૧૦ વર્ષમાં આ ભજનિકોએ ઉત્સવો દરમિયાન મંદિરમાં અને સેંકડો પરિવારોના પ્રસંગોમાં તેમના ઘરે જઈને કીર્તનો ગાયાં છે
પેઢી સેતુ
હરિ કીર્તને ભરી દીધો જનરેશન ગૅપ
બાળપણમાં દાદીમાનો હાથ પકડીને મંદિરે જતાં ચિંચપોકલીનાં બાળકોને હરિ ભજન ગાવાની પ્રેરણા થતાં બે પેઢી વચ્ચેનું અંતર ઓસરી ગયું અને તેઓ એકમેક સાથે જોડાઈ ગયા. ૧૦ વર્ષમાં આ ભજનિકોએ ઉત્સવો દરમિયાન મંદિરમાં અને સેંકડો પરિવારોના પ્રસંગોમાં તેમના ઘરે જઈને કીર્તનો ગાયાં છે
આ ભજનમંડળીના કાયમી કલાકારો છે દિવ્યેશ સોસા, વિજય ચૌહાણ, સુનીલ મકવાણા, શાંતા પરમાર, જીવીબા ગોહિલ, લક્ષ્મી કટારિયા.
ADVERTISEMENT
કહેવાય છે કે કળિયુગમાં ભગવાન રામ કરતાં રામનામનો મહિમા વધારે છે. ડિજિટલ યુગમાં જન્મેલી પેઢી પણ જ્યારે આ વાતને માનવા લાગે ત્યારે સમજવું કે આપણાં ઘરોમાં ધર્મની ધૂણી હજી પ્રજ્વલિત છે. ચિંચપોકલીમાં રહેતા કેટલાક યુવાનોને હરિનામમાં જીવનની સાર્થકતા દેખાતાં દાદીમાની વયની મહિલાઓ સાથે મળીને હરિહરા નામથી ભજન-મંડળી શરૂ કરી. ૧૦ વર્ષમાં આ ભજનિકોએ મંદિરો ઉપરાંત લોકોના ઘરે-ઘરે જઈને કીતર્નનો સંગીતમય રસથાળ પીરસ્યો છે. જૂની અને નવી પેઢી વચ્ચેનું અંતર ઓસરી ગયા પછી કેવો અદ્ભુત માહોલ સર્જાય અને કેવાં સુંદર કાર્યો થઈ શકે એ જોઈ લો.
પ્રેરણા થઈ
બાળપણમાં દાદીમાનો હાથ પકડીને અમારા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં જતો હતો એટલે ખૂબ જ નાની ઉંમરમાં આસ્થાનાં બીજ રોપાયાં એવી વાત કરતાં ૨૪ વર્ષનો દિવ્યેશ સોસા કહે છે, ‘દર્શન કરવા જવાનો દાદીમાનો નિત્યક્રમ હતો. સંધ્યાટાણે મંદિરના પ્રાંગણમાં વડીલો કીર્તન કરે. અમે બેસીને સાંભળતા. ભજનના શબ્દો હૃદયમાં અંકિત થતા ગયા. એક વાર અચાનક અંતરમાં સ્ફુરણા થઈ અને હું પણ તેમની સાથે મોટે-મોટેથી ગાવા લાગ્યો. મારો ઉત્સાહ જોઈ બધાએ પ્રોત્સાહિત કર્યો. પછી તો સાંજ પડે એટલે મંદિર તરફ જવાની ઉતાવળ થાય. ત્યાં હું કીર્તનો ગાવામાં તન્મય થઈ જતો. પ્રસંગોપાત્ત વડીલો સાથે લોકોના ઘરે પણ જવા લાગ્યો. બધા કહેતા કે નાના છોકરાને ગાવા લઈ આવજો. જોકે પપ્પાને ગમતું નહીં. તેમને લાગતું કે દીકરો ભજનો ગાવામાં સમય પસાર કરશે તો ભણવાનું બગડશે. શરૂઆતમાં પપ્પાની બીકે છુપાઈ-છુપાઈને કીર્તન ગાવાનું ચાલુ રાખ્યું, પરંતુ ઈશ્વરભક્તિ કંઈ છૂપી ન રહે. ફરતી-ફરતી વાત પપ્પાના કાન સુધી પહોંચી. લોકોનાં મોઢે વખાણ સાંભળ્યા બાદ અભ્યાસ પર ફોકસ રાખવાની શરતે તેમણે સપોર્ટ કર્યો. મારાથી નાની વયના વિજયને પણ સૂરની સમજણ. મેમ્બરો વધતાં બાકાયદા રિહર્સલ સાથે આધ્યાત્મિક સફરની શરૂઆત થઈ.’
આ પણ વાંચો : અમને પણ આળસ કરવાનો અધિકાર હોવો જોઈએને?
