બાઇક ચલાવીને, પાલખીમાં બેસીને, ગ્લાસ કાર્ટમાંથી કે લોટસમાંથી બ્રાઇડ બહાર આવે એ જોઈને મહેમાનો પણ દંગ રહી જાય છે
શાદી મેં ઝરૂર આના
પ્રતિકાત્મક તસવીર
વરરાજાને જયમાલા પહેરાવવાની હોય કે ચોરીફેરા માટે મંડપમાં આવવાનું હોય, દુલ્હનની એન્ટ્રી ધમાકેદાર ડાન્સ-સીક્વન્સ સાથે હોવી જોઈએ એવી ડિમાન્ડ વધી રહી છે. બાઇક ચલાવીને, પાલખીમાં બેસીને, ગ્લાસ કાર્ટમાંથી કે લોટસમાંથી બ્રાઇડ બહાર આવે એ જોઈને મહેમાનો પણ દંગ રહી જાય છે
ચોરીફેરા માટે કન્યાની રાહ જોવાઈ રહી છે. ગોરબાપા વારંવાર ‘કન્યા પધરાવો સાવધાન’ની સૂચના આપે છે. મહેમાનો પણ મીટ માંડીને બેઠા છે. એટલામાં તો જીપના બોનેટ પર બેસીને ફિલ્મી સ્ટાઇલમાં બ્રાઇડની સરપ્રાઇઝ એન્ટ્રી થાય છે. બૅકગ્રાઉન્ડમાં પંજાબી સૉન્ગ વાગી રહ્યું છે. સોશ્યલ મીડિયા પર આવા વિડિયો ખૂબ વાઇરલ થાય છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝને કારણે આજકાલ નવવધૂને પણ વરરાજાની જેમ પોતાનો અંદાજ દેખાડવાનો ઉત્સાહ છે. એક સમય હતો જ્યારે લગ્નપ્રસંગમાં વરઘોડો જોવા મહેમાનો વહેલા વાડીમાં આવી જતા. હવે કન્યાની પધરામણી કઈ રીતે થાય છે એ જોવાની ઉત્સુકતા વધી છે ત્યારે નવી સીઝનમાં આ કન્સેપ્ટમાં શું ચાલે છે જોઈએ.
ADVERTISEMENT
બ્રાઇડને હોંશ છે
મહેમાનો જોઈને દંગ રહી જાય એવી ધમાકેદાર બ્રાઇડલ એન્ટ્રીનો કન્સેપ્ટ સુપરહિટ બન્યો છે એવી વાત કરતાં કોરિયોગ્રાફર નેહા દોશી કહે છે, ‘વેડિંગની જુદી-જુદી ઇવેન્ટમાં ડાન્સ કરવાનો ક્રેઝ ઘણા વખતથી જોવા મળે છે. સંગીતસંધ્યાની આખી ઇવેન્ટ મ્યુઝિકલ હોય છે. એ પછી લગ્નના દિવસે ગ્રૂમની અને રિસેપ્શનમાં કપલની એન્ટ્રીને હાઇલાઇટ કરવામાં આવી. આ ક્રેઝ હજી બરકરાર છે. મહેમાનોમાં એક્સાઇટમેન્ટ જળવાઈ રહે એ માટે નવી સીઝનમાં બ્રાઇડની એન્ટ્રીને ઍડઑન કરવામાં આવી છે. વાસ્તવમાં આ કન્સેપ્ટ પંજાબીઓનાં લગ્નોમાં વધુ જોવા મળે છે. સ્ટાઇલને અપનાવવામાં ગુજરાતીઓનો જવાબ નથી તેથી જે નવું આવે એ બધું ફૉલો કરવાની આપણને હોંશ હોય છે. આજે દરેક બ્રાઇડને પોતાનાં લગ્નમાં ગ્રેસફુલ દેખાવું છે અને ડાન્સ પણ કરવો છે. ડાન્સ શીખવતાં પહેલાં અમે દુલ્હનને સાંભળીએ જેથી તેને કેવો ઉમંગ છે એનો આઇડિયા આવે. ત્યાર બાદ અમારા ઇનપુટ્સ નાખીએ. ફૅમિલી સૉફિસ્ટિકેટેડ છે કે બિન્દાસ એ પણ જોવું પડે. ફ્રેન્ડ્સ અને કઝિન્સ સાથે એન્ટ્રી લેવી છે કે ફૅમિલી મેમ્બર્સ સાથે એ નક્કી થયા બાદ ડાન્સની પ્રૅક્ટિસ સ્ટાર્ટ થાય. સામાન્ય રીતે વડીલો પ્રી-વેડિંગ ઇવેન્ટમાં ડાન્સ કરવાનું પસંદ કરે છે. લગ્નના દિવસે દુલ્હનની સાથે યંગસ્ટર્સ જ હોય તેથી ચાર દિવસમાં ડાન્સ આવડી જાય.’
