Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પાંચમી પેઢી જોઈને જઈશ

પાંચમી પેઢી જોઈને જઈશ

Published : 26 April, 2023 06:10 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

આ ઉંમરે જિજીવિષા એટલી પ્રબળ કે પ્રપૌત્રના ઘરે પારણું બંધાય ત્યાં સુધી જીવવું છે

ગજબની યાદશક્તિ, ખાણીપીણીનાં શોખીન, યુવા પેઢીને ટક્કર મારે એવી ફૅશન સેન્સ અને અમિતાભ બચ્ચનનાં જબરાં ચાહક એવાં વિલે પાર્લેનાં મંજુલા કરસનદાસ ગાંધીએ ગયા મહિને ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો.

૧૦૦ નૉટઆઉટ

ગજબની યાદશક્તિ, ખાણીપીણીનાં શોખીન, યુવા પેઢીને ટક્કર મારે એવી ફૅશન સેન્સ અને અમિતાભ બચ્ચનનાં જબરાં ચાહક એવાં વિલે પાર્લેનાં મંજુલા કરસનદાસ ગાંધીએ ગયા મહિને ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો.


ગજબની યાદશક્તિ, ખાણીપીણીનાં શોખીન, યુવા પેઢીને ટક્કર મારે એવી ફૅશન સેન્સ અને અમિતાભ બચ્ચનનાં જબરાં ચાહક એવાં વિલે પાર્લેનાં મંજુલા કરસનદાસ ગાંધીએ ગયા મહિને ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ ઉંમરે જિજીવિષા એટલી પ્રબળ કે પ્રપૌત્રના ઘરે પારણું બંધાય ત્યાં સુધી જીવવું છે


છોકરાંવને ચોકઠું આવી ગયું, પણ મંજુબાના દાંત સલામત છે



સંવાદ ૧)  બા: ક્યારની શું શોધે છે?


સેજલ: ચાવી શોધું છું. ક્યાં મૂકી દીધી હશે?

બા: તેં નીચેના ખાનામાં મૂકી છે. 


સંવાદ ૨) સેજલ: મારો ડ્રેસ ક્યાંય મળતો નથી બા: ત્રણ દિવસ પહેલાં ઇસ્ત્રીવાળાને આપ્યો હતો. ફોન કર આપી જાય. 

વાંચવામાં સામાન્ય લાગતા ઉપરના બન્ને સંવાદમાં એવું તે શું છે કે એનાથી વાતની શરૂઆત કરવી પડી? આવો સવાલ સહેજે વાચકોના મનમાં ઉદ્ભવ્યો હશે. આ સંવાદો જીવનની શતાબ્દિ પૂરી કરી ચૂકેલા મંજુબા અને તેમની પૌત્રવધૂ સેજલ વચ્ચેના છે. આશ્ચર્ય થયુંને? આ ઉંમરે ગજબની યાદશક્તિ ધરાવતાં વિલે પાર્લેનાં મંજુલા કરસનદાસ ગાંધીને મળ્યા પછી આવી તો ઘણી નવાઈ લાગવાની છે. ચાલો મળીએ મંજુબાને. 

બધું મોઢે હોય

સામાન્ય રીતે વડીલોને યુવાનીમાં બનેલી ઘટનાઓ અને સંઘર્ષમય દિવસોની કેટલીક વાતો યાદ રહી જાય છે, પરંતુ ઉંમરના કારણે વર્તમાન સમયની ઘટનાઓ ભુલાઈ જાય. મંજુબા એમાં અપવાદ છે એવી વાત કરતાં તેમનાં દીકરી તરલા શાહની વહુ સેજલ કહે છે, ‘હું ભૂલી જાઉં પણ બા ન ભૂલે. ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી છે એની તેમને ખબર હોય. પ્રપૌત્ર શું અભ્યાસ કરે છે એની જાણકારી પણ રાખે. બાળપણના દિવસો, દાદાનો બિઝનેસ, ગાંધીજીના સત્યાગ્રહની વાતો કરવા બેસે તો કલાકો નીકળી જાય. તેમની પાસે યાદોનો એવો ખજાનો છે જે ક્યારેય ખતમ નથી થતો.’

બા પાસેથી સાંભળેલી વાતો શૅર કરતાં તેમનાં સૌથી મોટાં દીકરી તરલાબહેન કહે છે, ‘તેમનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા છે. બાળપણ કાલબાદેવીમાં વીત્યું. ૧૬ વર્ષની ઉંમરે લગ્ન થયાં. મારા બાપુજી દાણાના વેપારી હતા. ઘઉં-ચોખાના વેપાર માટે તેઓ મુંબઈ અને કરાચી વચ્ચે અવરજવર કરતા. બાપુજી ફ્રીડમ ફાઇટર પણ હતા. એક વાર તેમને જેલમાં બંધ કરવામાં આવ્યા ત્યારે બા અને અન્ય મહિલા સ્વાતંત્ર્યસેનાનીઓએ જેલની બહાર ધરણાં કર્યાં હોવાની વાતો ઘણી વાર વાગોળે. હોશિયાર ગૃહિણી ઉપરાંત તેમનું બિઝનેસમાં પણ મગજ સરસ ચાલતું. પતિદેવને કામધંધામાં મદદ કરતાં. તેઓ પોતે પાંચ  ચોપડી ભણ્યાં છે પણ સંતાનોને સારું શિક્ષણ આપ્યું.’

