કાંદિવલીનાં ૬૫ વર્ષનાં આરતી સંઘવીએ પોતાનું સમસ્ત જીવન કળાને સમર્પિત કરી દીધું
પૅશનપંતી
આરતી સંઘવી
પુષ્ટિ સંપ્રદાયના પ્રાસંગિક ઉત્સવોમાં વિશેષ સ્થાન ધરાવતી પરંપરાગત પિછવાઈ ચિત્રકળામાં માહેર કાંદિવલીનાં ૬૫ વર્ષનાં આરતી સંઘવીએ પોતાનું સમસ્ત જીવન કળાને સમર્પિત કરી દીધું. એક સમયે બાળકોને ચિત્રો દોરતાં શીખવવામાં વ્યસ્ત રહેતાં આ બહેન હવે આર્ટવર્કને પ્રમોટ કરે છે
૪૦૦ વર્ષ કરતાં પણ જૂની પિછવાઈ ચિત્રકળાનું પુષ્ટિ સંપ્રદાયમાં વિશેષ મહત્ત્વ છે. ઋતુ અને ઉત્સવોનું આબેહૂબ વર્ણન કરતી પિછવાઈઓમાં રંગો પૂરવા એ પણ ભક્તિનો એક પ્રકાર જ છે. રાજસ્થાનની આ પરંપરાગત ચિત્રશૈલીમાં માહેર કાંદિવલીનાં ૬૫ વર્ષનાં આરતી સંઘવીએ ગયા મહિને કપોળ સમાજ દ્વારા આયોજિત સામાજિક મેળાવડામાં પોતાની કળાનું પ્રદર્શન યોજી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ADVERTISEMENT
બાળપણનો પ્રેમ
ચિત્રો સાથે મારી બાળપણની દોસ્તી છે એવું ઉત્સાહ સાથે જણાવતાં આરતીબહેન કહે છે, ‘સ્કૂલના એ દિવસો હજીયે માનસપટ પર તાજા છે. રજાના દિવસોમાં માથેરાન-મહાબળેશ્વર ફરવા જતાં ત્યારે મારી બેૅગમાં કપડાં ઓછાં અને ચિત્રકામ માટેની સામગ્રી વધુ રહેતી. ટેકરીઓ પર બેઠાં-બેઠાં કુદરતી સૌંદર્યને કૅન્વસ પર ઉતારવાનું ખૂબ ગમતું. બાળપણમાં નૃત્યકળામાં પણ એટલો જ રસ હતો. જોકે ભાઈ-બહેન અને માતા-પિતાને ચિત્રકળા તરફ મારો વધુ ઝુકાવ હોવાનું પ્રતીત થતાં તેમણે આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી. સારા ગ્રેડ સાથે એલિમેન્ટ્રી અને ઇન્ટરમિડિયેટની પરીક્ષાઓ પાસ કરી. એ જમાનામાં દસમા ધોરણ પછી આર્ટ્સમાં ઍડ્મિશન લઈ શકાતું હતું. બાંદરા સ્કૂલ ઑફ આર્ટ્સમાંથી ફાઇન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વરલીની હૅન્ડિક્રાફ્ટ ટીચર્સ ટ્રેઇનિંગ કૉલેજમાંથી ટેક્સટાઇલ ડિઝાઇનિંગનો બે વર્ષનો કોર્સ કર્યો. ત્યાર બાદ સાડી અને શર્ટની ડિઝાઇન બનાવવાનું સ્ટાર્ટ કર્યું. આર્ટ સાથે જીવનભર જોડાયેલા રહેવું છે એ નક્કી જ હતું તેથી લગ્ન બાદ થોડાંક જ વર્ષમાં ફરીથી આ ક્ષેત્રમાં આવી ગઈ.’
વિદ્યાર્થીઓને તૈયાર કર્યા
નાનો દીકરો થર્ડ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે જ ક્રીઆર્ટિવ (ક્રીએટિવ આર્ટ અને આરતીના નામના સ્પેલિંગને મિક્સઅપ કરીને શોધી કાઢેલું) નામ સાથે ડ્રોઇંગ ક્લાસ શરૂ કરી દીધા એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘વર્ષો સુધી કાંદિવલી વિસ્તારમાં આવેલી તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને ચિત્રો દોરવાની કળા શીખવવાનો અનુભવ છે. એલિમેન્ટ્રી અને ઇન્ટરમિડિયેટની પરીક્ષાની તૈયારી પણ કરાવતી હતી. ઍક્રિલિક પેઇન્ટિંગ, બ્રેડ ક્રાફ્ટ, ચારકોલ, ગ્લાસ અને ફૅબ્રિક પેઇન્ટિંગ, ગોંદ આર્ટ, સ્કેચિંગ વગેરે જુદી-જુદી ટેક્નિક્સ શીખવી છે. ઘણી વિદ્યાર્થિનીઓ સાડી અને દુપટ્ટાને પેઇન્ટ કરવાની ટેક્નિક શીખવા આવતી. અનેક વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈને તાલીમ આપી છે. ક્લાસિસની સાથે-સાથે પોતાના શોખ માટે પણ ચિત્રો દોરતી. કૅન્વસ અને ફૅબ્રિક આર્ટમાં વધારે રુચિ હોવાથી ધીમે-ધીમે પિછવાઈઓમાં રંગો પૂરવાનું આકર્ષણ વધતું ગયું. કોવિડ બાદ ડ્રોઇંગ ટીચરમાંથી ફુલટાઇમ આર્ટિસ્ટ બની ગઈ.’
આ પણ વાંચો: આ દાદીમાને ૧૦૦ થેપલાં શું કામ વણવાં છે?
ટર્નિંગ પૉઇન્ટ
કોરોનાકાળમાં વર્ષોથી ચાલતા ડ્રોઇંગ ક્લાસ પર બ્રેક લાગી એમાં મારા પૅશન સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકી. આ શબ્દો સાથે આગળની સફર વિશે જણાવતાં આરતીબહેન કહે છે, ‘લાંબા લૉકડાઉને પિછવાઈ આર્ટમાં ઊંડા ઊતરવાની તક આપી. પ્રસંગો અને ઉત્સવોને અનુરૂપ આકૃતિઓનું ચિત્રણ કરવામાં તમારી કુશળતાનો પરિચય થાય છે. તમારી કલ્પનાશક્તિથી પૂરવામાં આવેલા રંગોથી એ ચિત્ર માસ્ટરપીસમાં સ્થાન પામે છે. નાના અને મોટા કદના કાપડ પર રંગોત્સવ, શરદોત્સવ, રાસલીલા, શ્રીનાથજી, ગોવર્ધન પૂજા, માખણની મટકી ફોડતો કાનુડો, ગાયો, હાથી, પોપટ, ફૂલો અને પાંદડાંઓની ડિઝાઇનની પિછવાઈઓ બનાવી. આ એવી સુંદર કળા છે જેમાં ધીરજ, એકાગ્રતા અને ભક્તિભાવ હોવાં જોઈએ. કૅન્વસ ઍન્ડ ફૅબ્રિક પેઇન્ટિંગમાં વિવિધતા ઉમેરવાનો પ્રયાસ કર્યો. પેઇન્ટિંગને ફ્રેમમાં મઢીને સાચવી રાખવાની શરૂઆત કરી. ગોંદ આર્ટ, મટકા પેઇન્ટિંગ અને ઍક્રિલિક શીટ પર અવનવા એક્સપરિમેન્ટ્સ કરવાની મજા પડવા લાગતાં મનોમન નક્કી કર્યું કે હવે આર્ટને પ્રમોટ કરવાનો સમય આવી ગયો છે. પ્રમોશનની સાથે એનું વેચાણ પણ કરી શકાય.’
આર્ટનું ઍક્ઝિબિશન
આજના જમાનામાં આર્ટવર્કને લોકો સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છે સોશ્યલ મીડિયા. સ્ટુડન્ટ્સની સહાયથી ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું એવું ગર્વ સાથે જણાવતાં તેઓ કહે છે, ‘જેમ-જેમ ઉંમર વધે આપણને લોકોના ઘરે જઈને તાલીમ આપવાનું ફાવે નહીં. નીચે બેસીને કામ કરવામાં પણ તકલીફ પડે તેથી એક્ઝિબિશન તરફ ડાઇવર્ટ થઈ ગઈ. જોકે હજી સુધી બે જ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે. ગયા મહિને અમારા સમાજ દ્વારા આયોજિત કપોળ મહાકુંભમાં પ્રદર્શિત સુંદર પિછવાઈઓએ લોકોને આકર્ષિત કર્યા હતા. એક્ઝિબિશનમાં ઝંપલાવવાથી નવું-નવું શીખવા મળે છે. પિછવાઈ કઈ રીતે તૈયાર થાય, કેવા રંગો વાપરવામાં આવે છે, એની જાળવણી કઈ રીતે કરવી વગેરે સમજાવીએ છીએ. મોટા ભાગના લોકોને ખરીદવા કરતાં જાણવાની ઉત્સુકતા વધારે જોવા મળી. ઓરિજિનલ આર્ટવર્કનું પ્રાઇસિંગ હાઈ હોવાથી દરેક વૈષ્ણવને પરવડે નહીં એ સમજાયા બાદ ડિજિટલ પ્રિન્ટ બનાવી. ક્લાયન્ટને જે ઓરિજિનલ પીસ પસંદ પડ્યો હોય એની ડિજિટલ પ્રિન્ટ કઢાવીને આપીએ.’
સમસ્ત જીવન ચિત્રકળાને સમર્પિત કરી દેનારાં આરતીબહેનના અંગત કલેક્શનમાં આર્ટ ગૅલરી ભરાઈ જાય એટલાં પેઇન્ટિંગ્સ છે. એક પિછવાઈ બનાવવામાં ત્રણથી ચાર દિવસ લાગે છે. મનગમતી પ્રવૃત્તિએ તેમની નિવૃત્તિને ગોલ્ડન ટાઇમમાં ફેરવી દીધી છે.
પિછવાઈ પેઇન્ટિંગ માટે ધીરજ, એકાગ્રતા અને ભક્તિભાવ હોવાં જોઈએ. કાપડ પર રંગોત્સવ, શરદોત્સવ, રાસલીલા, શ્રીનાથજી, ગોવર્ધન પૂજા, ગાયો, હાથી, પોપટ, ફૂલો અને પાંદડાંઓની ડિઝાઇનની પિછવાઈઓ બનાવી છે. - આરતી સંઘવી