નવા જમાનાની બ્રાઇડ અતિ ઉત્સાહી છે. પોતાનાં લગ્નમાં ડાન્સ કરવાનું ડ્રીમ લઈને તેઓ અમારી પાસે આવે છે એવી માહિતી આપતાં યુથ ઝોન ડાન્સ ઍકૅડેમીનાં કોરિયોગ્રાફર શિલ્પા ગણાત્રા કહે છે, ‘વરઘોડો જોવા જેટલો જ ક્રેઝ હવે દુલ્હનની એન્ટ્રી માટે દેખાઈ રહ્યો છે, કારણ કે આ એવો પ્રસંગ છે જેમાં બધાને એન્જૉય કરવું છે. દુલ્હનની એન્ટ્રી પાંચથી સાત મિનિટમાં થઈ જાય, પણ ડાન્સ-પ્રૅક્ટિસના બહાને તેઓ સમય કાઢીને એકમેકની નજીક આવે છે તેથી લોકોને આ કન્સેપ્ટ ખૂબ ગમે છે. બે ટાઇપની એન્ટ્રી કરાવી શકાય. એક વાર વરરાજાને હાર પહેરાવવા આવે ત્યારે અને બીજી વાર કન્યા ચોરીફેરા માટે આવે ત્યારે અથવા રિસેપ્શનમાં. દુલ્હનને તેમ જ તેના ગ્રુપને ડાન્સ આવડતો હોય તો હેવી સ્ટેપ્સ પણ આપીએ. બ્રાઇડની સાથે ડાન્સ કરવાવાળું કોઈ ન હોય તો અમે ડાન્સરો આપીએ. જોકે એવું ભાગ્યે જ બને છે. આજની જનરેશનને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે અને જલદી શીખી જાય છે.’
ટ્રેડિશનલ સ્ટાઇલ
દુલ્હનને ડાન્સ-પ્રૅક્ટિસ કરાવી રહેલાં શિલ્પા ગણાત્રા.
આપણામાં ગોરબાપા સૂચના આપે એટલે કન્યાનો હાથ પકડીને મામા મંડપમાં લઈ આવે એવી પ્રથા અસ્તિત્વમાં છે. પરંપરાને ઇનોવેશન્સ સાથે જોડીને સરસ એન્ટ્રી કરાવી શકાય. એના આઇડિયાઝ શૅર કરતાં નેહા કહે છે, ‘એક લગ્નમાં મામાની ફૅમિલી સાથે નાચતાં-નાચતાં કન્યાની માંડવામાં એન્ટ્રી કરાવી હતી. મામા-મામીને ડાન્સમાં રુચિ હોય તો તેમને આગળ રાખી શકાય. અન્યથા કઝિન્સ આગળ રહીને બ્રાઇડ સાથે ડાન્સ કરે અને એન્ડમાં મામા-મામી આગળ આવી જાય. ટ્રેડિશનલ એન્ટ્રીમાં પાલખીમાં બેઠાં-બેઠાં દુલ્હન ભાંગડા કરી શકે. ફૂલોની ચાદર પણ લેટેસ્ટ ટ્રેન્ડ છે. બ્રાઇડલ એન્ટ્રીમાં વેન્યુ પ્રમાણે અઢળક ઇનોવેશન્સ ઍડ કરી શકાય છે. ઓપન ગ્રાઉન્ડમાં લગ્ન હોય તો મોટો ધમાકો થઈ શકે. હૉલમાં સ્પેસ ઓછી મળે છે તેથી પ્રોપ્સને ફોકસમાં રાખીએ. ડાન્સનાં સ્ટેપ્સ ઉપરાંત સૉન્ગનું સિલેક્શન સારું હોવું જોઈએ. આજકાલ ઘણાં સરસ ગીતો સાંભળવા મળી રહ્યાં છે, પરંતુ એકદમ નવું સૉન્ગ લેવાથી દરેક એજ-ગ્રુપ કનેક્ટ નથી થઈ શકતું. અમે જાણીતાં સૉન્ગ્સ સજેસ્ટ કરીએ. ‘પાલખી મેં હો કે સવાર ચલી મૈં’, ‘માહી મેરા કિત્થે રહ ગયા’, ‘સૈંયા સુપરસ્ટાર’, ‘સજના તેરે લિયે સજના’ વગેરે ટ્રેન્ડી છે.’