ઊંચા શોખ 

બાને હંમેશાં પ્રેઝન્ટેબલ રહેવું ગમે એવી માહિતી આપતાં સેજલબહેન કહે છે, ‘તેમની પર્ટિક્યુલર ચૉઇસ હોય છે. હીરાના દાગીના તેમની નબળાઈ છે. ડ્રેસિંગ અપ ટુ ડેટ જોઈએ. ઘરમાં બધાં ભેગાં થવાનાં હોય એમાંય નવું ચૂડીદાર લાવી દેવાનું. યુવાપેઢી પાસેથી લેટેસ્ટ ફૅશનની જાણકારી રાખે. આજકાલ કો-ઑર્ડ્સ સ્ટાઇલ (ટૉપ અને બૉટમ એકસરખી પ્રિન્ટના હોય એવા ડ્રેસ) ટ્રેન્ડિંગ છે તો એવા નાઇટ ડ્રેસ ખરીદ્યા છે. હમણાં થોડા સમયથી વૉકર યુઝ કરે છે. વૉકર સાથે શૉપિંગ કરવા આવે. ફિલ્મો જોવાનો પણ જબરો ક્રેઝ. ​અમિતાભ બચ્ચન ફેવરિટ છે. લંબુ કહીને જ બોલાવે. એવું નહીં કે જૂનાં પિક્ચરો જોવાનાં. થોડા દિવસ પહેલાં શાહરુખ ખાનની ‘પઠાન’ જોઈ આવ્યાં. વરાઇટી ઑફ ફૂડ પણ તેમની ચૉઇસમાં ટૉપ પર આવે છે.’

જલસા કરવાના

છોકરાંવને ચોકઠું આવી ગયું, મારા બધા દાંત સલામત છે એવું ઉત્સાહ સાથે જણાવતાં મંજુબા કહે છે, ‘દૂધીનાં મૂઠિયાં, બટેટાંનાં ભજિયાં અને ચીકણો હલવો (મુંબઈનો પ્રખ્યાત આઇસ? હલવો) બહુ ભાવે. દાબેલી અને નૂડલ્સ પણ ખાવાનાં. ડિઝર્ટમાં નૅચરલ્સનો આઇસક્રીમ જોઈએ. ઘઉં-બાજરીનાં થેપલાંનો મસાલો મારે જ કરવાનો. ઘરમાં મહેમાન આવે ત્યારે પણ દાળ-શાકના મસાલા કરી આપું. આગળની રસોઈ વહુઓ કરે. જોકે બધાને ગોળપાપડી મારા હાથની જ ભાવે. વહુઓની મદદ લઈને બનાવી આપું. સવારે ઊઠીને ઉકાળો પીવાનો અને હળવી કસરત કરવાની એટલે આરોગ્ય સારું રહે. શાક સમારી આપવાનું, અખબાર વાંચવાનાં, ટીવી જોવાનું અને હરવાફરવાનું. દુબઈ પણ ફરી આવી છું. ચાર વર્ષ પહેલાં પૌત્રીનાં લગ્નમાં ડાન્સ કર્યો હતો. હજી ઘણું કરવાનું બાકી છે. પ્રપૌત્રનાં લગ્ન અને તેના ઘરે પારણું બંધાય ત્યાં સુધી જીવવાની છું.’

પારિવારિક જીવન

સંતાનોની ઉંમરની ગણતરી કરીને તેમનો જન્મ માર્ચ, ૧૯૨૩માં થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ગયા મહિને તેમણે ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કર્યો. સ્થાનકવાસી જૈન સમાજનાં મંજુલા કરસનદાસ ગાંધીનું મૂળ વતન માંગરોળ છે. ત્રિમંદિર દાદા ભગવાનમાં તેમને ખૂબ આસ્થા. સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ. તરલાબહેન શાહ અને ભદ્રાબહેન શાહ મુંબઈમાં રહે છે. શોભાબહેન પારેખ અને કીર્તિભાઈ વડોદરામાં કિરીટભાઈ તેમ જ અમદાવાદ નજીક અડાલજ ગામમાં રહે છે. એક સમયે ચાલી સિસ્ટમમાં રહેતાં મંજુબાનો પાર્લામાં પોતાનો વિશાળ ફ્લૅટ છે, પરંતુ તબિયતના કારણે હાલમાં વિલે પાર્લેમાં રહેતાં મોટાં દીકરી તરલાબહેનના ઘરે છે. જીવનનાં મહત્ત્વનાં વર્ષો મુંબઈમાં વિતાવ્યાં હોવાથી અહીં રહેવાનું વધુ ગમે. જોકે હવાફેર માટે અને દીકરા-વહુની વિનંતીને માન આપી અમદાવાદ-વડોદરા પણ લાંબો સમય રહે. ઉંમરના કારણે ઓછું સંભળાય છે, એ સિવાય કોઈ રોગ નથી. તેમના પતિદેવ પણ ૧૦૦ વર્ષ 
જીવ્યા હતા.

કોરોના યોદ્ધા બન્યા

કોરાનાની શરૂઆતમાં મંજુબાને શરદી-ખાંસી થતાં અમદાવાદમાં હૉસ્પિટલાઇઝ કરવા પડ્યાં. રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. ૯૭ વર્ષની ઉંમરમાં પંદર દિવસ હૉસ્પિટલમાં રહ્યાં બાદ કોરોના સામેનો જંગ જીતી ગયાં. હૉસ્પિટલના સ્ટાફે દીવો પ્રગટાવી, ફૂલોનો બુકે આપી તેમને ડિસ્ચાર્જ આપ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2023 06:10 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK