વાસ્તુ માટે હોય કે પછી ઇન્ટીરિયરની દૃષ્ટિએ, ફિશ ઍક્વેરિયમ ઘરમાં રાખવાનો ટ્રેન્ડ ભલે જોવામાં સારો લાગતો હોય, પણ જલ કી રાનીની સારસંભાળ રાખવાનું કામ કેટલું પડકારજનક છે એ આમને પૂછો
સ્પેશ્યલ સ્ટોરી
પ્રતીકાત્મક તસવીર
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માછલી રાખવાથી સકારાત્મક ઊર્જા, સુખ અને સમૃદ્ધિ આવે છે. અમુક લોકોનું માનવું છે કે ઍક્વેરિયમના પાણીનો ધીમો અવાજ ઘરના માહોલને શાંત રાખે છે. ઍક્વેરિયમ રાખવાથી સ્લીપ સાઇકલ પર પૉઝિટિવ અસર પડે છે એવી પણ માન્યતા છે. ઘણા લોકો બાળકોના મનોરંજન માટે તો કેટલાક પરિવારો ઇન્ટીરિયરના પ્રોસ્પેક્ટ્સથી ઍક્વેરિયમ ઇન્સ્ટૉલ કરે છે. કારણ ગમે તે હોય, પણ થોડાં વર્ષથી ઘરની અંદર ફિશ ઍક્વેરિયમ રાખવાનો શોખ ફૂલ્યોફાલ્યો છે. જોકે ટ્રેન્ડમાં રહેવું અને ઍક્વેરિયમની દેખરેખ રાખવી બે જુદી વાત છે. પાણીને સ્વચ્છ કરવું, પાણીમાં માછલીને અનકૂળ વાતાવરણ ઊભું કરવું, પાણીનું પીએચ સંતુલન અને રસાયણોનું સ્તર જાળવવું, તાપમાન ચકાસવું, માછલીને ખોરાક આપવો વગેરે પડકારજનક કાર્યો પાર પાડવામાં કેવી કસોટી થાય છે એ જુઓ.
કુદરતની અદ્ભુત રચના
ADVERTISEMENT
વેરી યંગ એજથી માછલીઓ સાથે પાકી દોસ્તી બાંધી ચૂકેલા કાંદિવલીના બકુલ મિસ્ત્રી કહે છે, ‘૪૦ વર્ષ પહેલાં પપ્પાએ ફિશ ટૅન્ક લાવી દીધી હતી. ઘરમાં પેટ રાખીએ છીએ એવી રીતે માછલીઓ પણ ઘરની મેમ્બર છે. જોકે આપણે ત્યાં એની ગણના પેટની કૅટેગરીમાં નથી થતી. માછલીઓમાં કુદરતે અદ્ભૂત રચના કરી છે. જુદી-જુદી પ્રજાતિઓની માછલીઓની કૅરૅક્ટરિસ્ટિક્સ વિશે જાણવું, ગ્લોરી અને શાઇન જોવી એ લહાવો છે. થાકેલા-પાકેલા ઘરે આવ્યા પછી થોડીવાર ફિશ ટૅન્ક પાસે બેસો. ટૅન્કની અંદર લાઇવ પ્લાન્ટ મૂકેલા હોય, એક બાજુથી ઑક્સિજનના પરપોટા નીકળતા હોય, રંગબેરંગી માછલીઓ તરતી હોય અને કોઈ એક ફિશ પર તમારી નજર અટકી જાય. પછી એ દોડે એમ તમારી નજર પણ દોડવા લાગે ત્યારે અનવૉન્ટેડ નેગેટિવ થિન્કિંગ સ્ટૉપ થઈ જાય છે. બ્લડ-પ્રેશરને સામાન્ય રાખવામાં પણ મદદરૂપ થાય છે.’
