ખૂબ ખાઈને ઉતારો વજન
પ્રતીકાત્મક તસવીર
વૉલ્યુમેટ્રિક ડાયટ પ્લાન પ્રમાણે તમે આખો દિવસ ખાધા કરશો તો પણ વજન વધશે નહીં એવો દાવો બાર્બરા રોલ્સ નામનાં ન્યુટ્રિશનિસ્ટે કર્યો છે. તેમણે વિકસાવેલી આહાર પદ્ધતિને ગયા વર્ષની બેસ્ટ ડાયટ થિયરી તરીકે સ્વીકારવામાં આવી હતી. પેટ ભરીને ખાવાની પરમિશન આપતી આ થિયરીમાં એવું તે શું છે કે ગમે એટલું ખાઓ તો પણ વજન નિયંત્રણમાં રહે છે? ચાલો જાણીએ
આજની હેક્ટિક લાઇફ-સ્ટાઇલમાં વજન ઉતારવું ખૂબ જ મુશ્કેલ છે. ઘડિયાળના કાંટે ચાલતા દૈનિક જીવનમાં ડાયટ ચાર્ટને સ્ટ્રિક્ટલી ફૉલો કરવો અને ભારે એક્સરસાઇઝ કરી વજન ઉતારવું શક્ય બનતું નથી. પરિણામે મોટા ભાગના લોકો અધવચ્ચે જ ગિવઅપ કરી દેતા હોય છે. પણ જો તમને કોઈ એમ કહે કે ડોન્ટ વરી, ખાઈ પીને જલસા કરશો તોય વજન નહીં વધે એવો મસ્ત આઇડિયા અમારી પાસે છે તો કેવું ફીલ થાય? વૉલ્યુમેટ્રિક ડાયટ થિયરી પ્રમાણે તમે આખો દિવસ ખા-ખા કરશો તો પણ વજન વધશે નહીં એવો દાવો બાર્બરા રોલ્સ નામનાં ન્યુટ્રિશનિસ્ટે કર્યો છે. આજે આપણે પેટ ભરીને ખાવાની પરમિશન આપતી આ થિયરી શું છે, એને કઈ રીતે ફૉલો કરવાની હોય છે તેમ જ કોણે ન કરવી જોઈએ એ વિશે વાત કરીએ.
ADVERTISEMENT
પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના ન્યુટ્રિશનિસ્ટ પ્રોફેસર બાર્બરા રોલ્સે માનવીય ઇન્જેસ્ટિવ બિહેવિયર એટલે કે માણસોની ખાણી-પીણીને લગતા વર્તન પર અનેક સંશોધન કર્યાં પછી આ આહાર પદ્ધતિ વિકસાવી છે. વૉલ્યુમેટ્રિક્સ વેઇટ કન્ટ્રોલ પ્લાન, ધ વૉલ્યુમેટ્રિક્સ ઈટિંગ પ્લાન, અલ્ટિમેટ વૉલ્યુમેટ્રિક્સ ડાયટ સહિત અઢીસોથી વધુ પુસ્તકો અને લેખો તેમણે લખ્યાં છે. ૨૦૧૦થી પૌષ્ટિક આહાર પદ્ધતિને લગતાં સંશોધનો માટે તેમને અસંખ્ય પુરસ્કારો મળ્યા છે. અમેરિકન ડાયેટિક અસોસિએશને બાર્બરા દ્વારા પ્રસ્તાવિત વૉલ્યુમેટ્રિક ડાયટને ૨૦૧૮ના વર્ષ માટે સર્વશ્રેષ્ઠ ડાયટ પ્લાન તરીકે સ્વીકાર્યું હતું. આ પદ્ધતિ તમારા ખાવાની ક્રેવિંગ (ભૂખ)ને કન્ટ્રોલ કરવાની સલાહ આપતી નથી તેમ જ તમને ખાવા માટે સમયમર્યાદામાં બાંધીને પણ નથી રાખતી એ જ એની વિશેષતા છે. બાર્બરાનું કહેવું છે કે આ ડાયટિંગ નથી, ખાવાની સાચી રીત છે. ખોરાકની માત્રા કરતાં પૌષ્ટિકતા વધુ મહત્ત્વની છે એટલી સભાનતા આવી જાય તો વજન નિયંત્રણમાં રહે જ છે, લાંબા ગાળે વધેલું વજન પણ ઘટી જાય છે.
