Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > શાદી કા શાહી ઠાઠ

શાદી કા શાહી ઠાઠ

11 May, 2023 03:07 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

હેરિટેજ સાઇટ પર રૉયલ વેડિંગની બોલબાલા વધી છે અને હવે એમાં લેટેસ્ટ ટ્રેન્ડ ઉમેરાયો છે વર-વધૂની એન્ટ્રીમાં બરસાનાની હોળી અને વારાણસીના ગંગાઘાટની આરતીનો ઑરા ક્રીએટ કરવાની સાથે મોંઘેરા મહેમાનો માટે સજજ્ન કોટ ભોજનો

પ્રતીકાત્મક તસવીર

શાદી મેં ઝરૂર આના

પ્રતીકાત્મક તસવીર


લગ્નના દિવસે વર-વધૂને એક દિવસના કિંગ કે ક્વીન જેવો ઠસ્સો ફીલ કરવાની ઇચ્છા હોય છે. એ જ કારણોસર હેરિટેજ સાઇટ પર રૉયલ વેડિંગની બોલબાલા વધી છે અને હવે એમાં લેટેસ્ટ ટ્રેન્ડ ઉમેરાયો છે વર-વધૂની એન્ટ્રીમાં બરસાનાની હોળી અને વારાણસીના ગંગાઘાટની આરતીનો ઑરા ક્રીએટ કરવાની સાથે મોંઘેરા મહેમાનો માટે સજજ્ન કોટ ભોજનો


અમારે તો રૉયલ વેડિંગ કરવાં છે. 

અમને રૉયલ લુક જોઈએ છે. 

લગ્નસરાની મોસમમાં આ બે વાક્યો ખૂબ સાંભળવા મળે છે. સોશ્યલ મીડિયા પર બી-ટાઉનનાં અડોરેબલ કપલ્સ અને મોટા ઉદ્યોગપતિઓનાં સંતાનોનાં લગ્નની તસવીરો જોઈને આજકાલ ટુ-બી કપલ્સમાં રજવાડી ઠાઠમાઠ સાથે પ્રભુતામાં પગલાં માંડવાના કોડ જાગ્યા છે. સેલિબ્રિટીઝને ફૉલો કરવું ટ્રેન્ડિંગ મનાય છે પણ રૉયલ વેડિંગ એટલે શું? વરરાજા વિન્ટેજ કારમાં બેસીને પરણવા આવે, કન્યાએ ઘેરદાર લખનવી લેહંગા પહેર્યો હોય કે રિસૉર્ટ બુક કરો એને રૉયલ વેડિંગ કહેવાતું હશે? વાસ્તવમાં આ વાઇડ કન્સેપ્ટ છે. શાહી અંદાજનાં લગ્નના ફુલ પૅકેજમાં શું હોય જાણી લો. 