આ પણ વાંચો : લગ્નમાં પણ ખાઓ ડાયટ રોટી
યુનિક સ્ટાઇલ
હવા કે ઝોંકે આજ મૌસમોં સે રૂઠ ગએ, ગુલોં કી શોખિયાં જો ભંવરે આકે લૂટ ગએ... સંવાર લૂં... સંવાર લૂં... બૅકગ્રાઉન્ડમાં ગીત વાગતું હોય અને કન્યા કમળમાંથી બહાર આવે છે. મેં કોરિયોગ્રાફ કરેલી અત્યાર સુધીની આ સૌથી ઉત્કૃષ્ટ બ્રાઇડલ એન્ટ્રી હતી એમ જણાવતાં શિલ્પા કહે છે, ‘દરેક કન્સેપ્ટ પાછળ એક સ્ટોરી હોય છે. લોટસ એન્ટ્રીમાં બ્રાઇડની બ્યુટીને કમળની કોમળતા, મધુરતા અને શુદ્ધતા સાથે સરખાવવામાં આવી હતી. કમળની પાંખડીઓ ધીમે-ધીમે ખૂલે છે એમ કન્યા પણ જીવનના આગળના તબક્કામાં પ્રવેશવા આતુર છે એવો મેસેજ આપવામાં આવ્યો હતો. જોનારને એવું લાગતું હતું કે કોઈ એન્જલ પૃથ્વી પર અવતરી છે અને રાજકુમાર તેને દૂર લઈ જાય છે. કોરિયોગ્રાફીનું વિઝ્યુઅલ એટલું ભવ્ય હતું કે ઉપસ્થિત મહેમાનો મોહિત થઈ ગયા.’
દુલ્હનને ડાન્સ-પ્રૅક્ટિસ કરાવી રહેલાં નેહા દોશી.
અન્ય એક લગ્નમાં દુલ્હનની ગ્લાસ કાર્ટ એન્ટ્રી કરાવી હતી એવી માહિતી આપતાં શિલ્પા કહે છે, ‘આ કન્સેપ્ટમાં ગ્લાસથી કવર કરેલી ગાડીમાં દુલ્હનને બેસાડીને મંડપમાં લાવવામાં આવે છે. દુલ્હન નીચે ઊતરે પછી બ્રાઇડમેડ્સ હાથમાં મશાલ લઈને તેને આગળ લઈ જાય. સામેથી ગ્રૂમ આવીને તેને રોઝ આપે. ક્લાસિક ક્વીન સ્ટાઇલની એન્ટ્રી હતી. દુલ્હનની લાઇફ-સ્ટોરીને પણ એન્ટ્રીમાં દર્શાવી શકાય. એક વાર ચશ્માં પહેરાવીને બાઇક પર એન્ટ્રી અપાવી છે. ડાન્સ-સીક્વન્સની સાથે અમે ઍન્કરિંગ પણ આપીએ છીએ. દુલ્હનના ડ્રેસને અનુરૂપ થીમ ડિસાઇડ થાય અથવા થીમ પ્રમાણે ડ્રેસિંગની ચૉઇસ કરવી પડે. ક્વીન એન્ટ્રીમાં ક્રીમ કલર જોઈએ અને ફ્લાવરમાંથી એન્ટ્રી આપવા પિન્ક કલર જોઈએ. ફોટોગ્રાફી માટે કલર કૉમ્બિનેશન અત્યંત મહત્ત્વનું છે. આ કમ્પ્લીટ પૅકેજ્ડ ઇવેન્ટ છે. તમારું જેવું બજેટ એવો ધમાકો કરી શકાય.’
ટ્રેન્ડિંગ આઇડિયાઝ
બીચ વેડિંગમાં બોટ-રાઇડ સાથે એન્ટ્રી
પોતાની સ્કૂટી પર બેસીને
પેટ સાથે સેમ-ટુ-સેમ ડ્રેસિંગમાં
ગર્લ્સ ગૅન્ગ સાથે ડાન્સ કરતાં
ફની સેઇંગ લખેલાં કાર્ડ્સ શો કરતાં કિડ્સ સાથે
વરરાજાની જેમ ઘોડા પર બેસીને
વિન્ટેજ કારમાં