સૂરની સમજણ
બાળકો નાનાં હોય ત્યારે આપણે કહીએ એમ કરે, પરંતુ સતત કીર્તન કરતા રહેવું એ ઈશ્વરની કૃપા હોય ત્યારે જ શક્ય બને એમ જણાવીને ભજનમંડળીનાં ૬૨ વર્ષનાં સભ્ય શાંતા પરમાર કહે છે, ‘મુખડાની માયા લાગી રે મોહન, તું રંગાઈ જાને રંગમાં, સાંવલી સૂરત પે મોહન દિલ દીવાના હો ગયા જેવાં અઢળક ભજનો અમે ગાઈએ છીએ. યુવાપેઢીમાં સૂરની સમજ છે. વાસ્તવમાં અમે તો ઝીલણિયા છીએ. તેઓ ગાય અને અમે પાછળથી ઝીલીએ. હરિહરા ભજનમંડળીમાં અત્યારે વૃદ્ધોની સંખ્યા ઓછી અને યુવાનોની વધુ છે. આગળની હરોળમાં નવી જનરેશન આવી જતાં ધાર્મિક વારસો જળવાઈ ગયો હોવાનું અનુભવીએ છીએ. અગાઉ ખંજરીના તાલ પર ભજનો ગાતા. યુવાનોએ ધીમે-ધીમે કરતાં અન્ય વાજિંત્રો વસાવી લીધાં. વ્યસ્ત સમયમાંથી થોડા કલાક કાઢીને તેઓ કીર્તનો ગાવાની પ્રૅક્ટિસ કરે. મને અને જીવીબહેનને રિહર્સલમાં પણ મજા આવે. એક દાયકાથી સાથે છીએ તેથી તેમની સાથે આત્મયીતા બંધાઈ ગઈ છે.’
સૌને આવકારીએ
દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ આ મંત્ર અપનાવીને તેઓ સમાજને મદદરૂપ પણ થાય છે એમ જણાવીને દિવ્યેશ કહે છે, ‘આટલાં વર્ષોથી દર એકાદશી, મહાશિવરાત્રિ તેમ જ અન્ય તહેવારોમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં કીર્તન કરવાની પરંપરા જાળવી રાખી છે. પ્રસંગોપાત્ત લોકોના ઘરે પણ જઈએ. દરેક વર્ગના લોકોને દિલથી આવકારીએ છીએ. કીર્તન ગાવા માટે એકેય રૂપિયો લેતા નથી. નજીકમાં જવાનું હોય તો પોતાની રીતે પહોંચી જઈએ; પણ વસઈ, વિરાર જેવાં મુંબઈનાં દૂરનાં પરાંમાં રહેતા યજમાન આમંત્રણ આપે ત્યારે ટિકિટભાડું આપવાની વિનંતી કરીએ. કીર્તન દરમિયાન થાળમાં ટિકિટભાડા કરતાં વધારે પૈસા ભેગા થઈ જાય તો હાથ જોડીને ના પાડી દઈએ. હાલમાં એક યજમાને મહુવા બોલાવ્યા હતા. ભૂતકાળમાં ઘણી વાર બહારગામ જઈ આવ્યા છીએ. યજમાનો ખુશીથી જે કંઈ ભેટ આપે એ તમામ રૂપિયા સદ્કાર્યોમાં વપરાય. ક્યારેક અનાથાશ્રમનાં બાળકોને જમાડીએ તો કોઈક વાર વૃદ્ધાશ્રમમાં આપીએ. જનસેવાથી મન પ્રફુલ્લિત રહે છે. માનવ તરીકે જન્મ મળ્યો છે એને સાર્થક કરવો એ જ અમારું અંતિમ ધ્યેય છે.’
આ પણ વાંચો : કિશોર અને કેજલ નંદુ પત્નીને રીઝવવા બન્યા રસોડાના રાજા
હરિહરા ભજનમંડળીમાં દિવ્યેશ સોસા, વિજય ચૌહાણ, સુનીલ મકવાણા, શાંતા પરમાર, જીવીબા ગોહિલ, લક્ષ્મી કટારિયા આટલા મેમ્બરો ફિક્સ છે. કેટલાક સભ્યો પોતાની અનુકૂળતાએ જોડાય છે. તમામ સભ્યોમાં વિજય ઉંમરમાં સૌથી નાનો છે અને જીવીબા વયમાં સૌથી મોટાં છે.
નામનો મહિમા : શિવ અને વિષ્ણુનો સંગમ
ભજનમંડળીનું નામ કઈ રીતે પડ્યું એ વિશે માહિતી આપતાં દિવ્યેશ કહે છે, ‘મંદિરમાં કીર્તન સાંભળવા આવતા એક વડીલે સૂચવ્યું કે તમારી મંડળીમાં અડધા સભ્યો હરિ એટલે કે વિષ્ણુના ઉપાસક છે અને અડધા હર એટલે કે શિવના ઉપાસક છે તો બન્નેને ભેગા કરીને હરિહરા નામ રાખો. આમ અમને ઓળખ મળી. જોકે આજે પણ કોઈ પૂછપરછ કરે ત્યારે એમ જ કહે કે ઓલાં નાનાં બાળકો ગાય છે એ મંડળીનો નંબર આપો. અમારું નામ આવી રીતે જ લોકજીભે ચડેલું છે.’