ફાઇબરયુક્ત આહાર
વૉલ્યુમેટ્રિક ડાયટ થિયરી વિશે માહિતી આપતાં કાંદિવલીનાં ડાયટિશ્યન શ્વેતા શાહ કહે છે, ‘ખરેખર, આ આહાર પદ્ધતિ ખૂબ જ અટ્રૅક્ટિવ છે. વૉલ્યુમેટ્રિક ડાયટ એક હેલ્ધી અપ્રોચ છે. ઉપરોક્ત થિયરી એકમાત્ર એવી આહાર પદ્ધતિ છે જે ડાયટિંગમાં પણ તમને પેટ ભરીને હોલગ્રેન ખાવાની છૂટ આપે છે. વિશ્વભરમાં અત્યાર સુધી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા તમામ પ્રકારના ડાયટમાં આ સૌથી બેસ્ટ છે એમાં કોઈ શંકા નથી. હોલ મલ્ટિગ્રેન, લેગ્યુમ(કઠોળની શિંગ), લેન્ટિલ્સ(મસૂર વગેરેની દાળ)માં ફાઇબરનું પ્રમાણ ઘણું વધુ હોવાથી શરીરમાં વૉટર કન્ટેન્ટને જાળવી રાખે છે. સવારે નાસ્તામાં બાજરો, નાચણી, જુવાર અને ઘઉંના લોટને મિક્સ કરી બનાવેલાં વેજિટેબલ પરોઠાં ગમે એટલાં ખાઓ વજન વધવાની શક્યતા નહીંવત્ છે. ઘરેથી આવો ભારે નાસ્તો કરીને નીકળ્યા હો તો બપોરના જમવાની પણ જરૂર ન પડે. વેરિએશન માટે જુવારના લોટમાંથી બનાવેલું ખીચું બનાવીને ખાઈ લો તો મજા પડી જાય. વૉલ્યુમેટ્રિક ડાયટ ફાઇબરયુક્ત આહારને ફોકસ્ડ કરે છે. પ્રોસેસ્ડ ગ્રેન કરતાં હોલ ગ્રેનમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જે વજન ઘટાડવામાં સહાય કરે છે.’
શુગર લેવલ કન્ટ્રોલમાં
વૉલ્યુમેટ્રિક ડાયટ પદ્ધતિમાં ટમેટાં, કાકડી જેવી શાકભાજી અને જૂસી ફ્રૂટ્સ પેટ ભરીને ખાવાની છૂટ આપવામાં આવે છે, કારણ કે એનાથી તમારું પેટ ભરેલું રહે છે. શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહેવાથી બ્લડમાં શુગરનું લેવલ સ્ટેબલ રહે છે એમ જણાવતાં શ્વેતા કહે છે, ‘વૉલ્યુમેટ્રિક ડાયટથી શુગર લેવલ કન્ટ્રોલમાં રહેતાં અલગથી ઇન્સ્યુલિન બનાવવાની જરૂર પડતી નથી એ મોટો પ્લસ પૉઇન્ટ છે. મુસલી અને સિરિયલ્સ પણ ખૂબ ખાઈ શકો છો. ડાયટમાં સામાન્ય રીતે રાતે મોડેથી ખાવાની મનાઈ હોય છે, જ્યારે વૉલ્યુમેટ્રિક ડાયટ તમને રાત્રે ખાવાની પરવાનગી આપે છે. જોકે દરરોજ લેટ જમવું ઍડવાઇઝેબલ નથી, પણ જો મોડું થતું જ હોય તો ભૂખ્યા પેટે સૂવા કરતાં બ્રૉકોલી અથવા ટમેટાંનું સૂપ પીને સૂવું. આ ડાયટ પદ્ધતિમાં ફાઇબર અને પાણીથી ભરપૂર આહાર પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ ફૅટ્સને ટોટલી અવૉઇડ કરવામાં આવ્યું હોવાથી આંખ બંધ કરીને એનું અનુકરણ ન કરી શકાય. શરીરમાં ફૅટ્સ પણ એટલું જ જરૂરી છે. વિદેશીઓ લો ફૅટ્સ ફિશ અને ચિકન ખાય છે, જ્યારે આપણે શાકાહારી પ્રજા છીએ. મારું અંગતપણે માનવું છે કે વૉલ્યુમેટ્રિક ડાયટમાં આપણે થોડા ફેરફાર કરવા જોઈએ. ફૅટ્સ માટે ઘી, નટ્સ અથવા ઑઇલ સીડ્સ ઉમેરી શકાય. હોલગ્રેનનાં પરોઠાં કે રોટલી પર ઘી ચોપડી ખાવામાં વાંધો નથી. આખો દિવસ ફાઇબરયુક્ત આહાર લેવાની સાથે દિવસમાં એક વાર મલાઈવાળું દૂધ પીવાથી પૂરતા પ્રમાણમાં ફૅટ્સ મળી રહેશે. એ પછી પણ જરૂર જણાય તો અલગથી ફૅટ્સ સપ્લિમેન્ટ લઈ શકાય.’