હેરિટેજ સાઇટ્સ

રૉયલ સ્ટાઇલ ભારતીય લગ્નનો એવરગ્રીન વેડિંગ ટ્રેન્ડ છે એવી જાણકારી આપતાં વેડિંગ્સ બાય પૂજા વીરાનાં ક્રીએટિવ થીમ પ્લાનર પૂજા વીરા કહે છે, ‘રૉયલ વેડિંગ હંમેશાંથી થતાં આવ્યાં છે. જેમ-જેમ પેઢીઓ બદલાતી ગઈ તેમ શાહી અંદાજનાં લગ્નની વ્યાખ્યાઓ પણ બદલાતી ગઈ. ધામધૂમથી ભવ્ય લગ્ન લેવાં અને રૉલય સ્ટાઇલમાં જવું એ બે જુદી બાબતો છે. નેવુંના દાયકામાં લગ્નોમાં મહેમાનોની લાંબી સૂચિ રહેતી. મોટી વાડીમાં લગ્નો લેવાનો ટ્રેન્ડ હતો. નવી જનરેશનને ક્રાઉડ નથી ગમતા. તેમને ખૂબસૂરત થીમેટિક વેડિંગ પસંદ છે. શહેરની ભીડથી દૂર હેરિટેજ સાઇટ્સ બુક કરી નજીકના સ્વજનો અને મિત્રોની ઉપસ્થિતિમાં ઘનિષ્ઠ ઉજવણી સાથે શાહી લગ્ન કરવાં છે. રૉયલનો અર્થ છે રાજા-મહારાજા જેવો ઠાઠ. ભારતમાં રાજસ્થાન શાહી લગ્નનું મુખ્ય કેન્દ્ર છે. જોધપુરમાં ઉમેદ ભવન અને મેહરાનગઢ કિલ્લો, જયપુરમાં લીલા મહેલ અથવા જય મહેલ પેલેસ, તાજ લેક પૅલેસ હોટેલ્સ, ઉદયપુરમાં ફતેહગઢ પૅલેસ હોટેલ, જેસલમેરમાં સૂર્યગઢ પૉપ્યુલર ડેસ્ટિનેશન છે. હવે હૈદરાબાદ અને બૅન્ગલોરમાં પણ ઘણાં લગ્નો થવા લાગ્યાં છે. આ બધા વેન્યુમાં ત્રણથી ચાર દિવસનાં લગ્ન લઈ શકાય છે. કચ્છ-માંડવીમાં પણ ઘણા મહેલો છે. વડોદરાના લક્ષ્મી વિલાસ પૅલેસમાં પણ લગ્નો થાય છે. ગુજરાતમાં પૅલેસની અંદર લગ્ન કરવાની પરવાનગી નથી. બૅકગ્રાઉન્ડ તરીકે પૅલેસ વાપરી શકાય છે. આ સાઇટ પર એક દિવસનાં લગ્ન હોય છે. ચેન્નઈના પોર્ટલ એરિયામાં પૅલેસ થીમની હોટેલ બનાવી છે. રૉયલ સ્ટાઇલ અને બીચ વેડિંગના મિક્સ કન્સેપ્ટમાં જવું હોય તેના માટે બેસ્ટ છે.’