ઍક્વેરિયમમાં રાખવા ત્રણ ટાઇપની માછલીઓ આવે છે. એક વરાઇટી સર્ફેસ પર તરે છે, બીજી વચમાં તરે અને ત્રીજી બૉટમમાં સીબેડ પર તરે છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘અલગ-અલગ પ્રજાતિની માછલીની રીપ્રોડક્ટિવ સિસ્ટમ પણ જુદી છે. અમુક માછલીઓ ફિશ ટૅન્કની ધાર પર ઈંડાં મૂકે છે. કેટલીક માછલીઓ પાંદડાંની નીચે બબલ્સ બનાવીને એગ મૂકે છે. અમુક પ્રકારની માછલીઓ ગ્રુપમાં રહે છે તો એકલગંધરી માછલીઓ પણ હોય છે. એકલી તરતી માછલીને અલગ ટૅન્કમાં રાખવી પડે અન્યથા ગ્રુપમાં રહેતી માછલીઓ એને મારી નાખે. એકલી તરતી માછલીને જોવાની પણ મજા છે. યલો અને બ્લેક સ્ટ્રાઇપ્સવાળી માછલી ટાઇગર ફિશ તરીકે ઓળખાય છે. આ માછલીનું શરીર પીળા રંગનું અને ટેઇલ બ્લૅક હોય છે. મારી પાસે એક માછલી છે એને જુઓ તો તમને લાગે કે હૉકીસ્ટિક ડ્રૉ કરેલી છે. કુદરતે ગોઠવેલી ઇકો-સિસ્ટમ ગજબની છે.’
ટૅન્કની અંદર લાઇવ પ્લાન્ટ મૂકેલા હોય, એક બાજુથી ઑક્સિજનના પરપોટા નીકળતા હોય, રંગબેરંગી માછલીઓ તરતી હોય અને કોઈ એક ફિશ પર તમારી નજર અટકી જાય. પછી એ દોડે એમ તમારી નજર પણ દોડવા લાગે ત્યારે અનવૉન્ટેડ નેગેટિવ થિન્કિંગ સ્ટૉપ થઈ જાય છે. - બકુલ મિસ્ત્રી
ડિક્લોરીનેશન ટેક્નિક
માછલીઓને દિવસમાં નિશ્ચિત કરેલા સમયમાં એક જ વાર ખોરાક આપવાનો હોય છે એની સલાહ આપતાં બકુલભાઈ કહે છે, ‘તમે ફીડિંગ કરો એની ત્રણથી ચાર મિનિટમાં માછલીઓ જેટલું ખાઈ શકે એટલો ખોરાક પર્યાપ્ત છે. વધુ આપો તો એ ખોરાક કચરાના રૂપમાં ટૅન્કમાં જમા થાય છે. આ વેસ્ટેજ માછલીઓ માટે જોખમી છે, કારણ કે બજારમાં મળતું ફિશ ફૂડ આર્ટિફિશ્યલ છે, કુદરતી ખોરાક નથી. તેથી દર ત્રણ દિવસે પાણીની નીચે જમા થયેલો કચરો બહાર કાઢો અને નવું પાણી ઍડ કરો. વાસ્તવમાં માછલીઓને વાસી પાણી માફક આવે છે. પહેલાંના સમયમાં ડિક્લોરીનેશન જેવી ટેક્નિક નહોતી. એ વખતે ઘરના નળમાંથી પાણી ભરીને ત્રણ દિવસ સ્ટોર કરીને રાખવામાં આવતું. ટૅન્કનું પાણી બદલતી વખતે સંગ્રહી રાખેલું પાણી ભરવામાં આવતું. નળનું તાજું પાણી વાપરો તો માછલીઓ મરી જાય, કારણ કે એમાં ક્લોરીનની માત્રા હોય છે. નવું પાણી (વાસી પાણી) બદલવા માટેની પ્રોસેસને સાઇફનિંગ કહે છે. આ એક્સરસાઇઝ કરતાં રહેવાથી માછલીઓ ચાર-પાંચ વર્ષ જીવે છે. જોકે હવે તો માર્કેટમાં ડિક્લોરીનેશન એજન્ટ ઉપલબ્ધ છે. એનાં થોડાં ટીપાં નાખી દેવાથી માછલીઓ મરી જવાની સંભાવના ઓછી થઈ જાય છે. નવું ઍક્વેરિયમ સ્ટાર્ટ કરો ત્યારે પણ વાસી પાણી વાપરવું.’
આ પણ વાંચો : કૉલેજિયનો શા માટે ઉછાંછળા થઈ ગયા છે?