વૉલ્યુમ વધારે, કૅલરી ઓછી
વૉલ્યુમેટ્રિક ડાયટ પદ્ધતિ અસરકારક સાબિત થવાનું મુખ્ય કારણ એમાં જે પ્રકારની ખાદ્ય સામગ્રી ખાવાની સલાહ આપવામાં આવી છે એમાં વૉલ્યુમ વધારે અને કૅલરી ખૂબ ઓછી હોય છે. તેથી ગમે એટલું ખાઓ વજન નિયંત્રણમાં રહે છે. બેસ્ટ વાત એ છે કે ખાવાની કોઈ લિમિટ રાખવાની આવશ્યકતા નથી અને જીભનો સ્વાદ જળવાઈ રહે છે. આટલી બધી છૂટછાટો હોવા થતાં વૉલ્યુમેટ્રિક ડાયટ પદ્ધતિને ભારતમાં જોઈએ એવી લોકપ્રિયતા મળી નથી એનું કારણ જણાવતાં શ્વેતા કહે છે, ‘ઇન્ડિયામાં વૉલ્યુમેટ્રિક ડાયટ એના નામથી પૉપ્યુલર નથી, પણ કન્સેપ્ટ પૉપ્યુલર જ છે. ફાઇબરનું પ્રમાણ વધુ હોય એવી પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનો આહારમાં સમાવેશ કરવાની સલાહ બધા જ આપે છે. આપણું કલ્ચર જુદું છે. જેમ કીટો ડાયટ બધા ફૉલો કરી શકતા નથી એમ આ ડાયટને પણ સંપૂર્ણપણે અપનાવી નથી શકતા. આપણને બારેમાસ બાફેલી શાકભાજી ન ભાવે એટલે વેરિએશન ઍડ કરવું પડે. ભારતીય પ્રજાને ઘી-તેલ વગર ચાલે નહીં તેથી જ એને પૉઇન્ટ ટુ પૉઇન્ટ કૉપી કરવા કરતાં થોડા ચેન્જિસ લાવવાની સલાહ આપી છે. વૉલ્યુમેટ્રિક ડાયટમાં ફૅટ્સ ઉમેરવા જેવા ફેરફાર કરો છો ત્યારે લાઇફ-સ્ટાઇલમાં પણ થોડાં પરિવર્તન લાવો. ડાયટ ખા-ખા કરવાની પરવાનગી આપે છે એનો અર્થ એ નથી કે તમે માત્ર ખાધા કરો.
આ પણ વાંચો : Jahnvi Shrimankar: આ ગુજરાતી સિંગરનો અંદાજ જોઈને થઈ જશો ફૅન
એક્સરસાઇઝને તમારી લાઇફ-સ્ટાઇલ બનાવશો તો ધારી અસર દેખાશે. ફાઇબરયુક્ત આહાર, વૉટર કન્ટેન્ટ વધુ હોય એવી શાકભાજી અને ફ્રૂટ્સને પેટ ભરીને ખાવાની સાથે દરરોજ ચાળીસ મિનિટ વ્યાયામ કરવાથી વજન નિયંત્રણમાં રહેશે તેમ જ લાંબા ગાળે વજન ઊતરી પણ જશે.’