પૉઝિટિવ ઑરા

રૉયલ વેડિંગમાં જવું હોય તો વેન્યુ, ડેકોરેશન, પ્રી-વેડિંગ ફંક્શન્સ, બારાત, વર-વધૂની એન્ટ્રી, વરમાળા સેલિબ્રેશન, આઉટફિટ્સ, ડિનર એમ બધું જ રૉયલ સ્ટાઇલનું હોવું જોઈએ એવી વાત કરતાં તેઓ કહે છે, ‘પ્રી-વેડિંગ ઇવેન્ટ્સમાં આજકાલ હલ્દી ખૂબ ટ્રેન્ડિંગ છે. એમાં મથુરા-બરસાનાની હોળીની થીમ બનાવી છે. રજવાડી ઠાઠમાઠમાં બ્રિટિશ શાસનકાળનો પણ સમય બતાવી શકાય. સંગીતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની થીમને અમારા આઇડિયા સાથે એક્ઝિક્યુટ કરી છે. એ જમાનામાં વપરાતા ટેબલ ફૅન, બલ્બ, ક્લૉક વગેરે પ્રૉપ્સની સાથે વેલ્વેટ ફૅબ્રિકનું ડેકોરેશન આપીએ. લગ્નના દિવસે લોકલ મ્યુઝિશ્યન અને ડાન્સર સાથે સાઇટના ચોગાનમાં રૉયલ એન્ટ્રી કરાવીએ. આ કન્સેપ્ટમાં ગ્રૂમ વિન્ટેજ કારમાં બેસીને એન્ટ્રી લે અને બ્રાઇડ રથમાં બેસીને આવે એવી સ્ટાઇલ ઘણા વખતથી ટ્રેન્ડમાં છે. હમણાં નવા ઇનોવેટિવ આઇડિયાઝ ઍડ થયા છે. સેપરેટ એન્ટ્રી કરાવવાની હોય ત્યારે ગ્રૂમ રાજાની જેમ આવે છે. બ્રાઇડની એન્ટ્રીમાં વારાણસીના ગંગાઘાટની આરતીનો માહોલ ક્રીએટ કરીએ. વેન્યુની લાઇટ બંધ કરી સેંકડો દીવા પ્રગટાવીએ. પરંપરાગત સંગીત સાથે દીવાના પ્રકાશમાં બ્રાઇડ એન્ટ્રી લે ત્યારે અલગ જ ઑરા બને છે. નવદંપતીની એન્ટ્રીમાં મહેમાનોને રાધા-કૃષ્ણનો પ્રેમરસ જોવા મળે. મંગળફેરા ચાલતા હોય ત્યારે મશીનની મદદથી વર-વધૂની ઉપર ફ્લાવર પેટલ્સ નાખવામાં આવે છે. શાહી લગ્નમાં ઘણાબધા બ્રાહ્મણો એકસાથે મંત્રોચ્ચાર કરે છે. હાલમાં જ એક વેડિંગ માટે અમારી ટીમે ગોરબાપા ઉપરાંત એકવીસ બ્રાહ્મણો બુક કર્યા હતા. મંત્રોચ્ચારનો સાઉન્ડ આખા વાતાવરણને મંત્રમુગ્ધ કરી દે છે. વિધિ દરમિયાન આર્ટિસ્ટ દ્વારા લાઇવ પેઇન્ટિંગ્સ લેટેસ્ટ ઍટ્રૅક્શન છે. સ્ટેજ પર જે વિધિ ચાલતી હોય એ પ્રમાણે આર્ટિસ્ટ ચિત્રો બનાવતો જાય છે.’

શાહી જમણવાર

કોઈ પણ લગ્ન સમારંભ સ્વાદિષ્ટ જમણવાર વગર અધૂરો મનાય છે. રૉયલ વેડિંગના પ્રથમ અથવા છેલ્લા ડિનરનું આયોજન સજ્જન કોટ નામની ભવ્ય હેરિટેજ પરંપરા સાથે થાય છે. કન્સેપ્ટ વિશે માહિતી આપતાં પૂજા કહે છે, ‘રૉયલ સ્ટાઇલનાં લગ્નની દરેક વિધિમાં આઉટ ઑફ ધ બૉક્સ વિચારવું પડે. અગાઉ આપણે ત્યાં જમણવારમાં પંગત પ્રથા હતી. એક હરોળમાં બેસીને જમવાની પરંપરાને સજ્જન કોટ ભોજ કહેવાય છે. રૉયલ વેડિંગમાં મહેમાનોને ચાંદી અથવા અન્ય કોઈ ધાતુનાં વાસણોમાં જમવાનું પીરસવામાં આવે છે. મેનુની પસંદગી ક્લાયન્ટ્સના ટેસ્ટ પર આધાર રાખે છે. શાહી ભોજ ભારતીય વ્યંજનો વિના અધૂરો કહેવાય તેથી શીરો, હલવો, દાલ-બાટી જેવી કેટલીક ટ્રેડિશનલ ડિશ રાખવાનું સજેસ્ટ કરીએ. સિટિંગ અરેન્જમેન્ટમાં જમવાનું પીરસનારો સ્ટાફ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં હોય છે. સ્ટાર્ટિંગ ટુ એન્ડ કમ્પ્લીટ રૉયલ થીમ પ્રમાણે લગ્ન કરવાં હાઈ બજેટ રાખવું પડે. એક કરોડથી વધારેનો ખર્ચ થઈ જાય છે.’ 