મનથી લાવ્યા, મનથી બંધ કર્યું
ચાર વર્ષ પહેલાં અમસ્તા જ બજારમાં આંટો મારવા નીકળેલાં વસઈનાં જતીન અને જિજ્ઞા રાજાએ એક જગ્યાએ કાચના બાઉલમાં બે માછલીઓને તરતી જોઈ. બાઉલ ગમી જતાં ખરીદી લીધું એવી જાણકારી આપતાં જતીનભાઈ કહે છે, ‘ઘરમાં બે ફિશ આવી એટલે આનંદ છવાઈ ગયો. થોડા સમય પછી બાઉલ નાનો છે એવું ફીલ થતાં ટૅન્ક અને મોટી માછલી લઈ આવ્યાં. રંગબેરંગી માછલીઓ ગમવા લાગતાં ટૅન્કની સાઇઝ અને માછલીઓની સંખ્યા વધારતાં ગયાં. ઍક્વેરિયમના બિઝનેસ સાથે સંકળાયેલા લોકોના સલાહ-સૂચન પ્રમાણે ખોરાક પણ વ્યવસ્થિત આપતાં હતાં. સારી રીતે દેખરેખ રાખવા છતાં ધીમે-ધીમે માછલીઓ મરવા લાગી. પાણી બદલતી વખતે ચીકાશ લાગવી, વાસ આવવી અને માછલીઓનું મરી જવું આવાં કેટલાંક કારણોસર મારી વાઇફને થયું કે આ આપણો સબ્જેક્ટ નથી. આપણા ઘરમાં કોઈ જીવ મરી જાય એનું દુ:ખ પણ થાય. અમે લોકો કોઈ માન્યતા કે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને ફિશ ટૅન્ક નહોતાં લાવ્યાં. મનથી લાવ્યાં હતાં અને થોડા સમય પહેલાં જ મનથી બંધ કરી દીધું.’
રીકનેક્ટ થઈશું
અમારા એક પારિવારિક મિત્રએ ૨૦૦૨માં ઘર શિફ્ટ કર્યું ત્યારે ફિશ ટૅન્ક સાચવવા આપી હતી. દાણા નાખવા, પાણી બદલતી વખતે નેટની મદદથી માછલીઓને બાલદીમાં મૂકવી વગેરે કામ કરવામાં એવા ઓતપ્રોત થઈ ગયા કે ઘરમાં બધાને માછલીઓ ખૂબ ગમવા લાગી. એવી દેખરેખ રાખીએ કે માંદી પડે તોય ખબર પડી જાય. માનસિક રીતે થાકેલા હોઈએ ત્યારે માછલીઓને ફરતી જોઈને મન શાંત થઈ જાય. જુદી-જુદી પ્રજાતિની ઓળખ પણ થવા લાગી. ટિટવાલામાં રહેતા ભરત પટેલ આવી વાત કરતાં જણાવે છે, ‘અમારી પાસે ગોલ્ડ ફિશ, એન્જલ ફિશ, ગપી ફિશ, બ્લૅક અને વાઇટ શાર્ક હતી. શાર્ક માછલીઓ તો એટલી મોટી થઈ ગઈ કે એને પાણીમાં તરવા માટે જગ્યા ઓછી પડતાં માછીમારને આપી દેવી પડી. ગપી ફિશને એકસાથે ૬૦-૭૦ બચ્ચાં થાય. એકદમ નાનાં ઇયળ જેવાં બચ્ચાંઓ જન્મે પછી ગપી માછલીને એનાથી સેપરેટ કરવી પડે. અન્યથા એ પોતે જ એનાં બચ્ચાંઓને ખાઈ જાય. એન્જલ માછલી ગોલ્ડ ફિશની પૂંછડીને કરડે. જોકે માછલીઓ નાજુક જીવ છે. કોરોનાકાળમાં કેટલીક માછલીઓ માંદી પડી જતાં મારી વાઇફને રડવું આવી ગયું. દવાના ડ્રૉપ નાખવા છતાં એક પછી એક માછલીઓનો સાથ છૂટતો ગયો. અનહદ લગાવના કારણે માછલી મરી જાય એ દિવસે મારી વાઇફ ખાધાપીધા વિના ગુમસૂમ પડી રહે. કોઈએ સલાહ આપી કે ઍક્વેરિયમમાં નવ માછલી રાખવાથી લાભ થાય તેથી સંખ્યા ઓછી થવા ન દેતો તોય છેલ્લે બે જ બચી. થોડા સમય અગાઉ એને કૂવામાં પધરાવી દીધી. અત્યારે ટૅન્ક ખાલી છે. માછલીઓ વિના ગમતું નથી તેથી રીકનેક્ટ થવાનું વિચારી રહ્યાં છીએ.’