા બાદ રિયલાઇઝ થયું કે ફિનિશલાઇન સુધી પહોંચવાના પ્રેશરમાં આપણે ઘોડાની જેમ દોડ્યા જ કરીએ છીએ. મૅગ્નેટિક ઇવેન્ટે મને શીખવ્યું કે માઇન્ડને ટાઇમ સાથે બાંધી રાખવાની જરૂર નથી. તમે જ્યાં હો એ ક્ષણને માણવું વધારે મહત્ત્વનું છે. આવી મોટી ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવાનો એક જ ક્રાઇટેરિયા છે, અન્ય દોડવીરોની ઝડપને ઇગ્નૉર કરી પોતાની જાતને માહોલમાં ઇન્વૉલ્વ કરી દો. જીવનને જોવાનો તમારો નજરિયો બદલાઈ જશે અને તમારી આસપાસ રહેતા લોકો સાથેના તમારા વ્યવહારમાં પણ ફરક પડશે.’
રૂટીન લાઇફ
૨૦૧૨માં ફિટનેસ, ફન અને સેલ્ફ ડિસ્કવરી માટે દોડવાનું શરૂ કરનારા પ્રશાંતભાઈએ ભૂતકાળમાં મુંબઈ, સતારા, ગોવા, થાણા વગેરે જગ્યાએ આયોજિત મૅરથૉનમાં પાર્ટિસિપેટ કર્યું છે. અત્યારસુધીમાં ૨૦ હાફ મૅરથૉન અને ૧૦ ફુલ મૅરથૉન દોડી આવ્યા છે. મહાવીરનગરના રેન્જ રનર્સ ગ્રુપ સાથે તેઓ જોડાયેલા છે. રુટીન લાઇફમાં ૨૫-૩૦ કિ.મી. દોડવું તેમની માટે સહજ વાત છે. અઠવાડિયામાં ત્રણ દિવસ કાંદીવલીથી મલાડ બાજુ તો ક્યારેક દહિસર સુધી અને રવિવારે સિદ્ધિવિનાયક મંદિર સુધી દોડે છે. શારિરીક ક્ષમતા વધારવા પૌષ્ટિક આહાર લે છે. તેમની જર્નીમાં વાઇફ, ફેમિલી મેમ્બર અને મિત્રોનો સપોર્ટ નાનોસૂનો નથી. દોડતી વખતે તેઓ પોતાની જાત સાથે એટલા ઇન્વોલ્વ થઈ જાય કે તેમનો મજાકિયો સ્વાભવ જોઈ મિત્રો કહે, અમારી ઠેકડી ઉડાડવાના પ્લાનિંગ સવારમાં જ કરતો હોઈશ. હજારો કિલોમીટર દોડી ચૂકેલા પ્રશાંતભાઈને આજ સુધી ક્યારેય પગમાં ક્રેમ્પ્સ નથી આવ્યા કે કોઈ ઇન્જરી થઈ નથી.
આ મૅરથૉને મને શીખવ્યું કે માઇન્ડને ટાઇમ સાથે બાંધી રાખવાની જરૂર નથી. તમે જ્યાં હો એ ક્ષણને માણવું વધારે મહત્ત્વનું છે. આ માઇન્ડસેટથી જાતને માહોલમાં ઇન્વૉલ્વ કરી દો તો જીવનને જોવાનો તમારો નજરિયો બદલાઈ જશે -પ્રશાંત શેઠ