 બ્રાઇડની એન્ટ્રીમાં વારાણસીના ગંગાઘાટની આરતીનો માહોલ ક્રીએટ કરીએ. વેન્યુની લાઇટ બંધ કરી સેંકડો દીવા પ્રગટાવીએ. પરંપરાગત સંગીત સાથે દીવાના પ્રકાશમાં બ્રાઇડ એન્ટ્રી લે ત્યારે અલગ જ ઑરા બને છે. - પૂજા વીરા

 રૉયલ લુકમાં કંઈક ઇનોવેટિવ કરવું હોય તો દાદી-નાની અથવા મમ્મીએ પોતાનાં લગ્નમાં પહેરેલી સાડી કે ઘરેણાંને આઇડિયાઝ સાથે એક્ઝિક્યુટ કરી શકાય. ઈશા અંબાણીએ ૧૬ પ્લેટવાળા ઘેરદાર બ્રાઇડલ લેહંગામાં મુગલ જાલી, જરદોશી, નકશીકામ, ફ્લોરલ પૅનલની સાથે મૉમ નીતા અંબાણીનું પાનેતર પણ મુકાવ્યું હતું.

આઉટફિટ્સ ઍન્ડ જ્વેલરી

રૉયલ વેડિંગ થીમમાં જનારા ક્લાયન્ટ્સ ઇવેન્ટ પ્લાનર સાથે અમારી મુલાકાત ગોઠવે છે એવી જાણકારી આપતાં ફૅશન-ડિઝાઇનર ઉન્નતિ ગાંધી પંડ્યા કહે છે, ‘ઉમેદ ભવનમાં લગ્ન થવાનાં છે કે કચ્છમાં એનું સ્પેસિફિકેશન આવે પછી બ્રાઇડ-ગ્રૂમના અટાયરની ડિઝાઇન બને. પટોળાં, લહેરિયાં, ઘરચોળું અને બાંધણી શુકનનાં પ્રતીક છે. એની ગણના અનએન્ડિંગ ફૅશન તરીકે થાય છે. પટોળાને બનતાં ૪૫ દિવસ લાગે છે. રૉયલ લુક માટે લેહંગા અને સાડીમાં સોના-ચાંદીના સાચા તારને હાથેથી ગૂંથવામાં આવે છે. બ્રાઇડના લેહંગામાં રૉ સિલ્ક યુઝ થાય. આ ફૅબ્રિક વર્કના વજનને ઝીલી શકે છે. કલર્સમાં બ્લડ રેડ, મરૂન, બૉટલ ગ્રીન સુંદર લાગે છે. બ્રાઇડને પરંપરાગત કલર્સ પસંદ ન હોય તો ટીલ ગ્રે, સ્કાય બ્લુ, અન્યન પિન્ક શેડ્સમાં જઈ શકાય. મહારાણી જેવો જાજરમાન લુક જોઈતો હોય તો અનકટ ડાયમન્ડ જ્વેલરી પહેરવી. કુંદન અને પર્લ પણ ચાલે છે. માંગટીકાની ડિઝાઇન પણ યુનિક હોવી જોઈએ. બ્રાઇડના અટાયર સાથે ગ્રૂમની શેરવાની કૉમ્પ્લીમેન્ટ આપે એ લેટેસ્ટ ટ્રેન્ડ છે. ઇચ્છો તો મૅચ કરી શકાય. શેરવાનીમાં અનારકલી સ્ટાઇલના ફ્લેરવાળા કુરતા પર જૅકેટ આપવામાં આવે છે. તલવાર ભરાવી શકાય એવો કમરપટ્ટો પણ હોવો જોઈએ. શેરવાની માટે બનારસી સિલ્ક જેવું કિંગખાર ફૅબ્રિક વપરાય છે. શ્રીનાથજીની પિછવાઈ જેવી ટ્રેડિશનલ પ્રિન્ટ રૉયલ લુક આપે છે. વરરાજાના સાફા પર સ્ટોનનું બ્રૉચ જોઈએ. બજેટ દસ લાખ સુધી જાય છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2023 03:07 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK